You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઍર કંડિશનર વિના ઘરને ઠંડુ રાખી શકાય?
- લેેખક, માર્થા હેન્રિક્સ
- પદ, ફીચર્સ સંવાદદાતા
જેમ જેમ વૈશ્વિક ઉનાળો વધુને વધુ આકરો બની રહ્યો છે તેમ તેમ વધુ ઇમારતોમાં આબોહવા પરિવર્તનમાં મોટો ફાળો આપતાં અને ઊર્જાનો વપરાશકર્તા એવાં ઍર કંડિશનર્સ (એસી) લગાવવામાં આવી રહ્યાં છે, પરંતુ એસી ચાલુ કર્યા વિના ઇમારતોને ઠંડી કરવાની કોઈ રીત છે?
પહેલી નજરે આ દૃશ્ય હૉબિટન ફિલ્મ સેટની ઢાળવાળી નાની ટેકરીઓ જેવું લાગી શકે. હરિયાળી ટેકરીઓ વચ્ચે ખુલતા ગોળાકાર દરવાજા સુધ્ધાં એવા લાગે, પરંતુ આ દરવાજા કાચના બનેલા છે અને તેની અંદર આરામદાયક હોબિટ હૉલ નથી. સ્ટીલના મોટા મિકેનિકલ હૅન્ડલ અને લીવર છે, જે કેટલાક દરવાજાઓને ખુલ્લા રાખે છે.
આ પહાડીઓ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં 'કૅલિફોર્નિયા ઍકેડેમી ઑફ સાયન્સીઝ'ની છતનો હિસ્સો છે. આ લહેરાતી હરિયાળી છત એન્જિનિયરિંગ અને ડિઝાઇનની શ્રેણી પૈકીની એક છે, જે ઍકેડેમીને અમેરિકામાં સૌથી મોટી, નિષ્ક્રિય રીતે વૅન્ટિલેટેડ જગ્યાઓ પૈકીની એક બનાવે છે. તેનો અર્થ એ છે કે ઉનાળો તેની ચરમસીમાએ હોય ત્યારે પણ આ ઇમારતનો મોટા ભાગનો હિસ્સો પૃથ્વીનાં તત્ત્વોના ચતુરાઈભર્યા ઉપયોગને લીધે ઠંડો રહે છે. તેમાં ઍર કંડિશનિંગનો ઉપયોગ થતો નથી.
આવી છત આર્કિટેક્ટ્સ, એન્જિનિયર્સ અને ડિઝાઇનર્સને ઇમારતોને ઍર કંડિશનિંગ વિના ઠંડી રાખવાની રીતો શોધવા આહ્વાન કરી રહી છે. આ પડકાર વધુને વધુ તાકીદનો બની રહ્યો છે.
ઑસ્ટ્રેલિયા, દક્ષિણ એશિયા, ઉત્તર અમેરિકા અને યુરોપને હીટવેવ ધમરોળી રહી છે ત્યારે આ વર્ષ અત્યંત ગરમીભર્યું બની રહ્યું છે.
આબોહવા પરિવર્તનને લીધે વારંવાર સર્જાતી હીટવેવનો સામનો કરવા માટે 2050 સુધીમાં વિશ્વભરમાં એસી યુનિટ્સની સંખ્યા ત્રણ ગણીથી વધુ થવાની ધારણા છે. મોટા પ્રમાણમાં વીજળીના વપરાશ ઉપરાંત એસી યુનિટ્સમાં રેફ્રિજરન્ટ્સ હોય છે, જે શક્તિશાળી ગ્રીનહાઉસ ગૅસ હોય છે. આ રેફ્રિજરન્ટ્સ વાસ્તવમાં પૃથ્વી પરના દરેક દેશમાં ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જનનો સૌથી ઝડપથી વિકસતો સ્રોત છે.
જોકે, તેના પુષ્કળ વિકલ્પો ઉપલબ્ધ છે. 7,000 વર્ષોથી ઉપયોગ થતો રહ્યો છે તેવી પ્રાચીન ઇમારતોની ડિઝાઈનથી માંડીને 'કૅલિફોર્નિયા ઍકેડેમી ઓફ સાયન્સ'ની અદ્યતન ટેકનૉલૉજી સુધી, એવી ઇમારતો બનાવવાનું શક્ય છે, જે ઊર્જાની કોઈ દેખીતી જરૂરિયાત વિના પણ ઠંડી રહી શકે.
ઍકેડેમીની છતનો ઘાસવાળો ગુંબજ હવાના કુદરતી પ્રવાહને ઇમારતની અંદર વાળે છે. પવન ફૂંકાય છે તેમ ટેકરીઓની એક બાજુ પર નેગેટિવ પ્રેશર સર્જાય છે, જે આપમેળે નિયંત્રિત છતની બારીઓને ઈમારતની અંદર હવા લાવવામાં મદદ કરે છે. છત વનસ્પતિથી ઢંકાયેલી હોવાને કારણે તે પણ નીચેની જગ્યામાં તાપમાન નીચે લાવવામાં મદદરૂપ થાય છે, તેમજ ઉપરના હિસ્સામાં વન્યજીવન માટે રહેવાની જગ્યા આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઇમારતની ડિઝાઈન સાથે સંકળાયેલા અને અરૂપ ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગ ગ્લોબલ લીડર એલિસ્ડેર મેકગ્રેગર કહે છે, “અમારી પાસે એસી નહીં હોય એવું ધારીને ઇમારતને કેટલી સારી રીતે ડિઝાઈન કરી શકાય એ દૃષ્ટિકોણ સાથે અમે શરૂઆત કરીએ છીએ.”
તેઓ ઉમેરે છે, "આ દૃષ્ટિકોણ સાથે ઇમારતને સંપૂર્ણપણે જળવાયુ-નિયંત્રિત કરવાનું બહુ મુશ્કેલ છે. ઇમારતની બાજુમાંના ઘોંઘાટિયા મોટરવેથી સર્જાતી મર્યાદાને લીધે બારીઓ ખોલવાનું અશક્ય બની જાય છે. ઇમારતમાં અનેક ગરમ ઉપકરણો કે હૉસ્પિટલની માફક વિશેષ જરૂરિયાતવાળા લોકો હોઈ શકે છે. તેનો અર્થ એ થાય કે એસી ખર્ચાળ અને ઉત્સર્જન કરતું હોવા છતાં જરૂરી બની જાય છે."
કૅલિફોર્નિયા ઍકેડેમી ઑફ સાયન્સીઝ પેસિવ ડિઝાઈનમાં એક શિખર છે, પરંતુ તે સાતત્યસભર વિકાસના કેટલાક શ્રેષ્ઠ એન્જિનિયર્સ અને આર્કિટેક્ટ્સ સાથેનો લગભગ અડધો અબજ ડૉલરનો પ્રોજેક્ટ પણ હતો, પરંતુ આપણા પૈકીના મોટા ભાગના લોકો તેમનો મોટા ભાગનો સમય જેમાં પસાર કરે છે તેવી સાધારણ ઇમારતોનું શું? પેસિવ કૂલિંગ વડે તેને પણ હીટવેવ-પ્રૂફ બનાવી શકાય?
પાણી
પેસિવ કૂલિંગનાં સૌથી સરળ સ્વરૂપો પૈકીના એકમાં, પાણીનું બાષ્પીભવન થાય ત્યારે હવાના તાપમાનમાં થતા ફેરફારનો ઉપયોગ કરવામાં આવે છે. પાણીને પ્રવાહી અવસ્થામાંથી વરાળમાં પરિવર્તિત થવા માટે ઊર્જાની જરૂર પડે છે અને તે હવામાંથી ગરમીના રૂપમાં ઊર્જા મેળવે છે.
ઉત્તર સ્પેનની વેલાડોલીડ યુનિવર્સિટીનાં એન્જીનિયર એના ગોન્ઝાલેઝ કહે છે, “બાષ્પીભવનકારી કૂલિંગ એક કુદરતી ઘટના છે. તેનાં ઘણાં ઉદાહરણો પ્રકૃતિમાં જોવા મળે છે.” તે સપાટી તેમજ હવાને ઠંડી કરી શકે છે, પરસેવો થાય ત્યારે તમારી ત્વચા પર અને કૂતરો હાંફતો હોય ત્યારે તેની જીભ પર આવું થાય છે.
સ્પેનના ગોન્ઝાલેઝ પ્રદેશમાં બોટીજો નામના પરંપરાગત વાસણમાં સમાન સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. બોટીજો છિદ્રાળુ માટીથી બનેલું મોટું વાસણ છે અને તેનો ઉપયોગ પાણી અથવા વાઇનના વહન માટે થાય છે. ખેડૂતો તેનો ઉપયોગ ખેતરમાં કરે છે. માટીની દિવાલોમાંનાં છિદ્રોમાંથી થોડાં પ્રમાણમાં પ્રવાહીનું બાષ્પીભવન થાય છે, જે સ્પેનને તડકામાં પણ અંદરના પ્રવાહીને ઠંડુ રાખે છે.
સ્થાપત્ય ક્ષેત્રે બાષ્પીભવનકારી ઠંડકનો ઉપયોગ પ્રાચીન ઇજિપ્ત અને રોમનોના સમયથી થતો રહ્યો છે, પરંતુ તેનાં કેટલાંક વિસ્તૃત ઉદાહરણો અરબી સ્થાપત્ય અને મશરબિયા નામની રચનાઓમાં જોવા મળે છે. મશરબિયા એ અલંકૃત, પરંપરાગત રીતે જટિલ ડિઝાઈન સાથે કોતરવામાં આવેલી લાકડાની જાળી હોય છે. તે ઇમારતની અંદર અથવા બહાર જોવા મળે છે. છાંયડો આપવાની સાથે સાથે મશરબિયા ઉનાળામાં બોટીજો જેવાં પાણી ભરેલાં છિદ્રાળુ માટીનાં વાસણો જેવું કામ કરે છે. આ મશરબિયા અને વાસણો પરથી હવાની લહેરો વહેતી હોવાથી ઓરડાને ઠંડો રાખવામાં મદદ મળે છે.
બિલ્ડિંગ અથવા બહારની જગ્યામાં બાષ્પીભવનકારી ઠંડકનો ઉપયોગ કરવાની આનાથી સરળ રીતો પણ છે. આંગણાંમાંનું નાનું તળાવ, ફૂવારો અથવા વહેતું પાણી આવું જ કામ કરે છે. બારી અથવા પવનની લહેરો આવતી હોય તેવી જગ્યાએ પાણી ભરેલાં વાસણો રાખવાથી જગ્યાને ઠંડી રાખવામાં મદદ મળી શકે છે.
પૃથ્વી
ભારતની આર્કિટેક્ચરલ ફર્મ 'મોર્ફોજેનેસિસ'ના સ્થાપક ભાગીદાર મનિત રસ્તોગીના કહેવા મુજબ, હાલમાં ગ્લોબલ નોર્થના સમશીતોષ્ણ પ્રદેશોએ અતિશય ગરમીનો નિયમિત રીતે સામનો કરવા સજ્જ થવું હોય તો તેમણે ગ્લોબલ સાઉથમાંની પ્રાચીન તથા આધુનિક બંને ઇમારતો પાસેથી શીખવા જેવું ઘણું છે.
રસ્તોગી કહે છે, “વિશ્વનો આ હિસ્સો હંમેશાં ગરમ રહ્યો છે. અહીં પેસિવ કૂલિંગ પ્રણાલીઓ હજારો વર્ષોથી આવશ્યક બાબત બની રહી છે. અમારાં અહીંનાં મોટા ભાગનાં પરંપરાગત સ્થાપત્યો યાંત્રિક માધ્યમો વિના ઠંડક મેળવવાનાં અસાધારણ ઉદાહરણો છે.”
ખુલ્લી, ગરમ અને શુષ્ક આબોહવામાં પણ ઠંડુ તાપમાન અશક્ય હોતું નથી. રાજસ્થાનની રાજધાની જયપુરમાં ઉનાળાના મહિનાઓમાં દિવસનું તાપમાન નિયમિત રીતે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર પહોંચી જતું હોય છે, પરંતુ આ પ્રદેશમાં જમીનમાં થોડાક મીટર જ નીચે પૃથ્વીનું તાપમાન ઉનાળાની તીવ્ર ગરમીમાં પણ 25 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઓછું હોય છે.
આ સિદ્ધાંતના આધારે જયપુરમાં 'પર્લ ઍકેડેમી ઑફ ફેશન ડિઝાઈન' કરી ચૂકેલા રસ્તોગીના કહેવા મુજબ, સમસ્યાનું નિરાકરણ જમીન ખોદવામાં છે. રસ્તોગી અને તેમના સાથીઓએ ઍકેડેમીનાં છાંયડાવાળાં આંગણાંમાની પરંપરાગત વાવનો ઉપયોગ કર્યો હતો. ગ્રે પથ્થરનાં પગથિયાં ઊતરીને સ્થિર વરસાદી પાણીના અને શુદ્ધ કરાયેલા પાણીના ભંડાર સુધી પહોંચી શકાય છે. ભૂગર્ભ તાપમાનથી ઠંડો થયેલો આ પૂલ આંગણામાંથી નોંધપાત્ર પ્રમાણમાં ગરમી શોષી લે છે અને હવાને તાજી રાખે છે. રસ્તોગી કહે છે, “જમીનમાં ખોદકામ એકદમ અસરકારક ઉકેલ છે.”
તે આકર્ષક ઉકેલ હોઈ શકે, પરંતુ આ રીતનો ઉપયોગ કરવા માટે તમારી મિલકતની અંદર મોટો કૂવો ખોદવો જરૂરી નથી. કૉમર્શિયલ ગ્રાઉન્ડ સોર્સ હીટિંગ તથા કૂલિંગ સિસ્ટમ્સ પણ બહાર દટાયેલી પાઇપ્સ દ્વારા પ્રવાહી બહાર કાઢીને પૃથ્વીના વર્ષભરના સ્થિર તાપમાનનો ઉપયોગ કરે છે. પૃથ્વીનું તાપમાન ઘટવાની સાથે પ્રવાહીનું તાપમાન ઘટે છે અને પછી તેને ફરી અંદર પમ્પ કરવામાં આવે છે, જ્યાં તે અન્ડરગ્રાઉન્ડ પાઇપ્સ દ્વારા ઘરને ઠંડુ રાખે છે. આ સિસ્ટમ્સનો ઉપયોગ શિયાળામાં ઇમારતોને ગરમ રાખવા અને ઉનાળામાં ઠંડી રાખવા માટે થઈ શકે છે. ગરમી માટે તેનો ઉપયોગ ઓછો થાય છે, પરંતુ ખાસ કરીને ઉનાળામાં ઉત્તર ચીનનાં શહેરોમાં ઠંડક માટે તે વધુને વધુ લોકપ્રિય બની રહી છે.
જયપુરની પર્લ ઍકેડેમી ઑફ ફેશન તાપમાનને નીચું રાખવા માટે વાવ ઉપરાંત કેટલીક અન્ય યુક્તિઓનો ઉપયોગ પણ કરે છે. તેની ઇમારત સરળ લંબચોરસ આકારની છે. તે ભવ્ય દેખાતી નથી, પરંતુ બાહ્ય સપાટીના વિસ્તાર માટે આંતરિક જગ્યાના મહત્તમ ઉપયોગનો લાભ તેને મળે છે, કારણ કે સૂર્યકિરણોના સંપર્કમાં આવતી તમામ જગ્યા ગરમીને શોષી લે છે. સમગ્ર ઇમારતને જાળી અથવા છિદ્રોવાળી પથ્થરોથી આવરી લેવામાં આવી છે, જે બહારની દિવાલથી લગભગ ચાર ફૂટ દૂર છે. તે ઇમારતને છાંયડો આપવામાં અને તાપમાનને દૂર રાખવામાં મદદરૂપ થાય છે. રસ્તોગી કહે છે, “આમાં ઘણી બાબતો પ્રકૃતિના સંપર્કમાં રહેવાની અને તે કેવી રીતે કામ કરે છે તે સમજવાની છે. તમે સાઇટ અને ચોક્કસ ટાઇપૉલૉજીને સમજી લેશો તો કામ આસાન બની જશે.”
તેના પરિણામે ઍકેડેમીના આંતરિક ભાગમાં સૌથી ગરમ મહિનાઓમાં પણ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહે છે, જ્યારે બહારનું તાપમાન નિયમિત રીતે 40 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે હોય છે. તેને લીધે જ્યારે બહું જરૂરી હોય ત્યારે જ એસીનો ઉપયોગ કરવો પડે છે.
પવન
ઈરાનના યઝદ શહેરને ‘વિન્ડકેચર સિટી’ તરીકે ઓળખવામાં આવે છે. વિન્ડકેચર્સ કમાનવાળી કાચ વિનાની બારીઓ ધરાવતી સપાટ છતવાળી ઇમારતોની ઉપરના ટાવર્સ હોય છે. તે પ્રવર્તમાન પવનની દિશામાં હોય છે. આ ટાવર્સ સદીઓથી પવનને એકત્ર કરીને ટાવરની અંદરની શ્રેણીબદ્ધ બ્લેડ્ઝ દ્વારા ચૅનલોમાં વિભાજિત કરીને મકાનોની અંદર પહોંચાડતા રહ્યા છે. વિન્ડકેચરનું કમાનવાળું છાપરું જોરદાર પવન ફૂંકાતો હોય ત્યારે પણ હવાના પરિભ્રમણને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે. કેટલીકવાર સરોવર અથવા ઊંડાં જળાશયો પરથી વહેતી હવા ઠંડક વધારવામાં ઉપયોગી થાય છે.
તહેરાનની કાઝવિન ઇસ્લામિક આઝાદ યુનિવર્સિટીમાં આર્કિટેક્ચરના આસિસ્ટંટ પ્રોફેસર મહનાઝ મહમૂદી ઝરાંદીના સંશોધન મુજબ, યઝદના વિન્ડકેચર્સ મધ્ય પૂર્વમાં સૌથી વધુ વૈવિધ્યસભર અને સર્જનાત્મક છે. યઝદના વિન્ડકેચર્સના વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે તેનું સૌથી વધુ અસરકાર મૉડેલ ઘરની અંદરનું તાપમાન 40 ડિગ્રી સેન્ટીગ્રેડથી 29.3 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ઘટાડી દે છે.
અરુપના મૅકગ્રેગોરના કહેવા મુજબ, સામાન્ય ઇમારતોમાં વિન્ડકેચર બાંધી શકાતા નથી, પરંતુ બીજા વિકલ્પો જરૂર છે. જુદી જુદી ઊંચાઈએ ઇમારતની જુદી જુદી બાજુઓ પરની બારીઓ ખુલ્લી રાખવાથી હવા ખેંચવામાં મદદ મળી શકે છે. મેકગ્રોગેર કહે છે, “દાખલા તરીકે ટોચ પર ખુલતું અને તળિયે દરવાજો ધરાવતું એટ્રિયમ. પ્રવેશમાં ફેરફાર કરીને તમે બિલ્ડિંગમાં હવાના પ્રવાહને નિયંત્રિત કરી શકો છો.”
કોંક્રીટનું જંગલ
જોકે, હોશિયારીથી ડિઝાઈન કરવામાં આવેલી પ્રત્યેક ઇમારતના સંદર્ભમાં વિચારીએ તો તે થર્મોસ્ટેટને નીચે લાવી શકે છે, પરંતુ ઇમારતોની બાકીના શહેરી લૅન્ડસ્કેપ સાથેની ક્રિયાપ્રતિક્રિયાને સમજવાથી તેને વધુ નીચે લાવવામાં મદદ મળી શકે છે.
‘વોકી-ટોકી’ તરીકે ઓળખાતી લંડનની ગગનચૂંબી ઇમારત આવું શા માટે ન કરવું તે સમજાવે છે. આ બિલ્ડિંગ એક વિશાળ વાટકીની અંદર રહેલી ખાલી ગોળ જગ્યા જેવા આકારમાં છે. તે ફૅન્સી દેખાય છે, કારણ કે અંદરની તરફ વળેલી ગગનચુંબી ઇમારતો સામાન્ય નથી. આ ઇમારતનું નિર્માણ કામ પૂર્ણ થયું એ પહેલાં જાણવા મળ્યું હતું કે વિશાળ ચમકતી અવતલ સપાટી બિલોરી કાચની જેમ કામ કરે છે, સૂર્યનાં કિરણોને એક નાના વિસ્તાર પર કેન્દ્રિત કરે છે. તેનું ફોકસ રસ્તાથી થોડે દૂર આવેલી વાળંદની દુકાન તથા વિયેતનામી રેસ્ટોરાં પર પડતું હતું. તાપમાન એટલું વધારે હતું કે રંગ ઓગળી ગયો હતો, કારના પૂર્જાઓ ખરાબ થઈ ગયા હતા, ટાઇલ્સ તૂટી ગઈ હતી અને પગલૂંછણિયામાં આગ લાગી હતી.
છેલ્લી ઘડીએ બ્રિઝ સોલીલ અથવા ઍલ્યુમિનિયમ સ્લેટથી બનેલો વિશાળ 'સનશેડ' લગાવવાને કારણે હવે સમસ્યાનું નિવારણ થઈ ગયું છે, પરંતુ તે દર્શાવે છે કે ડિઝાઈનમાં થોડા ફેરફારથી શહેરી લૅન્ડસ્કેપના તાપમાનમાં કેટલો મોટો બદલાવ થઈ શકે છે. રસ્તાને દઝાડતા ગગનચુંબી કદના બિલોરી કાચ ન હોય તો પણ ત્યાં અર્બન હીટ આઇલૅન્ડ ઇફેક્ટની સમસ્યા છે. તેમાં નિસ્તેજ, રાખોડી કોંક્રીટ સૂર્યની ગરમીને શોષી લે છે અને તદ્દન બિનજરૂરી ગરમ પાણીની બૉટલની જેમ રાહદારીઓ પર ફેલાવે છે.
આપણી 'હીટ આઈલૅન્ડ ઇફેક્ટ'ને શહેરી ઉનાળાનું આવશ્યક અનિષ્ટ ગણીએ છીએ, પરંતુ તેને ઘટાડવા માટે શહેરી જગ્યાઓનો ઉપયોગ કરી શકાય. તેની સૌથી અસરકારક રીત એ વૃક્ષોનું વાવેતર છે. પાલ્મા, મેજોર્કા જેવાં હારબંધ વૃક્ષો ધરાવતાં શહેરો અને ન્યૂયોર્કની ખુલ્લી ફૂટપાથો વચ્ચેનો તફાવત આપણે બધા સાહજિક રીતે જાણીએ છીએ.
કોલંબિયાના મેડેલિનમાં શહેરના સત્તાવાળાઓએ ‘ગ્રીન કોરિડોર’નો પ્રયોગ કરી રહ્યા છે. તેમણે શહેરના કેટલાક વિસ્તારોમાં 30 ગ્રીન કોરિડોર વિકસાવ્યા છે. તેમાં 18 રસ્તાઓ અને 12 જળમાર્ગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગ્રીન કોરિડોરને લીધે તાપમાનમાં બે ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનો ઘટાડો થયો છે. યુનિવર્સિટી ઑફ વિસ્કોન્સિન-મેડિસનનાં ઇકૉલૉજિસ્ટ મોનિકા ટર્નરે કરેલો અભ્યાસ જણાવે છે કે વૃક્ષોનં વ્યાપક આવરણ શહેરી તાપમાનમાં પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનો ઘટાડો કરી શકે છે.
ઘણાં શહેરો આ પ્રકારે પગલાં લઈ રહ્યાં છે. મિલાનમાં મહાપાલિકાના સત્તાવાળાઓએ 2030 સુધીમાં શહેરમાં 30 લાખ વૃક્ષો વાવવાની યોજના બનાવી છે. ઑસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં પણ ભવિષ્યના ગરમીના મોંજાથી શહેરને સલામત રાખવા માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને ચીનના લિયુઝોઉ ફોરેસ્ટ સિટી જેવાં નવાં શહેરો પહેલેથી જ હરિયાળીનું આવરણ સર્જવામાં સફળ થયાં છે.
એક્ઝિટ સ્ટ્રેટેજી
સારી રીતે ડિઝાઇન કરાયેલા શહેરમાંની પેસિવલી કૂલ્ડ ઇમારતોમાં પણ આ પ્રકારનાં પગલાં ક્યારેક અપૂરતાં હોય છે. ગરમી ઉત્પન્ન કરતાં સાધનો અને દર્દીઓથી ભરેલી હૉસ્પિટલોમાં ઠંડક જરૂરી હશે. વેલાડોલિડ યુનિવર્સિટીના તેજેરો ગોન્સાલેઝ કહે છે, “અહીં આપણે ઊર્જાની બહુ પરવા કરતા નથી. આપણા માટે ઘરની અંદર યોગ્ય થર્મલ સ્થિતિ પ્રાપ્ત કરવી જરૂરી હોય છે.”
હકીકત એ છે કે પરંપરાગત ઍર કંડિશનર સૌથી છેલ્લો ઉપાય હોવું જોઈએ, તાતી જરૂરિયાત નહીં. મેકગ્રેગોર ઉમેરે છે, પેસિવ કૂલિંગની કદાચ સૌથી આશાસ્પદ બાબત એ છે કે તે ઍર કંડિશનિંગનાં જે દુષ્ટ ચક્રમાં આપણે ફસાયેલા છીએ તેમાંથી બહાર નીકળવાનો માર્ગ પ્રદાન કરે છે. ઠંડક માટેની ઍર કંડિશનિંગ ટેકનૉલૉજી હકીકતમાં વિશ્વને ગરમ કરવામાં મોટો ફાળો આપે છે.