You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એશિયા કપ 2025 ફાઇનલ : છેલ્લી ઓવરમાં તિલક વર્મા અને રિંકુ સિંહે શું કર્યું કે ભારત રસાકસી ભરેલી મૅચ જીતી ગયું?
રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઇનલ મૅચ રમાઈ હતી. ટુર્નામેન્ટની અન્ય બે મૅચથી વિપરીત આ મૅચ છેલ્લી ઓવર સુધી રસપ્રદ બની રહી હતી.
એક ઓવરમાં ભારતે 10 રન કરવાના હતા, ત્યારે તિલક વર્મા અને રિંકુ સિંહે છગ્ગો અને ચોક્કો ફટકારીને ભારતનો કુલ સ્કોર 150 રને પહોંચાડ્યો હતો.
પાકિસ્તાનના તમામ ખેલાડીઓ મળીને 146 રન બનાવી શક્યા હતા, ભારતે આ ટાર્ગેટ પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
પ્રારંભિક તબક્કે ભારતની ઇનિંગ ડગમગી ગઈ હતી, પરંતુ તિલક વર્માએ ભારતને વિજય અપાવવા માટે 69 રનની યાદગાર ઇનિંગ રમી હતી.
ભારત તરફથી કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી હતી. આ સિવાય બુમરાહ, પટેલ તથા ચક્રવર્તીને બે-બે સફળતા મળી હતી.
તિલક વર્માએ કરાવ્યું વિજય તિલક
અભિષેક શર્મા અને શુભમન ગિલની મજબૂત ઓપનિંગને કારણે સામાન્ય રીતે ભારતીય મિડલ ઑર્ડર ઉપર દબાણ નહોતું આવતું, પરંતુ રવિવારની મૅચમાં મિડલ ઑર્ડર ઉપર દબાણ આવ્યું હતું અને તેમણે પરફૉર્મ કરી બતાવ્યું હતું.
જોકે, રવિવારે શર્મા છ બૉલમાં પાંચ રન બનાવીને રઉફના હાથે કૅચ થઈ ગયા હતા. ફહિમની બૉલને તેઓ પારખી શક્યા ન હતા.
ફિલ્ડર અને બૉલરની આ જોડીએ ભારતના અન્ય એક ઓપનર શુભમનને પણ પેવોલિયન ભેગા કર્યા હતા. ગિલે 10 બૉલમાં 12 રન બનાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૅપ્ટન તરીકે ટુર્નામેન્ટ દરમિયાન નોંધપાત્ર પ્રદર્શન કરનારા સૂર્યકુમાર યાદવ વધુ એક વખત બૅટિંગની કમાલ દેખાડવામાં નિષ્ફળ રહ્યા હતા. પાંચ બૉલમાં એક રને તેઓ આઉટ થયા હતા. ફહિમની બૉલ ઉપર પાકિસ્તાની કૅપ્ટન આગાના હાથે ઝીલાય ગયા હતા.
એ પછી મિડલ ઑર્ડરે ઇનિંગ સંભાળી હતી. તિલક વર્માએ એક છેડો પકડી રાખ્યો હતો. તેમણે 53 દડામાં 69 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 21 બૉલમાં 24 રન બનાવ્યા હતા.
કુલદીપ યાદવે કમાલ કરી
પાકિસ્તાનના પ્રારંભિક બે ખેલાડીઓની ઇનિંગને કારણે ભારત દબાણ હેઠળ હતું, ત્યારે કુલદીપ યાદવ ફરી એક વખત ટીમ માટે તારણહાર બન્યા હતા.
તેમણે ચાર ઓવરમાં 30 રન આપીને ચાર વિકેટ લીધી હતી.
બુમરાહે 19 બૉલમાં 25 રન આપીને બે વિકેટ ખેરવી હતી. વરુણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 30 રન આપ્યા હતા અને તેમને બે સફળતા મળી હતી. અક્ષર પટેલે ચાર ઓવરના ક્વૉટામાં 26 રન આપીને બે પાકિસ્તાની બૅટ્સમૅનને પેવોલિયન ભેગા કર્યા હતા.
પાકિસ્તાનનું બૅટિંગ લાઇનઅપ નિષ્ફળ
પાકિસ્તાનના ઓપનર્સે સારી શરૂઆત કરી હતી. સાહિબજાદા ફરહાને આક્રમક બૅટિંગ કરી હતી. ફખરે તેમને ધીમો અને મક્કમ સાથ આપ્યો હતો.
સાહિબજાદા ફરહાને 38 બૉલમાં 57 રન ફટકાર્યા હતા. તેઓ વરુણ ચક્રવર્તીએ ફેંકેલા બૉલ ઉપર તિલક વર્માના હાથે કૅચ થયા હતા.
આ સિવાય ફખર જમાને 35 બૉલમાં 46 રન ફટકાર્યા હતા. ચક્રવર્તીની બૉલ ઉપર તેઓ યાદવના હાથે કૅચ થઈ ગયા હતા.
આ સિવાય સઈમ જ એવા પાકિસ્તાની બૅટ્સમૅન હતા કે જેમણે બે આંકડાનો ફાળો આપ્યો હોય. યાદવના બૉલ ઉપર તેઓ બુમરાહના હાથે કૅચ પકડાયા હતા. તેમણે 11 દડામાં 14 રનનું પ્રદાન આપ્યું હતું.
એ પછી પાકિસ્તાનના મધ્યમક્રમના બૅટ્સમૅન ખાસ કમાલ કરી શક્યા ન હતા અને ધડાધડ વિકેટો પડવા લાગી હતી.
એ પછી તિલક વર્માએ એક છેડો પકડી રાખ્યો હતો અને સંજુ સૅમસને તેમને ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો. અબરાર અહમદે 24 રને સૅમસનને આઉટ કર્યા હતા. તે સમયે ભારતનો સ્કોર 77 રન હતો.
રિંકુ સિંહ દ્વારા સ્ટાઇલિશ સમાપન
ગુજરાતના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોવાને કારણે રવિવારની મહત્ત્વપૂર્ણ મૅચ રમી શક્યા ન હતા.
શુક્રવારે શ્રીલંકા સામેની મૅચ દરમિયાન તેઓ ગ્રાઉન્ડની બહાર નીકળી ગયા હતા.
મૅચ પહેલાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે ઈજાગ્રસ્ત હોવાને કારણે તેઓ ફાઇનલ મૅચમાં નથી અને તેમના સ્થાને રિંકુ સિંહને લેવામાં આવ્યા છે. આ સિવાય પણ ભારતે બે ફેરફાર કર્યા હતા.
શિવમ દુબેએ ત્રણ ઓવરમાં 23 રન આપ્યા હતા, પરંતુ તેમને કોઈ સફળતા મળી ન હતી.
જોકે, તેમણે બૅટથી કમાલ કરી હતી અને મહત્ત્વપૂર્ણ સમયે 22 બૉલમાં 33 રન બનાવ્યા હતા.
આજની મૅચમાં રિંકુ સિંહને પણ તક મળી હતી. છેલ્લી ઓવરમાં રિંકુ ક્રિઝ ઉપર આવ્યા હતા ત્યારે ભારત અને પાકિસ્તાનનો સ્કોર બરાબર હતો, ત્યારે રિંકુએ ચોગ્ગો મારીને ભારતને વિજય આપ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટમાં રિંકુને એક જ બૉલ રમવા મળ્યો હતો, જે વિનિંગ શૉટ હતો.
રિંકુએ મૅચ બાદ કહ્યું, "બીજું કંઈ મત્ત્વનું નથી. આ એક બૉલ જ અંતે જોવાય છે. એક રન જોઈતો હતો અને મેં ચોગ્ગો ફટકાર્યો. બધા જાણે છે કે હું ફિનિશર છું. ટીમની જીત થઈ અને હું ખરેખર ખૂબ ખુશ છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન