You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓડિશાનાં પ્રથમ મુસ્લિમ મહિલા ધારાસભ્ય જે જીત્યાં બાદ મંદિરે ગયાં
- લેેખક, સંપદ પટનાયક
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિન્દી માટે
કેટલાક લોકો માટે ઓડિશાની લોકસભા અને વિધાનસભાનાં ચૂંટણી પરિણામો આશ્ચર્યજનક હતાં. ઓડિશાની વિધાનસભા ચૂંટણીમાં 24 વર્ષથી સત્તા પર રહેલા નવીન પટનાયકની મોટી હાર થઈ હતી.
નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળ (બીજેડી) લોકસભાની 21 બેઠકો પૈકી એક પણ બેઠક ન જીતી શકી. ઓડિશાની વિધાનસભાની વાત કરીએ તો 147 બેઠકોમાંથી પાર્ટીને માત્ર 51 બેઠકો પર જીત મળી હતી.
બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) લોકસભાની 20 બેઠકોની સાથે-સાથે 78 વિધાનસભા બેઠકો પર જીત હાંસલ કરીને પહેલી વખત રાજ્યમાં સરકાર બનાવી રહી છે.
જોકે, રાજ્યમાં એક જબરદસ્ત ટક્કર પછી પહેલી એક વખત એક મુસ્લિમ મહિલા ધારાસભ્ય ચૂંટાયાં હતાં.
સોફિયા ફિરદૌસ ઓડિશાનાં પ્રથમ મુસ્લિમ મહિલા ધારાસભ્ય પોતાની પાર્ટી કૉંગ્રેસ માટે આશાનું કિરણ છે.
બીજેડી અને ભાજપ વચ્ચેની ટક્કરવાળી આ ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટી રેસમાં પણ ન હતી. જોકે, બારાબાટી-કટકની બેઠક પરથી કૉંગ્રેસ ઉમેદવારની જીતની સતત ચર્ચા થઈ રહી છે.
32 વર્ષીય સોફિયા ફિરદૌસ એક યુવા અને શિક્ષિત મહિલા છે. રાજ્યમાં ભાજપની લહેર છતાં સોફિયાએ આઠ હજારથી વધારે મતોથી ચૂંટણી જીતી હતી.
કૉંગ્રેસને આ વખતે ઓડિશાની વિધાનસભાની ચૂંટણીમાં 14 બેઠકો મળી છે, જે છેલ્લી ચૂંટણીની તુલનામાં પાંચ બેઠકો વધારે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કદાચ આ જ કારણે સોફિયા ફિરદૌસ પાર્ટીના પ્રદર્શનને આશાની નજરે જુએ છે.
છેલ્લા દાયકામાં આ પહેલી વાર કૉંગ્રેસનું પ્રદર્શન છેલ્લી ચૂંટણીની તુલનામાં થોડું સુધર્યું.
'સામાજિક લૅન્સ થકી આ જીતને જોવી મહત્ત્વપૂર્ણ છે'
સોફિયા ફિરદૌસ ચૂંટણી જીત્યાં પછી કરેલી વાતચીતમાં જણાવે છે, “પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વે 2029ની ચૂંટણીમાં સત્તામાં પાછા ફરવા માટેની ચર્ચા શરૂ કરી દીધી છે. અમારા કાર્યકર્તાઓમાં ઇન્ડિયા ગઠબંધનના પ્રદર્શનને જોઈને ઉત્સાહની લહેર છે.”
“અમે ઓડિશાની વિધાનસભા ચૂંટણીમાં 14 બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા. 15 બેઠકો પર અમે બીજા સ્થાને રહ્યા, જ્યાં હાર અને જીત વચ્ચે અંતર 800થી 1100 મતોનું જ છે. એટલે કે 30 બેઠકો પર અમારો મજબૂત આધાર છે. અમે જો મહેનત કરીએ તો આવનારી ચૂંટણીમાં બહુમતી મેળવી શકીએ છીએ.”
સોફિયાની જીતને માત્ર રાજકીય ચશ્માં થકી ન જોવી જોઈએ. આ જીતને સામાજિક લૅન્સ થકી પણ જોવાની જરૂર છે.
અહીં ઉલ્લેખનીય છે કે બરાબાટી-કટક વિધાનસભાની બેઠક પર ઘણી વિવિધતાવાળા સમાજના લોકો રહે છે. કટકમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ એટલે કે ચારેય ધર્મના લોકોની બરોબર ભાગીદારી છે. આ જ કારણ છે કે આ વિસ્તારની સંસ્કૃતિ સમાવેશી છે.
માત્ર ધર્મ જ નહીં પરંતુ ભાષાના આધાર પર પણ કટકનો વિસ્તાર વિવિધતાથી ભરેલો છે. ઓડિયા ભાષા બોલતા લોકો ઉપરાંત અહીં મારવાડી, બંગાળી અને તેલુગુ બોલનાર લોકો પણ રહે છે.
એટલું જ નહીં અહીં એંગ્લો ઇન્ડિયન મૂળના લોકો પણ રહે છે. જોકે, ધીમે-ધીમે આ વિવિધતામાં ઘટાડો થઈ રહ્યો છે. વિભિન્ન સમુદાયના લોકોના પલાયનને કારણે વિવિધતામાં ઘટાડો જોવા મળ્યો છે.
કટકનો ઇતિહાસ એક હજાર વર્ષથી પણ જૂનો છે. ઈસવીસન 989માં અહીં રાજા નિરૂપા કેસરીનું શાસન હતું. શહેરને મહાનદી અને કાઠાજોરી નદીના પૂરથી બચાવવા માટે ઈસવીસન 1006માં રાજા કેસરીએ પથ્થરોની દીવાલ બનાવી હતી. જૂના જમાનામાં પણ કટકનું મહત્ત્વ હતું.
સોફિયા જીત્યા પછી દુર્ગા મંદિર ગયા
હિન્દુ શાસકો પછી કટક પર મુસ્લિમોએ રાજ કર્યુ હતું. ત્યાર બાદ મુઘલોનું શાસન આવ્યું. ત્યાર બાદ કટક પર મરાઠાઓએ કબજો કર્યો અને પછી અંગ્રેજો આવ્યા.
સ્વતંત્રતા પછી વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ 1948માં રાજ્યના પાટનગર તરીકે ભુવનેશ્વરમાં શિલાન્યાસ કર્યો. જોકે, કટકનું મહત્ત્વ 60ના દાયકા સુધી ઓડિશાના પાટનગર જેવું હતું.
સોફિયા ફિરદૌસ કટક વિશે જાણાવે છે, “કટકને 52 બજાર અને 53 લેનનું શહેર માનવામાં આવે છે. લોકો અહીં શાંતિ અને ભાઈચારા સાથે રહે છે. દરેક સાહી (લોકોનો સ્થાનિક પડોશી) તેના પોતાના મુરબ્બી એટલે કે વાલી છે.”
“અમે જ્યારે કોઈ કામ કરીએ છીએ ત્યારે વિભિન્ન સમુદાયના લોકો પોતાના મુરબ્બી સાથે સંપર્ક કરીને આયોજન પ્રમાણે કામ કરે છે. દુર્ગાપૂજા, ગણેશપૂજા કે પછી ઈદ જેવા તહેવારોનું આયોજન પણ આ જ રીતે કરવામાં આવે છે.”
સોફિયા ફિરદૌસ એ પણ જણાવે છે કે ચૂંટણીમાં જીત્યાં પછી તેમણે પ્રથમ દુર્ગા મંદિરમાં આશીર્વાદ લીધાં હતાં.
તેમણે કહ્યું, “હું એક ક્રિશ્ચિયન શાળામાં ભણી હતી અને ચર્ચ પણ જતી હતી. કટકના લોકો ખૂબ જ સંવેદનશીલ છે. મેં પોતાને ક્યારેય એક લઘુમતી સમુદાયના સભ્ય તરીકે જોઈ નથી. ચૂંટણીમાં મારો નારો “કટકની દીકરી, કટકની વહુ” હતો.”
લક્ષ્ય પહેલાંથી જ નક્કી કર્યાં
સોફિયા પોતાની વાતચીતમાં કટકના રાજકારણ અને સામાજિક વિકાસમાં મહિલાઓની ઐતિહાસિક ભૂમિકાને રેખાંકિત કરવાનું ભૂલતાં નથી.
સ્વતંત્રતાની લડાઈમાં કટકની રમા દેવી અને માલતી દેવીની ગણતરી સ્વતંત્રતાનાં નાયિકાઓમાં થાય છે. ત્યાર બાદ સૈલબાલા દેવી અને સરલા દેવીએ રાજનીતિ અને સામાજિક વિકાસનાં કામોને આગળ વધાર્યાં. ઓડિશાનાં એકમાત્ર મહિલા મુખ્ય મંત્રી નંદિની દેવી સતપથી પણ કટકમાં જન્મ્યાં અને ભણ્યાં હતાં.
સોફિયા સામે આ પરંપરાને આગળ વધારવાનો પડકાર છે. સોફિયા સિવિલ એન્જિનિયરિંગ ડિગ્રી અને રિયલ એસ્ટેટ ડેવલપમૅન્ટના અનુભવના આધારે કટકને ગ્રીન સ્માર્ટ સિટી બનાવવા માગે છે.
તેમણે કહ્યું, “મારી સમજણ પ્રમાણે ગ્રીનનો અર્થ હિન્દુ માન્યતાઓમાં પણ પંચમહાભૂતનું સંરક્ષણ છે. હિન્દુ માન્યતાઓ પ્રમાણે બ્રહ્માંડનો આધાર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશને મળીને બને છે. આપણે આ પંચમહાભૂતોનું સંરક્ષણ કરવાની જરૂર છે.”
સોફિયાએ પોતાનાં લક્ષ્યો પણ નક્કી કરી લીધાં છે.
તેમણે કહ્યું, “રસ્તાના કિનારે આવેલી ગટરો થકી વરસાદનાં પાણીનું સંરક્ષણ થઈ શકે છે. કટકની સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા સૂર્યઊર્જા વડે થઈ શકે છે. લોકોને વરસાદનાં પાણીના સંરક્ષણ કરવા માટે કંઈક પ્રોત્સાહન પણ આપી શકાય છે.”
“કટક નદીઓથી ઘેરાયેલું શહેર છે. શહેરથી નદીઓને જોડતાં નાળાં થકી પાણીનો સંગ્રહ કરવામાં મદદ મળી શકે અને તે શહેરને ઠંડું પણ રાખશે. જોકે, હું મારા કાર્યકાળની શરૂઆત શહેરના વેસ્ટ મૅનેજમૅન્ટથી કરીશ.”
સોફિયાને ચૂંટણી જીતમાં તેમના પિતા અને પૂર્વ ધારાસભ્ય મહંમદ મોકિમનાં પુત્રી હોવાનો ફાયદો મળ્યો છે.
મોકિમ આ જ બેઠક પરથી ધારાસભ્ય હતા. જોકે, તેમને ભ્રષ્ટાચારના આરોપમાં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. આ કારણે તેમને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યા હતા.
કૉંગ્રેસ પાર્ટીએ આ કારણે તેમનાં પુત્રી સોફિયાને ઉમેદવાર બનાવ્યાં હતાં. સોફિયાની વાતોથી સ્પષ્ટ લાગે છે કે તેઓ પોતાના પિતાનો વારસો અને કટકની સમૃદ્ધ પરંપરાને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.