જવાહરલાલ નહેરુએ 3,259 દિવસો જેલમાં વિતાવ્યા, જાણો તેમના જેલવાસની કહાણી

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

1921નું વર્ષ ખાદી, ચરખા, ગાંધી ટોપી અને બ્રિટિશ સરકાર સાથે સીધા મુકાબલાનું વર્ષ હતું.

જવાહરલાલ નહેરુએ રચેલા સ્વયંસેવકોના જૂથે નવેમ્બર સુધીમાં બ્રિટિશ સરકાર વિરુદ્ધ એક પછી એક એમ અનેક શહેરોમાં હડતાળનું આયોજન કર્યું હતું.

એ સ્વયંસેવક જૂથને 1921ની 22 નવેમ્બરે ગેરકાયદે જાહેર કરવામાં આવ્યું હતું અને છઠ્ઠી ડિસેમ્બરે પોલીસે નહેરુ અને તેમના પિતા મોતીલાલની ધરપકડ કરી હતી.

નહેરુના જીવનચરિત્ર 'નહેરુ, ધ મેકિંગ ઑફ ઈન્ડિયા'માં પત્રકાર એમ. જે. અકબરે લખ્યું છે, "મોતીલાલ નહેરુ આનંદ ભવનમાં તેમની ઑફિસમાં કેટલાક કાગળો પર નજર નાખી રહ્યા હતા ત્યારે એક નોકર આવ્યો હતો અને તેણે તેમને જણાવ્યું હતું કે પોલીસ આનંદ ભવનના દરવાજા સુધી પહોંચી ગઈ છે. પાછળથી આવતા પોલીસ અધિકારીએ ખૂબ જ નમ્રતાથી મોતીલાલ નહેરુને નમસ્કાર કર્યા હતા અને તેમની ઇમારતની તપાસ માટેનું સર્ચ વૉરંટ દેખાડ્યું હતું."

"મોતીલાલે જવાબ આપ્યો હતો કે તેઓ તેમના ઘરની તલાશીની છૂટ આપવા તૈયાર છે, પરંતુ તલાશી લેવામાં તમને ઓછામાં ઓછા છ મહિના થઈ જશે. મોતીલાલ નહેરુના આ વ્યંગનો જવાબ કેવી રીતે આપવો તે પોલીસ અધિકારીને સમજાયું નહીં, પરંતુ પોતાની પાસે પિતા અને પુત્ર બન્નેની ધરપકડનું વૉરંટ પણ છે, એવું કોઈક રીતે મોતીલાલને સમજાવવામાં તેઓ સફળ થયા હતા."

ત્રણ મહિનામાં ફરી ધરપકડ

જવાહરલાલ નહેરુની એ રાતે ધરપકડ કરવામાં આવી હતી અને તેમને લખનઉ લઈ જવામાં આવ્યા હતા.

લખનઉ કેસ ચાલ્યા બાદ નહેરુને છ મહિનાની જેલ અને 100 રૂપિયા દંડની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ એ ચુકાદામાં ટૅક્નિકલ ખામી હોવાને કારણે નહેરુને ત્રણ મહિનામાં જ મુક્ત કરી દેવામાં આવ્યા હતા. જેલમાંથી મુક્ત થતાંની સાથે જ નહેરુ ફરી એકવાર જાહેર સભાઓ અને સરકાર વિરુદ્ધનું વાતાવરણ તૈયાર કરવામાં લાગી ગયા હતા.

પરિણામે ત્રણ મહિનાની અંદર નહેરુની ફરી ધરપકડ કરવામાં આવી હતી.

અસહકારનું વલણ અપનાવતાં નહેરુએ તેમનો ગુનો કબૂલવાનો અને પોતાના બચાવમાં કોઈ દલીલ કરવાનો ઇન્કાર કર્યો હતો.

હા. એ પ્રસંગે તેમણે એક ભાષણ જરૂર આપ્યું હતું.

તેમણે કહ્યું હતું, "વાસ્તવમાં જેલ અમારા માટે સ્વર્ગ જેવી જગ્યા બની ગઈ છે. આપણા પ્રિય અને સંત જેવા નેતા (મહાત્મા ગાંધી)ને સજા ફરમાવવામાં આવી છે ત્યારથી જેલ અમારા માટે તીર્થસ્થાન જેવી જગ્યા બની ગઈ છે. પોતાના દેશની સેવા કરવી તે બહુ સદભાગ્યની વાત છે, પરંતુ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દેશની સેવા કરવી એ તેનાથી પણ મોટા સૌભાગ્યની વાત છે."

સૂતર કાંતવાનું અને પુસ્તકો વાંચવાનાं

જવાહરલાલ નહેરુને એમ હતું કે આ વખતે તેમને લાંબી જેલ સજા ફરમાવવામાં આવશે.

અગાઉ તેમને સમય પહેલાં અને ખાસ કરીને તેમના પિતા જેલમાં જ હતા ત્યારે મુક્ત કરવામાં આવ્યા હતા, એ વાત તેમને કદાચ ગમી ન હતી.

જવાહરલાલ નહેરુના જીવનચરિત્રમાં સર્વપલ્લી ગોપાલે લખ્યું છે, "નેહરુએ એકવાર કહ્યું હતું કે તેઓ જેલ બહાર રહીને એકલતા અનુભવે છે. તેમની ઇચ્છા વહેલામાં વહેલી તકે જેલમાં પાછા ફરવાની છે. આ વખતે તેઓ નિરાશ થયા ન હતા, કારણ કે તેમને 18 મહિનાની સજા ફરમાવવામાં આવી હતી."

"તેમને લખનઉ જિલ્લા જેલમાં રાખવામાં આવ્યા હતા. જેલમાં તેમને મળવા આવતા લોકો સાથે ગેરવર્તન કરવામાં આવતું હતું. તેથી નહેરુએ જેલમાં બહારના લોકોને મળવાનું સદંતર બંધ કરી દીધું હતું. જેલમાં રહેવાથી તેમનું આત્મસન્માન વધી ગયું હતું. જેલમાં તેમણે તેમના સમયનો ઉપયોગ ચાલવા અને દોડવામાં કર્યો હતો. તેઓ મોટાભાગનો સમય સૂતર કાંતવામાં અને પુસ્તકો વાંચવામાં પસાર કરતા હતા.

ઇતિહાસ, પ્રવાસ સાહિત્ય અને રોમેન્ટિક કાવ્યો તેમના પ્રિય વિષયો હતા."

નહેરુને હાથકડી પહેરાવીને થર્ડ ક્લાસના ડબ્બામાં ચડાવ્યા

બીજી વખત પણ નહેરુને સમય પહેલાં મુક્ત કરવામાં આવ્યા હતા. તેનું કારણ એ હતું કે ઉત્તર પ્રદેશે 1923ની 21 જાન્યુઆરીએ તમામ રાજકીય કેદીઓને ક્ષમાદાન આપવાની જાહેરાત કરી હતી.

પરંતુ જવાહરલાલ નહેરુ ટૂંક સમયમાં જ ત્રીજી વખત જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા હતા.

તેમણે 21 સપ્ટેમ્બરે પંજાબના નાભામાં એક શીખોના એક જૂથ સાથે પ્રવેશ કર્યો હતો. તેઓ એ જ સાંજે ટ્રેન મારફત દિલ્હી પાછા ફરવાના હતા. નાભામાં પ્રવેશ ન કરવાનો આદેશ તેમને વહીવટીતંત્રે આપ્યો હતો. વહીવટીતંત્રે જણાવ્યું હતું કે તેમના કારણે એ વિસ્તારમાં શાંતિ ભંગ થઈ શકે છે.

તેના જવાબમાં નહેરુએ જણાવ્યું હતું કે આદેશ મળ્યા પહેલાં તેઓ નાભાની સીમામાં પ્રવેશી ચૂક્યા છે અને હવે તેઓ હવામાં ગાયબ થઈ શકે તેમ નથી. તેમનો અને તેમના સાથીઓનો નાભા છોડવાનો કોઈ ઇરાદો નથી.

આ ઘટના વિશે જવાહરલાલ નહેરુએ તેમની આત્મકથામાં લખ્યું છે, "મારી અને મારા સાથીઓની ધરપકડ કરીને અમને હાથકડી તથા સાંકળો પહેરાવીને સ્ટેશન સુધી લાવવામાં આવ્યા હતા તથા અમને રાતની ટ્રેનમાં થર્ડ ક્લાસના એક ડબ્બામાં બેસાડી દેવામાં આવ્યા હતા."

"24 કલાક પછી અમારી હાથકડી અને સાંકળો હટાવવામાં આવી હતી. અમને નાભા જેલમાં રાખવામાં આવ્યા હતા. એ જેલની હાલત બહુ જ ખરાબ હતી. અમને વાંચવા માટે કોઈ પુસ્તકો કે અખબાર મળ્યા ન હતાં અને બે દિવસ પછી અમને સ્નાન કરવાની અને કપડાં બદલવાની પરવાનગી આપવામાં આવી હતી. મને અને મારા સાથીઓને સશ્રમ કારાવાસની સજા કરવામાં આવી હતી, પરંતુ એ સજાને સ્થગિત રાખવામાં આવી હતી. અમને નાભા છોડી દેવાનું અને ફરી ત્યાં ક્યારેય નહીં આવવાનું જણાવવામાં આવ્યું હતું. એ રાતે અમે નાભા છોડ્યું હતું."

નહેરુ નાભાથી અલાહાબાદ પાછા ફર્યા ત્યારે એક નાયકની માફક તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.

જેલમાં વણી નેવાડ

1930માં મહાત્મા ગાંધીના મીઠાના સત્યાગ્રહ દરમિયાન નેહરુની ફરી એકવાર ધરપકડ કરવામાં આવી હતી. તેમને ખતરનાક ગુનેગારની માફક કોટડીમાં એકાંતવાસમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં જેલની દિવાલ 15 ફૂટ ઊંચી હતી. એ કારણે દિવસ દરમિયાન આકાશ અને રાતે તારા જોવાનું બહુ મુશ્કેલ હતું.

સર્વપલ્લી ગોપાલ લખે છે, "જેલની નીરસતાથી બચવા માટે નહેરુએ આકરી દિનચર્યા સાથે કામ શરૂ કર્યું હતું. તેઓ મળસ્કે જ જાગી જતા હતા. જેલની દિવાલોની સમાંતરે એક માઇલ દોડતા હતા અને પછી ઝડપથી ચાલતા હતા."

"દિવસના બાકીના સમયમાં તેઓ ચરખા પર સૂતર કાંતતા હતા અને વાંચતા હતા. શરૂઆતમાં તેમને ચરખો રાખવાની મંજૂરી ન હતી ત્યારે તેમણે ખુદને વ્યસ્ત રાખવા માટે નેવાડ (જાડા સૂતરની ત્રણ-ચાર આંગણ પહોળી પટ્ટી) વણવાનું શરૂ કરી દીધું હતું. એ તેમણે બાદમાં પણ ચાલુ રાખ્યું હતું."

"અલબત્ત, કૉંગ્રેસના શિસ્તબદ્ધ કાર્યકરની માફક તેમને મુખ્યત્વે ચરખો કાંતવામાં જ રસ હતો. છ મહિનાના જેલવાસ દરમિયાન તેમણે ચરખા પર 30,000 ગજ અને તકલી પર 750 ગજ સૂતર કાંત્યું હતું."

ટ્રેન રોકીને ફરી એક વાર ધરપકડ

જવાહરલાલ નેહરુની 1931ની 26 ડિસેમ્બરે અલાહાબાદ પાસેના ઇરાદતગંજ સ્ટેશનેથી ફરી ધરપકડ કરવામાં આવી હતી.

એ વખતે તેઓ મહાત્મા ગાંધીને મળવા માટે મુંબઈ જઈ રહ્યા હતા. તેમને અલાહાબાદ શહેર છોડવાની મનાઈ હતી. એ આદેશના ઉલ્લંઘન બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

નહેરુએ તેમની આત્મકથામાં લખ્યું છે, "મેં મારા ડબ્બાની બારીમાંથી બહાર જોયું તો રેલવે લાઇન પાસે પોલીસનું એક વાહન ઊભું હતું. થોડી ક્ષણોમાં જ અનેક પોલીસ કર્મચારીઓ મારા ડબ્બામાં ચડી ગયા અને મને તથા મારી સાથે પ્રવાસ કરી રહેલા તસદ્દુક અહમદ ખાન શેરવાનીને પકડીને નૈની જેલમાં લઈ ગયા હતા."

નહેરુ અને શેરવાની પર યુપી ઇમર્જન્સી પાવર્સ ઍક્ટ હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો. શેરવાનીને છ મહિનાની સજા કરવામાં આવી હતી, જ્યારે નહેરુને બે વર્ષ અને 500 રૂપિયા દંડની સજા કરવામાં આવી હતી.

શેરવાનીએ આદેશ સાંભળતાંની સાથે જ કહ્યું હતું કે અદાલતી ચુકાદાઓમાં પણ ધાર્મિક ભેદભાવ રાખવામાં આવે છે?

જવાહરલાલ નેહરુના જીવનચરિત્રમાં વરિષ્ઠ પત્રકાર ફ્રૅન્ક મોરાઇસે લખ્યું છે, "જેલમાં નહેરુની આહારની આદતો બદલાઈ ગઈ હતી. તમામ કાશ્મીરી બ્રાહ્મણોની માફક તેઓ પણ બાળપણથી જ માંસાહારી હતા, પરંતુ જેલમાં તેઓ સંપૂર્ણપણે શાકાહારી થઈ ગયા હતા. ગાંધીજીની સલાહને પગલે તેમણે ધૂમ્રપાન કરવાનું અગાઉ જ છોડી દીધું હતું."

માતા અને પત્નીના અપમાનથી નારાજ થયા નહેરુ

જેલની જિંદગીની અસર નહેરુના સ્વાસ્થ્ય પર પહેલીવાર થવા લાગી હતી.

તેમને દાંતમાં પીડા થતી હતી. પહેલાં તેમને નૈની જેલમાં રાખવામાં આવ્યા હતા અને થોડા સપ્તાહ પછી બરેલી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

બરેલી જેલમાં નાભા પછી પહેલીવાર એવું બન્યું હતું કે રાતે તેમની કોટડીને તાળું મારવામાં આવતું હતું. પરિવારના લોકો સાથે મુલાકાત મુશ્કેલ બની ગઈ હતી, કારણ કે, મુલાકાત દરમિયાન જેલર અને પોલીસ કર્મચારીઓ હાજર રહેતા હતા તથા વાતચીતની નોંધ કરતા હતા.

સર્વપલ્લી ગોપાલ લખે છે, "એપ્રિલના લાઠીચાર્જમાં નહેરુનાં માતાને ફટકારવામાં આવ્યાં અને તેઓ ખરાબ રીતે ઘાયલ થયાં ત્યારે પરિસ્થિતિ વણસી હતી. માતા અને પત્ની કમલા જેલમાં નેહરુને મળવા આવ્યાં ત્યારે જેલરે તેમનું અપમાન કર્યું હતું. એટલું જ નહીં, જેલરે નહેરુના કોઈને પણ મળવા પર એક મહિનાનો પ્રતિબંધ લાદ્યો હતો."

"આ ઘટનાથી નહેરુ એટલા નારાજ થયા હતા કે એક મહિના પછી પણ કોઈને નહીં મળવાની જાહેરાત તેમણે કરી હતી, કારણ કે, તેઓ તેમનાં માતા અને પત્નીને અપમાનિત કરવાની વધુ એક તક જેલરને આપવા ઇચ્છતા ન હતા. આઠ મહિના પછી ગાંધીજીની સલાહ અનુસાર તેમણે લોકોને મળવાનું ફરીથી શરૂ કર્યું હતું."

ખિસકોલી અને શ્વાન પ્રત્યે પ્રેમ

જેલમાં નહેરુનું પ્રિય યોગાસન શીર્ષાસન હતું. શીર્ષાસન કરવાથી તેમને શારીરિક સ્ફૂર્તિ મળતી હતી એટલું જ નહીં, પરંતુ તે મનોવૈજ્ઞાનિક પ્રેરણાનું કામ પણ કરતું હતું.

ફ્રૅન્ક મોરાઇસ લખે છે, "જેલમાં નહેરુનો મુખ્ય શોખ ખિસકોલીઓને દોડતી-કૂદતી જોવાનો હતો. દહેરાદૂન જેલમાં નહેરુએ બે શ્વાન પણ પાળ્યા હતા. પછી એ શ્વાનને બચ્ચાં થયાં તો નહેરુએ તેમનું ધ્યાન રાખવાનું પણ શરૂ કરી દીધું હતું. જેલમાંની તેમની કોટડીમાં સાપ, વીછીં અને કાનખજૂરા પણ આવતા-જતા હતા."

"કાનખજૂરાથી નહેરુને બહુ મૂંઝવણ થતી હતી. એક રાતે તેમને લાગ્યું કે તેમના પગ પર કશુંક ચાલી રહ્યું છે. તેમણે તેમની ટૉર્ચ ચાલુ કરીને જોયું તો એક કાનખજૂરો તેમના પગ પર ચાલી રહ્યો હતો. તેઓ તેમની પથારીમાંથી કૂદીને નીચે ઊતરી ગયા હતા."

બિરલાની વિનંતિનો અસ્વીકાર

ઑગસ્ટમાં કમલા નહેરુની હાલત બગડી ત્યારે યુપી સરકારે કેટલાક દિવસ માટે નહેરુને મુક્ત કર્યા હતા.

11 દિવસ પછી કમલા નહેરુની હાલતમાં થોડો સુધારો થયો એટલે નહેરુને પાછા જેલમાં મોકલી દેવાયા હતા. તેમણે જેલમાં જ જૂન, 1934માં આત્મકથા લખવાની શરૂઆત કરી હતી અને 1935ની 14 ફેબ્રુઆરી સુધીમાં એ કામ પૂર્ણ કરી લીધું હતું.

કમલા નહેરુને સારવાર માટે યુરોપ લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. નહેરુને પહેલીવાર પૈસાની ચિંતા થઈ હતી. તેમની પાસે આવકનું કોઈ સાધન ન હતું. થોડીક કમાણી તેમનાં પુસ્તકોની રૉયલ્ટીમાંથી થતી હતી. એ આવકને સહારે તેમણે આનંદ ભવનના ખર્ચનો વહીવટ કરવો પડતો હતો.

સર્વપલ્લી ગોપાલ લખે છે, "એ દિવસોમાં નહેરુની આર્થિક મુશ્કેલીની વાત સાંભળીને બિરલા પરિવારની એક વ્યક્તિએ તેમને દર મહિને ચોક્કસ નાણાં આપવાની ઑફર કરી હતી. બિરલા પરિવાર કૉંગ્રેસના અનેક અગ્રણી નેતાઓને આવી રીતે આર્થિક મદદ કરતો હતો."

"નહેરુને આ ઑફરની ખબર પડી ત્યારે તેમને એ ગમ્યું ન હતું. તેમણે ઑફરનો અસ્વીકાર કર્યો હતો. પોતાની થોડીક બચતના સહારે તેમણે કમલા, ઇંદિરા અને તેમના ડૉક્ટરની યુરોપ જવાની વ્યવસ્થા કરી હતી."

નહેરુને જાહેરમાં રડવું પસંદ નહોતું

નહેરુ અલીગંજ જેલમાં કેદ હતા ત્યારે તેમના પિતરાઈ બી. કે. નહેરુએ ફૉરી નામની એક હંગેરિયન મહિલા સાથે લગ્ન કર્યાં હતાં.

નહેરુ પરિવારના વડા હોવાથી તેમની મુલાકાત માટે ફોરીને કોલકાતાની અલીગંજ જેલ લઈ જવામાં આવ્યાં હતાં. મુલાકાતનો સમય પૂર્ણ થયો અને જેલનો દરવાજો બંધ કરવામાં આવ્યો ત્યારે ફૉરી તેમનાં આંસુ રોકી શક્યાં ન હતાં.

બી. કે. નહેરુએ તેમની આત્મકથા 'નાઇસ ગાય્ઝ ફિનિશ સેકન્ડ'માં લખ્યું છે, "એ જવાહરલાલની નજરથી છૂપું રહી શક્યું ન હતું. બીજા દિવસે તેમણે ફૉરીને પત્ર લખીને જણાવ્યું હતું કે તમે હવે નહેરુ પરિવારના સભ્ય બન્યાં છો. તમારે પરિવારના કાયદા-કાનૂન પણ શીખી લેવાં જોઈએ. તમારે સૌથી પહેલાં એ બાબત પર ધ્યાન આપવું જોઈએ કે ભલે ગમે તેટલું મોટું દુઃખ હોય, નહેરુઓ ક્યારેય કોઈની સામે રડતાં નથી."

અહમદનગર જેલમાં સૌથી વધુ સમય રહ્યા

નહેરુ છેલ્લે અહમદનગર જેલમાં રહ્યા હતા. એટલો લાંબો સમય અગાઉ તેઓ એકેય જેલમાં રહ્યા ન હતા.

અહમદનગર જેલમાં તેઓ 1942ની 9, ઑગસ્ટથી 1945ની 15 જૂન સુધી એટલે કે કુલ 1,040 દિવસ રહ્યા હતા.

પહેલાં તેમને ટ્રેનથી પુણે લઈ જવામાં આવ્યા હતા. પુણે સ્ટેશને લોકોએ તેમની ઓળખી કાઢ્યા હતા.

પોતાના પુસ્તક 'ધ સ્પિરિટ્સ પિલગ્રિમેજ'માં મીરાબહેને લખ્યું છે, "પોલીસે લોકોને જવાહરલાલ નહેરુ તરફ ધસી આવતા જોયા ત્યારે તેમના પર લાઠીચાર્જ શરૂ કર્યો હતો. જવાહરલાલ સ્ફૂર્તિથી ટ્રેનની બારીમાંથી પ્લૅટફૉર્મ પર કૂદી પડ્યા હતા. ચાર પોલીસવાળા મળીને તેમને માંડ-માંડ પકડી શક્યા હતા અને તેમને ફરીથી ટ્રેનમાં ચડાવ્યા હતા. અહમદનગર પહોંચીને પોલીસ અધિકારીએ, જે કંઈ થયું તે માટે નહેરુની માફી માંગી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ તો માત્ર આદેશનું પાલન જ કરતા હતા."

જેલમાં બાગકામ અને બૅડમિન્ટન

કૉંગ્રેસની આખી કારોબારી અહમદનગર જેલમાં કેદ હતી. બહારની દુનિયા સાથે તેમનો કોઈ સંપર્ક ન હતો. અખબારો અને મુલાકાતો તો દૂરની વાત રહી, તેમને પત્રો લખવાની છૂટ સુદ્ધાં ન હતી. તેમને ક્યાં રાખવામાં આવ્યા છે તેની બહારની દુનિયાને ખબર ન હતી.

સર્વપલ્લી ગોપાલ લખે છે, "બાદમાં તેમને અખબારો વાંચવાની અને પરિવારજનોને દર અઠવાડિયે બે પત્રો લખવાની પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ નહેરુને તેનાથી કોઈ લાભ થયો ન હતો. કારણ એ હતું કે તેમનાં દીકરી અને બહેન બંને અલાહાબાદની જેલમાં કેદ હતાં.

ત્યાંની સરકારે તેમને નહેરુના સેન્સર્ડ પત્રો મેળવવાની કે લખવાની છૂટ આપી ન હતી. પછી નહેરુને બહારથી કેટલાંક પુસ્તકો મંગાવવાની પરવાનગી મળી હતી, પરંતુ એ પુસ્તકો નહેરુને આપવામાં આવે એ પહેલાં તેને કાયદેસર સ્કેન કરવામાં આવતાં હતાં."

"સરકારે બે વર્ષ પછી નહેરુ સહિતના અહમદનગર જેલમાંના તમામ રાજકીય કેદીઓને બહારના લોકોને મળવાની પરવાનગી આપી હતી, પરંતુ તેમણે એ સુવિધાનો લાભ લેવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. તેમની દલીલ એ હતી કે આટલાં વર્ષો સુધી અળગા રહ્યા પછી થોડી મિનિટોની મુલાકાતનો કોઈ અર્થ નથી."

અહમદનગર જેલમાં આટલો લાંબો સમય રહેવાને કારણે કૉંગ્રેસના નેતાઓ વચ્ચે રોજ જોરદાર દલીલબાજી થતી હતી.

તેનાં પરિણામે કેટલાક નેતાઓ વચ્ચે બોલવાનો વ્યવહાર રહ્યો ન હતો. એ તણાવથી બચવા માટે નહેરુ પોતે પણ બહુ મહેનત કરતા હતા.

તેઓ ભોજન રાંધતા હતા, બીમાર લોકોની સારવાર કરતા હતા, બૅડમિન્ટન તથા વૉલીબૉલ રમતા હતા અને બાગકામ પણ કરતા હતા.

1944ની 13 એપ્રિલે તેમણે તેમનું અધૂરું પુસ્તક ફરી લખવાનું શરૂ કર્યું અને એ જ વર્ષે સાતમી સપ્ટેમ્બરે પુસ્તક લખવાનું કામ પૂર્ણ કર્યું.

એ પુસ્તકનું નામ હતું, 'ડિસ્કવરી ઑફ ઇન્ડિયા.'

ડિસેમ્બર 1921થી માંડીને 15 જૂન, 1945 સુધી જવાહરલાલ નહેરુએ તેમના જીવનના કુલ 3,262 દિવસ એટલે કે લગભગ 9 વર્ષ જેલમાં વીતાવ્યાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન