અમિત શાહ વડોદરામાં રોડ શો અધૂરો છોડીને કેમ જતા રહ્યા?

અમિત શાહ

ઇમેજ સ્રોત, @BJP4Gujarat

ગુજરાતમાં પાંચ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે અને આજે ગુજરાતમાં પ્રચાર પણ સમાપ્ત થઈ જશે. જ્યારે આઠ ડિસેમ્બરે કોની સરકાર બનશે એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

આ દરમિયાન ગુજરાતમાં પ્રચારમાં આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક વીડિયો બાદ અનેક તર્કવિતર્ક કરાઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ તેની ચર્ચા જામી છે.

અમિત શાહ વડોદરામાં રોડ શો યોજી રહ્યા હતા અને અધવચે મૂકીને નીકળી ગયા હતા.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે અમિત શાહ રોડ શો કરી રહ્યા હતા અને પછી ગાડીમાં ઊતરીને ચાલ્યા ગયા હતા.

ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી અમિત શાહનો 2 ડિસેમ્બરે વડોદરામાં પ્રતાપનગર રોડથી રોડ શો શરૂ થયો હતો. આ રોડ શો તેની નિર્ધારિત જગ્યાએ પહોંચે એ પહેલાં તેઓ નીકળી ગયા હતા.

ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક દિવસોથી અમિત શાહ ગુજરાતમાં છે, તેઓ ઠેરઠેર સભાઓ યોજી રહ્યા છે અને રોડ શો પણ યોજી રહ્યા છે.

તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છેલ્લે અમદાવાદમાં એક મોટો રોડ શો યોજીને ઘણી બધી બેઠકોને આવરી લીધી હતી.

બીબીસી ગુજરાતી

રોડ શો ક્યાંથી ક્યાં સુધીનો હતો?

અમિત શાહનો રોડ શો

ઇમેજ સ્રોત, @AmitShah

ઇમેજ કૅપ્શન, અમિત શાહનો રોડ શો

પહેલી ડિસેમ્બરે 89 બેઠકનું મતદાન પૂર્ણ થયા બાદ હવે પાંચ ડિસેમ્બરે 93 બેઠકોનું મતદાન થશે અને એ સંદર્ભે અમિત શાહે વડોદરામાં રોડ શો યોજ્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રતાપનગરથી રોડ શરૂ કર્યો હતો. તેઓ રાવપુરા બેઠકના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લના સમર્થનમાં આ રોડ શો યોજી રહ્યા હતા.

આ રોડ શોમાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો જોડાયા હતા અને અમિત શાહ કાર્યકરોનું અભિવાદન પણ ઝીલી રહ્યા હતા.

બીબીસીના સહયોગી રાજીવ પરમારના જણાવ્યા અનુસાર, આ રોડ શો પ્રતાપનગર અપ્સરા સિનેમાથી શરૂ થઈને જ્યુબિલી બાગ ખાતે પૂર્ણ થવાનો હતો.

આ રોડ શો અંદાજે ત્રણ કિલોમિટર સુધીનો હતો. પ્રતાપનગરથી ચોખંડી વાડીથી માંડવી, કેન્ડી ગેટ, કાલુપુરા અને જ્યુબિલી બાગ ખાતે પહોંચવાનો હતો.

જોકે અમિત શાહ ચાંપાનેર દરવાજા પહેલાં જે કલ્યાણરાયજી હવેલી આવે છે, તેમાં દર્શન કરવા ગયા હતા અને પછી નીકળી ગયા હતા.

એટલે કે અંદાજે એક કિલોમિટરથી વધુ રોડ શો કર્યો હતો અને પછી સમાપ્ત કરી દીધો હતો.

બીબીસી ગુજરાતી

અમિત શાહે રોડ શો કેમ અધૂરી છોડી દીધો?

પવન ખેડા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં હાલમાં બીજા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચારનો અંતિમ દિવસ છે.

એટલે અમિત શાહ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. તેઓ ગઈ કાલે વડોદરા બાદ અમદાવાદમાં પણ એક સભા સંબોધવાના હતા.

મીડિયા અહેવાલો અનુસાર, અમિત શાહ નિર્ધારિત સમય કરતા અંદાજે અઢી કલાક રોડ શોમાં મોડા પહોંચ્યા હતા.

ભાજપના વડોદરાના નેતા અને પ્રદેશ સહપ્રવક્તા ભરત ડાંગરે બીબીસી સંવાદદાતા પાર્થ પંડ્યા સાથે વાત કરતા કહ્યું હતું કે "અમિત શાહે એવાં કોઈ કારણસર રોડ શો છોડ્યો ન હતો."

તેમણે કહ્યું કે "રોડ શો છોડ્યો એની પાછળ ત્રણ કારણ હતાં, પહેલું કારણ એ કે અમિત શાહને કાર્યક્રમમાં પહોંચવામાં મોડું થયું હતું, જેથી કાર્યક્રમ શરૂ કરવામાં વિલંબ થયો હતો."

"બીજું કારણ એ કે અમિત શાહને બીજા એક કાર્યક્રમ માટે અમદાવાદ જવાનું હતું."

"ત્રીજું કારણ એ કે નરેન્દ્ર મોદી પણ અમદાવાદમાં હતા અને તેઓ જાય ત્યારે પ્રોટોકૉલ પ્રમાણે નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવે, એટલે જો મોડું થયું હોત તો અમિત શાહ એ વખતે અમદાવાદમાં લૅન્ડ ન કરી શક્યા હોત."

તો અમિત શાહના રોડ શો અધૂરો છોડવા અંગે કૉંગ્રેસે પ્રતિક્રિયા આપી હતી અને સવાલ ઉઠાવ્યા હતા.

કૉંગ્રેસના નેતા પવન ખેડાએ અમિત શાહે અધવચ્ચે રોડ શો છોડીને જવું પડ્યું તે વાત અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, "પત્રકારો તરીકે તમે લોકોએ ગઈ કાલે અમિત શાહે રોડ શો અધવચ્ચે છોડીને કેમ જવું પડ્યું એ અંગે પ્રશ્ન ન કર્યો. એ પ્રશ્નના જવાબમાં બધું છુપાયેલું છે. આઠ તારીખે શું થવાનું છે તેની ખબર કાલની આ વાત પરથી જ પડી જાય છે."

સાથે જ ભરત ડાંગરે કૉંગ્રેસ નેતા પવન ખેડાની ટિપ્પણીનો જવાબ પણ આપ્યો હતો.

તેમણે કહ્યું કે, "વડોદરામાં આટલા બધા સમર્થકો સાથે ઐતિહાસિક રોડ શો થયો, એ જ દેખાડે છે કે આઠ તારીખે ચૂંટણીનું પરિણામ શું આવશે. કૉંગ્રેસનું ગુજરાતમાં સંગઠન જ નથી અને ભાજપની જીત નક્કી છે."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી