સમલૈંગિક લગ્નો પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સમુદાયમાં નિરાશા છતાં આશાનું વાતાવરણ કેમ?

    • લેેખક, સુશીલાસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

એક લાંબા ઇંતેજાર બાદ સમલૈંગિક લગ્ન પર સુપ્રીમ કોર્ટનો વિભાજિત નિર્ણય આવ્યો છે.

પાંચ જજોની ખંડપીઠ એક તરફ અમુક મુદ્દે સંમત દેખાઈ તો બીજી તરફ અમુક મુદ્દે સ્પષ્ટ અસંમતી પણ જોવા મળી.

ખંડપીઠે સમલૈંગિક લગ્નનોને માન્યતા આપી શકવાની અસમર્થતા અંગે સંમતી વ્યક્ત કરી અને કહ્યું કે તેમણે પૅનલનું ગઠન કરવાનો સરકારનો પ્રસ્તાવ માની લીધો.

લગભગ 14 કરોડ વસતીવાળા આ સમુદાયને સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો બેસબૂરીથી ઇંતેજાર હતો.

જે ઝડપથી એપ્રિલ અને મે માસમાં આ મામલાની સુનાવણી થયેલી તેના કારણે લોકોને હકારાત્મક નિર્ણયની આશા હતી, પરંતુ મંગળવારના નિર્ણયથી તેઓ ઘણા ઉદાસ જોવા મળ્યા.

હાથ લાગી નિરાશા

મુંબઈમાં પોતાના પાર્ટનર સાથે 19 વર્ષથી રહેતા ડૉ. પ્રસાદરાજ દાડેકર ફોન પર લાંબો શ્વાસ લઈ જણાવે છે કે, “નિર્ણય સાંભળવાની શરૂઆત કરતાંની સાથે જ મારી આંખમાંથી આંસુ વહેવા માંડ્યાં. અમે 19 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. સમાન અધિકારો માટે અમારી લડત ચાલુ રહેશે.”

સમલૈંગિક અધિકારો માટે સંઘર્ષ કરતાં અશોકરાવ કવિ નિરાશા વ્યક્ત કરતાં જણાવે છે કે, “જ્યારે અમે કલમ 377ના વ્યાપમાંથી બહાર કઢાયા ત્યારે અમને કંઈક હાંસલ થયેલું. પરંતુ આજે તમે એક પૅનલ બનાવવાની વાત કરી છે અને બધું સરકાર પર છોડી દીધું. હું નિર્ણયની રાહ જોતાં જોતાં વૃદ્ધ થઈ ગયો, પરંતુ આટલાં વર્ષો બાદેય કંઈ હાંસલ ન થયું.”

ખરેખર, આ પહેલાં વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટ સમલૈંગિક સંબંધોને ગુનાની શ્રેણીમાંથી બહાર લાવી હતી.

આ મામલામાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ નિર્ણય આપતાં કહેલું કે ‘સમલૈંગિક હોવું એ ગુનો નથી. સમલૈંગિકો પાસેય અન્ય સામાન્ય નાગરિકો જેવા જ મૂળભૂત અધિકારો છે. બધાને સન્માનપૂર્વક જીવવાનો હક છે.’

તેમજ, મંગળવારે સુપ્રીમ કોર્ટે સૉલિસિટર જનરલ તુષાર મહેતાના એ પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો જેમાં કેન્દ્ર સરકાર તરફથી ઍક્સપર્ટ પૅનલ બનાવવાની વાત કરાઈ હતી.

વિશેષજ્ઞોની આ પૅનલની અધ્યક્ષતા કૅબિનેટ સેક્રેટરી કરશે જે સમલૈંગિક યુગલોને લગ્ન સહિત ઘણા અધિકાર આપવા અંગે વિચાર કરશે.

ગત 34 વર્ષથી સમલૈંગિક સંબંધોમાં રહેતાં પિયા ચંદાએ આ નિર્ણય અંગે કહ્યું, “સુપ્રીમ કોર્ટ પાસિંગ ધ પાર્સલની રમત રમી રહ્યું છે.”

‘અમને પણ કમિટીમાં સામેલ કરાય’

ઍક્ટિવિસ્ટ હરીશ અય્યરનું કહેવું હતું કે, “આ કમિટીમાં અમનેય પ્રતિનિધિત્વ અપાવવું જોઈએ અને કમિટી એકતરફી ન હોવી જોઈએ. અમારા સમુદાયના લોકોએ પોતાના ધારાસભ્ય કે સાંસદ પાસે જઈને એવી રજૂઆત કરવી જોઈએ કે અમે એટલા જ અલગ છીએ, જેટલો તફાવત બે લોકો વચ્ચે હોય છે.”

જોકે, મંગળવારે અપાયેલા નિર્ણયમાં કોર્ટે લગ્ન કરવાના અધિકારને મૂળભૂત અધિકાર ન માન્યો પરંતુ ફરી એક વખત કહ્યું કે ટ્રાન્સજેન્ડર અને ઇન્ટરસેક્સ લોકો તાજેતરના કાયદા અંતર્ગત લગ્ન કરી શકે છે.

સાથે જ જજોએ વિશેષ વિવાહ અધિનિયમ, 1854 પર પણ વાત કરી. આ અધિનિયમ અંતર્ગત આંતરધર્મીય અને આંતરજાતીય લગ્નોની નોંધણી કરાય છે અને માન્યતા અપાય છે.

સુપ્રીમ કોર્ટમાં નિર્ણય જાહેર કરાતી વખતે અધિનિયમના શબ્દોમાં બદલાવની વાત થઈ પરંતુ અંતે બેન્ચે કહ્યું કે વિશેષ વિવાહ અધિનિયમમાં બદલાવ લાવવો એ કાયદાની પહોંચમાં નથી.

તેમજ બાળક દત્તક લેવાના અધિકાર મામલે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહેલું કે ક્વીયર અને અવિવાહિત કપલ બાળક દત્તક લઈ શકે. તેના સમર્થનમાં જસ્ટિસ એસ. કે. કૌલે કહ્યું કે બાળક દત્તક લેવાના અધિકારમા બદલાવની જરૂર છે જેથી ક્વીયર સમુદાયના લોકોનેય તેમાં જોડી શકાય. પરંતુ ત્રણ જજોએ આ ભલામણો પર અસંમતી વ્યક્ત કરી. જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે સમલૈંગિક યુગલોને આ અધિકાર નહીં અપાય.

‘હમસફર ટ્રસ્ટ’ના સંસ્થાપક રહી ચૂકેલા અશોક કાકનું કહેવું હતું કે, “અમને બાળક દત્તક લેવાનો અધિકાર, ઉત્તરાધિકારી બનાવવાનો અધિકાર, પેન્શન અને રૅશનકાર્ડ સહિત તમામ વાતોનો નિર્ણય સરકાર પર છોડી દીધો છે. એક ચૉકલેટ બતાવીને અમને આમ જ છોડી દીધા.”

ચર્ચામાં પક્ષ અને વિપક્ષ

આ અગાઉ કોર્ટમાં થયેલી સુનાવણીમાં અરજદારોના વકીલોનો તર્ક હતો કે લગ્ન બે લોકોના મિલનની વાત છે, ના કે માત્ર એક મહિલા અને પુરુષની. આવી સ્થિતિમાં લગ્ન માટેની પરવાનગી ન આપવી એ બંધારણ વિરુદ્ધ છે, કારણ કે બંધારણ પણ તમામ નાગરિકોને પોતાની પસંદની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર આપે છે અને સેક્સુઅલ ઑરિએન્ટેશન આધારે ભેદભાવ રોકી શકે છે.

