ગુજરાતમાં 60 વર્ષ બાદ સરકારે નવ જિલ્લા સહકારી બૅન્કો સ્થાપવાની જાહેરાત કેમ કરી?

બુધવારે (31 ડિસેમ્બર, 2025) ગુજરાત સરકારના મંત્રીમંડળની સાપ્તાહિક મીટિંગ બાદ પત્રકારોને માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા-મંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું કે મંત્રીમંડળે રાજ્યમાં એક સાથે નવ જેટલી નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કો સ્થાપવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

તેમણે કહ્યું કે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તેની આજુબાજુનાં વર્ષોમાં મુખ્યત્વે ખેડૂતોની બૅન્કો તરીકે જાણીતી જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કોની સ્થાપના થઈ હતી. તેનાં લગભગ 60 વર્ષ પછી રાજ્યમાં કોઈ નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કો સ્થપાશે.

સરકારની આ જાહેરાતને સહકારી ક્ષેત્રના મોટા ભાગના અગ્રણીઓએ વધાવી લીધી છે, તો કેટલાક કહે છે કે 'ઑનલાઇન બૅન્કિંગના આ જમાનામાં' જિલ્લા કક્ષાની બૅન્કો વગર પણ બૅન્કિંગ સુવિધાઓ પૂરી પાડી શકાય છે.

જોકે ગ્રામીણ બાબતોના નિષ્ણાતો કહે છે કે આ પ્રકારની સહકારી બૅન્કોએ પ્રસ્તુત રહેવા પરંપરાગત સેવાઓથી આગળ વધવું પડશે અને ખાસ કરીને મહિલાઓને લક્ષમાં રાખીને તેમની નીતિઓ ઘડવી પડશે.

ગુજરાત રાજ્યમાં હાલ કેટલી જિલ્લા બૅન્કો છે?

ભારત 600 કરતાં વધારે વહીવટી જિલ્લાઓમાં વહેંચાયેલો છે અને ખેડૂતોને ખેતી અને સલંગ્ન પ્રવૃતિઓ માટે ધિરાણ મળી રહે તે માટે સરકાર સમર્થિત 351 જેટલી જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કો કાર્યરત્ છે. તેમાંથી 18 બૅન્કો ગુજરાતમાં આવેલી છે. તેમાં અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, વડોદરા, ભરૂચ, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ જિલ્લામાં આવેલી કોડીનાર બૅન્કનો સમાવેશ થાય છે. આ બધી જ બૅન્કોમાં હાલ ભાજપ સાથે જોડાયેલા સહકારી આગેવાનોનું વર્ચસ્વ માનવામાં આવે છે.

રાજ્ય સરકારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું કે પંચમહાલ બૅન્કના વિભાજનથી દાહોદ જિલ્લામાં, સાબરકાંઠા બૅન્કના વિભાજનથી અરવલ્લીમાં, સુરત બૅન્કના વિભાજનથી તાપીમાં, વડોદરા બૅન્કના વિભાજનથી છોટા ઉદેપુરમાં, જામનગર બૅન્કના વિભાજનથી દેવભૂમિ દ્વારકામાં, જૂનાગઢ બૅન્કના વિભાજનથી પોરબંદરમાં, ખેડા બૅન્કના વિભાજનથી આણંદમાં તેમજ વલસાડ બૅન્કના વિભાજનથી ડાંગ અને નવસારી જિલ્લાઓમાં નવી બૅન્કો બનાવાશે.

આમ, હવે જિલ્લા સહકારી બૅન્કોની સંખ્યા 27 થતા માત્ર મોરબી, બોટાદ, ગાંધીનગર, મહીસાગર, નર્મદા, પાટણ અને વાવ-થરાદ એમ સાત જિલ્લાઓને પોતાની બૅન્કો નહીં હોય.

1995થી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કના માર્ગદર્શક મંડળમાં સેવા આપી રહેલા અને રાજ્યના પૂર્વ કૃષિ અને સહકારમંત્રી દિલીપ સંઘાણી જણાવે છે કે ગુજરાતમાં આશરે સાઠેક વર્ષથી કોઈ નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્ક બની નથી.

બીબીસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું, "1960માં જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે રાજ્યમાં 17 જિલ્લાઓ અને 18 જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કો હતી. તે વખતે કોડીનાર તાલુકા સહકારી બૅન્કનું કાર્યક્ષેત્ર એક તાલુકા જેવડું હતું, છતાં તેને પણ જિલ્લા કક્ષાની સહકારી બૅન્કનો દરજ્જો મળેલો અને આજે પણ છે. ત્યાર પછીના દાયકાઓમાં જિલ્લાઓના વિભાજન થતા જિલ્લાઓની સંખ્યા 34 થઈ, પરંતુ કોઈ નવી જિલ્લા બૅન્કો બનાવાઈ નથી."

18 બૅન્કો બધા જિલ્લામાં ખેડૂતોને ધિરાણ આપે છે?

આ પ્રશ્નનો જવાબ છે "હા". 1060ના દાયકામાં ગાંધીનગર અને વલસાડ જિલ્લાની રચના થતા ગુજરાતમાં જિલ્લાઓની સંખ્યા 19 થઈ હતી. ત્યાર બાદ 1997માં તત્કાલીન મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાની સરકારે પોરબંદર, આણંદ, દાહોદ, નર્મદા અને નવસારી એમ પાંચ નવા જિલ્લા બનાવતા સંખ્યા 24 થઈ હતી. 2000ની સાલમાં પાટણ અને 2007માં તાપી જિલ્લો બનતા આ સંખ્યા 26 થઈ હતી.

2013માં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, અરવલ્લી, મહીસાગર અને છોટા ઉદેપુર એમ સાત નવા જિલ્લા બનાવતા સંખ્યા 33 થઈ હતી.

2025માં વર્તમાન મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ-થરાદ જિલ્લો બનાવતા ગુજરાતમાં હવે 34 જિલ્લા છે.

દરેક નવા જિલ્લાની રચના કોઈ એક કે એકથી વધારે હયાત જિલ્લાનું વિભાજન કરીને કરવામાં આવી છે. જિલ્લાના આવા વિભાજન પહેલા મૂળ જિલ્લામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કો હતી અથવા તો તેમની સેવાઓ ઉપલબ્ધ હતી.

દાખલ તરીકે 1997માં જૂનાગઢ જિલ્લાનું વિભાજન કરી પોરબંદર જિલ્લાની રચના કરવામાં આવી ત્યાર પછી પણ પોરબંદરમાં જૂનાગઢ જિલ્લા સહકારી બૅન્કે ખેડૂતોને ધિરાણ સહિતની બૅન્કિંગ સેવાઓ આપવાનું આજ દિન સુધી ચાલુ રાખ્યું છે.

તે જ રીતે રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાનું વિભાજન કરી 2013માં મોરબી જિલ્લો બનાવાયા બાદ પણ મોરબી જિલ્લામાં રાજકોટ જિલ્લા સહકારી બૅન્કે સેવાઓ આપવાનું ચાલુ રાખ્યું છે.

તેનું કારણ સમજાવતા રાજકોટ જિલ્લા સહકારી બૅન્કના જનરલ મૅનેજર વીએમ સખિયાએ બીબીસીને જણાવ્યું, "ગુજરાતમાં દરેક સહકારી બૅન્કનું કાર્યક્ષેત્ર પૂર્વનિર્ધારિત છે. જે-તે સમયે વહીવટી જિલ્લાની હદ એ જે-તે જિલ્લા બૅન્કનું કાર્યક્ષેત્ર હતું. જિલ્લાના વિભાજન પછી પણ તેમાં ફેરફાર કરાયા નથી."

"ઉદાહરણ તરીકે મોરબી જિલ્લાની રચના કરવામાં આવી તે પહેલાં હળવદ તાલુકો સુરેન્દ્રનગર જિલ્લાનો ભાગ હતો અને સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બૅન્કના કાર્યક્ષેત્રમાં આવતો હતો. સામે પક્ષે મોરબી, માળિયા, વાંકાનેર, ટંકારા વગેરે તાલુકા રાજકોટ જિલ્લાના વિસ્તારો હતા અને તે રાજકોટ જિલ્લા સહકારી બૅન્કના કાર્યક્ષેત્રમાં આવતા. નવા મોરબી જિલ્લાની સ્થાપના કરાતા હળવદ મોરબીનો એક તાલુકો બન્યો, પરંતુ હજુ પણ તે સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બૅન્કના કાર્યક્ષેત્રમાં જ છે."

ગુજરાત સરકાર નવી બૅન્કો શા માટે બનાવવા માગે છે?

જિલ્લા સહકારી બૅન્કો ત્રિસ્તરીય સહકારી માળખામાં કામ કરે છે જેમાં એક ગામ કે બે-ત્રણ ગામના ખેડૂતો ભેગા મળીને એક પ્રાઇમરી ઍગ્રિકલ્ચરલ કો-ઑપરેટિવ સોસાયટી (પેક્સ) એટલે કે પ્રાથમિક ખેત સહકારી મંડળી સ્થાપે છે.

આવી મંડળીઓ ભેગી થઈને એક જિલ્લા કક્ષાની મધ્યસ્થ સહકારી બૅન્ક સ્થાપે છે અને પછી આવી જિલ્લા કક્ષાની બૅન્કો મળીને એક રાજ્ય કક્ષાની સહકારી બૅન્ક સ્થાપે છે. ગુજરાતમાં 18 જિલ્લા સહકારી બૅન્કોએ ભેગા મળીને ગુજરાત રાજ્ય સહકારી બૅન્ક બનાવેલી છે.

કેન્દ્ર સરકાર નૅશનલ બૅન્ક ફૉર ઍગ્રિકલ્ચર ઍન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) એટલે કે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બૅન્કના માધ્યમથી વખતોવખત જિલ્લા સહકારી બૅન્કોને ભંડોળ ઉપલબ્ધ કરાવતી રહે છે જેથી ખેડૂતોને ગ્રામ્યકક્ષાએ જ ધિરાણ મળતું રહે. રાજ્ય સરકાર પણ આવી બૅન્કોને સહાય કરતી રહે છે.

રાજ્ય સરકારે બુધવારની યાદીમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશના તમામ જિલ્લાઓમાં ગ્રામ્ય સહકારી બૅન્કોનો વ્યાપ વધારવાનો મક્કમ નિર્ધાર કર્યો છે અને તેના ભાગરૂપે નાબાર્ડ દ્વારા દેશના કેટલાક જિલ્લામાં નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કોની રચના કરવા માટે કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયને એપ્રોચ નોટ રજૂ છે.

ગુજરાતમાં પણ નવી નવ જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કોની રચના કરવાનો પ્રસ્તાવ છે તેમ યાદીમાં ઉમેર્યું હતું.

સરકારની પ્રેસનોટ અનુસાર, "મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે આ નિર્ણયથી છેવાડાના ખેડૂતોને ધિરાણ મેળવવામાં સરળતા રહેશે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે."

દેશમાં રાષ્ટ્રીયકૃત સરકારી બૅન્કો અને ખાનગી બૅન્કો વ્યક્તિઓ, પેઢીઓ, સંસ્થાઓ, કંપનીઓ વગેરેને ધિરાણ આપે છે અને તેના બિઝનેસમાં સરકારનો બહુ હસ્તક્ષેપ હોતો નથી. જિલ્લા સહકારી બૅન્કોના કાર્યક્ષેત્ર પ્રમાણમાં નાના હોય છે અને તેમનો મુખ્ય વ્યવસાય છે ખેડૂતોને ખેતીલક્ષી ધિરાણ પૂરું પાડવું.

વળી, ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે સરકાર નાબાર્ડના માધ્યમથી જિલ્લા સહકારી બૅન્કોને ધિરાણ ઉપલબ્ધ કરાવી સહકારી બૅન્કોની કામગીરીમાં દોરીસંચાર કરતી રહે છે.

ભાજપના સિનિયર નેતા દિલીપ સંઘાણી કહે છે કે ખેડૂતોની પણ માગણી હતી કે નવા જિલ્લાઓને બૅન્કો મળે.

તેમણે કહ્યું, "નાગરિકોને તેમનાં ગામ-શહેરની નજીક જ સરકારી સેવાઓ મળી રહે તે હેતુથી સરકાર વખતોવખત જિલ્લાઓના વિભાજન કરી નવા જિલ્લા બનાવે છે. તે જ રીતે સહકારી આગેવાનો કેટલાય સમયથી માગ કરી રહ્યા હતા કે નવા જિલ્લાઓમાં નવી જિલ્લા સહકારી બૅન્કો બનાવો. સરકારે હવે તે માગણી સ્વીકારી લીધી છે તેથી ખેડૂતોને ફાયદો થશે."

ઑનલાઇન બૅન્કિંગના જમાનામાં જિલ્લા કક્ષાની બૅન્કોની શું જરૂર?

અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કમાં ઉપાધ્યક્ષ રહી ચૂકેલા કૉંગ્રેસના સહકારી આગેવાન વીરજી ઠુમ્મરે નવી બૅન્કો સ્થાપવાની જાહેરાતને આવકારી છે, પરંતુ સાથે જ કેટલાક સવાલ પણ કર્યા છે.

બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું, "નવી બૅન્કો બનાવવાની જાહેરાતને હું આવકારું છું. સહકારી ક્ષેત્રના વિકાસનો હું વિરોધી નથી, પરંતુ બૅન્કોના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સમાં હવે સહકારની ભાવના કરતાં પાર્ટીના રાજકારણે વધારે મહત્ત્વ મેળવી લીધું છે અને કૉંગ્રેસ સમર્થિત મંડળીઓને ભાંગવાના બધા પ્રયાસો થઈ રહ્યા છે."

"વળી, ઑનલાઇન બૅન્કિંગના જમાનામાં નવી જિલ્લા બૅન્કોની જરૂરિયાત વિશે ઊંડું ચિંતન થવું જરૂરી છે, કારણ કે નવી બૅન્કો સ્થાપવાથી બૅન્કો ચલાવવાનો ખર્ચ થશે. વળી, એ પણ હકીકત છે કે આ બધા જ જિલ્લાઓમાં સહકારી બૅન્કોની સેવાઓ ખેડૂતોને મળી જ રહી છે."

આ મુદ્દે બીબીસીએ જિતુ વાઘાણીનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.

પરંતુ અમદાવાદમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ (આઇઆઇએમ)માં પ્રોફેસર તરીકે સેવા આપનાર અને ગુજરાત સહિત ભારતભરમાં ગ્રામ્યવિસ્તારોમાં ઇનોવેશન (નવા સંશોધનો)ને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહેલા પ્રોફેસર અનિલ ગુપ્તા કહે છે કે ત્રિસ્તરીય માળખાની વિભાવનામાં જિલ્લો એક મહત્ત્વનું અંગ છે.

પ્રો. ગુપ્તાએ બીબીસીને કહ્યું, "જ્યારે જિલ્લાઓની સંખ્યામાં વધારો થાય ત્યારે જિલ્લા સહકારી બૅન્કોની સંખ્યામાં પણ વધારો થાય તે બહુ સ્વાભાવિક બાબત છે. જિલ્લા કક્ષાની બૅન્કોના હોદ્દેદારો ગ્રામ્યકક્ષાની સહકારી સંસ્થાઓ દ્વારા ચૂંટાય છે. આવા સ્થાનિક નેતૃત્વનું ઘડતર થઈ શકે તે માટે જિલ્લા સહકારી બૅન્કો ખૂબ જરૂરી છે. ઉપરાંત, જ્યાં કામ થતું હોય તેની સૌથી નજીકના સ્થળે નિર્ણયો લેવાય તે જરૂરી છે. તેથી, દરેક જિલ્લામાં એક જિલ્લા સહકારી મંડળી હોય તે સારી બાબત ગણાય."

ગુજરાત સ્ટેટ કો-ઑપરેટિવ બૅન્કના એક વરિષ્ઠ આગેવાને પોતાની ઓળખ છતી ન કરવાની શરતે બીબીસીને કહ્યું, "ગ્રાઉન્ડ લેવલે નાના માણસો સુધી પહોંચવા માટે આ નવી વ્યવસ્થાઓ કરાઈ રહી છે. ઑનલાઇન બૅન્કિંગ થઈ ગયું છે, પરંતુ ખેડૂતો સુધી પહોંચવા માટે માળખું તો જોઈને? દાખલ તરીકે પોરબંદરના ખેડૂતોને જૂનાગઢ દૂર લાગે અને જો બ્રાન્ચ પણ 30 કિલોમીટર દૂર હોય તો તે પણ દૂર લાગે... અત્યારે ગુજરાતમાં ગ્રામ્ય કક્ષાની દસેક હાજર જેટલી સેવા સહકારી મંડળીઓ છે. કેન્દ્ર સરકારે સહકારી ક્ષેત્રના નવા નિયમો ઘડી દરેક ગામમાં એક સેવા સહકારી મંડળી હોય તેવું વિચારી રહી છે. આ જાહેરાત સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવાના જે પ્રયાસો ચાલે છે તેનો એક ભાગ છે."

જોકે પ્રો. ગુપ્તાએ ઉમેર્યું કે સહકારી બૅન્કોને વધારે સફળ બનાવવા સરકારે આ ક્ષેત્રમાં વધારે સુધારા કરવા પડશે.

તેમણે કહ્યું, "જિલ્લા સહકારી બૅન્કોને હવે વધારે કામ કરવાની નવી તકો અપાઈ રહી છે. પણ હું આશા રાખું છું કે સહકારી બૅન્કો તેમાં વધારે નાવીન્ય લાવશે અને જિલ્લાઓમાં ઇન્ક્યુબેશન હબ બની રહેશે. આ બૅન્કોએ માઇક્રો ફાઇનાન્સથી આગળ વધીને માઇક્રોવેન્ચર ફાઇનાન્સ અને પછી મેક્રો ફાઇનાન્સ તરફ જવું પડશે. મહિલાઓ અને અન્ય લોકોને સારા વર્તન માટે પ્રોત્સાહન આપવું પડશે. બૅન્કોને છૂટછાટ આપી બિઝનેસ એન્ટરપ્રાઇઝ બનવાની છૂટ આપવામાં આવે તો તેમાં કશું ખોટું નથી."

નવી બૅન્કો કઈ રીતે બનાવાશે?

ગુજરાત રાજ્યની સહકારી સંસ્થાઓના રજિસ્ટ્રાર એમપી પંડ્યાએ બીબીસીને જણાવ્યું કે જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કો સહકારી સંસ્થાઓ હોવાથી તેની સ્થાપના માટે ખેડૂતોએ જિલ્લા કક્ષાની એક મંડળી બનાવી ગુજરાત રાજ્યના સહકારી મંડળીઓના રજિસ્ટ્રારની કચેરીમાં તેની નોંધણી માટે અરજી કરવી પડે. રાજ્ય સરકાર આવી સહકારી મંડળીનું કાર્યક્ષેત્ર નક્કી કરી તેની નોંધણી કરે છે. નોંધણી બાદ રાજ્યસરકાના માધ્યમથી આવી સહકારી સંસ્થા બૅન્કિંગ લાઇસન્સ મેળવવા નાબાર્ડ અને ભારતીય રિઝર્વ બૅન્કને અરજી કરે છે. રિઝર્વ બૅન્ક જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કોનું નિયંત્રણ કરે છે જ્યારે નાબાર્ડ આવી બૅન્કોનું નિરીક્ષણ કરે છે અને સાથે સાથે ભંડોળ પણ આપે છે.

એમપી પંડ્યાએ કહ્યું, "જે હયાત બૅન્કોનું વિભાજન થવાનું છે તે બૅન્કો પોતપોતાના હયાત કાર્યક્ષેત્રોમાં નવી જિલ્લા બૅન્કો બનાવવાની અરજીઓ કરશે. રાજ્ય સરકાર પ્રસ્તાવિત નવી બૅન્કોના બાય-લોંઝ (પેટાનિયમો) નક્કી કરી, તેમના કાર્યક્ષેત્રો નક્કી કરી બૅન્કિંગ લાઇસન્સ મેળવવા માટે તેમની અરજીઓ નાબાર્ડ અને રિઝર્વ બૅન્કને મોકલી અપાશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન