સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઈડીએ દાખલ કરી ચાર્જશીટ, શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, ANI
પ્રવર્તન નિદેશાલય એટલે કે ઇડીએ નૅશનલ હેરાલ્ડ મામલા સાથે સંકળાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં કૉંગ્રેસનેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે ઈડીએ આ મામલાની તપાસ બાદ કૉંગ્રેસના આ બંને વરિષ્ઠ નેતાઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. વિશેષ જજ વિશાલ ગોગ્નેએ 9 એપ્રિલના રોજ દાખલ ચાર્જશીટને સંજ્ઞાનમાં લીધી અને આ મામલાની સુનાવણી 25મી એપ્રિલ નક્કી કરી છે.
ચાર્જશીટમાં કૉંગ્રેસ નેતા સામ પિત્રોડા અને રાજીવ ગાંધી ફાઉન્ડેશનના ટ્રસ્ટી સુમન દુબેને પણ અભિયુક્ત બનાવવામાં આવ્યા છે.
આ મહિનાની શરૂઆતમાં ઈડીએ ઍસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ એટલે કે એજેએલની 661 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.
ઈડીએ આ મામલે ઔપચારિક રીતે દિલ્હી, મુંબઈ અને લખનૌના પ્રૉપર્ટી રજિસ્ટ્રારને નૉટિસ જારી કરી હતી અને આ સંપત્તિઓ પર કબજો કરવાની ઇચ્છા જાહેર કરી હતી.
નૅશનલ હેરાલ્ડ અખબારનું પ્રકાશન ઍસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ(એજેએલ) કરે છે જેનો માલિકીનો હક યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ પાસે છે. કંપનીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ભાગેદારી છે.
કૉંગ્રેસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, CONGRESS
કૉંગ્રેસે આને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની 'રાજકીય બદલાની કાર્યવાહી' ગણાવી છે.
કૉંગ્રેસનેતા જયરામ રમેશે એક્સ પર પોસ્ટ કર્યું, "નૅશનલ હેરાલ્ડની સંપત્તિ જપ્ત કરવી એ કાયદાના શાસનના નામે રાજ્ય-પ્રાયોજિત ગુનો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લખ્યું, "શ્રીમતી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય કેટલાક લોકો વિરુદ્ધ આરોપપત્ર દાખલ કરવો એ વડા પ્રધાન અને ગૃહમંત્રી દ્વારા બદલાનાં રાજકારણ અને ધમકી સિવાય બીજું કંઈ નથી."
જયરામ રમેશે લખ્યું, "કૉંગ્રેસ અને તેનું નેતૃત્વ ચૂપ નહીં રહે. સત્યમેવ જયતે."
વર્ષ 2022માં કંપનીમાં કથિત રીતે ગોટાળાની તપાસ માટે ઈડીએ કેસ દાખલ કર્યો હતો અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા હતા.
ઈડીએ નૅશનલ હેરાલ્ડની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી મની લૉન્ડ્રિંગ કાયદાની કલમ 8ના નિયમ 5(1) અંતર્ગત કરી છે.
આ અંતર્ગત તે જપ્ત કરેલી સંપત્તિ પર કબજો કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. આ કાર્યવાહી પ્રમાણે સંપત્તિ મામલે તેના પર કબજો જમાવીને બેઠેલા લોકોને તેનું પરિસર ખાલી કરવાનું પણ કહેવાયું છે.
આ જ પ્રકરની નૉટિસ જિંદલ સાઉથ વેસ્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડને પણ જારી કરી હતી. તેનો કબજો મુંબઈની બાંન્દ્રા(પૂર્વ) સ્થિત હેરાલ્ડ હાઉસ બિલ્ડિંગના 7મા અને 8મા માળ પર છે.
કંપનીને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે તેનું ભાડું કે લીઝ પેમેન્ટ ઈડીને આપવાનું શરૂ કરે.
ભાજપે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કૉંગ્રેસના આરોપોનો જવાબ આપ્યો છે. તેમણે કૉંગ્રેસના આરોપને આધાર વગરનો અને દુર્ભાવનાથી પ્રેરિત ગણાવ્યો છે.
તેમણે કહ્યું, "નૅશનલ હેરાલ્ડ કેસમાં આજે પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડી તરફથી જે શ્રીમતી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું નામ આવ્યું છે, આ ટૅક્નિકલ મામલો છે."
તેમણે કહ્યું, "કૉંગ્રેસ પાર્ટીએ ધ્યાન રાખવું જોઈએ કે આ વિષયની શરૂઆત 2012માં થઈ હતી અને એક જનહિત અરજી દ્વારા દિલ્હી હાઇકોર્ટે ઑક્ટોબર 2023માં આ કેસની શરૂઆત કરી હતી. એટલે કે આ મામલે ત્યારે બહાર આવ્યો જ્યારે મોદી સરકાર આવી પણ નહોતી."
તેમણે કહ્યું કે કૉંગ્રેસ પાર્ટીનો તેના પર રાજનીતિ કરવાનો કોઈ આધાર બનતો નથી.
નૅશનલ હેરાલ્ડ કેસ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ કેસની આંટીઘૂંટીને સમજવા માટે લગભગ 85 વર્ષ પહેલાંના તેના ઇતિહાસ પર નજર નાખવી પડશે. 1937માં ઍસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડની (એજેએલ) (નામ છે એટલે જર્નલ્સ) સ્થાપના કરવામાં આવી હતી.
જવહારલાલ નહેરુએ 1938માં 'નૅશનલ હેરાલ્ડ' અખબારની શરૂઆત કરી, જેમાં પાંચ હજાર સ્વાતંત્ર્ય સેનાનીઓ શૅરધારક હતા. 2010માં આ વ્યવહાર થયો, ત્યારે તેમની સંખ્યા એક હજાર કરતાં જરાક વધારે હોવાના અહેવાલ છે.
કંપની દ્વારા 'કોમી આવાજ' (ઉર્દૂ) તથા 'નવજીવન' (હિંદી) અખબારોનું પણ પ્રકાશન કરવામાં આવતું હતું. કૉંગ્રેસના અનેક દિગ્ગજ નેતા તેમાં લખતાં. જોતજોતામાં તેમણે સ્વાતંત્ર્યચળવળ સાથે જોડાયેલા રાષ્ટ્રવાદી અખબાર તરીકેની ખ્યાતિ હાંસલ કરી.
1942માં 'હિંદ છોડો' આંદોલન વખતે, જ્યારે દેશના અન્ય અખબારો ઉપર તત્કાલીન અંગ્રેજ સરકારની તવાઈ ઉતરી, ત્યારે 'નૅશનલ હેરાલ્ડ' સમૂહ પણ તેમાંથી બાકાત ન હતું, પરંતુ ત્રણ વર્ષ બાદ તે ફરીથી ધમધમતું થયું હતું.
1947માં જ્યારે દેશ આઝાદ થયો અને જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ વડા પ્રધાન બન્યા, ત્યારે તેમણે એજેએલનું ચૅરમૅનપદ છોડી દીધું.
સ્વતંત્રતા બાદ તે અખબારનું પ્રકાશનકાર્ય કરતી હોવાથી તેને દિલ્હી સહિત અનેક શહેરોમાં રાહતદરે જમીન મળી હતી. 1956માં 'એજેએલ'ને બિનવ્યવસાયિક કંપની તરીકે સ્થાપવામાં આવી અને કંપની ધારાની કલમ 25 હેઠળ તેને કરમુક્તિ પણ આપવામાં આવી.
છતાં અખબારની વિચારધારા ઘડવામાં કૉંગ્રેસ પાર્ટીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હતી. 1963માં 'નૅશનલ હેરાલ્ડ'ની રજત જયંતી સમયે પોતાના સંદેશમાં કહ્યું હતું કે 'અખબારનો મિજાજ સ્વતંત્ર જણાય છે', છતાં તે મહદંશે "કૉંગ્રેસની નીતિનું હિમાયતી" રહ્યું છે.
કૉંગ્રેસ પાર્ટી દ્વારા તેને ફંડ કરવામાં આવતું હતું અને આગામી વર્ષો સુધી તેનું પ્રકાશન ચાલતું રહ્યું.
2008માં આર્થિકતંગીને કારણે અખબારને બંધ કરી દેવામાં આવ્યું, એ સમયે તેની ઉપર રૂ. 90 કરોડનું દેવું હતું. 2016માં તે ડિજિટલ સ્વરૂપે ફરી લૉન્ચ થયું હતું.