સરકારના પક્ષે દલીલ કરી રહેલા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં દલીલ કરેલી કે પ્રેમ કરવાનો અને સાથે રહેવાનો અધિકાર મૂળભૂત છે પરંતુ લગ્ન એ એક ‘સંપૂર્ણ અધિકાર નથી’ અને આ વાત વિષમલૈંગિક (મહિલા-પુરુષ) યુગલો પરેય લાગુ થાય છે. તેમણે કહ્યું કે ઘણા સંબંધો પર પ્રતિબંધ છે, જેમ કે ઇનસેસ્ટ (પરિવારના સભ્યો વચ્ચે સંબંધ) પર.

સરકારે સમલૈંગિક વિવાહને કાયદાકીય માન્યતા આપવાને સ્થાને સમલૈંગિક યુગલોની ‘માનવીય પાસાં સાથે સંબંધિત ચિંતાઓ’ ઉકેલવા કૅબિનેટ સચિવની અધ્યક્ષતામાં એક કમિટી ઘડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

તેમજ ધાર્મિક સંગઠન સમલૈંગિક વિવાહનો વિરોધ કરે છે અને તેઓ આવા સંબંધોનો અપ્રાકૃતિક ગણાવે છે.

નિરાશામાં આશા

સમાચાર એજન્સી એએનઆઇને વકીલ કરુણા નંદીએ કહ્યું, “આ મામલે ચાર અલગ અલગ નિર્ણય હોવા છતાં બધા ક્વીયર નાગરિકોના અધિકારોના રક્ષણ બાબતે સંમત થયા છે અને રાજ્ય સરકારો આ કરી શકે છે.”

“તેમના પ્રમાણે લગ્ન મૂળભૂત અધિકાર નથી, પરંતુ બંધારણમાં લગ્નના અધિકાર સાથે સંકળાયેલાં વિભિન્ન પાસાં છે, જેમાં અનુચ્છેદ 21 પણ સામેલ છે. આ અંતર્ગત પ્રાઇવસીનો અધિકાર મળે છે, જે તમારા સન્માનનું રક્ષણ કરી શકે છે.”

ડૉ. પ્રસાદ રાજ કહે છે કે કોર્ટે એવું કહ્યું કે આ તમામ અધિકાર સમુદાયને મળવા જોઈએ પરંતુ આ કામ સરકાર પર છોડી દીધું.

તેમના અનુસાર, “સરકાર માનશે કે અમારા માટે આ અધિકાર મહત્ત્વપૂર્ણ છે. ચૂંટણીની મોસમ છે. તેઓ પણ જાણે છે કે અમારો સમુદાય પણ વોટર છે અને તેઓ આટલા મોટા વર્ગને નિરાશ નહીં કરવા માગે અને તેઓ અમારા પક્ષે વિચાર કરશે.”

સમલૈંગિક સમુદાયના લોકોનું કહેવું છે કે તેઓ નિર્ણયને વિસ્તારપૂર્વક અભ્યાસ કરવા માગશે પરંતુ તેઓ જેટલું સમજી શક્યા, એ પ્રમાણે, તેમણે સંસ્થાઓ સામે સરકાર સમક્ષ પોતાનો પક્ષ મૂકવાનો રહેશે. તેઓ આવી જ રીતે પોતાની વાત સમજાવવાનો પ્રયાસ કરશે.

ભારતમાં એલજીબીટીક્યૂ+ સમુદાયની વસતી સાડા 13થી 14 કરોડની વચ્ચે છે અ હાલનાં વર્ષોમાં સમલૈંગિકતા અંગે સ્વીકાર્યતામાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ડિસેમ્બર, 2018 બાદથી, જ્યારે સુપ્રીમ કોર્ટે સમલૈંગિક સંબંધોને ગુનાની શ્રેણીમાથી બહાર કર્યા હતા.

વિશ્વના 34 દેશોમાં સમલૈંગિક લગ્નો માન્ય છે. એશિયાની વાત કરીએ તો તાઇવાન અને નેપાળ આવાં લગ્નોને માન્યતા આપી ચૂક્યાં છે.