You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શેવાળ દુનિયાના કરોડો લોકોને ભોજન કેવી રીતે પૂરું પાડી શકે?
દુનિયામાં બદલાઈ રહેલા હવામાન એટલે કે જળવાયુ પરિવર્તન અને સતત વધતી વસતીને કારણે નિષ્ણાતો એવું માની રહ્યા છે કે આવનારાં વર્ષોમાં ખાદ્ય કટોકટી સર્જાઈ શકે.
હાલ દુનિયાના અનેક દેશો છે કે જે ભવિષ્યમાં લોકોને શું ખવડાવીશું તેના પર ચિંતા કરી રહ્યા છે. હવે તેઓ વિચારી રહ્યા છે કે શેવાળ દુનિયાને ખાદ્ય કટોકટીથી બચાવી શકે છે.
શું શેવાળ દુનિયાના કરોડો લોકોને ભોજન પૂરું પાડી શકશે?
ગુજરાતમાં 1,600 કિલોમીટરથી લાંબા દરિયાકિનારો ધરાવે છે ત્યારે શેવાળની ખેતીને લગતો વિષય રસપ્રદ બની જાય છે.
પાણીમાં થતી શેવાળ આવનારા દિવસોમાં લાખો લોકોને ખોરાક પૂરો પાડી શકશે એવું નિષ્ણાતો માને છે.
સંયુક્ત રાષ્ટ્ર પ્રમાણે જો વધતી જતી વસ્તીનું પેટ ભરવા માટે ખાદ્યાન્ન ઉત્પાદન ન વધારાયું તો વૈશ્વિક ભૂખમરાની સ્થિતિ સર્જાવાનો ભય છે જ્યારે હકીકતે તેનાથી ઊલટું થઈ રહ્યું છે.
કાર્બન ઉત્સર્જન વધવાને કારણે આબોહવાનાં પરિવર્તનો ખેતી માટે ખતરો પેદા કરી રહ્યા છે અને ખેતઉત્પાદન એ પ્રમાણે વધે એવું દેખાતું નથી.
ખાદ્ય ચેઇન પર થઈ રહેલી અસરો
આખી ખાદ્ય ઉત્પાદની ચેઈનને અસર થઈ રહી છે. એટલા માટે અમુક દેશોએ ખોરાકના અન્ય વિકલ્પો વિશે વિચારવાનું શરૂ કર્યું છે. તેમાંથી જ એક વિકલ્પ છે શેવાળ, જે વધતી વસ્તીને ખાદ્યપદાર્થ પૂરો પાડવાનો સસ્તો પર્યાય બની શકે છે.
તે પણ પર્યાવરણને વધુ નુકસાન પહોંચાડ્યા વગર, એટલા માટે જ શેવાળની ખેતી વિશ્વમાં ઝડપી વિકસી રહી છે.
પ્લેમાઉથ મરીન લૅબોરેટરીમાં પ્રોફેસર એના ક્વેરિયૉસ જણાવે છે કે 2050 સુધીમાં વિશ્વે ખાદ્યપદાર્થોનું ઉત્પાદન 70 ટકા વધારવાની જરૂર છે. શેવાળની ખેતી તે એક મહત્ત્વનો આર્થિક સ્રોત પણ છે.
પારંપારિક રીતે એશિયા અને ભારતના પશ્ચિમી દરિયાઈ વિસ્તારમાં શેવાળના ખાદ્યપદાર્થોમાં વધતા રસને લીધે યુરોપમાં પણ આ ઝડપથી વિકસતું એગ્રિકલ્ચર સૅક્ટર છે.
એશિયામાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ એ વિશ્વના સૌથી મોટા શેવાળની ખેતી કરતા દેશ છે.
તેમના ખોરાકમાં પણ શેવાળ જાણીતું તત્ત્વ છે પણ ભારતની વાત કરીએ તો વિશ્વમાં શેવાળની ખેતીમાં તેનું માત્ર 0.01 ટકા યોગદાન છે.
શેવાળના ફાયદા
શેવાળમાં ફાઇબર, આયોડિન અને ઓમેગા-3 ફૅટી એસિડ મોટા પ્રમાણમાં હોય છે.
શેવાળને બહુમુખી પ્રતિભાશાળી વનસ્પતિ માનવામાં આવે છે. શેવાળનાં રેસ્ટોરાં ચલાવતા લોકોનું માનીએ તો ચટપટા સ્વાદ સાથે તેમાંથી માછલી જેટલાં પોષકતત્ત્વો મળે છે, આથી તે સ્વાસ્થ્યપ્રદ પણ છે.
તેથી શાકાહારીઓ માટે તે સારો વનસ્પતિ ખોરાક બની શકે છે. ખોરાક સિવાય તેનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ્સ, કૉસ્મેટિક્સ, કાર્ડબોર્ડ, પેપર, પેઇન્ડ અને પ્રોસેસ્ડ ફૂડમાં કરવામાં આવે છે. ભારત સરકારના ફિશરીઝ મંત્રાલયે શેવાળને મેડિકલ ફૂડ ઑફ ધી 21 સેન્ચ્યુરી ગણાવ્યું છે.
જોકે તેનો વધુ પડતો ઉપયોગ આયોડિનનું પ્રમાણ વધારી શકે છે જે થાઇરોઇડ જેવી સમસ્યાઓમાં પરિણમી શકે, આથી નિષ્ણાતો તેના થોડા પ્રમાણમાં અને નિયમિત સેવનની સલાહ આપે છે.
શેવાળ જળવાયુ પરિવર્તનને કઈ રીતે રોકી શકે?
શેવાળ વિશ્વમાં ભોજનની માગને સંતોષવાની સાથે જળવાયુ પરિવર્તનને રોકવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શેવાળ ઊગે છે ત્યારે તે જળવાયુ પરિવર્તન પાછળ મુખ્ય જવાબદાર ગૅસ એવા કાર્બન ડાયૉક્સાઇડને શોષી લે છે, એવો જ બીજો મહત્ત્વનો ગૅસ મિથેન છે.
પશુઓ માટે શેવાળનો ઉપયોગ 90 ટકા જેટલું મિથેનનું ઉત્સર્જન ઘટાડે છે. એટલે પશુઓનાં ભોજન માટે શેવાળનો ઉપયોગ મિથેન પણ ઘટાડે છે.
સાથે જ શેવાળની ખેતી સાવ સસ્તો વિકલ્પ છે, કારણ કે તે એક કુદરતી સ્રોત છે, કુદરતી રીતે જ ગમે ત્યાં ઊગી શકે છે. ખડકો પર, છીછરાં પાણીમાં, દરિયા, નદી કે નાનકડા તળાવમાં પણ.
એટલે જો ગુજરાતની વાત કરીએ તો આટલો લાંબો કિનારો શેવાળની ખેતી માટે ખૂબ મહત્ત્વનો બની રહેશે અને ત્યાં આ પ્રકારની ખેતીનો વિકાસ કરી શકાય.