હેરાફેરીના આરોપો કેમ?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
2012માં જનતા પાર્ટીના વડા સુબ્રમણ્યન સ્વામીએ નીચલી અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ મૂક્યો હતો કે માત્ર રૂ. 50 લાખમાં 'યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે' રૂ. 90 કરોડ 25 લાખનું દેવું વસૂલવાનો રસ્તો કાઢ્યો, જે 'નિયમોની વિરુદ્ધ'નું કૃત્ય છે.
તેમણે આરોપ મૂક્યો કે કૉંગ્રેસ પાર્ટીના ભંડોળનો ઉપયોગ કરીને સોનિયા તથા રાહુલ ગાંધીએ 'એજેએલ' ઉપર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેની સંપત્તિ રૂ. બે હજાર કરોડ કરતાં વધુની હતી.
2010માં કૉંગ્રેસ પાર્ટીએ 'એજેએલ'ને દેવા પેટે રૂ. 90 કરોડ આપ્યા અને તેને 'અધિગ્રહિત' કરી લીધું. પાર્ટીનું કહેવું છે કે તેના માટે નૅશનલ હેરાલ્ડનું 'ઐતિહાસિક મહત્ત્વ' હોવાથી તેને ઉગાર્યું હતું.
'એજેએલ'નું તમામ દેવું ઇક્વિટીમાં ફેરવી, તેને 'યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ' કંપનીને હસ્તાંતરિત કરી દીધું, જેની સ્થાપના હજુ અમુક મહિના પહેલાં જ કરવામાં આવી હતી. આમ 'એજેએલ' દેવા મુક્ત બની ગઈ હતી.
નવી કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટરમાં સોનિયા અને રાહુલ ગાંધીને બેસાડવામાં આવ્યાં અને બંનેને કંપનીનો 38-38 ટકા હિસ્સો આપવામાં આવ્યો. બાકીનો 24 ટકાનો હિસ્સો કૉંગ્રેસી નેતાઓ પાસે હતો. ઑસ્કાર ફર્નાન્ડિસ, પાર્ટીના પૂર્વ ખજાનચી મોતીલાલ વોરા, પત્રકાર સુમન દુબે તથા મૂળ ગુજરાતી ઉદ્યોગસાહસિક સામ પિત્રોડા આ કંપનીમાં ડાયરેક્ટર હતા.
2015માં તમામ આરોપીઓને જામીન મળ્યા હતા. 2020માં મોતીલાલ વોરાનું તથા 2021માં ઑસ્કાર ફર્નાન્ડિસનું અવસાન થઈ ગયું. હાલમાં આ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તથા સામ પિત્રોડા જામીન પર બહાર છે.
આ રીતે 'એજેએલ'ની દિલ્હી, મુંબઈ, લખનઉ તથા અન્ય શહેરોમાં આવેલી સ્થાવર સંપત્તિઓ પર ગાંધી પરિવારનો કબજો થઈ ગયો હોવાનો આરોપ સ્વામીએ મૂક્યો હતો. સામે પક્ષે કૉંગ્રેસનું કહેવું છે કે 'યંગ ઇન્ડિયા'એ 'નફા માટે કાર્યરત કંપની નથી' તેણે શૅરધારકો કે ડિરેક્ટરોને પણ કોઈ ડિવિડન્ડ ચૂકવ્યું નથી.

ઇમેજ સ્રોત, Getty Images
ઑગસ્ટ-2013માં લોકસભા ચૂંટણી પહેલાં સુબ્રમણ્યમ સ્વામીએ તેમની જનતા પાર્ટીનું ભાજપમાં વિલીનીકરણ કરી દીધું હતું. એ પછી તેઓ રાજ્યસભાના સંસદસભ્ય બન્યા હતા. તેમણે તાજેતરમાં છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો, પરંતુ તેમને પુનઃઉમેદવાર બનાવવામાં આવ્યા ન હતા.
છેલ્લા કેટલાક મહિનાથી સ્વામી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની સામે જે રીતે નિવેદનો કરતા હતા, તેનાથી મનાતું હતું કે તેમને બીજી ટર્મ નહીં મળવાના અણસાર મળી ગયા છે.
કૉંગ્રેસે શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસે આ કેસમાં સોનિયા તથા રાહુલ ગાંધીનો બચાવ કર્યો છે. પાર્ટીનું કહેવું છે કે 'આ મની લૉન્ડ્રિંગ (કાળા નાણાં સફેદ કરવા) એવો વિચિત્ર કેસ છે કે જેમાં નાણાં જ નથી.' પાર્ટીએ ભાજપ ઉપર 'રાજકીય દ્વેષ' રાખવાનો આરોપ પણ મૂક્યો છે અને ઉમેર્યું છે કે પાર્ટી ઝૂકશે નહીં.
પાર્ટીના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે 'નેશનલ હેરાલ્ડ' મુદ્દે કૉંગ્રેસ પાર્ટીના નેતાઓને કનડગત કરીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા તેમણે આપેલા બલિદાનોનું અપમાન કરી રહી છે.
નરેન્દ્ર મોદી સરકાર પર સીબીઆઈ, ઈડી, ઇન્કમટેક્સ વિભાગ જેવી કેન્દ્રીય સંસ્થાઓનો ઉપયોગ કરીને વિપક્ષના નેતાઓને કનડવાના આરોપ લાગતા રહે છે.
આ પહેલાં બીબીસી સાથેની વાતચીતમાં સ્વામી પોતે 'દ્વેષપૂર્વકના રાજકારણ'ના આરોપોને નકારી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે જેમની પાસે તર્ક કરવાની હિંમત ન હોય તેઓ આવી દલીલો આપતા હોય છે.
તેમણે પૂછ્યું, "જો ભ્રષ્ટાચાર થાય તો અવાજ નહીં ઉઠાવવાનો ? અને જો અવાજ ઉઠાવીએ તો તેને દ્વેષપૂર્વક કરવામાં આવેલી કાર્યવાહી કહીશું? અનિયમિતતા આચરવામાં આવી છે, પાર્ટીના ફંડનો ખોટો ઉપયોગ થયો છે અને ખોટી રીતે પાર્ટીની સંપત્તિને હડપવાનો પ્રયાસ થયો છે, તો અવાજ કેમ ઉઠાવવામાં ન આવે?

ઇમેજ સ્રોત, Reuters
દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અદાલતે અવલોક્યું હતું કે "ઐતિહાસિક ધરોહર ધરાવતી રાષ્ટ્રીય રાજકીય પક્ષની પ્રતિષ્ઠા દાવ પર છે." સાથે જ નોંધ્યું હતું કે કૉંગ્રેસના પદાધિકારીઓ 'એજેએલ'માં ડાયરેક્ટર હતા અને 'વાયઆઈએલ'માં મૅજોરિટી શૅરધારક પણ હતા.
પરંતુ 'એજેએલ'ના અન્ય શૅરધારકોને સાંભળ્યા વગર બધા નિર્ણય લેવામાં આવ્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી શાંતિ ભૂષણે આ મુદ્દે હાઇકોર્ટમાં અરજી કરી છે. તેમના પિતા એજેએલના પાંચ શૅર ધરાવતા હતા.
સુબ્રમણ્યન સ્વામી આ કેસમાં પક્ષકાર ન બની શકે, તેવી કૉંગ્રેસ પાર્ટીના નેતાઓની દલીલને અદાલતે કાઢી નાખી હતી.
લોકપ્રતિનિધિ ધારાની જોગવાઈઓ પ્રમાણે, કોઈપણ રાજકીય પક્ષ 'લૉન' ન આપી શકે, છતાં કૉંગ્રેસ પાર્ટીએ શા માટે 'એજેએલ'ને લૉન આપી? કૉંગ્રેસના તત્કાલીન ખજાનચી વોરા 'એજેએલ'ના એમડી અને ચૅરમૅન હતા. તેઓ 'વાયઆઈએલ' તથા 'એઆઈસીસી' સાથે પણ સંકળાયેલા હતા. આમ 'પરસ્પર હિતસંઘર્ષ'નો મુદ્દો પણ ઉદ્દભવ્યો.
'વાયઆઈએલ'ને અપ્રત્યક્ષ રીતે 'એજેએલ'ના હસ્તાંતરણથી સેંકડો કરોડની સંપત્તિનું સ્વામિત્વ મળી ગયું હતું. આ સિવાય 'એજેએલ' પાસે અનેકગણી સંપત્તિ હોવા છતાં તેમાંથી કૉંગ્રેસ પાર્ટીનું દેવું ચૂકવવા માટે પ્રયાસ કેમ ન કર્યા?
આવકવેરા વિભાગ દ્વારા પણ આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે, જેની સામે કૉંગ્રેસ પાર્ટીના નેતાઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ તેમને સફળતા મળી ન હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












