You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોલકતા ડૉક્ટર રેપ કેસ : ‘પપ્પા સમયસર દવા લે તેનું ધ્યાન રાખજો, મારી ચિંતા ના કરતાં’, માતાપિતાએ પુત્રીને યાદ કરીને શું કહ્યું?
- લેેખક, કીર્તિ દુબે
- પદ, બીબીસી સંવાદદાતા
“62 વર્ષની વયે મારાં બધાં સપનાં ચકનાચૂર થઈ ગયાં છે. અમારી ઈચ્છા છે કે ગુનેગારને સખત સજા કરવામાં આવે.”
કોલકતામાં 31 વર્ષની વયનાં ટ્રેઈની ડૉક્ટર ઉપર બળાત્કાર અને બાદમાં હત્યાની ઘટનાને પગલે દેશ ખળભળી ઊઠ્યો છે. એ ડૉક્ટરના પિતા તેમના ઘરમાં પરિવાર સાથે બેસીને અમારી સાથે વાત કરે છે.
પ્રતિષ્ઠિત કહી શકાય તેવા વિસ્તારમાં આવેલું તેમનું શ્વેત મકાન તેમની પુત્રીની ભયાનક હત્યા પછી મીડિયાની સઘન તપાસનું કેન્દ્ર બન્યું છે.
આ રિપોર્ટમાં પરિવારનાં તમામ નામો અથવા વિગતો દૂર કરવામાં આવી છે, કારણ કે પીડિતા અથવા તેના પરિવારની ઓળખ જાહેર કરવી તે ભારતમાં કાયદાની વિરુદ્ધ છે.
તેઓ કહે છે, “અમારું રાજ્ય, આપણો દેશ અને આખી દુનિયા ન્યાયની માંગ કરી રહ્યાં છે.”
પીડિતાનાં સ્તબ્ધ દેખાતાં માતા પીડિતાના પિતાની બાજુમાં બેઠાં હતાં.
કોલકતાની આર. જી. કર મેડિકલ કૉલેજનાં જુનિયર ડૉક્ટર નવમી ઑગસ્ટે નાઇટ શિફ્ટ કરતી વખતે ઇમારતના સેમિનાર હૉલમાં આરામ કરતાં હતાં ત્યારે તેમના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેમની હત્યા કરી દેવામાં આવી હતી.
પીડિતાએ ઘટના બન્યાના થોડા કલાકો અગાઉ રાતે લગભગ 11 વાગ્યે તેમનાં માતા સાથે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ વાતચીત વખતે દીકરીએ જે છેલ્લા શબ્દો કહ્યા હતા તેને માતાએ યાદ કર્યાઃ “પપ્પા સમયસર દવાઓ લે તે સુનિશ્ચિત કરજો. મારી ચિંતા કરશો નહીં.”
“એ છેલ્લી વખતે અમે વાત કરી હતી. બીજા દિવસે તેનો ફોન સતત રણકતો રહ્યો હતો.”
પીડિતાના પિતા હાઈ બ્લડપ્રેશરથી પીડાય છે અને તેના માટે રોજ સમયસર ગોળીઓ લેવી જરૂરી હોય છે.
બીબીસી સાથેની મુલાકાતમાં પીડિતાના પિતાએ કહ્યું, “હું કોઈ ડોઝ ચૂકી ન જાઉં એ મારી દીકરી કાયમ સુનિશ્ચિત કરતી હતી.”
“એક રાતે મારી દવા ખલાસ થઈ ગઈ હતી. મેં વિચાર્યું હતું કે સવારે ખરીદી લઈશ, પરંતુ દીકરીને તેની ખબર પડી ગઈ અને રાતના 10 કે 11 વાગ્યા હોવા છતાં રાતે ભોજન પહેલાં તેણે કહેલું, બાપી (પિતા માટે વહાલભર્યું સંબોધન), દવા આવે નહીં ત્યાં સુધી ઘરમાં કોઈ ભોજન કરશે નહીં.”
“મારી દીકરી એવી હતી. તેણે મને ક્યારેય કોઈ બાબતની ચિંતા કરવા દીધી નહોતી.”
આ ઘટનાએ 2012ના એક કેસની યાદ તાજી કરી છે. એ વર્ષે રાજધાની દિલ્હીમાં 22 વર્ષની એક ફિઝિયોથેરાપી ઈન્ટર્ન પર ચાલતી બસમાં સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.
પીડિતાની ઈજા જીવલેણ હતી
એ ઘટના પછી જાતીય હિંસા સામેના કાયદા વધુ કડક બનાવવામાં આવ્યા પરંતુ જાતીય હિંસાના નોંધાયેલા કેસો પ્રમાણ વધ્યું છે અને ભારતમાં મહિલાઓ માટે ન્યાય મેળવવાનું પડકારજનક બની રહ્યું છે.
કોલકતાની તાજેતરની બળાત્કાર તથા હત્યાની ઘટનાએ હેલ્થકેર વર્કરોએ જે પડકારોનો સામનો કરવો પડે છે તેના તરફ ધ્યાન દોર્યું છે. હેલ્થકેર વર્કરો તલસ્પર્શી તથા નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યાં છે અને ખાસ કરીને ફરજ પરની મહિલાઓની સલામતી માટે કેન્દ્રીય કાયદાની માંગ પણ કરી રહ્યાં છે.
કેન્દ્રીય આરોગ્યમંત્રી જે. પી. નડ્ડાએ ડૉક્ટર્સને ખાતરી આપી છે કે તબીબોની તેમના વ્યાવસાયિક વાતાવરણમાં વધુ સારી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં લેવામાં આવશે.
તબીબી શિક્ષણનું નિયમન કરતી ભારત સરકારની સંસ્થા 'નેશનલ મેડિકલ કમિશને' પણ કામના સ્થળે સુરક્ષા સુનિશ્ચિત કરવા તમામ મેડિકલ કૉલેજો અને સંસ્થાઓ માટે એક ઍડવાઇઝરી બહાર પાડી છે.
એક જીવનનો અંત
કોલકતાથી થોડા કિલોમીટર દૂર આવેલા સ્થળે એક સાંકડી ગલીમાં અમે પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી.
એક તરફ પોલીસ બૅરિકેડ હતાં અને બહુવિધ ન્યૂઝ ચેનલોના લાઇનબંધ ગોઠવાયેલા ડઝનેક કૅમેરા દરેક ક્ષણને કેદ કરી રહ્યા હતા. બીજી તરફ, 10થી 15 પોલીસ અધિકારીઓનું એક જૂથ રક્ષણ માટે ઊભું હતું. તેમના શ્વેત ગણવેશ સૂર્યમાં ચમકતા હતા.
બૅરિકેડની બહાર, પીડિતાના પરિવારના ઘરમાં શું થાય છે તેની એક ઝલક સુદ્ધાં કૅમેરામાં રેકૉર્ડ ન થાય તે સુનિશ્ચિત કરવાનું તેમનું એકમાત્ર ધ્યેય હતું.
પીડિતા 9 ઑગસ્ટની રાતે 36 કલાકની રાતપાળીમાં ફરજ પર હતાં અને સેમિનાર હૉલમાં આરામ કરવા ગયાં હતાં. સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના પર પૂરતાં વસ્ત્રો ન હતાં.
ગુનાની ભયાનકતાથી એટલો આક્રોશ ફેલાયો કે માત્ર કોલકતામાં જ નહીં, પરંતુ દેશનાં અનેક શહેરોમાં વિરોધપ્રદર્શનકર્તાઓએ ન્યાયની માંગ સાથે કૂચ કરી હતી.
દેશભરની લાખો મહિલાઓની સલામતીની માંગણી સાથે કોલકતામાં ‘રીક્લેઈમ ધ નાઈટ’ કૂચ યોજવામાં આવી હતી.
પીડિતાના પિતાએ સલામત ગણાતી જગ્યાનો ઉલ્લેખ કરતાં કહ્યું, “હૉસ્પિટલ જેવી જગ્યાએ મારી દીકરી ફરજ પર હતી ત્યારે તેની સાથે આટલું જંગલી કૃત્ય આચરવામાં આવ્યું હતું.”
દીકરીના છેલ્લા શબ્દોની સ્મૃતિ
દીકરીના અકાળ મૃત્યુની ખોટથી પરિવાર વેરાન થઈ ગયો છે.
દીકરી અન્યોને કાયમ અગ્રતા કેવી રીતે આપતી હતી એ યાદ કરતાં પિતાએ કહ્યું, “તેનાં લગ્ન લગભગ નક્કી થઈ ગયાં હતાં, પરંતુ એ મને સવાલ કરતી હતી કે બાપી, તમે આટલા બધા પૈસા ક્યાંથી લાવશો? તમે તેની ચિંતા નહીં કરતા. તેની વ્યવસ્થા હું કરીશ.”
પિતા વાત કરતા હતા ત્યારે માતાનું આક્રંદ પૃષ્ઠભૂમિમાં ગુંજતું હતું.
દરજીકામ કરતા પીડિતાના પિતાના દીવાનખંડમાં તેમણે આજીવન એકઠાં કરેલાં સાધનો દેખાતાં હતાં. એક સિલાઈ મશીન, દોરાની કોકડીઓ, વજનદાર ઈસ્ત્રી અને કાપડના ટૂકડા ફ્લૉર પર પથરાયેલાં હતાં.
દીવાનખંડની બાજુમાં આવેલી એક સીડી ચડીને પરિવારના રૂમ તથા પીડિતાના બેડરૂમમાં જઈ શકાય છે.
પીડિતાના બેડરૂમનો દરવાજો છેલ્લા 11 દિવસથી બંધ છે. પિતાએ 10 ઑગસ્ટથી દીકરીના ઓરડામાં પગ મૂક્યો નથી.
પિતા યાદ કરે છે, “એ નાની હતી ત્યારે અમે આર્થિક રીતે સંઘર્ષ કરતા હતા. એ લગભગ પાંચ વર્ષની હશે. તેને ફળ, ખાસ કરીને દાડમ પસંદ હતું. બહાર નીકળતી વખતે તેણે કેટલાંક દાડમ જોયાં હતાં અને કહ્યું હતુઃ બાપી, તમે પૂજા માટે દાડમ નહીં લાવો? એ પોતાના માટે ક્યારેય કશું લાવી ન હતી.” આ વાત પૂર્ણ કરે તે પહેલાં તેઓ ચોધાર આંસુએ રડી પડે છે.
નજીકમાં ઊભેલા એક સંબંધીએ તેમને હળવેથી વિનંતી કરી, “મજબૂત બનો.” તેમના ખભા પર મજબૂત રહેવાનો ભારે બોજ છે.
પીડિતા તેમનું એકમાત્ર સંતાન હતી. પીડિતાને નાની ઉંમરથી જ ભણવાની ખેવના હતી. સ્કૂલમાં શિક્ષકો તેને બહુ પસંદ કરતા હતા.
પિતા યાદ કરે છે, “મારી દીકરી નાની હતી ત્યારે તેના શિક્ષકો જાતે તેને ઘરેથી લઈ જતા હતા.”
“લોકો કહેતા હતા કે તમે તમારી દીકરીને ડૉક્ટર નહીં બનાવી શકો, પણ મારી દીકરીએ બધાને ખોટા સાબિત કર્યા હતા અને સરકારી મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.”
પિતા દીકરીની સ્મૃતિને સંભારતા હતા ત્યારે માતા તેને ચૂપચાપ સાંભળતાં હતાં.
તેમનો હાથ લાલ અને શ્વેત રંગની બંગડીઓ વચ્ચેની સોનાની બંગડીને વારંવાર સ્પર્શતો હતો. એ બંગડી તેમણે દીકરી સાથે ખરીદી હતી.
દીકરી દરરોજ રાતે સૂતાં પહેલાં ડાયરી લખતી હતી, એ તેમને યાદ આવ્યું.
માતાએ અત્યંત મૃદુ અવાજમાં કહ્યું, “મારી દીકરીએ ડાયરીમાં લખ્યું હતું કે તે મેડિકલ ડિગ્રીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મારી દીકરી સારું જીવન જીવવા અને અમારી કાળજી લેવા ઇચ્છતી હતી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન