You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જૂતાંના આધારે ઈરાની લૂંટારા પકડાયા અને ચેઇન સ્નૅચિંગની અનેક ઘટનાનો ભેદ ખુલ્યો
- લેેખક, વિજયાનંદ અરુમુગમ
- પદ, બીબીસી સંવાદદાતા
ચેન્નાઈમાં ચેઇન આંચકી જવાની શ્રેણીબદ્ધ ઘટનાઓમાં 24 કલાકમાં ઘણા વળાંક આવ્યા છે.
મહિલાઓના ગળામાંથી સવારે ચેઇન આંચકી જવાના છ બનાવ, ચાર કલાકમાં જ પ્લેનમાંથી બે લોકોની ધરપકડ, મધરાતે અથડામણ અને બીજા દિવસે આંધ્રપ્રદેશમાંથી ત્રીજી વ્યક્તિની ધરપકડની ઘટનાઓએ સનસનાટી મચાવી દીધી હતી.
છ મહિલાઓના ગળામાંથી ચેઇન ખેંચી લેવાના કેસનો પોલીસે સીસીટીવી દ્વારા કેવી રીતે પર્દાફાશ કર્યો? વિમાનમાં ચઢેલા બે લોકોને કેવી રીતે પકડ્યા?
મધરાતે ધરપકડ કરવામાં આવી હતી તે માણસનું ઍન્કાઉન્ટર પોલીસે સવારે કેમ કર્યું?
ખરેખર શું થયું હતું?
ચેન્નાઈના મેટ્રોપૉલિટન પોલીસ કમિશનર અરુણે આ બાબતે પત્રકારોને માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું, "25 માર્ચે સવારે 6.30 વાગ્યે બનેલી ચેઇન સ્નેચિંગની ઘટનાઓની માહિતી ગુપ્તચર એકમને મળી હતી. તાત્કાલિક પોલીસ સ્ટેશનોને જાણ કરવામાં આવી હતી. ઍન્ટી-ચેઇન સ્નૅચિંગ યુનિટને અલર્ટ કરવામાં આવ્યું હતું."
ચેઇન આંચકી લેવાની પહેલી ઘટના સવારે છ વાગ્યે સૈદાપેટમાં બની હતી. "બાદમાં તિરુવનમિયુરથી ગિન્ડી સુધીનાં છ સ્થળોએ આવી ઘટના બની હતી."
અરુણના જણાવ્યા મુજબ, ચેઇન સ્નૅચર્સની ટોળકીનો પ્લાન લૂંટ પછી તરત જ ઍરપૉર્ટ જઈને ટિકિટ ખરીદવાનો અને ઉપલબ્ધ ફ્લાઇટમાં મુંબઈ કે હૈદરાબાદ ભાગી જવાનો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું, "આ ટોળકી ક્યારેય ઍડવાન્સમાં ટિકિટ બુક કરાવતી નથી."
"અરેસ્ટ કરાયેલા લોકો પાસેથી 26.5 તોલા સોનાની છ ચેઇન જપ્ત કરવામાં આવી હતી. ગળામાંની ચેઇન આંચકી લેવાને કારણે 65 વર્ષનાં એક વૃદ્ધા ઘાયલ થયાં હતાં. તેમને હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે."
ગુનામાં સામેલ લોકોની અનેક સીસીટીવી ફૂટેજના આધારે ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવતાં અરુણે ઉમેર્યું હતું, "અમે દક્ષિણ ઝોનમાં ગુનેગારોને પકડવા માટે ચાર ખાસ ટીમ બનાવી હતી. ઘટના એ ઝોનમાં બની હતી. અમે ત્રણ કલાકમાં ગુનેગારોને પકડી પાડ્યા હતા."
ઍરપૉર્ટ પર કરવામાં આવેલી બન્ને શખ્સોની ધરપકડ બાબતે મેટ્રોપૉલિટન પોલીસ કમિશનરે કહ્યું હતું, "તેઓ 25 માર્ચે સવારે 4.15 વાગ્યે ચેન્નાઈ પહોંચ્યા હતા. લૂંટ ચલાવ્યા પછી સવારે 10 વાગ્યે તેઓ ઍરપૉર્ટ જવા રવાના થયા હતા."
"પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે ગુનેગારોને પકડ્યા હતા. તેમણે કપડાં બદલ્યાં હતાં, પણ જૂતાં નહીં. તેના આધારે અમે વિમાનમાંથી જ એક વ્યક્તિની ધરપકડ કરી હતી."
અરુણના જણાવ્યા મુજબ, મીનામ્બક્કમ ઍરપૉર્ટ પોલીસના ઇન્સપેક્ટર પાંડિયન વિમાનમાં ચડ્યા હતા અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ તથા ઍરપૉર્ટના અધિકારીઓ સાથે પરામર્શ કર્યા બાદ ગુનેગારોની ધરપકડ કરી હતી.
પોતે આ ગુનેગારોની ધરપકડ શા માટે કરી રહ્યા છે તે પાંડિયને અન્ય મુસાફરોને સમજાવ્યું હતું. બધાએ તેમને વિમાનમાંથી ઉતારવામાં મદદ કરી હોવાનું અરુણે જણાવ્યું હતું.
એક આરોપી પાસે માન્ય આધાર કાર્ડ ન હોવાને કારણે તેને ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડતી હતી. તેને બીજા ટિકિટ કાઉન્ટર પર રાહ જોતો છોડી દેવાયો હતો. એ પછી પોલીસે બીજા શખ્સની ધરપકડ કરી હતી.
લૂંટારુ ગૅંગની પૃષ્ઠભૂમિ બાબતે વાત કરતાં અરુણે કહ્યું હતું, "એ પૈકીના બે મુંબઈના છે. આજે 26 માર્ચે જેની ધરપકડ કરવામાં આવી છે તે શખ્સ કર્ણાટકનો છે. લૂંટ માટે ટુ-વ્હીલરની વ્યવસ્થા તેણે કરી હતી."
આ ઘટના ઈરાની લૂંટ જેવી છે કે કેમ, એવા પત્રકારોના સવાલના જવાબમાં અરુણે કહ્યું હતું, "ઈરાની લૂંટારાઓ ધ્યાન ભટકાવી રહ્યા છે. હવે ચેઇન સ્નૅચિંગ અને લૂંટની ઘટનાઓ બની રહી છે. તેઓ ચેન્નાઈના રસ્તાઓથી સારી પેઠે વાકેફ છે."
ઈરાની ચોરોને લોકોને છેતરીને લૂંટવાની આદત હોય છે. તેઓ ઈરાનથી આવે છે અને મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં રહે છે. તામિલનાડુ પોલીસ તેમની લૂંટ શૈલીને 'ઈરાની શૈલી' કહે છે.
અરુણના જણાવ્યા અનુસાર, તેઓ એક મોટા જૂથ તરીકે કામ કરે છે. "તેઓ સમગ્ર ભારતમાં ગુનાઓ આચરે છે. મહારાષ્ટ્રમાં તેમની સામે ક્રિમિનલ કેસીસ નોંધાયેલા છે. ઝફર ગુલામ હુસૈન ત્યાંના ગુનેગારોનાં 20 જૂથોમાંનો ત્રીજો શખ્સ છે."
ગુનેગારો પ્લેનમાં બેસીને નાસી ગયા હોત તો ગૅંગને પકડવાનું શક્ય ન હતું, એમ તેમણે જણાવ્યું હતું.
ઍન્કાઉન્ટર વિશે પૂછવામાં આવ્યું ત્યારે અરુણે કહ્યું હતું, "ઍન્કાઉન્ટર પૂર્વયોજિત ન હતાં. પોલીસ પોતાનું કામ કરી રહી હતી ત્યારે એ ઘટના અણધારી બની હતી."
"એ શખ્સને લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે એક સબમશીન ગનમાંથી તેના પર બે વખત ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમાં કોઈને ઈજા થઈ નથી. માત્ર પોલીસના વાહનને નુકસાન થયું છે. એ પછી ઇન્સપેક્ટર મોહમ્મદ બુખારીએ સ્વબચાવમાં એ શખ્સ પર ગોળીબાર કર્યો હતો."
એક કલાકમાં છ લૂંટ
ચેન્નાઈમાં 25 માર્ચે સવારે છ વાગ્યાની આસપાસ સૈદાપેટ સહિતનાં છ સ્થળોએ ચેઇન સ્નૅચિંગની ઘટનાઓની માહિતી ચેન્નાઈ મેટ્રોપૉલિટન પોલીસ કન્ટ્રોલ રૂમને મળી હતી.
આ બધી લૂંટ એક જ કલાકમાં થઈ હોવાથી ચેન્નાઈ દક્ષિણ ઝોનના અધ્યાર, પુનિતા થોમૈયાર હિલ અને ત્યાગરાય નગર વિસ્તારોનાં પોલીસ સ્ટેશનોને તત્કાળ જાણ કરવામાં આવી હતી.
એ અગાઉ સવારે છ વાગ્યાની આસપાસ તિરુવનમિયુરના ઇન્દિરા નગરમાં કામ પર જઈ રહેલાં 54 વર્ષીય મહિલા પાસેથી ટુ-વ્હીલર પર સવાર બે શખ્સોએ આઠ તોલા સોનાના ઘરેણાં આંચકી લીધા હતા અને નાસી છૂટ્યા હતા.
મહિલાએ તિરુવનમિયુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
શાસ્ત્રી નગરમાં પગપાળા જઈ રહેલાં 66 વર્ષીય મહિલા પાસેથી ચાર તોલા સોનાની ચેઇન આંચકી લેવામાં આવી હોવાની ફરિયાદ બેસન્ટ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
એ પછી શંકાસ્પદ શખ્સો ગિન્ડી રેસ ક્લબ, સૈદાપેટ અને વેલાચેરી વિજયનગર બસ સ્ટેન્ડમાં વૃદ્ધોને નિશાન બનાવીને સોનાની ચેઇન લૂંટી રહ્યા હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ હતી.
ઍરપૉર્ટ પરથી બેની ધરપકડ
આ પૈકીની કેટલીક ઘટનાઓ અદ્યાર વિસ્તારમાં બની હોવાથી ત્યાંના ડેપ્યુટી કમિશનરના નેતૃત્વમાં એક ખાસ ટીમની રચના કરવામાં આવી હતી.
પોલીસે ચેન્નાઈ સિટીમાં વાહનોનું ચેકિંગ સઘન બનાવ્યું હતું. એ પછી ચેન્નાઈ ઍરપૉર્ટ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે હૈદરાબાદ જતી ફ્લાઈટમાંથી બે શખ્સોની ધરપકડ કરી હતી.
બીબીસીએ અદ્યારના ડેપ્યુટી કમિશનર પોન કાર્તિકકુમાર સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, "ધરપકડ સંબંધે મારી પાસે કોઈ માહિતી નથી. આ સંદર્ભે મેટ્રોપૉલિટન પોલીસ મુખ્યાલય તરફથી અખબારી યાદી બહાર પાડવામાં આવશે."
બાદમાં ચેન્નાઈ મેટ્રોપૉલિટન પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે ઍરપોર્ટ પરથી બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
"સોનાની ચેઇન લૂંટમાં સામેલ લોકો ચેન્નાઈ ઍરપૉર્ટ જઈ રહ્યા હોવાની માહિતીને આધારે ખાસ દળો ચેન્નાઈ ઍરપૉર્ટ પહોંચ્યા હતા."
પોલીસે અખબારી યાદીમાં એમ પણ જણાવ્યું હતું કે "લૂંટમાં સામેલ એક શખ્સની ઍરપૉર્ટના પ્રવેશદ્વાર નજીકથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બીજાની વિમાનની અંદરથી ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસ ચાલુ છે. "
ત્રીજા શખ્સની ધરપકડ કેવી રીતે થઈ?
આ લૂંટમાં સામેલ ત્રીજા શખ્સ સલમાનની આંધ્રપ્રદેશના ઓંગોલમાંથી ખાસ પોલીસદળ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે લૂંટ બાદ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા સલમાનની રેલવે પોલીસની મદદથી ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બન્ને શખ્સો અન્ય રાજ્યોના છે અને ભૂતકાળમાં ચેઇન સ્નેચિંગમાં સામેલ હતા.
મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે ચેઇન લૂંટમાં સંડોવાયેલા શખ્સોને પોલીસે ત્રણ જ કલાકમાં પકડી પાડ્યા હતા.
બીબીસીએ એક વરિષ્ઠ પોલીસ અધિકારી સાથે આ બાબતે વાત કરી હતી.
તેમણે પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું હતું, "સીસીટીવી ફૂટેજના આધારે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સોનાની ચેઇન આંચકીને આરોપીઓ જે વાહનમાં આવ્યા હતા તે વાહન તેમણે ચેન્નાઈના પલ્લવન થંગલ રેલવે સ્ટેશન નજીક અટકાવ્યું હતું."
"તપાસમાં જાણવા મળ્યું હતું કે લૂંટારાઓની યોજના ચેન્નાઈથી હૈદરાબાદ અને પછી મુંબઈ જવાની હતી. તેઓ મહારાષ્ટ્રના હોવાનું પણ જાણવા મળ્યું છે."
ચેન્નાઈમાં 17 જાન્યુઆરીએ એક સાથે દસથી વધુ સ્થળોએ ચેઇન સ્નેચિંગની ઘટનાઓ બની હતી. તેમાં એક મહિલા પોલીસ અધિકારીની સોનાની ચેઇનનો પણ સમાવેશ થતો હતો.
પોલીસ અધિકારીએ કહ્યું હતું, "લૂંટમાં સામેલ લોકો વિમાન દ્વારા ભાગી ગયા હશે, એવું ધારવામાં આવ્યું હતું. ઉત્તરના રાજ્યોમાં શોધખોળ કરવામાં આવી હતી, પણ તેઓ મળ્યા ન હતા. એ જ શૈલીમાં 25 માર્ચે લૂંટ થઈ હોવાથી અમે ઝડપી કાર્યવાહી કરી હતી અને તેમની ધરપકડ કરી હતી."
ચેઇન સ્નૅચર ટોળકીની સઘન તપાસ
અધિકારીએ જણાવ્યું હતું કે વધુ તપાસ ચાલી રહી છે. ચેઇન સ્નૅચિંગમાં સામેલ ટોળકીની સંપૂર્ણ પૃષ્ઠભૂમિ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સોનાના ભાવમાં તીવ્ર વધારો થતાં ચોરટાઓ સોનાના ચેઇન ચોરવા પ્લેનમાં ચેન્નાઈ આવ્યા હતા.
ચેઇન સ્નૅચિંગ માટે જે વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનું રજિસ્ટ્રેશન કર્ણાટકમાં કરવામાં આવ્યું હતું.
ચોર ટોળકીએ આ વાહનો કોની પાસેથી ખરીદ્યાં હતાં, ચોરેલા સોનાનું તેમણે શું કર્યું હતું, ચેન્નાઈમાં કઈ ટોળકીએ તેમને મદદ કરી હતી, વગેરેની પોલીસ તપાસ ચાલી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન