'અમે મુક્તપણે શ્વાસ પણ નહીં લઈ શકીએ,' યુકેનાં નકામાં ટાયરો ભારતમાં લોકોનું સ્વાસ્થ્ય કઈ રીતે જોખમમાં મૂકી રહ્યાં છે?

    • લેેખક, અન્ના મીસેલ અને પોલ કેન્યોન
    • પદ, બીબીસી ફાઇલ ઓન 4 ઇન્વેસ્ટિગેટ્સ

બીબીસીએ શોધી કાઢ્યું છે કે યુકેથી ભારતમાં રિસાઇક્લિંગ માટે મોકલવામાં આવતાં લાખો ટાયર વાસ્તવમાં કામચલાઉ ભઠ્ઠીઓમાં બાળી નાંખવામાં આવે છે. જેના કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ અને પર્યાવરણને ભારે નુકસાન થાય છે.

બીબીસી ફાઇલ ઓન 4 ઇન્વેસ્ટિગેટ્સ દ્વારા કરાયેલી તપાસમાં બહાર આવ્યું છે કે યુકેના નિકાસ કરાયેલા મોટા ભાગનાં બેકાર ટાયર ભારતના કાળા બજારમાં વેચાય છે.

યુકેના સૌથી મોટા ટાયર રિસાઇક્લિંગ પ્લાન્ટમાંના એકના માલિક એલિયટ મેસન કહે છે, "મને નથી લાગતું કે આ ઉદ્યોગમાં કોઈ પણ એવું હશે જે આ બાબતથી અજાણ હોય."

ટાયર રિકવરી ઍસોસિયેશન (TRA) સહિતના ઝુંબેશકારો અને ઉદ્યોગ સાથે સંકળાયેલા ઘણા લોકો કહે છે કે સરકાર જાણે છે કે આવાં બેકાર ટાયરોની નિકાસ માટે યુકે ગુનેગાર છે.

પર્યાવરણ, ખાદ્ય અને ગ્રામીણ બાબતોના વિભાગ (ડેફ્રા) એ અમને જણાવ્યું છે કે તેમની પાસે બેકાર ટાયરોની નિકાસ પર કડક નિયંત્રણો છે, જેમાં અમર્યાદિત દંડ અને જેલની જોગવાઈ સામેલ છે.

જ્યારે ડ્રાઇવરો તેમનાં ટાયર બદલાવે છે, ત્યારે ગૅરેજ થોડી રિસાઇક્લિંગ ફી વસૂલ કરે છે – જે બદલાતી રહે છે, પરંતુ તે સામાન્ય રીતે ટાયર દીઠ લગભગ ત્રણથી છ પાઉન્ડ એટલે કે 330થી 660 રૂ. જેટલી હોય છે.

આ ફી તેમને એ વાતની ખાતરી આપે છે કે આ ટાયરો યુકેમાં અથવા વિદેશમાં - નોર્થમ્પ્ટનમાં આવેલી એલિયટ મેસનની રબર વર્લ્ડ જેવી ફૅસિલિટીઝમાં રિસાઇકલ થાય.

1996થી તેમની ફેકટરી ટાયરને રિસાયકલ કરી નાના રબરના ટુકડામાં ફરીથી ઉપયોગમાં લેવા લાયક બનાવે છે. આ રબરના ટુકડાનો ઉપયોગ ઘણી વાર ઘોડેસવારીનાં કેન્દ્રો અને બાળકોના રમતનાં મેદાનોના ફ્લોરિંગ માટે થાય છે.

યુકેમાં દર વર્ષે લગભગ 50 મિલિયન નકામાં ટાયરને (લગભગ 7,00,000 ટન) રિસાઇક્લિંગની જરૂર પડે છે અને - સત્તાવાર આંકડાઓ અનુસાર તેમાંથી લગભગ અડધાં ભારતમાં નિકાસ કરવામાં આવે છે . જ્યાં એ રિસાઇક્લિંગ પ્લાન્ટમાં પહોંચે છે.

કઈ રીતે ભારત મોકલવામાં આવે છે લાખો ટાયર?

બ્રિટનમાંથી આ ટાયરોને વિશાળ રબરનાં ક્યુબ્સમાં ફેરવવામાં આવે છે જે "બેલ્સ" તરીકે ઓળખાય છે.

"દેખાડો એવો કરવામાં આવે છે કે ટાયરોનાં આ બંડલોને ભારતમાં મોકલવામાં આવે છે અને પછી ત્યાં આપણા જેવી જ ફેકટરીમાં તેને છીણી દાણાદાર બનાવવામાં આવે છે," મેસન સમજાવે છે.

જોકે TRAના અંદાજ મુજબ, યુકે અને બાકીના વિશ્વમાંથી ભારત દ્વારા આયાત કરાયેલા લગભગ 70% ટાયર કામચલાઉ ઔદ્યોગિક પ્લાન્ટમાં હોમાઈ જાય છે.

ઓક્સિજનમુક્ત વાતાવરણમાં લગભગ 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાયરોલિસિસ તરીકે ઓળખાતી પ્રક્રિયા થાય છે. સ્ટીલ અને થોડી માત્રામાં તેલ નીકળી જાય છે. આ સાથે જ કાર્બન બ્લેક, એક પાઉડર અથવા ગોળી જેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં થાય છે, પણ છૂટો પડે છે.

અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં આ પાયરોલિસિસ પ્લાન્ટ આવેલા હોય છે. આ ઘરે બનાવેલા પ્રેશર કૂકર જેવા હોય છે અને ખતરનાક વાયુઓ અને રસાયણો ઉત્પન્ન કરતા હોય છે.

યુકેના ટાયરનો ભારતીય પાયરોલિસિસ પ્લાન્ટ્સમાં અંત આવે છે. તેમ છતાં સત્તાવાર કાગળો જણાવે છે કે આ ટાયરો કાયદેસર રીતે ભારતીય રિસાઇકલિંગ કેન્દ્રોમાં જઈ રહ્યાં છે.

સોર્સમટિરિયલ નામના એક બિનલાભકારી પત્રકારત્વ જૂથ સાથે મળીને અમે યુકેના ટાયરોની લાંબી મુસાફરીને અનુસરવા માંગતા હતા. ઉદ્યોગમાં કામ કરતી એક વ્યક્તિએ ભારત મોકલાતા ટાયરના શિપમેન્ટમાં ટ્રેકર્સ છુપાવી દીધા હતા.

આ શિપમેન્ટ આઠ અઠવાડિયાની મુસાફરી બાદ આખરે ભારતીય બંદરે પહોંચ્યાં. ત્યાર બાદ ટાયરોને 800 માઇલ ફરી એક નાના ગામની બાજુમાં કાળા મેશ જેવા કમ્પાઉન્ડના સમૂહમાં લઈ જવાયાં.

ભારતમાં લીધેલા અને બીબીસી સાથે શૅર કરાયેલા ડ્રોન ફૂટેજમાં આ ટાયરો એક કમ્પાઉન્ડમાં પહોંચતાં દેખાતાં હતાં. જ્યાં હજારો ટાયરો વિશાળ ભઠ્ઠીઓમાં ફેંકાવાની રાહ જોઈ રહ્યાં હતાં.

બીબીસીની તપાસમાં શું બહાર આવ્યું?

બીબીસી ફાઇલ ઓન 4 ઇન્વેસ્ટિગેટ્સે કમ્પાઉન્ડમાં કાર્યરત એક કંપનીનો સંપર્ક કર્યો. તેણે પુષ્ટિ કરી કે તે કેટલાક આયાતી ટાયર પર પ્રક્રિયા કરી રહી છે, પરંતુ કહ્યું કે તે જે કરી રહ્યા છે તે ખતરનાક કે ગેરકાયદેસર નથી.

ભારતમાં એક પર્યાવરણીય વકીલે બીબીસીને જણાવ્યું હતું કે ભારતમાં 2,000 જેટલા પાયરોલિસિસ પ્લાન્ટ છે. કેટલાક પાસે લાઇસન્સ છે, પરંતુ લગભગ અડધા ઉપરના લાઇસન્સ વિનાના ગેરકાયદેસર છે.

મુંબઈની બહાર વાડામાં કામચલાઉ પ્લાન્ટના એક અલગ ક્લસ્ટરમાં બીબીસીની ટીમે સાઇટ્સની આસપાસ મરતી વનસ્પતિઓ, કાળા ધુમાડાની મેશ અને પ્રદૂષિત જળમાર્ગો જોયા. ગ્રામજનોએ સતત ઉધરસ અને આંખની સમસ્યાઓની ફરિયાદ કરી.

"અમે ઇચ્છીએ છીએ કે આ કંપનીઓ અમારા ગામમાંથી હઠી જાય," એક સાક્ષીએ અમને કહ્યું, "નહીંતર અમે મુક્તપણે શ્વાસ પણ નહીં લઈ શકીએ."

ઇમ્પિરિયલ કૉલેજ લંડનના વૈજ્ઞાનિકોએ બીબીસીને જણાવ્યું હતું કે પાયરોલિસિસ દ્વારા ઉત્પન્ન થતું પ્રદૂષણ તેના સતત સંપર્કમાં રહેતા પ્લાન્ટના કામદારોને શ્વસન, રક્તવાહિની અને ન્યુરોલૉજિકલ રોગો અને ચોક્કસ પ્રકારના કૅન્સરનું જોખમ રહેલું છે.

બીબીસી દ્વારા મુલાકાત લેવાયેલી વાડાસ્થિત સાઇટ પર જાન્યુઆરીમાં એક પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં બે મહિલાઓ અને બે બાળકોનાં મોત થયાં હતાં. આ પ્લાન્ટ યુરોપિયન સ્ત્રોતોમાંથી ટાયર બનાવતો હતો.

બીબીસીએ તે પ્લાન્ટના માલિકોનો સંપર્ક કર્યો જ્યાં વિસ્ફોટ થયો હતો, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં.

વિસ્ફોટ પછી એક જાહેર સભા યોજાઈ હતી અને વાડા જિલ્લાના એક મંત્રીએ વચન આપ્યું હતું કે સ્થાનિક સરકાર કાર્યવાહી કરશે. એ પછી અધિકારીઓએ સાત પાયરોલિસિસ પ્લાન્ટ બંધ કરાવી દીધા છે.

ટિપ્પણી માટે ભારત સરકારનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

મેસનના મતે યુકેના ઘણા વ્યવસાયો ટાયરની ગાંસડી બનાવી ભારત મોકલશે, કારણ કે તે વધુ નફાકારક છે અને બેકાર ટાયરના રિસાઇકલિંગ માટેની મશીનરીમાં રોકાણ કરવાનું મોંઘું છે.

પરંતુ તેઓ કહે છે કે તેઓ પોતે આમ નથી કરતા. તેમની કંપનીનો કચરો એટલે કે બેકાર ટાયરો યોગ્ય જગ્યાએ જાય છે કે નહીં તેની ખાતરી કરવાની તેમની ફરજ છે. અને ટાયરની આ ગાંસડી ક્યાં જાય છે તેને ટ્રેક કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે.

રબર વર્લ્ડ જેવા મોટા વ્યવસાયો પર કડક રીતે નિયંત્રિણો છે અને નિયમિતપણે તેનું નિરીક્ષણ પણ કરવામાં આવે છે. પરંતુ નાના ઑપરેટરો છૂટ માટે અરજી કરી વેપાર કરી શકે છે અને કાયદેસર રીતે વધુ સરળતાથી નિકાસ કરી શકે છે.

આને T8 છૂટ કહેવામાં આવે છે અને આ વ્યવસાયોને અઠવાડિયામાં 40 ટન સુધી કારનાં ટાયરનો સંગ્રહ અને તેની પ્રક્રિયા કરવાની મંજૂરી આપે છે.

વેપારીઓએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ પરવાનગી મર્યાદા કરતાં વધુ ટાયર નિકાસ કરતા હોય છે.

'હું આરોગ્યમંત્રી નથી'

બીબીસીને આમાંની ઘણી કંપનીઓ વિશે માહિતી મળી હતી. ઉદ્યોગ સાથે જોડાયેલી એક વ્યક્તિ સાથે બીબીસીએ સંપર્ક કર્યો. જે પોતાને ટાયરોનો દલાલ ગણાવતી હતી. તેમની પાસે ભારતમાં બેકાર ટાયર વેચવાનો કરાર હતો.

અમે જે છ ડીલરોનો સંપર્ક કર્યો તેમાંથી ચારે કહ્યું કે તેઓ મોટી સંખ્યામાં નકામાં ટાયરનું પ્રોસેસિંગ કરે છે.

એક ડીલરે અમને કહ્યું કે તેમણે આ અઠવાડિયે દસ શિપિંગ કન્ટેનરની નિકાસ કરી હતી - લગભગ 250 ટન ટાયર, જે તેની પરવાનગી મર્યાદા કરતાં પાંચ ગણા વધુ હતાં.

બીજા ડીલરે પહેલાં અમને કાગળો બતાવ્યા જેમાં સૂચવવામાં આવ્યું હતું કે તેમનાં ટાયરોને રિસાઇક્લિંગ માટે ભારતમાં મોકલવામાં આવ્યાં હતાં. પરંતુ પછી તેમણે સ્વીકાર્યું કે તેઓ જાણતા હતા કે તેઓ પાયરોલિસિસ માટે જ ભારત જઈ રહ્યાં છે. ભારત સરકારે પાયરોલિસિસ માટે આયાતી ટાયરનો ઉપયોગ ગેરકાયદેસર બનાવ્યો છે.

"ઘણી બધી કંપનીઓ છે જે આમ કરે છે... 90% અંગ્રેજો આ વ્યવસાય કરે છે," તેમણે અમને કહ્યું, અને ઉમેર્યું કે જ્યારે ટાયર ભારતમાં પહોંચે છે તો શું થશે તેના પર તેમનું કોઈ નિયંત્રણ નથી.

જ્યારે અમે પૂછ્યું કે શું તેમને પાયરોલિસિસ પ્લાન્ટની નજીક રહેતા અને કામ કરતા લોકોના સ્વાસ્થ્ય વિશે ચિંતા છે, ત્યારે તેમણે જવાબ આપ્યો: "આ મુદ્દાઓ આંતરરાષ્ટ્રીય છે. ભાઈ, અમે કંઈ કરી શકતા નથી... હું આરોગ્યમંત્રી નથી."

ડેફ્રાએ બીબીસીને જણાવ્યું હતું કે યુકે સરકાર આવા કચરાની મુક્તિ અંગે સુધારાઓ પર વિચાર કરી રહી છે.

"આ સરકાર એક સર્ક્યુલર અર્થતંત્ર તરફ બનવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર એવા ભવિષ્યમાં તરફ આગળ વધી રહી છે જ્યાં આપણે આપણા પર્યાવરણનું રક્ષણ કરી આપણાં સંસાધનોનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકીએ," પ્રવક્તાએ જણાવ્યું.

2021 માં ઑડિટરોએ તપાસ કરી કે આ ટાયરો ખરેખર ક્યાં જઈ રહ્યાં છે ત્યારે ઑસ્ટ્રેલિયાએ નકામાં ટાયરની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ટાયર સ્ટેવર્ડશિપ ઑસ્ટ્રેલિયાનાં સીઇઓ લીના ગુડમેને બીબીસીને જણાવ્યું હતું કે "100% સામગ્રી કાગળ પરનાં સ્થળોએ પહોંચતી જ નહોતી".

ફાઇટિંગ ડર્ટીનાં સ્થાપક જ્યોર્જિયા એલિયટ-સ્મિથ કહે છે કે પાયરોલિસિસ માટે યુકેથી ભારતમાં ટાયર મોકલવાં એ એક "નજરઅંદાજ થયેલી મોટી સમસ્યા" છે. જેનો સામનો યુકે સરકારે કરવો જોઈએ. તેઓ ઇચ્છે છે કે આ ટાયરોને "જોખમી કચરા" તરીકે ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવે.

બીબીસી મરાઠીનાં જાહ્નવી મૂલે અને શાહિદ શેખના ઇનપુટ સાથે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.