You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચોમાસામાં વાવણી કરતાં પહેલાં જમીન કેવી રીતે તૈયાર કરવી?
- લેેખક, રુચિતા
- પદ, બીબીસી ગુજરાતી માટે
રાજકોટના તરગડી તાલુકાના રમેશ ડોબરિયા કપાસની ખેતી કરે છે.
તેઓ કહે છે કે, "અમે મે મહિનાની શરૂઆતમાં ટ્રૅક્ટરથી ખેડ કરીયે છીએ અને છાણીયું ખાતર નાખીયે છીએ, જેથી જમીન ફળદ્રુપ થાય."
ચોમાસાની ઋતુ આવી પહોંચી છે અને ખેડૂતો વાવણીની તૈયારીઓમાં લાગી ગયા છે.
હવે ખરીફ ઋતુના પાકની વાવણી શરૂ થશે. ગુજરાતમાં ખરીફ પાકમાં કઠોળ, કપાસ, મગફળી, એરંડો, તલ, બાજરી, વગેરે ઉગાડવામાં આવે છે.
પરંતુ જો ચોમાસા પહેલાં જમીનને પાક માટે તૈયાર કરવામાં આવે તો ઉત્પાદન વધુ સારું થાય છે.
મિન્ટના એક અહેવાલ મુજબ, હવામાનમાં 'અલ નીનો'ની અસરને કારણે ચોમાસું નબળું રહ્યું હતું જેના કારણે 2023-24 પાક વર્ષ (જુલાઈ-જૂન)માં ભારતનું ખાદ્યાન્ન ઉત્પાદન 6.1% ઓછું રહેવાનો અંદાજ છે.
ફેબ્રુઆરીમાં કૃષિ અને ખેડૂતોના કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા બીજા આગોતરા અંદાજ મુજબ, 2023-24માં કુલ ખાદ્યાન્નનું ઉત્પાદન 309 મિલિયન ટન થવાનો અંદાજ છે.
સરકારના અંતિમ અંદાજ મુજબ 2022-23 પાક વર્ષમાં ખાદ્યાન્નનું ઉત્પાદન 329.6 મિલિયન ટન રહેવાની ધારણા હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એનો અર્થ એ છે કે જો વરસાદ પહેલાં યોગ્ય વ્યૂહરચના ધ્યાનમાં લેવામાં આવે તો વર્ષાન્તે ઉત્પાદનને ભારે અસર થાય નહીં.
આમ, હવામાન સંજોગોને તાબે થયા વગર, ખેતીના ઉત્પાદનના ઉચ્ચતમ સ્તરને જાળવી રાખવા માટે દરેક ઉપલબ્ધ વ્યૂહરચનાનો ઉપયોગ કરવો હિતાવહ બની જાય છે. આ કારણે જમીનની તૈયારી કરવાથી ઉત્પાદકતા વધે છે.
ચાલો ત્યારે જાણીએ નિષ્ણાત પાસેથી કે જમીન કેવી રીતે તૈયાર કરવી જોઈએ.
જમીનને કેવી રીતે ખરીફ પાક લેવા માટે તૈયાર કરવી?
ડૉ. પી.જે. પટેલ, સરદાર કૃષિનગર દાંતિવાડા ઍગ્રિકલ્ચર યુનિવર્સિટીના મહેસાણા જિલ્લામાં જગુદણ ખાતે આવેલા બીજ મસાલા સંશોધન સ્ટેશનમાં વૈજ્ઞાનિક છે. તેઓ બીબીસી સાથે વાત કરતાં કહે છે કે, "ચોમાસું બેસતાં પહેલાં ત્રણ વસ્તુ કરવી અગત્યની છે, જેથી વાવણી પહેલાં જમીન તૈયાર થઇ શકે.
પહેલું, જમીનની અંદર જે જીવાત હોય તેના નાશ માટે ઊંડી ખેડ કરવી જોઈએ. આમ કરવાથી જીવાત નાશ પામશે.
બીજું, ખેડ કરીને જમીનને ઉનાળામાં તપાવવી જોઈએ. જેથી કરીને જીવાતો નાશ પામે અને પવનથી ઓર્ગેનિક પદાર્થો જમીનમાં જાય અને જમીનની ગુણવત્તા સુધરે.
ત્રીજું, વરસાદ આવે તે પહેલાં છાણીયું ખાતર જમીનમાં નાખવું જોઈએ. જેથી કરીને વાવણી પહેલાં જમીનની ગુણવત્તામાં વધારો થાય.
આના સિવાય, વરસાદનું પાણી વેડફાય નહિ તે માટે તૂટેલી પાળ બાંધી દેવી જોઈએ. આમ તો ખરીફ પાકને પાણીની અછત રહેતી નથી પરંતુ, ઘણીવાર વરસાદ ઓછો પડે છે, તેથી તે વખતે ચોમાસું શરુ થતાં પહેલાં જ પાણીનો સંગ્રહ કરવા માટે કૂવો અથવા ટાંકી અથવા તલાવડી બનાવી શકાય.
ચોમાસા પહેલાં કચરો અને નિંદામણ વીણીને સાફ કરવું જોઈએ.
જો જરૂર હોય તો પાણીમાં જીપ્સમ ઉમેરી શકાય. જીપ્સમથી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વધે છે.
લીલું ખાતર જરૂર હોય તો નાખી શકાય.
ખરીફ પાક માટે ગુજરાત સરકાર અનુસાર, જો ખેતર ઢાળ પર હોય તો ખેડૂતોએ વિવિધ પાકો માટે જુદી જુદી પંક્તિઓ ગોઠવવી જોઈએ.
ખેડૂતો નફો મેળવવા માટે પાકને મિશ્રણ કરીને (મિક્સ ફાર્મિંગ) વાવી શકે છે.
ડાંગરના પાક માટે જો નર્સરી ઊભી ન હોય તો અંકુરિત બિયારણનો ઉપયોગ કરવો જોઈએ.
સમયસર આંતર-સંવર્ધન કરીને અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને ભેજનું સંરક્ષણ કરી શકાય.
ગુજરાતમાં ખરીફ પાક
વરસાદી ઋતુમાં જે પાકનું વાવેતર કરવામાં આવે છે તેને ખરીફ પાક કહેવામાં આવે છે. તે ઉનાળો અથવા ચોમાસું પાક તરીકે પણ ઓળખાય છે.
ભારતમાં સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ઋતુ દરમિયાન જુલાઈમાં પ્રથમ વરસાદની શરૂઆત સાથે ખરીફ પાકનું વાવેતર કરવામાં આવે છે.
ગુજરાતમાં 101 લાખ હેક્ટર ચોખ્ખો વાવણી વિસ્તાર છે અને કુલ પાક વિસ્તાર 128 લાખ હેક્ટર છે.
રાજ્યમાં 8 કૃષિ આબોહવા ઝોન છે. રાજ્યમાં જમીન ઊંડી કાળી, માધ્યમ કાળી, રેતાળ અને ક્ષાર વાળી પણ છે. ગુજરાતમાં ખારી જમીન અને આલ્કલાઇન જમીન હેઠળ સૌથી વધુ વિસ્તાર છે, જે અનુક્રમે 16.80 લાખ હેક્ટર અને 5.41 લાખ હેક્ટર છે.
ગુજરાતમાં, 24.94 ટકા વિસ્તાર શુષ્ક અને 35.56 ટકા અર્ધ શુષ્ક વિસ્તાર હેઠળ આવે છે. માત્ર 34.4 ટકા વિસ્તારમાં જ સિંચાઈ થાય છે. ગુજરાતના અડધા જેવા જિલ્લાઓ પાણીની તકલીફો ધરાવે છે.
ગુજરાતમાં ખરીફ પાક કયા છે અને ક્યાં લેવામાં આવે છે?
ગુજરાતના મુખ્યત્વે ખરીફ પાક કપાસ, મગફળી, તલ, એરંડો, ડાંગર, બાજરી, મકાઈ, તુવેર, કઠોળ અને શેરડી છે.
- કપાસ, શેરડી, ડાંગર અને જુવાર દક્ષિણ ગુજરાતમાં લેવામાં આવે છે.
- મધ્ય ગુજરાતમાં બાજરી અને તલની વાવણી થાય છે.
- ઉત્તર ગુજરાતમાં બાજરી અને કપાસ લેવાય છે.
- ઘઉં, મગફળી અને કઠોળ ઉત્તર-પશ્ચિમ ગુજરાતમાં વાવવામાં આવે છે.
- સૌરાષ્ટ્ર મગફળીના પાક માટે પ્રખ્યાત છે.