ઓડિશા: જાતીય શોષણનો આરોપ મૂકનારી વિદ્યાર્થિનીનું મૃત્યુ, પિતાએ કહ્યું – આપઘાત માટે મજબૂર કરાઈ

ઓડિશાના પાટનગર ભુવનેશ્વરસ્થિત એઇમ્સમાં દાખલ વિદ્યાર્થિનીનું મૃત્યુ થઈ ગયું છે. તેણે પોતાના જાતીય શોષણના કેસમાં કોઈ તપાસ ન થતાં શનિવારે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

એ પછી વિદ્યાર્થિનીને ગંભીર અવસ્થામાં એઇમ્સમાં દાખલ કરાઈ હતી. સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એઇમ્સ જઈને પીડિતાનાં ખબરઅંતર પૂછ્યાં હતાં.

એ પછી મૃત્યુ થતાં મંગળવારે સવારે વિદ્યાર્થિનીના મૃતદેહના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

વિદ્યાર્થિનીએ ઓડિશાની ફકીર મોહન કૉલેજના એક ડિપાર્ટમેન્ટના વડા પર જાતીય શોષણના આરોપ મૂક્યા હતા.

વિદ્યાર્થિનીના પિતાનું કહેવું છે કે તપાસ સમિતિએ ખોટો રિપોર્ટ આપીને તેમની દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરી.

વિદ્યાર્થિનીના પિતાએ બીબીસી હિંદી સાથે વાત કરતા કહ્યું, "અમે ન્યાય માગી રહ્યા છીએ. માત્ર એ બંનેની ધકપકડ કરવાથી કશું નહીં થાય. વાસ્તવમાં ખોટો રિપોર્ટ આપીને મારી દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવી હતી."

"એ ઇન્ટરનલ કમિટીનાં સભ્યો પણ અપરાધી છે. મારી સરકારને વિનંતી છે કે એ તેમની સામે પણ કડકમાં કડક પગલાં લેવામાં આવે."

બાલાસોર પોલીસનું કહેવું છે કે તે ઇન્ટરનલ કમિટીના રિપોર્ટનો પણ અભ્યાસ કરશે.

ઓડિશાના મુખ્ય મંત્રી મોહન ચરણ માઝીએ વિદ્યાર્થિનીનાં મૃત્યુ વિશે દુખ વ્યક્ત કર્યું અને તેમના પરિવારને આશ્વાસન આપ્યું છે કે આ કેસમાં દોષિત એવા તમામ લોકોની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

મુખ્ય મંત્રીએ વિદ્યાર્થિનીના પરિવારને રૂ. 20 લાખની આર્થિક મદદ આપવાની પણ જાહેરાત કરી છે.

ઓડિશાના પૂર્વ મુખ્ય મંત્રી નવીન પટનાયકે આ ઘટનાને રાજ્ય સરકારની બેદરકારી ગણાવી છે તથા રાજ્યપાલને અપીલ કરી છે કે કડક કાર્યવાહી કરવામાં આવે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થિનીના મૃત્યુ માટે રાજ્યની ભાજપ સરકારને જવાબદાર ઠેરવી છે.

સોમવારે પોલીસે કૉલેજના પ્રિન્સિપાલ દિલીપકુમાર ઘોષની ધરપકડ કરી હતી. આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ અગાઉથી જ ધરપકડ કરી લીધી છે.

રાજ્યના મુખ્ય વિરોધ પક્ષો બીજુ જનતાદળ તથા કૉંગ્રેસ આ મામલે સતત પ્રદર્શનો કરી રહ્યાં છે. વિદ્યાર્થિનીના મૃત્યુ પછી કૉંગ્રેસ તથા અન્ય વિપક્ષી દળોએ (સીપીએમ, સીએલપી વગેરે) ગુરુવારે ઓડિશા બંધનું એલાન આપ્યું છે.

(આત્મહત્યા ગંભીર મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમસ્યા છે. જો તમે તણાવગ્રસ્ત હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330 ની મદદ લઈ શકો છો. આ અંગે મિત્રો તથા પરિવારજનો સાથે વાત કરવી જોઈએ.)

'વિદ્યાર્થિનીને પરીક્ષામાં ન બેસવા દેવાઈ'

વિદ્યાર્થિનીએ બાલાસોરની ફકીર મહોન કૉલેડના એચઓડી પર જાતીય શોષણના આરોપ મૂક્યા હતા તથા આ અંગે કૉલેજના વહીવટીતંત્રને ફરિયાદ પણ કરી હતી. મૃતકે અનેક ઉચ્ચ અધિકરીઓને ટૅગ કરીને સોશિયલ મીડિયા પોસ્ટ પણ મૂકી હતી.

વિદ્યાર્થિનીના પરિવારજનોએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા અનેક મહિનાથી તેનું જાતીય શોષણ થઈ રહ્યું હતું. તેણે આની વિરુદ્ધ કૉલેજના વહીવટીતંત્રને ફરિયાદ પણ કરી હતી, પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી ન થતાં તે ત્રસ્ત હતી.

પોલીસનું કહેવું છે કે આ કેસમાં તપાસ ચાલી રહી છે તથા આના માટે વિશેષ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે.

બાલાસોરના એસપી રાજ પ્રસાદના કહેવા પ્રમાણે, "આ ઘટનાની દરેક પાસાંથી તપાસ કરવામાં આવશે. ફૉરેન્સિક ટીમ પણ તપાસમાં સામેલ છે. ડીએસપી સ્તરના અધિકારીને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે."

પોલીસે મુખ્ય આરોપી સમીર સાહુની ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એઇમ્સ જઈને વિદ્યાર્થિનીના હાલચાલ પૂછ્યા હતા.

વિદ્યાર્થિનીના દાદાએ બીબીસીને કહ્યું, "આ તપાસ કમિટીએ પોતાના રિપોર્ટમાં અધ્યાપકની સામે જાતીય શોષણનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો, પરંતુ આ કેસને દબાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું."

તેમણે કહ્યું, "માનસિક રીતે પણ તેનું શોષણ થયું હતું. તેને અમુક પેપરમાં નાપાસ કરવામાં આવી તથા તેની હાજરી ઓછી છે એમ જણાવીને પરીક્ષામાં બેસવા દેવાઈ ન હતી."

બીબીસીએ આ અંગે કૉલેજના સસ્પેન્ડેડ પ્રિન્સિપાલ દિલીપ ઘોષ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.

વિદ્યાર્થિની સાથે અભ્યાસ કરનારી એક છોકરીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે વિદ્યાર્થિની છેલ્લા કેટલાક દિવસોથી ટીચરના આચરણને કારણે પરેશાન અને આઘાતમાં હતી.

તેમણે જણાવ્યું, "વિદ્યાર્થિનીએ અધ્યાપક વિરુદ્ધ અયોગ્ય આચરણનો આરોપ મૂકીને કૉલેજના મૅનેજમૅન્ટ સમક્ષ ફરિયાદ કરી હતી. એ પછી આ કેસમાં તપાસ કમિટી બેસાડવામાં આવી હતી."

ભારતની દીકરીઓ સલામતી અને ન્યાય ઇચ્છે છે – રાહુલ ગાંધી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ ઘટનાક્રમ માટે રાજ્યની ભાજપ સરકારને જવાબદાર ઠેરવી છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ઓડિશામાં ન્યાય માટે લડતાં-લડતાં એક દીકરીનું મૃત્યુ, પ્રત્યક્ષ રીતે ભાજપની સિસ્ટમ દ્વારા હત્યા છે. એ બહાદુર વિદ્યાર્થિનીએ જાતીય શોષણ સામે અવાજ ઉઠાવ્યો."

"પરંતુ તેને ન્યાય આપવાના બદલે ધમકાવાઈ આવી, ત્રાસ આપવામાં આવ્યો તથા વારંવાર અપમાનિત કરવામાં આવી."

"જેમણે રક્ષણ કરવાનું હતું, તેઓ જ વારંવાર તેને તોડતા રહ્યા. કાયમની જેમ ભાજપની સિસ્ટમે આરોપીઓનો બચાવ કર્યો અને એક માસૂમ દીકરીને ખુદને આગ લગાડવા માટે મજબૂર કરી દીધી."

ભાજપે રાહુલ ગાંધી પર રાજકારણ રમવાનો આરોપ મૂક્યો છે. ભાજપના નેતા તથા કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઍક્સ પર લખ્યું :

"રાહુલ ગાંધી તથા કૉંગ્રેસ ઓડિશાની દીકરી સાથે થયેલી દુખદ ઘટના ઉપર નિમ્ન પ્રકારનું રાજકારણ કરી રહ્યા છે, જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ગંભીર તથા સંવેદનશીલ કેસનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવોએ રાહુલ ગાંધીની સસ્તી માનસિકતા દેખાડે છે."

"ઓડિશાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે, પરંતુ કૉંગ્રેસે તેને પણ પોતાના રાજકીય રોટલા શેકવાની તક બનાવી લીધી હતી."

ધર્મેન્દ્ર પ્રધાનનું કહેવું છે કે અત્યારે વિદ્યાર્થિનીના પરિવારને ન્યાય અપાવવાનો સમય છે. રાહુલ ગાંધીએ પોતાના બેજવાબદારીપૂર્ણ નિવેદન માટે પીડિત પરિવારની તાત્કાલિક માફી માગવી જોઈએ.

પૂર્વ મુખ્ય મંત્રી નવીન પટનાયકે ઍક્સ પર લખ્યું, વિદ્યાર્થિનીના મૃત્યુના સમાચાર સાંભળીને આઘાતમાં છું.

તેમણે લખ્યું, "સૌથી વધુ તકલીફદાયક બાબત તો એ છે કે તે કોઈ અકસ્માત ન હતો, પરંતુ એવી સિસ્ટમની ચુપકીદીનું પરિણામ હતું કે જેણે મદદ કરવાને બદલે આંખો મીંચી લીધી. ન્યાયની લડાઈ લડતાં-લડતાં છેવટે એ છોકરીએ હંમેશાંને માટે આંખો મીંચી લીધી."

"જો એ સમયે કોઈ વ્યક્તિએ જવાબદારી લીધી હોત અને આગળ આવી હોત, તો કદાચ એનો જીવ બચી ગયો હોત. હું ફરી એક વખત માનનીય રાજ્યપાલને અપીલ કરું છું કે માત્ર કૉલેજના વહીવટીતંત્રના લોકો જ નહીં, પરંતુ જે લોકોએ પીડિતાના મદદના પોકાર છતાં કાર્યવાહી ન કરી, તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન