You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પીએમ મોદીના વારાણસી પ્રવાસ પહેલાં અજય રાયે કહ્યું- 'બનારસનું ગુજરાતીકરણ બંધ કરો'
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી જશે. સતત ત્રીજી વખત વડા પ્રધાન બન્યા બાદ તેઓ પહેલી વાર કાશીનો પ્રવાસ કરશે.
વડા પ્રધાનના પ્રવાસ પહેલાં કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને ઇન્ડિયા ગઠબંધનના વારાણસીના ઉમેદવાર અજય રાય કહે છે કે, "બનારસમાં મોટી ફૅક્ટરીની જરૂર છે. તેમણે સેવાપુરીમાં મોટાં કારખાનાંની ઘોષણા કરવી જોઈએ, જે લોકો બહાર જાય છે તેમને નોકરી મળી શકે."
તેમણે કહ્યું, "વારાણસીમાં બધાં જ કામ ગુજરાતના લોકો કરી રહ્યા છે. તેમણે અમૂલ, ગંગામાં ક્રૂઝથી લઈને વિશ્વનાથ કૉરીડૉર સુધી બધાં કામ ગુજરાતીઓને આપી રાખ્યાં છે. તમે ત્રીજી વાર વડા પ્રધાન બની ગયા પરંતુ બનારસને શું મળ્યું, કેટલા લોકોને રોજગાર મળ્યો?"
અજય રાય કહે છે કે, હું એ જ કહીશ કે તમે 18 જૂને આવી રહ્યા છો તો મોટાં કારખાનાં લઈને બનારસ આવો અને તેની ઘોષણા કરો. બનારસનું ગુજરાતીકરણ બંધ કરો."
નરેન્દ્ર મોદી ત્રીજી વખત વારાણસીથી સંસદ બન્યા છે. તેમણે વારાણસીથી કૉંગ્રેસ ઉમેદવાર અજય રાયને 1,52,513 વોટથી હરાવ્યા છે. અજય રાયને 4,60,457 વોટ મળ્યા હતા.
અજય રાય કહે છે, "કાશીની જનતા તેમનાથી કંટાળી ગઈ છે. જનતાએ જવાબ પણ આપ્યો છે. લોકોએ હારનું માર્જિન 5 લાખથી ઘટાડીને 1.5 લાખ કરી દીધું, આ નરેન્દ્ર મોદીની નૈતિક હાર છે."
ટી20 વર્લ્ડકપનો સૌથી મોટો અપસેટ, ન્યૂઝીલૅન્ડ બહાર
અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાઈ રહેલી ટી20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાંથી ન્યૂઝીલૅન્ડ બહાર થઈ ગયું છે. અફઘાનિસ્તાને ટી20 વર્લ્ડકપમાં પાપુઆ ન્યૂ ગિનીને હરાવ્યું છે અને તેને કારણે તે સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગયું છે.
ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચમાં અફઘાનિસ્તાને પાપુઆ ન્યૂ ગિનીને 19.2 ઓવરમાં 95 રનોમાં સમેટી લીધું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાદમાં બેટિંગમાં ઊતરેલી અફઘાનિસ્તાનની ટીમે ત્રણ વિકેટના નુકસાન પર 15.1 ઓવરમાં 101 રન બનાવીને જીત હાંસલ કરી.
અફઘાનિસ્તાન આ જીત બાદ વેસ્ટ ઇન્ડિઝની સાથે ગ્રૂપ સીમાંથી સુપર-8માં ક્વોલિફાય થઈ ગયું છે. બીજી તરફ ન્યૂઝીલૅન્ડ, યુગાંડા અને પાપુઆ ન્યૂ ગિની એક પણ મૅચ જીતી શક્યા નથી તેથી તેઓ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા ઇટાલી પહોંચ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી-7 સંમેલનનાં આઉટરીચ સત્રમાં ભાગ લેવા માટે શુક્રવારે ઇટાલીના આપુલિયા પહોંચ્યા છે.
તેમણે ટ્વીટ કરીને જણાવ્યું, “જી-7માં ભાગ લેવા માટે ઇટાલી પહોંચી ગયો છું. આશા છે કે દુનિયાભરના નેતાઓ સાથે સકારાત્મક અને પરિણામલક્ષી વાતચીત થશે. અમે મળીને દુનિયાની સામેના પડકારોનો ઉકેલ શોધવાની કોશિશ કરીશું અને બહેતર ભવિષ્ય માટે સહયોગ વધારવા પર ભાર મૂકીશું.”
ભારત જી-7નો ભાગ નથી પરંતુ તે પાંચમી વખત આમંત્રિત સદસ્ય તરીકે તેમાં ભાગ લઈ રહ્યો છે.
આ બેઠકમાં ભાગ લેવા માટે જર્મનીના ચાંસેલર ઓલાફ શોલ્ત્ઝ, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રોં, કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો, ઇટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોની, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા અને બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક ઇટાલી પહોંચી ગયા છે.
આ નેતાઓ ઉપરાંત યુરોપિયન કમિશનનાં અધ્યક્ષ ઉર્સુલા ફૉન દેર લેયન અને યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ માઇકલ પણ ત્યાં પહોંચી ગયા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી અને ખ્રિસ્તી પોપ ફ્રાંસિસ પણ આ બેઠકમાં ભાગ લેવાના છે. આ બેઠક ત્રણ દિવસ સુધી ચાલશે.
જી-7 દેશોના વડાઓની બેઠકમાં બે વર્ષથી પણ વધારે સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝા-ઇઝરાયલ યુદ્ધ, જળવાયુ પરિવર્તન, સ્થળાંતરના મુદ્દા, ટેકનૉલૉજી અને અન્ય મુદ્દા પર ચર્ચા થવાની છે.
કુવૈતમાં માર્યા ગયેલા 45 ભારતીયોના મૃતદેહ લઈને ઇન્ડિયન ઍરફોર્સનું વિમાન કોચિન પહોંચ્યું
કુવૈતમાં એક બહુમાળી ઇમારતમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા 45 ભારતીયોના મૃતદેહો લઈને ભારતીય વાયુસેનાનું એક વિમાન કોચિન માટે રવાના થઈ ગયું છે.
શુક્રવારે સવારે આ વિમાન કુવૈતથી રવાના થયું. પરિસ્થિતિની સમીક્ષા કરવા કુવૈત પહોંચેલા વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ પણ આ વિમાનમાં હતા.
ભારતીય એલચીકચેરીના અધિકારીઓ અનુસાર કીર્તિવર્ધનસિંહ ત્યાં કુવૈતી અધિકારીઓ સાથે સંકલન કરવા અને મૃતદેહોને ઝડપથી સ્વદેશ લાવવા માટે કુવૈત પહોંચ્યા હતા.
કુવૈતી અધિકારીઓ અનુસાર કુવૈતના મંગફ શહેરમાં બનેલી આ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ 45 ભારતીયોના મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે.
આ દુર્ઘટનામાં 45 ભારતીયો સાથે જ ફિલિપિન્સના ત્રણ નાગરિકોનાં મૃત્યુ થયાં છે. કુલ 49 લોકોનાં મોત થયાં છે અને 50 લોકો ઘાયલ થઈ ગયા છે.
બિન-નિવાસી કેરળવાસીઓની બાબતોના વિભાગના અધિકારીએ બિનસત્તાવાર રીતે જણાવ્યું હતું કે તેમના વિભાગના હેલ્પ ડેસ્કને મળેલી માહિતી અનુસાર દુર્ઘટનામાં કેરળનાં 24 લોકો માર્યા ગયા છે.