વીજળીબિલ : એસી ચલાવીને પણ વીજળીનું બિલ નિયંત્રણમાં રાખી શકો તેના આઠ ઉપાય

    • લેેખક, રાજેશ પેડાગડી
    • પદ, બીબીસી તેલુગુ સર્વિસ

દેશના ઘણા વિસ્તારોમાં ઉષ્ણતામાન વધી રહ્યું છે અને ભારતીય હવામાન વિભાગે દેશના સંખ્યાબંધ વિસ્તારોમાં હીટ વેવની એટલે કે આકરી ગરમી પડવાની આગાહી કરી છે.

ઉત્તર-પૂર્વ અને તટીય વિસ્તારોમાં મહત્તમ ઉષ્ણતામાનનું પ્રમાણ સામાન્ય કરતાં બેથી ચાર ડિગ્રી વધારે રહેવાની આગાહી પણ હવામાન વિભાગે કરે છે.

દર વર્ષે મે અને જૂનમાં દેશમાં આવી જ પરિસ્થિતિ હોય છે. જોકે, આ વર્ષે માર્ચથી જ ઉષ્ણતામાનમાં અભૂતપૂર્વ વધારો અનુભવાઈ રહ્યો છે.

આકરી ગરમી સામે ઍર કંડિશનિંગ (એસી) રાહત આપે છે, પરંતુ તેવી રાહત મેળવવા માટે વીજળી માટે બિલના સ્વરૂપમાં ઊંચી કિંમત ચૂકવવી પડે છે.

નિષ્ણાતો કહે છે કે એસીના ઉપયોગ છતાં વીજળીના બિલમાં ઘટાડો કરવો શક્ય છે. એસીનો ઉપયોગ કરતી વખતે વીજળીનો વપરાશ ઘટાડવા માટે નિષ્ણાતોએ આપેલાં સૂચનો અને તરકીબો આ રહી.

1)લઘુતમ ઉષ્ણતામાન 24થી 27 ડિગ્રી સેલ્સીયસ વચ્ચે જ સેટ કરો

ઓછું ટૅમ્પરેચર સેટ કરીશું તો રૂમ ઝડપથી ઠંડો થશે એવું ધારીને ઘણા લોકો ઘરમાં એસી સિસ્ટમનું ટૅમ્પરેચર 18 ડિગ્રી પર સેટ કરે છે.

અલબત, સેન્ટર ફૉર સાયન્સ ઍન્ડ એન્વાયર્નમેન્ટ (સીએસઈ)માં સિનિયર રિસર્ચર તરીકે કાર્યરત અવિકલ સોમવંશી જણાવે છે કે એસીનું ટૅમ્પરેચર 18 ડિગ્રી પર ક્યારેય સેટ કરવું જોઈએ નહીં.

અવિકલ સોમવંશીએ બીબીસીને કહ્યું હતું કે "એસીનું ટૅમ્પચેર 24થી 27 ડિગ્રી વચ્ચે સેટ કરવું જોઈએ. એમ કરવાથી તેના ટકાઉપણામાં વધારો થાય છે અને વીજળીનો વપરાશ ઘટાડવામાં મદદ મળે છે. સીએસઈએ હાથ ધરેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે એસીનું ટૅમ્પરેચર 27 ડિગ્રીથી ઓછું રાખવામાં આવે છે ત્યારે એસી દ્વારા વીજળીના વપરાશમાં પણ ત્રણથી 10 ટકા ઘટાડો થાય છે."

તેમણે ઉમેર્યું હતું કે "ફાઈવ સ્ટાર રેટિંગ ધરાવતું એસી 20 ડિગ્રી પર ચલાવવાને બદલે વન સ્ટાર એસી 27 ડિગ્રી પર ચલાવવું બહેતર છે. તમે 18 ડિગ્રી પર એસી ચલાવવા ઇચ્છતા હો તો તમારા ઘરનું કુદરતી ઉષ્ણતામાન પણ 18 ડિગ્રી હોવું જોઈએ, જે શક્ય નથી. રૂમની બહારનું ઉષ્ણતામાન 18 ડિગ્રી પર લાવવામાં કેટલો સમય લાગે છે તે ચકાસી જુઓ."

