ગુજરાત : રાહુલ ગાંધીએ કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રોજેક્ટની શરૂઆત મોડાસાથી કેમ કરી?

ઇમેજ સ્રોત, RahulGandhi/FB
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હજુ ઘણી વાર છે, પણ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અને રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતથી રાજકીય વર્તુળોમાં કૉંગ્રેસના સંગઠનની એક ચર્ચા શરૂ થઈ છે.
કૉંગ્રેસે સંગઠન સર્જન અભિયાન શરૂ કર્યું છે. આ રાષ્ટ્રીય અભિયાનનો પાયલટ પ્રોજેકટ ગુજરાતથી શરૂ થયો છે. ગુજરાતમાં આ પ્રોજેક્ટની શરૂઆત મોડાસાથી થઈ છે. જેમાં જિલ્લા સ્તરેથી પાર્ટીને મજબૂત કરવાનું આયોજન છે.
ગુજરાતમાં યોજાયેલી ગત અનેક ચૂંટણીઓમાં કૉંગ્રેસનાં નેતૃત્વ અને સંગઠન સામે સવાલો થતા રહે છે. એવામાં રાહુલ ગાંધીના પ્રવાસથી કૉંગ્રેસના કાર્યકરો પણ જોશમાં છે.
રાહુલ ગાંધીએ અગાઉ "રેસના ઘોડા અને લગ્નના ઘોડા"નું ઉદાહરણ આપીને "નેતૃત્વ વહેંચણી અને યોગ્ય નેતાને યોગ્ય સ્થાન"નો સૂચક ઇશારો કર્યો હતો.
રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતથી ગુજરાતમાં કૉંગ્રેસ પાર્ટીના સંગઠનમાં શું ફેરફાર થશે અને આગામી દિવસોમાં પાર્ટી ગુજરાતમાં કેવું માળખું ગોઠવી શકે છે એ માટે બીબીસી રાજકીય નિષ્ણાતો સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો હતો.
રાહુલ ગાંધીએ મોડાસામાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, RahulGandhi/FB
રાહુલ ગાંધીએ બુધવારે મોડાસામાં બૂથ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે, "કૉંગ્રેસ પાર્ટીની શરૂઆત પણ ગુજરાતથી થઈ હતી. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ ગુજરાતે જ આપ્યા છે. જો ભાજપ અને આરએસએસને દેશમાં હરાવવા હશે તો એનો રસ્તો ગુજરાત થઈને જાય છે."
"છેલ્લા કેટલાક વખતથી અમે ડિમોરલાઇઝ છીએ. હું અહીં તમને એ કહેવા આવ્યો છું કે આ મુશ્કેલ કામ નથી. તમે જોજો આ કામ આપણે ગુજરાતમાં કરીને જ જંપીશું."
રાહુલ ગાંધીએ મોડાસામાં જિલ્લા કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે "જિલ્લો અમદાવાદથી નહીં, જિલ્લામાંથી જ ચલાવવા જોઈએ. એ માટે જિલ્લાના નેતા – પ્રમુખને જવાબદારી અને પાવર આપીને તેમના હાથ મજબૂત કરવા જોઈએ. એ કામ અમે શરૂ કરી રહ્યા છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાહુલ ગાંધીએ સભામાં એમ પણ કહ્યું હતું કે, "જિલ્લા પ્રમુખ સગવડિયો ઉમેદવાર એટલે કે કૉમ્પ્રોમાઇઝ કેન્ડિડેટ નહીં હોય. અમે એવું માળખું ગોઠવી રહ્યા છીએ જેમાં જિલ્લો પ્રમુખના નિર્ણયથી ચાલશે. અમદાવાદથી તેને સૂચના નહીં મળે."
'વિખરાયેલા ઓબીસી મતો'ને પોતાના તરફ વાળવા કૉંગ્રેસની કવાયત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાહુલ ગાંધી બે મહિનામાં ત્રીજી વખત ગુજરાત આવ્યા છે. સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ ઉત્તર ગુજરાતના મોડાસાથી કરાવ્યો છે.
એ વિશે રાજકીય સમીક્ષક અમિત ધોળકિયાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "મોડાસા પસંદ કરવાનું સ્વાભાવિક કારણ એ જ હોઈ શકે કે આ પટ્ટામાં કૉંગ્રેસનું પાસું પ્રમાણમાં મજબૂત છે. મોડાસા, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડબ્રહ્મા, અંબાજી વિસ્તારમાં કૉંગ્રેસનું માળખું ગોઠવાયેલું છે. તેથી અભિયાન ત્યાંથી શરૂ કર્યું હોઈ શકે છે."
અમિત ધોળકિયા ઉમેરે છે કે, "કૉંગ્રેસ સાથે સંકળાયેલા જે ઠાકોર અને ઓબીસી સમાજના મતો છે તેના માટેની આ કવાયત છે. ઉત્તર ગુજરાતમાં કૉંગ્રેસે જે ઓબીસી મતો ગુમાવ્યા છે તે પાછા મેળવવાની આ કવાયત છે."
તેઓ કહે છે, "મધ્ય ગુજરાતમાં ઓબીસી મતો ભાજપે ખાસ્સા એવા અંકે કર્યા છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં ઓબીસી મતો થોડા વિખરાયેલા છે. એનો લાભ કૉંગ્રેસને મળી શકે તેમ છે. મોડાસા – અરવલ્લી પસંદ કરવાનું કારણ એ હોઈ શકે છે."
અહીં ઉલ્લેખનીય છે કે એક સમયે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર કૉંગ્રેસ સારી એવી પકડ ધરાવતી હતી, જોકે સમય જતાં મતદારો ભાજપ તરફી જતા જણાઈ રહ્યા છે.
'સંગઠન મજબૂતીનું કામ તો ગુજરાતના નેતાઓએ કરવું જોઈએ'

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર ગુજરાતના આદિવાસી પટ્ટામાં કૉંગ્રેસનું વજૂદ માનવામાં આવે છે. તેથી જ મોડાસા પસંદ કરવામાં આવ્યું હોઈ શકે છે એવું ગાંધીનગર રહેતા રાજકીય સમીક્ષક ચંદુ મહેરિયા પણ માને છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ચંદુ મહેરિયા કહે છે કે, "ખરેખર તો જે અભિયાનનો પ્રારંભ રાહુલ ગાંધીએ મોડાસાથી કરાવ્યો છે. તે મજબૂતીનું કામ તો ગુજરાતના કૉંગ્રેસના નેતાઓએ કરવું જોઈએ. ગુજરાતની નેતાગીરી તે કરી શકે તેમ નથી તેથી ખુદ રાહુલ ગાંધીએ આ કામ હાથમાં લીધું છે."
આનું કારણ જણાવતાં ચંદુભાઈ કહે છે કે, "કૉંગ્રેસમાં નેતાઓ વધારે અને કાર્યકર્તા ઓછા છે એવી જે વ્યાપક છાપ છે તે સાચી છે. એવામાં તળિયેથી સંગઠનને મજબૂત કરવાની ખૂબ જરૂર છે. રાહુલ ગાંધી કામ કરી રહ્યા છે એ સારું છે."
રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે, 'લિખ કે લે લો ગુજરાત મેં ભાજપા કો હરાયેંગે.' શું રાહુલ ગાંધીની આ મહેનત વિધાનસભા ચૂંટણીમાં લેખે લાગશે? એ સવાલના જવાબમાં ચંદુભાઈ કહે છે કે, "કૉંગ્રેસ હાલ જે પ્રયાસ કરે છે એને લીધે સંગઠન મજબૂત થશે એની ના નહીં, પણ ચૂંટણીનો ખેલ છેલ્લા બે ચાર મહિનાનો જ હોય છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હજી બે વર્ષની વાર છે."
રાહુલ ગાંધીના ગુજરાતમાં ફેરા વધ્યા છે. કૉંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પણ ગુજરાતમાં યોજાઈ ગયું. આને લીધે ભાજપને ગુજરાતમાં અસર પડશે?
ચંદુભાઈ કહે છે કે, "આને લીધે ભાજપ પર કોઈ મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું થાય તેવું મને નથી લાગતું. ભાજપ તરફ ઝૂકેલા ગજરાતના મધ્યમવર્ગીય તેમજ અન્ય મતદારો છે તેના પર આનાથી કોઈ મોટી અસર થાય એવું નથી લાગતું."
તો અમિત ધોળકિયાએ કહ્યું હતું કે, "રાહુલ ગાંધી મહેનત તો કરી રહ્યા છે પણ ગુજરાતમાં સત્તા લાવી શકે એવી ચમત્કૃતિ હજી કૉંગ્રેસમાં વર્તાતી નથી. એટલું ખરું કે કૉંગ્રેસ જે રીતે રાજ્યમાં સાવ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે અને વિધાનસભ્યોની સંખ્યા સંકોચાઈ ગઈ છે. એવામાં કૉંગ્રેસની રાજ્યમાં નોંધપાત્ર હાજરી ઊભી કરવાની તેમની નેમ છે."
મોડાસા પસંદ કરવાનું કૉંગ્રેસનું કારણ શું?
કૉંગ્રેસના પ્રદેશ પ્રવક્તા હીરેન બૅન્કરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "મોડાસા એ વિસ્તાર છે જ્યાં કૉંગ્રેસને નિરંતર જનસમર્થન મળતું રહ્યું છે. તેથી સંગઠન અભિયાનની શરૂઆત પણ ત્યાંથી થાય એ રીતે આયોજન થયું છે. મોડાસાથી જે અભિયાનનો પ્રારંભ થયો છે તેના દ્વારા એસસી એસટી ઓબીસી એવા તમામ લોકોને પાર્ટી સાથે જોડવાનો પ્રયાસ થશે."
હીરેન બૅન્કરે કહ્યું હતું કે, "ગુજરાતના તમામ જિલ્લામાં પાર્ટીના નિરીક્ષકોની નિમણૂક થઈ ચૂકી છે. પ્રથમ વખત કોઈ જિલ્લામાં શરૂઆત કરવી જોઈએ એ હેતુસર મોડાસાથી કાર્યક્રમની શરૂઆત કરી છે."
"મોડાસા – અરવલ્લી એ આદિવાસી બહુલ વિસ્તાર છે. આદિવાસીઓના અવાજ બુલંદ કરવાનો પાર્ટીએ હંમેશાં પ્રયાસ કર્યો છે તેથી આ વિસ્તારમાંથી સંગઠનની શરૂઆત થાય એ અવાજ સમગ્ર દેશમાં પડઘાય એને ધ્યાને રાખીને મોડાસા – અરવલ્લી પસંદ કર્યા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












