દમણ-દીવમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલનો વિજય પ્રશાસક સામે જીત છે?

    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાત લોકસભાની ચૂંટણીમાં એક બેઠકની સૌથી વધુ ચર્ચા થઈ અને એ હતી બનાસકાંઠા. આ ચર્ચાનું કારણ એ જ હતું કે અહીં કૉંગ્રેસે એકમાત્ર જીત મેળવી હતી.

જોકે બીજી તરફ ગુજરાતને અડીને આવેલા દીવ-દમણની ચૂંટણી પણ રસપ્રદ થઈ હતી અને પરિણામ પણ ચોંકાવનારું આવ્યું હતું.

અહીં ભાજપ કે કૉંગ્રેસ નહીં પણ અપક્ષ ઉમેદવારે મેદાન માર્યું અને એ ઉમેદવાર છે ઉમેશ પટેલ.

ઉમેશ પટેલ લોકસભાની ચૂંટણીમાં દમણ-દીવથી અપક્ષ ચૂંટાઈને આવ્યા છે.

જાણકારોના મતે, તેમનો પ્રચારને જોઈને એમ જ લાગતું હતું કે તેઓ ભાજપ કે કૉંગ્રેસ જેવા પક્ષોના ઉમેદવાર સામે નહીં પરંતુ દમણ-દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સામે ચૂંટણી લડી રહ્યા હતા.

દમણ-દીવનો લોકસભા ચૂંટણી જંગ તેમની ઍન્ટ્રીથી રસપ્રદ બન્યો હતો અને તેમણે ભાજપના ત્રણ ટર્મથી સાંસદ એવા લાલુ પટેલને હરાવ્યા છે.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-દીવમાં કેવાં સમીકરણો સર્જાયાં કે ઉમેશ પટેલે જીત મેળવી?

દમણ-દીવ લોકસભા બેઠકનું ગણિત

દમણ-દીવ લોકસભા બેઠક એક વિશિષ્ટ મતવિસ્તાર છે જેમાં દમણ અને દીવ બે ભૌગોલિક પ્રદેશો સામેલ છે. દમણથી દીવનું અંતર 653 કિલોમીટર છે. બંને ભૌગોલિક પ્રદેશો એકબીજાથી દૂર આવેલા છે અને તેમ છતાં તેઓ એક જ લોકસભા બેઠકમાં આવે છે.

દમણ-દીવ એ કેન્દ્રશાસિત પ્રદેશ છે જેમાં ઍડમિનિસ્ટ્રેટરના હાથમાં શાસનની ધુરા છે જ્યારે લોકસભાના સાંસદ માટે અલગથી ચૂંટણી થાય છે.

હાલમાં દમણ-દીવના ઍડમિનિસ્ટ્રેટર તરીકે 2016થી પ્રફુલ્લ ખોડા પટેલ છે.

1987થી અસ્તિત્વમાં આવેલી આ લોકસભા બેઠકમાં વારાફરતી ભાજપ અને કૉંગ્રેસના સાંસદો ચૂંટાતા આવ્યા છે. ત્યારથી છ વાર ભાજપના સાંસદ અને ચાર વખત કૉંગ્રેસના સાંસદ અહીંથી ચૂંટાયા છે.

આ વખતે પ્રથમ વાર અહીંથી અપક્ષ ઉમેદવારે બાજી મારી છે.

દમણગંગા ટાઇમ્સના નિવાસી તંત્રી વિકાસ ઉપાધ્યાય પ્રમાણે, "દમણ-દીવ લોકસભા બેઠકમાં સૌથી વધુ મતદારો કોળી પટેલ સમુદાયના છે. ત્યાર બાદ ટંડેલ અને ખારવા મતદારો આવે છે. ખૂબ મોટો ભાગ બિનગુજરાતી મતદારોનો પણ છે."

મોટે ભાગે અહીંથી ટિકિટ કોળી પટેલ કે ટંડેલ સમુદાયના જ કોઈ પ્રતિનિધિને મળે છે. જોકે, તેમના મત પ્રમાણે અહીં ચૂંટણી જીતવા માટે જ્ઞાતિગણિત જ એકમાત્ર જવાબદાર પરિબળ હોતું નથી.

આ વખતે પરિણામે ચોંકાવ્યા

દમણ-દીવ લોકસભા બેઠક પર 1,34,189 મતદારો છે. દીવ વિસ્તારના મતદારોની સંખ્યા વધુ છે.

ભાજપે આ વખતે તેના ત્રણ ટર્મથી સાંસદ એવા લાલુ પટેલને ટિકિટ આપી હતી જ્યારે કૉંગ્રેસે તેના જિલ્લા પ્રમુખ કેતન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા.

અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ઉમેશ પટેલ 2019માં પણ ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા.

આ વખતે તેમણે બાજી મારી હતી અને 46.02 ટકા મતો મેળવીને ભાજપના ઉમેદવારને 6225 મતોથી હરાવ્યા હતા. ઉમેશ પટેલને 42523 મતો મળ્યા હતા.

વિકાસ ઉપાધ્યાય કહે છે, “દમણ કરતાં દીવમાં મતદારોની સંખ્યા વધુ છે અને ઉમેશ પટેલને દીવમાંથી વધુ મતો મળ્યા છે.”

આ બેઠક પર ઉમેશ પટેલ નામના અન્ય બે ઉમેદવારો પણ લડી રહ્યા હતા.

ચૂંટણીમાં કયા મુદ્દાઓનું રહ્યું પ્રભુત્વ?

દમણ-દીવ લોકસભા એ કેન્દ્રશાસિત પ્રદેશ હોવાથી અહીં સામાન્ય રીતે સ્થાનિક મુદ્દાઓને આધારે જ ચૂંટણી લડાય છે.

પરંતુ આ વખતે સ્થાનિક મુદ્દાઓ સાથે પ્રશાસકનો મુદ્દો ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં રહ્યો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે દમણ-દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલની નીતિઓ અને નિર્ણયો સામે ઉમેશ પટેલ સતત છ-સાત વર્ષથી લડી રહ્યા છે.

વિકાસ ઉપાધ્યાય કહે છે, “ઉમેશ પટેલ વારંવાર તેમનાં ભાષણોમાં કહેતા રહે છે કે તેઓ ચૂંટાયા બાદ 15 દિવસમાં જ પ્રશાસક પ્રફુલ્લ પટેલની બદલી કરાવી દેશે. આમ, આ ચૂંટણીમાં સૌથી મોટું ફેક્ટર એ જ હતું. વળી, પ્રચારમાં કૉંગ્રેસનો જરાય રસ દેખાયો નહીં, જ્યારે ભાજપ ઑવર કોન્ફિડન્સમાં રહ્યો. જેનો સીધો ફાયદો ઉમેશ પટેલને થયો છે."

"દીવના લોકોની વાત કરીએ તો તેમને કાયમ એ વાતનો અસંતોષ રહેતો હોય છે કે તેમની તરફ કોઈ જોતું નથી. પ્રશાસનથી તેઓ હંમેશાં નારાજ રહે છે. આથી, આ વખતે ત્યાંથી પણ મોટા પ્રમાણમાં તેમને મતો મળ્યા.”

સ્થાનિક પત્રકાર યોગેન્દ્ર પટેલ પણ એ વાત સાથે સહમત થાય છે કે આ ચૂંટણી ઉમેશ પટેલ વિ. સ્થાનિક પ્રશાસનની હતી.

'પ્રજાહિતના મુદ્દે સતત લડત ચલાવી'

સ્થાનિક પત્રકાર કૌશિક જોશી કહે છે, “દમણમાં વીજળીનું પ્રાઇવેટાઇઝેશન થયું અને ટૉરેન્ટ કંપનીના હાથમાં કારોબાર ગયો એ પછી વીજળીના ભાવ પણ વધ્યા હતા. એ સમયે વિદ્યુત વિભાગ નફામાં હતો છતાં પણ તેને પ્રાઇવેટ કંપનીના હાથમાં સોંપી દેવામાં આવ્યો. વધુમાં, ત્યાર બાદ વીજકાપની સમસ્યાઓ વધી. ઉમેશ પટેલે આ મુદ્દે જબરદસ્ત વિરોધ કર્યો અને દમણના ઘરેઘરે તેઓ ગયા અને લોકોને સમજાવ્યા હતા.”

“દીવના માછીમારોને ડીઝલ વેટની સબસિડીના પૈસા મળી રહ્યા ન હતા. એ મુદ્દે પણ તેમણે દીવમાં જઈને લડત ચલાવી હતી. ચૂંટણીના પાંચેક મહિના પહેલાં જ વીજળીના ભાવ પણ ઓછા થયા અને દીવના માછીમારોની વેટને લઈને માગણી પણ પૂરી કરવામાં આવી.

તેઓ કહે છે, "આ બે મુદ્દે મળેલી સફળતાને કારણે લોકોમાં ઉમેશ પટેલની લોકચાહના ખૂબ વધી ગઈ."

તેઓ કહે છે, “ભાજપના ચૂંટણીઢંઢેરામાં પણ સ્થાનિક રોજગારીની વાત કરવામાં આવી ન હતી. રોજગારી એ દીવ-દમણમાં સૌથી મોટો મુદ્દો છે. એ મોરચે પણ તેમણે લડત ચલાવી હોવાથી તેમને દીવમાં ઘણો ફાયદો થયો છે.”

વિકાસ ઉપાધ્યાય કહે છે, “અહીં ભાજપના સાંસદ લાલુ પટેલની નિષ્ક્રિયતા દેખાતી હતી. તેમણે વિકાસનાં કામને ગંભીરતાથી ન લીધાં. જે કામો થયાં એ પ્રશાસકને કારણે થયાં. જ્યારે બીજી તરફ અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે ભાજપ કે કૉંગ્રેસનો નહીં પરંતુ પ્રશાસકનો વિરોધ કર્યો અને તેની વહીવટી કામગીરી પ્રત્યે સવાલ ઉઠાવી લોકોને પોતાની તરફ આકર્ષ્યા.”

યોગેન્દ્ર પટેલ કહે છે કે, “વિકાસ તો થયો, પણ વિકાસની સાથે સાથે લોકોને ખૂબ તકલીફો ભોગવવી પડી. અનેક વિસ્તારોમાં ડિમોલિશન થયાં. સતત ત્રણ ટર્મથી ચૂંટાતા સાંસદની નિષ્ક્રિયતા, કાર્યકર્તાઓ નિષ્ક્રિય, પ્રશાસક અને અધિકારીઓની કનડગત વગેરે જેવાં કારણોને લીધે લોકોએ આવું પરિણામ લાવવા માટે મન બનાવી લીધું હતું.”

“ભાજપના સાંસદ વિશે લોકોમાં એવી છાપ ઊભી થઈ ગઈ હતી કે તેઓ પ્રશાસન જેટલું કહે અને જેમ કહે તેમ જ કરે છે.”

ઉમેશ પટેલ સાથે લગભગ વીસેક વર્ષોથી સંકળાયેલા પ્રમોદ નાગર સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

તેમનો દાવો છે કે "સંપૂર્ણ ઍડમિનિસ્ટ્રેશન પ્રફુલ્લ પટેલના હાથમાં છે અને કોઈ લોકશાહી જેવું દમણ-દીવમાં વાતાવરણ નથી. ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યોનું પણ કશું જ ચાલતું નથી. સ્થાનિક લોકોને પણ રોજગારી મળતી નથી. આજે જો કોઈ પટ્ટાવાળાની પણ ભરતી થાય તો દમણ-દીવની બહારના લોકો ભરતી કરવામાં આવે છે. ચૂંટાયેલા સાંસદ પણ પ્રશાસક પ્રફુલ્લ પટેલને તાબે છે."

ભાજપનું આ મુદ્દે શું કહેવું છે?

ભાજપના ઉમેદવાર લાલુ પટેલ છેલ્લી ત્રણ ટર્મથી અહીં ચૂંટાઈને આવતા હતા પરંતુ આ વખતે તેમની હાર થઈ છે.

જોકે ભાજપ પ્રશાસક સામે કરેલા વિપક્ષ સહિતના તમામના આરોપોને ફગાવે છે.

દમણ-દીવ ભાજપ જિલ્લા અધ્યક્ષ અસ્પી દમાણિયા કહે છે કે, “અમે આ ચૂંટણીમાં ભાજપના વિકાસકાર્યો, મોદી કી ગૅરંટી અને સબકા સાથ, સબકા વિકાસ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ પ્રચાર કર્યો હતો. પરંતુ કૉંગ્રેસ નબળી પડી અને તેના ઉમેદવાર નિષ્ક્રિય થઈ ગયા, જેનો સીધો ફાયદો અપક્ષ ઉમેદવારને થયો છે.”

પ્રશાસક પ્રફુલ્લ પટેલ પર લાગતાં આરોપોને તેઓ ફગાવે છે અને કહે છે, “ઉમેશ પટેલ પ્રશાસકનો અને વિકાસનો વિરોધ કરીને ચૂંટણી જીત્યા છે. આ જ પ્રશાસકે વિકાસનાં અઢળક કામો કર્યાં છે, જેના કારણે આજે દમણ-દીવ ટૂરિસ્ટ સ્પોટ બન્યાં છે. માછીમારોને ડીઝલ વેટમાં સબસિડી, જમ્પોર બીચ રિડેવલપમૅન્ટ જેવાં અનેક કાર્યો તેમણે કર્યાં છે.”

“ટીકા કરવી અને વિરોધ કરવો સહેલો છે પણ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ જ પ્રશાસને દમણ-દીવમાં ચારથી પાંચ હજાર કરોડનાં વિકાસકાર્યો કરાવ્યાં છે.”

ઉમેશ પટેલ કોણ છે?

47 વર્ષીય ઉમેશ પટેલ 2019માં પણ લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા. તેઓ ધંધો કરે છે અને સામાજિક કાર્યકર્તા છે.

ઉમેશ પટેલે બી.કોમ.નો અભ્યાસ કર્યો છે અને તેઓ આર્ટ્સમાં ફરીથી ગ્રેજ્યુએશન પણ કરી રહ્યા છે.

નાની દમણ વિસ્તારમાં તેઓ સ્વખર્ચે સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ચલાવે છે. જેમાં ધોરણ એકથી દસના બાળકોને હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે.

તેઓ સ્વામી વિવેકાનંદ યુવક મંડળ અને દમણ યૂથ ઍક્શન ફૉર્સ નામે એનજીઓ પણ ચલાવે છે.

વિકાસ ઉપાધ્યાય કહે છે, “ઉમેશ પટેલ દમણ-દીવમાં જાહેરજીવનનો જાણીતો ચહેરો છે. તેઓ યૂથ ઍક્શન ફૉર્સ નામનું સંગઠન ચલાવે છે. વીજળીનો પ્રશ્ન હોય કે પછી અન્ય કોઈ, છેલ્લા પાંચ વર્ષમાં સતત પ્રજાના પ્રશ્નોને વાચા આપતા રહ્યા, અવાજ ઉઠાવતા રહ્યા છે.”

પ્રમોદ નાગર કહે છે, "ઉમેશ પટેલ રાજકારણમાં તો છેલ્લાં દસેક વર્ષથી છે પરંતુ એ પહેલાં તેઓ ઘણાં વર્ષોથી સામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે. તેઓ કોળી પટેલ સમાજના વાઇસ-પ્રેસિડેન્ટ પદે પણ રહ્યા છે. દમણમાં તેમનું સારું પ્રભુત્વ છે."

યોગેન્દ્ર પટેલ અનુસાર, તેમને પ્રજાના પ્રશ્ને લડત ચલાવતાં બે-ત્રણ વાર જેલમાં પણ જવું પડ્યું હતું.

ભૂતકાળમાં ઉમેશ પટેલની શાળામાં ક્લર્ક તરીકે કામ કરતાં વ્યક્તિના આત્મહત્યા કેસમાં ગુનેગારને સાથ આપવાના આરોપસર તેમની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં તેમને જામીન મળ્યા હતા.

વિદ્યુત વિભાગના પ્રાઇવેટીકરણના વિરોધમાં પણ તેમણે લડત ચલાવી હતી અને જેલમાં જવું પડ્યું હતું.

ઉમેશ પટેલ સાંસદ બનવામાં તો સફળ નીવડ્યા છે પરંતુ જાણકારોના મતે તેમની આગળની રાહ વધુ કઠિન છે.