એસીનું ડિફૉલ્ટ ટૅમ્પરેચર 24 ડિગ્રી પર રાખવાના ભારત સરકારના નિર્ણયની યાદ પણ તેમણે અપાવી હતી.

એસી ચાલુ કરવામાં આવે ત્યારે જે ઉષ્ણતામાન પ્રતિબિંબિત થાય છે તેને ડિફૉલ્ટ ટૅમ્પરેચર કહેવામાં આવે છે.

બ્યૂરો ઑફ એનર્જી એફિશિયન્સીએ બનાવેલો નિયમ જણાવે છે કે એસીનું સ્ટાર્ટ ટૅમ્પરેચર 24 ડિગ્રી પર જ સેટ કરવું જોઈએ. તેનો અર્થ એ થયો કે એસી ચાલુ કરીએ ત્યારે તેનું ટૅમ્પરેચર 24 ડિગ્રી હોવું જોઈએ. તેમાં પછી ઇચ્છા મુજબ ઘટાડો કરી શકાય.

એસીનું સ્ટાર્ટિંગ ટૅમ્પરેચર 24 ડિગ્રી પર સેટ કરવાનો હેતુ વીજળીનો વપરાશ ઘટાડવાનો છે એવું અવિકલે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે "એસીનું ટૅમ્પરેચર 24 ડિગ્રીથી વધારવામાં આવે ત્યારે વીજળીના વપરાશમાં 6 ટકા સુધીનો ઘટાડો કરી શકાય છે."

ઘરમાં એસીનું ટૅમ્પરેચર 25 ડિગ્રી સુધી મર્યાદિત રાખવા બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ 'કૂલ યુએન' શીર્ષક હેઠળ એક ખાસ ઝુંબેશ ચલાવી રહ્યું છે.

2)ઇન્સ્ટૉલેશનમાં સમસ્યા

ઇલેક્ટ્રૉનિક્સ કંપની ટીસીએલની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, એસીના ઇન્સ્ટૉલેશન વખતે સર્જાતી સમસ્યાઓને કારણે પણ વીજળીનો વપરાશ વધતો હોય છે.

વેબસાઇટ પરની માહિતી મુજબ, "ઇન્સ્ટૉલેશન વખતની સમસ્યાઓના પરિણામે એસી યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી અને તેની ક્ષમતામાં ઘટાડો થાય છે."

અર્બન કંપનીમાં એસી રિપેર સર્વિસ ટેકનિશિયન તરીકે કાર્યરત એમ રિહાને કહ્યું હતું કે "રૂમની સાઇઝને ધ્યાનમાં રાખીને એસીની ખરીદી કરવી જોઈએ. દાખલા તરીકે તમારા રૂમનું કદ 120થી 140 ચોરસ ફૂટ હોય તો તેના માટે એક ટનની ક્ષમતાવાળું એસી પર્યાપ્ત છે."

"રૂમની સાઇઝ 150થી 180 ચોરસ ફૂટ હોય તો તેના માટે દોઢ ટનની ક્ષમતા ધરાવતા એસીની પસંદગી કરવી જોઈએ. તમારો ઓરડો 180 ચોરસ ફૂટથી મોટો હોય તો બે ટનની ક્ષમતા ધરાવતું એસી પસંદ કરવું જોઈએ."

તેમણે ઉમેર્યું હતું કે "નાના ઓરડા માટે વધારે ક્ષમતાવાળું એસી લગાવવાથી વીજળીના વપરાશમાં વધારો થાય જ. એવી જ રીતે મોટા ઓરડા માટે ઓછી ક્ષમતાવાળું એસી લગાવવું હિતાવહ નથી. જગ્યાનું કદ ધ્યાનમાં રાખીને જ એસીની ખરીદી કરવી જોઈએ."

એસી દ્વારા પ્રતિકલાક બહાર ફેંકવામાં આવતી ઓરડામાંની ગરમ હવાના પ્રમાણને ટનમાં માપવામાં આવે છે. વધારે ક્ષમતાવાળું એસી હોય તો તેમાં વીજળીનો વપરાશ વધારે થાય છે.

3)સૂર્યના સીધા પ્રકાશથી દૂર

સૂર્યનો સીધો પ્રકાશ ન આવતો હોય તેવી જગ્યાએ એસી ઇન્સ્ટૉલ કરવું જોઈએ. એસીમાં વીજળીના વધુ વપરાશનું એક કારણ આ પણ હોય છે, એવું નિષ્ણાતો જણાવે છે.

એમ રિહાને બીબીસીને કહ્યું હતું કે "એસીના આઉટડોર યુનિટમાં કન્ડૅન્સર કોઇલ અને કન્ડૅન્સર ફેન હોય છે."

"ફૅનનું કામ ગરમ હવાને કન્ડૅન્સર કોઇલમાંથી પસાર થવામાં મદદ કરવાનું છે, પરંતુ કન્ડૅન્સર કોઇલ પર સીધો સૂર્યપ્રકાશ પડતો હોય તો રૂમને ઠંડો કરવાની એસીની ક્ષમતામાં ઘટાડો થાય છે."

"બીજા શબ્દોમાં કહીએ તો એસીના આઉટર યુનિટ પર સીધો સૂર્યપ્રકાશ પડતો હોય તો ગરમ હવાને ઠંડી કરવાની એસીની ક્ષમતા ઘટે છે."

તેમણે ઉમેર્યું હતું કે, "સીધા સૂર્યપ્રકાશને કારણે એસી રૂમને ઠંડો કરવામાં વધુ સમય લેશે અને તેના પરિણામે વીજળીના વપરાશમાં વધારો થશે."

"કેટલાક લોકો એસી પર સૂર્યના કિરણો સીધાં ન પડે એટલા માટે એસીના આઉટર યુનિટ પર કપડું વિંટાળી રાખે છે."

"આમ કરવું વધારે જોખમી છે, કારણ કે કપડું એસીના ફૅનમાં ભરાઈ જાય તો એસી તદ્દન બંધ પડી જાય તે શક્ય છે," એવું પણ એમ રિહાને કહ્યું હતું.

તેથી વીજળીનું બિલ ઘટાડવા માટે એસીના આઉટર યુનિટને સીધો સૂર્યપ્રકાશ ન આવતો હોય તેવી જગ્યાએ ઈન્સ્ટોલ કરવું હિતાવહ છે.

4)જાળવણીનું મહત્વ

એસીની સારસંભાળ રાખવી જરૂરી છે અને એસીની જાળવણી યોગ્ય રીતે કરવામાં આવે તો વીજળીનું બિલ ઘટાડી શકાય છે.

એમ. રિહાને કહ્યું હતું કે "ઍન્યુઅલ મેઇન્ટેનન્સથી એસીની ક્ષમતામાં વધારો થાય છે."

"એસીનાં ફિલ્ટર્સ તથા ડક્ટ્સમાં ધૂળ તથા મેશ એકત્ર થતી હોય છે. તેની સફાઈ ન કરવામાં આવે તો એસીની ક્ષમતામાં ઘટાડો થાય છે."

તેમણે એમ પણ કહ્યું હતું કે "ઘણીવાર એસીમાંથી ગૅસ લીક થાય છે. તેને કારણે પણ એસી કામ કરતું અટકી જાય છે. સર્વિસિંગ વખતે ગૅસનું પ્રેશર પણ ચેક કરવું જરૂરી છે."

"ઘણીવાર કૉમ્પ્રેસર ચાલુ થવામાં વિલંબ થતો હોય છે. એવા સમયે સર્વિસ કરાવવી જરૂરી છે. તેનાથી એસીની આવરદા વધે છે," એવું એમ રિહાને કહ્યું હતું.

5)24 કલાક એસી ચાલુ નહીં રાખવાનું

અવિકલ સોમવંશીએ કહ્યું હતું કે "એસી 24 કલાક સતત ચાલુ રાખવું ન જોઈએ. એસી માટે ટાઇમર્સનો ઉપયોગ કરવો જોઈએ."

તેમના જણાવ્યા મુજબ, "લગભગ તમામ એસીમાં ટાઇમર્સની વ્યવસ્થા હોય છે. રૂમ ઠંડો થવામાં લાગતા સમયને ધ્યાનમાં રાખીને તે અનુસાર ટાઇમરનો ઉપયોગ કરવો જોઈએ. વીજળીનો વપરાશ આ રીતે પણ ઘટાડી શકાય છે."

"એસીને બંધ કરવામાં આવે ત્યારે તેના સ્પેરપાર્ટ્સ ઠંડા થતા હોય છે. ઠંડા થયેલા સ્પેરપાર્ટ્સ ફરી એસી ચાલુ કરવામાં આવે ત્યારે સારી રીતે કામ કરે છે. એસીમાંના એનર્જી સેવિંગ મોડનો ઉપયોગ પણ કરવો જોઈએ," એવું સૂચન અવિકલ સોમવંશીએ કર્યું હતું.

6)બારીઓ અને દરવાજા બંધ રાખો

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, એસી ચાલુ કરવામાં આવે ત્યારે બારીઓ અને દરવાજા બંધ કરી દેવા જોઈએ.

એમ રિહાને કહ્યું હતું કે "એસી ચાલુ હોય ત્યારે બારીઓ અને દરવાજા બંધ રાખવા બહુ જરૂરી છે. ઠંડી હવા બહાર ચાલી જાય તો કૉમ્પ્રેસર પરના દબાણમાં વધારો થાય છે. તેને લીધે પણ વીજળીનો વપરાશ વધે છે."

તેમણે ઉમેર્યું હતું કે "એસી ચાલુ હોય ત્યારે સૂર્યનાં કિરણો ઓરડામાં ન પ્રવેશે તે સુનિશ્ચિત કરવું જોઈએ. એ ઉપરાંત જાડા કાપડના પડદા બારીઓ પર લગાવવા જોઈએ. તેનાથી રૂમમાં સૂર્યનાં કિરણો સીધાં પ્રવેશતાં નથી."

અવિકલ સોમવંશીએ કહ્યું હતું કે "પડદા રૂમના અંદરના ભાગમાં લગાવવામાં આવ્યા હોય તો બારીના કાચ તપવાની શક્યતા વધારે હોય છે. તેને કારણે રૂમના ટૅમ્પરેચરમાં વધારો થાય છે. બારીની બહારના ભાગમાં પડદા લગાવવામાં આવે તો બારીના કાચ પર સૂર્યનાં કિરણો સીધાં પડતાં નથી."

7)ફ્રીજ અને ટેલિવિઝન માટે શું કરવાનું?

એમ રિહાને કહ્યું હતું કે "ફ્રીજ, ટીવી અને કમ્પ્યુટર્સ ઘણી ગરમીનું ઉત્સર્જન કરતા હોય છે. એક રૂમમાં અનેક ઇલેક્ટ્રૉનિક ઉપકરણો હોય તો રૂમને ઠંડો કરવા માટે એસીનો વધારે સમય ઉપયોગ કરવો પડે છે. આવાં ઉપકરણો જે ગરમીનું ઉત્સર્જન કરે છે તેનું પ્રમાણ દેખાતું નથી. વળી એવાં ઉપકરણો જેમ જૂના થાય તેમ તેમાંથી વધારે ગરમીનું ઉત્સર્જન થતું હોય છે."

8)પંખો પણ ચાલુ રાખવો જોઈએ?

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, એસી ચાલુ હોય ત્યારે પંખા ચાલુ રાખવા હિતાવહ છે, કારણ કે તેનાથી રૂમનું ઉષ્ણતામાન ઘટે છે.

અવિકલ સોમવંશીએ કહ્યું હતું કે "એસી ચાલુ હોય ત્યારે પંખો નહીં ચલાવવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ તે ખોટી છે."

"એક અભ્યાસના તારણ મુજબ, એસીની સાથે પંખો પણ ચલાવવામાં આવે ત્યારે રૂમના ટૅમ્પરેચરમાં સામાન્ય કરતાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થાય છે. ટૅમ્પરેચર ઓછું થાય ત્યારે આપણે એસીનું ઉષ્ણતામાન વધારીએ છીએ. પરિણામે વીજળીનો વપરાશ ઘટે છે," એવું અવિકલ સોમવંશીએ જણાવ્યું હતું.

નિષ્ણાતોએ કરેલા આ સૂચનોને ધ્યાનમાં રાખીને તેનો અમલ કરવાથી એસીનો વપરાશ ઘટાડી શકાય છે અને પરિણામે વીજળીના બિલમાં પણ ઘટાડો થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો