બાબરી મસ્જિદ મુદ્દે જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલનું વલણ શું હતું?

બાબરી મસ્જિદ વિશે દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહના નિવેદન મામલે કૉંગ્રેસના નેતાઓની કડક પ્રતિક્રિયા બાદ આ વિવાદે જોર પકડ્યું છે.

મંગળવારે રાજનાથસિંહે ગુજરાતમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે દેશના પ્રથમ વડા પ્રધાન 'જવાહરલાલ નહેરુ સાર્વજનિક ધનથી બાબરી મસ્જિદ બનાવવા ઇચ્છતા હતા, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે તેમની આ યોજનાને સફળ ન થવા દીધી.'

વિપક્ષના ઘણા નેતાઓએ સંરક્ષણમંત્રીના નિવેદનની ટીકા કરતાં કહ્યું કે સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ (ભાજપ) ઐતિહાસિક તથ્યોને વિકૃત કરવાની અને ખરા મુદ્દા પરથી ધ્યાન હટાવવાની કોશિશ કરી રહ્યો છે.

વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં રામમંદિરના નિર્માણની મંજૂરી આપી હતી અને હજી ગત 25 નવેમ્બરે જ ધ્વજારોહણ કાર્યક્રમ થયો જેની સાથે જ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું હોવાની વાત કરવામાં આવી.

ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે શું કહ્યું હતું?

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ મંગળવારે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતી સંદર્ભે આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

તેમણે કહ્યું, "જ્યારે પંડિત જવાહરલાલ નહેરુએ, સરકારી તિજોરીમાંથી પૈસા ખર્ચીને બાબરી મસ્જિદ બનાવડાવવાની ચર્ચા શરૂ કરી હતી ત્યારે તેનો પણ વિરોધ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યો હતો. એ સમયે તેમણે સરકારી નાણાંથી બાબરી મસ્જિદ ન બનવા દીધી."

રાજનાથસિંહે જણાવ્યું, "પછી નહેરુજીએ સોમનાથના પુનર્નિમાણનો મુદ્દો ઉઠાવ્યો તો સરદાર પટેલે શાંત, પરંતુ દૃઢ સ્વરમાં કહ્યું કે સોમનાથ મંદિરનો મામલો અલગ છે, ત્યાં 30 લાખ રૂપિયા જનતાએ દાન આપ્યા છે, ટ્રસ્ટ બનાવ્યું છે અને સરકારનો એક પણ પૈસો ખર્ચ નથી થયો."

તેમણે કહ્યું, "એવી જ રીતે અયોધ્યામાં આજે જે ભવ્ય રામમંદિર તૈયાર થયું છે, તેમાં સરકારની તિજોરીમાંથી એક પૈસા નથી ખર્ચાયો."

"સમગ્ર ખર્ચ દેશની જનતાએ આપ્યો છે. આ જ પંથનિરપેક્ષતા અને સેક્યુલરિઝમની પરિભાષા છે અને સરદાર પટેલે એને વ્યવહારમાં મૂકી હતી."

કૉંગ્રેસની આકરી પ્રતિક્રિયા

રાજનાથસિંહના નિવેદન પર કૉંગ્રેસ અને વિપક્ષના નેતાઓ તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી છે.

કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "જો તેમની પાસે પુરાવા હોય તો તેને સામે લાવે અને બધાને દેખાડે."

કૉંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ પૂછ્યું, "તેમને આવી માહિતીઓ ક્યાંથી મળે છે. તેઓ સરંક્ષણમંત્રી છે, મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમને એક ગંભીર રાજકીય નેતા માનવામાં આવે છે."

"એટલે તેમણે એ માન જાળવી રાખવું જોઈએ કે જ્યારે તમે આ પ્રકારનાં નિવેદન આપો, ખાસ કરીને ઐતિહાસિક સંદર્ભમાં, ત્યારે તમારી પાસે તથ્યાત્મક પુરાવા જરૂર હોવા જોઈએ."

કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ કહ્યું, "મને સંરક્ષણમંત્રી દ્વારા આવા નિવેદનની અપેક્ષા નહોતી... તેમની પાસે એના કોઈ પુરાવા નથી, પરંતુ અમારી પાસે એ વાતનો પુરાવો છે કે 800 વર્ષ જૂના ઝંડેવાલાન મંદિરને આરએસએસના પાર્કિંગ માટે પાડી દેવામાં આવ્યું... રાજનાથસિંહને અમારી સલાહ છે કે તેઓ વડા પ્રધાનના પગલે ન ચાલે."

રાજ્યસભામાં ભાજપના સભ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ બુધવારે પક્ષના મુખ્ય મથકે આયોજિત એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, "રાજનાથસિંહે જે કહ્યું, તેનો સ્રોત 'ઇનસાઇડ સ્ટોરી ઑફ સરદાર પટેલ, ડાયરી ઑફ મણિબેન પટેલ' નામનું પુસ્તક છે."

ત્રિવેદીએ કહ્યું કે પુસ્તકના 24મા પાના પર લખ્યું છે, "નહેરુએ પણ બાબરી મસ્જિદનો સવાલ ઉઠાવ્યો હતો, પરંતુ સરદાર પટેલે સ્પષ્ટ કરી દીધું હતું કે સરકાર મસ્જિદ બનાવવા માટે કોઈ નાણાં ખર્ચ નથી કરી શકતી."

પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન ત્રિવેદીએ પુસ્તકના કેટલાંક અંશ વાંચ્યા અને કહ્યું, "તેમણે (સરદાર પટેલે) નહેરુને કહ્યું કે સોમનાથ મંદિરના પુનર્નિમાણનો પ્રશ્ન બિલકુલ અલગ છે, કારણ કે એ ઉદ્દેશ માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે અને લગભગ 30 લાખ રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે."

બાબરી મસ્જિદનો ઉલ્લેખ કરતા નહેરુના પત્રો

ઇન્ડિયન ઍક્સપ્રેસે નહેરુ આર્કાઇવ્સના આધારે નહેરુના એ પ્રત્રોનો ઉલ્લેખ કર્યો છે જે 1949માં બાબરી મસ્જિદ વિશે લખવામાં આવ્યા હતા.

તે અનુસાર, 22 ડિસેમ્બર 1949ના દિવસે કેટલાક લોકો અયોધ્યાના બાબરી મસ્જિદ પરિસરમાં ઘૂસ્યા અને કેન્દ્રીય ગુંબજની નીચે ભગવાન રામ અને સીતાની મૂર્તિ મૂકી દીધી.

અખબાર અનુસાર આ વાતથી ખિન્ન થયેલા નહેરુએ ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી ગોવિંદ વલ્લભ પંત સહિત ઘણા નેતાઓને પત્રો લખ્યા. એ તમામ પત્રો ધ નહેરુ આર્કાઇવ્સમાં ઉપલબ્ધ છે.

નહેરુનું માનવું હતું કે અયોધ્યાની સ્થિતિની અસર કાશ્મીર મુદ્દે અને આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન સાથેના ભારતના વ્યવહાર પર પડશે. તેઓ અયોધ્યાના એ સમયના જિલ્લા મૅજિસ્ટ્રેટ કે કે નૈયરથી પણ નારાજ હતા, જેમણે મૂર્તિઓ હઠાવવાનો ઇનકાર કરી દીધો હતો.

26 ડિસેમ્બર, 1949ના દિવસે મૂર્તિઓ મૂકવામાં આવી તેના પછી તરત જ, નહેરુએ પંતને એક તાર (ટેલિગ્રામ) કર્યો, "અયોધ્યાની ઘટનાઓથી હું પરેશાન છું. આશા છે કે તમે વ્યક્તિગતરૂપે આ મામલામાં રસ લેશો. ત્યાં એક ખતરનાક ઉદાહરણ રજૂ થઈ રહ્યું છે જે ખરાબ પરિણામો આપશે."

ફેબ્રુઆરી 1950માં, તેમણે પંતને વધુ એક પત્ર લખ્યો, "જો તમે મને અયોધ્યાની સ્થિતિથી વાકેફ કરાવશો તો મને ખુશી થશે. તમે જાણો છે તેમ, હું એને ખૂબ જ મહત્ત્વ આપું છું અને તેના સમગ્ર ભારત પર, ખાસ કરીને કાશ્મીર પર થનારી અસરને પણ ગંભીરતાથી જોઉં છું."

તેમણે એમ પણ પૂછ્યું કે શું તેમણે અયોધ્યા જવું જોઈએ, જેનો પંતે જવાબ આપ્યો કે, "જો સમય યોગ્ય હોત તો હું પોતે તમને અયોધ્યા જવાનું કહેત."

એક મહિના પછી ગાંધીવાદી કિશોરલાલ મશરૂવાળાને લખેલા પત્રમાં તેમણે કહ્યું, "તમે અયોધ્યા મસ્જિદનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટના બે કે ત્રણ મહિના પહેલાં થઈ અને હું એ બાબતે ખૂબ ગંભીરરૂપે પરેશાન રહ્યો છું."

"યુપી સરકારે બહાદુરીનો દેખાડો કર્યો, પરંતુ હકીકતમાં ખૂબ જ ઓછું કામ કર્યું... પંડિત ગોવિંદ વલ્લભ પંતે ઘણી વખત આ કૃત્યની નિંદા કરી, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવાથી એટલા માટે અટકતા રહ્યા કે તેમને મોટા પાયે હુલ્લડોનો ભય હતો... હું પૂર્ણ રીતે વિશ્વાસ રાખું છું કે જો આપણી તરફથી વ્યવહાર યોગ્ય હોત, તો પાકિસ્તાનને પહોંચી વળવું ઘણું આસાન હોત."

તેમણે પોતાની લાચારી પણ જણાવી, "મને નથી ખબર કે દેશમાં બહેતર માહોલ કેવી રીતે બનાવવું. માત્ર સદ્ભાવની વાત કરવાથી લોકો ચીડાઈ જાય છે. કદાચ બાપુ કરી શક્યા હોત, પરંતુ આપણે આ પ્રકારની વાતો માટે ખૂબ નાના છીએ."

જુલાઈ 1950માં તેમણે લાલ બહાદુર શાસ્ત્રીને લખ્યું, "આપણે ફરી કોઈ પ્રકારની તબાહી તરફ વધી રહ્યા છીએ... તમે જાણો છો કે, અયોધ્યામાં બાબરી મસ્જિદનો મુદ્દો આપણા માટે એક મોટો મુદ્દો છે અને આપણી સમગ્ર નીતિ અને પ્રતિષ્ઠાને ઊંડી અસર કરે છે."

"પરંતુ એના સિવાય, લાગે છે કે અયોધ્યાની હાલત બદથી બદતર થઈ ગઈ છે. એ પણ સંભવ છે કે આવી પરેશાની મથુરા અને અન્ય સ્થળોએ પણ ફેલાઈ જાય."

આ પહેલાં, એપ્રિલમાં તેમણે પંતને એક લાંબો પત્ર લખ્યો, "હું લાંબા સમયથી અનુભવું છું કે યુપીનો સમગ્ર માહોલ સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી બગડી રહ્યો છે."

"સત્ય તો એ છે કે યુપી મારા માટે લગભગ એક પારકી જમીન બનતું જઈ રહ્યું છે. હું ત્યાં ફિટ નથી થતો... યુપી કૉંગ્રેસ કમિટી, જેની સાથે હું 35 વર્ષથી જોડાયેલો છું, હવે જે રીતે કામ કરે છે તેનાથી મને આશ્ચર્ય થાય છે..."

"સદસ્ય, જેમ વિશ્વંભર દયાલ ત્રિપાઠી, લખવા અને બોલવાનું એવું દુસ્સાહસ રાખે છે જે હિન્દુ મહાસભાના કોઈ સભ્ય માટે પણ વાંધાજનક હોત."

સરદાર પટેલનું બાબરી મસ્જિદ મામલે વલણ

નહેરુની જેમ પટેલે પણ મૂર્તિઓ મુકાયા બાદ પંતને પત્ર લખ્યો (સંદર્ભ: સરદાર પટેલ્સ કૉરસ્પૉન્ડન્સ, વૉલ્યુમ 9, સંપાદક દુર્ગા દાસ)

"વડા પ્રધાને તમને અગાઉ જ એક તાર મોકલ્યો છે જેમાં તેમણે અયોધ્યાની ઘટનાઓ પર ચિંતા દર્શાવી છે. મેં પણ લખનઉમાં તમારી સાથે આ મામલે વાત કરી હતી. મને લાગે છે કે આ વિવાદ બિલકુલ અયોગ્ય સમયે ઉઠાવવામાં આવ્યો છે..."

તેમણે લખ્યું, "વ્યાપક સાંપ્રદાયિક મુદ્દાને હાલમાં જ વિભિન્ન સમુદાયોની પરસ્પર સહમતિથી ઉકેલવામાં આવ્યો છે. જ્યાં સુધી મુસલમાનોનો સવાલ છે, તે હજી પોતાના નવા પરિવેશમાં સ્થિર થઈ રહ્યા છે."

"આપણે કહી શકીએ કે વિભાજનનો પહેલો ઝાટકો અને તેની અનિશ્ચિતતાઓ હવે ઓછી થઈ રહી છે અને એ પણ કે મોટા પાયે વફાદારોના બદલાવની સંભાવના ઓછી છે."

તેમણે આગળ કહ્યું, "... મારું માનવું છે કે આ મુદ્દાને પરસ્પર સહનશીલતા અને સદ્ભાવની ભાવનાથી શાંતિપૂર્વક ઉકેલવો જોઈએ. હું સમજું છું કે જે પગલું ભરવામાં આવ્યું છે તેની પાછળ ઊંડું ભાવનાત્મક તત્ત્વ છે."

"પરંતુ એવી વાતો ત્યારે જ શાંતિપૂર્વક ઉકેલી શકાય, જ્યારે આપણે મુસ્લિમ સમુદાયની સ્વેચ્છાને આપણી સાથે લઈએ. બળજબરીથી આવા વિવાદો નથી ઉકેલી શકાતા. એ સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની શક્તિઓએ દરેક સ્થિતિમાં શાંતિ જાળવી રાખવી પડશે."

"જો એના માટે શાંત અને સમજાવવાના ઉપાયોને અપનાવવા છે, તો કોઈ પણ આક્રમક અથવા દબાણ આધારિત એકતરફી કાર્યવાહીને સ્વીકાર નહીં કરી શકાય."

"હું પૂર્ણ રીતે વિશ્વાસ રાખું છું કે આ મુદ્દાને એટલો જીવંત ન બનાવવો જોઈએ અને હાલના અયોગ્ય વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા જોઈએ. જે કામ થઈ ચૂક્યું છે એને પરસ્પર સમજદારીના માર્ગમાં અડચણ ન બનવા દેવું જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન