ભારતમાં નક્સલવાદીઓ હથિયાર હેઠાં મૂકવાં તૈયાર થઈ ગયા?

ઇમેજ સ્રોત, Alok Putul
- લેેખક, આલોક પુતુલ
- પદ, બીબીસી માટે રાયપુરથી
સીપીઆઈ (માઓવાદી) દ્વારા કથિત રીતે બે દિવસમાં બે વિજ્ઞપ્તી અને બે ઑડિયો સંદેશ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ હથિયાર હેઠાં મૂકવાં અને સરકાર સાથે સંવાદ કરવા માટે તૈયાર છે.
હાલ તો નક્સલવાદીઓની કથિત વિજ્ઞપ્તીઓની સત્યતા અંગે સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
જોકે, નક્સલવાદી આંદોલન સાથે જોડાયેલા અનેક વિશ્લેષક માને છેકે વર્તમાન સમયમાં પાર્ટીએ જ આ પ્રસ્તાવ મૂક્યો હોય શકે છે.
આ વિજ્ઞપ્તીઓ મુજબ, પાર્ટીના મુખ્ય પ્રવક્તા અભયે પ્રસ્તાવ મૂક્યો છે કે સરકાર એક મહિનાનો સંઘર્ષવિરામ જાહેર કરે, જેથી કરીને સંગઠન જેલોમાં બંધ તેના વરિષ્ઠ નેતાઓ સાથે પરામર્શ કરીને વાટાઘાટો માટે પ્રતિનિધિમંડળ તૈયાર કરી શકે.
તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અથવા તેમના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટો કરવાની રજૂઆત કરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, ALOK PUTUL
છત્તીસગઢના ગૃહમંત્રી વિજય શર્માએ કહ્યું છે કે આ વિજ્ઞપ્તીઓની સત્યતાની તપાસ કરવામાં આવી રહી છે.
બસ્તર રેન્જના આઈજી (પોલીસ) સુંદરરાજ પી.નું પણ કહેવું છે કે આ વિજ્ઞપ્તીઓની પ્રમાણિકતાની તપાસ કરવામાં આવી રહી છે તથા તેના વિષ્યવસ્તુનો સાવધાનીપૂર્વક અભ્યાસ થઈ રહ્યો છે.
માઓવાદીઓની આ વિજ્ઞપ્તી તથા ઑડિયોની ભાષા નક્સલવાદીઓની પરંપરાગત ભાષાથી અલગ છે, કારણ કે ગત 58 વર્ષથી તેઓ 'બંદૂક જ મુક્તિનો માર્ગ છે' એમ કહેતા રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવા પણ સવાલ ઊઠી રહ્યા છે કે શું ખરેખર નક્સલવાદીઓની વિચારધારા બદલાઈ છે કે હાલ તેઓ સંકટમાં છે એટલે આ તેમની વ્યૂહાત્મક વિવશતા છે?
નક્સલવાદ સામેની લડાઈ નિર્ણાયક તબક્કામાં

ઇમેજ સ્રોત, Getty Images
નક્સલ આંદોલનને જોનારા તથા સમજનારાઓનું કહેવું છે કે ભારતની આંતરિક સુરક્ષાની સૌથી લાંબી લડાઈ હાલ તેના સૌથી નિર્ણાયક તબક્કામાં પહોંચી છે.
જો આ વિજ્ઞપ્તીઓ ખરેખર નક્સલવાદીઓનો સંદેશ હોય, તો એનાથી સ્પષ્ટ થાય છે કે નક્સલવાદીઓ સંઘર્ષવિરામ તથા સંવાદ માટે તૈયાર છે. નક્સલવાદીઓ સંવાદ માટે તૈયાર થયા, એની પાછળનાં કારણ પણ સ્પષ્ટ છે.
નક્સલવાદીઓના પ્રવક્તા અભયે પાંચ મહિના પહેલાં (તા. બીજી એપ્રિલ) નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં તેમણે છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઝારખંડ, મધ્ય પ્રદેશ તથા તેલંગાણામાં હાથ ધરવામાં આવેલા 'ઑપરેશન કગાર' સહિતની કાર્યવાહીને અટકાવવા તથા નવા કૅમ્પ ન બનાવવામાં આવે, એ શરતે વાત કરવાની ઑફર કરી હતી.
અભયે સિઝફાયર દરમિયાન સુરક્ષાબળોને કૅમ્પ સુધી સીમિત રાખવાની શરત પણ મૂકી હતી. એના કરતાં અભયનું તાજેતરનું નિવેદન અલગ છે.
જોકે, ગત પાંચ મહિના દરમિયાન નક્સલવાદીઓએ તેમના મહાસચિવ સહિત ડઝનબંધ કાર્યકર્તાઓ ગુમાવ્યા છે, એ પછી સીપીઆઈ-એમએ (કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા, માઓવાદી) વિના શરતે વાટાઘાટોની ઑફર કરી છે.

ઇમેજ સ્રોત, Alok Putul
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નક્સલ બાબતોના જાણકાર ડૉ. પી. વી રમનાનું માનવું છે કે જ્યાર સુધી નક્સલવાદીઓ હથિયાર હેઠાં નહીં મૂકે, ત્યાર સુધી સરકાર તેમની સાથે વાટાઘાટો નહીં કરે.
ડૉ. પી. વી રમના કહે છે, "શાંતિ માટે સંવાદનો આવો જ એક પ્રસ્તાવ માર્ચ-એપ્રિલ મહિના દરમિયાન પણ આવ્યો હતો. તે સમયે કેન્દ્ર સરકારે નક્સલવાદીઓને કોઈ જવાબ નહોતો આપ્યો."
"માર્ચ મહિનાથી અત્યારસુધીમાં સુરક્ષાબળોના ઑપરેશનમાં મોટાપાયે નક્લવાદીઓ માર્યા ગયા છે. તેમના મહાસચિવ તથા સેન્ટ્રલ કમિટીના અનેક સભ્યો પણ માર્યા ગયા છે."
ડૉ. રમના કહે છે, "અત્યારે માઓવાદીઓ ચારેય બાજુએથી ઘેરાયેલા છે એટલે એક મહિના માટે શાંતિવાર્તાનો પ્રસ્તાવ મૂક્યો છે. પરંતુ સરકાર તેમની સાથે સંવાદ કરે એ માટેનું કોઈ કારણ મને નથી દેખાતું. નક્સલવાદીઓ સંપૂર્ણપણે હથિયાર ત્યજી દેવા તૈયાર થાય, તો જ વાટાઘાટો થઈ શકે."
ડૉ. પી. વી રમનાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે જો નક્સલવાદીઓ હથિયાર હેઠાં મૂકવાના પક્ષધર હોય, તો સરકારે તેમને સમાજના મુખ્યપ્રવાહમાં ભળવાની તક આપવી જોઈએ. જોકે, સરકાર અને નક્સલવાદીઓની વાટાઘાટો અંગે તેઓ સંશયિત છે.
તેઓ કહે છે કે નક્સલવાદીઓનું સંગઠન દેશનાં અનેક રાજ્યોમાં ફેલાયેલું છે, ત્યારે માત્ર છત્તીસગઢ સરકાર સાથે વાટાઘાટો કરવાથી સમાધાન નહીં આવે.
નક્સલવાદીઓનો કપરો કાળ

ઇમેજ સ્રોત, Getty Images
વર્તમાન સમયમાં નક્સલવાદી સંગઠન કપરાકાળમાંથી પસાર થઈ રહ્યું છે. નક્સલવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકોની વાત માનીએ તો તેની સેન્ટ્રલ કમિટીના 42 સભ્ય હતા. આ સંખ્યા ઘટીને હાલમાં લગભગ 12 થઈ ગઈ છે.
જનરલ સેક્રેટરી બસવરાજૂ તથા મોડેમ બાલકૃષ્ણ જેવા સિનિયર નેતાઓ તાજેતરમાં માર્યા ગયા છે. આ સિવાય સેન્ટ્રલ કમિટીનાં સભ્ય એવા સુજાતાએ આત્મસમર્પણ કર્યું છે.
આ ઘટનાઓ સંગઠનના ઘટી રહેલા મનોબળ તથા સંગઠનનું માળખું તૂટી રહ્યું હોય તેનો અણસાર આપે છે.
નક્સલવાદીઓના પ્રવક્તાએ તેમનાં તાજેતરનાં નિવેદનમાં ભારપૂર્વક કહ્યું છે કે તેમનો સંઘર્ષ માત્ર હથિયારો ઉપર આધારિત નથી.
તેમણે કહ્યું કે નક્સલવાદી આંદોલને સમાજનાં અલગ-અલગ વર્ગો, મહિલાઓ, શ્રમિકો, દલિતો તથા આદિવાસીઓને સંગઠિત કરીને તેમને ઓળખ અપાવી છે.
જોકે, ગત બે વર્ષ દરમિયાન સુરક્ષાબળોએ જે કાર્યવાહીઓ કરી છે, તેના કારણે નક્સલવાદીઓ ઉપર દબાણ ઊભું થયું છે, એ વાત પણ છે.
નક્સલવાદીઓ ઉપર માત્ર સુરક્ષાબળોનું સંકટ નથી તોળાઈ રહ્યું. તેમને મળતાં લોકસમર્થનમાં પણ ભારે ઘટાડો થયો છે.
નક્સલવાદીઓએ અગાઉ પણ વાટાઘાટો માટે પ્રસ્તાવ મૂક્યા છે, પરંતુ હાલમાં તેમની સ્થિતિ ખૂબ જ કફોળી જણાય છે. આ સિવાય નક્સલ આંદોલનમાં આંતરિક મતભેદ પણ પ્રવર્તે છે.
ત્યારે નક્સલવાદીઓના તાજેતરના પ્રસ્તાવને બે રીતે જોવામાં આવે છે. એક તો એ કે આ પ્રસ્તાવ અસ્તિત્વને ટકાવી રાખવાની વ્યૂહરચના હોય શકે છે.
અને બીજું એ કે તેમને ખરેખર લાગવા માંડ્યું હોય કે માત્ર બંદૂકની મદદથી જનતાની સમસ્યાઓનો ઉકેલ ન લાવી શકાય તથા આ પ્રસ્તાવ તેની સ્વીકારોક્તિ પણ હોય.
વરિષ્ઠ પત્રકાર પ્રફુલ્લ ઠાકુર કહે છે, "પોતાનું સંગઠનાત્મક અસ્તિત્વ ટકાવી રાખવા માટેની વ્યૂહરચના છે કે રાજકીય પ્રક્રિયામાં ભાગીદારીની ખરેખર ઇચ્છા. આ અંગે કંઈ પણ કહેવું વહેલું ગણાશે. આમ છતાં, એક વાત સ્પષ્ટ છે કે તેમનું તાજેતરનું વલણ અગાઉ કરતાં અલગ છે."
"પહેલી વખત નક્સલવાદી નેતૃત્વે સ્વીકાર્યું છે કે તેઓ રાજકીયદળો અને જનસંઘર્ષ સાથે જોડાયેલાં અન્ય સંગઠનો સાથે મળીને લોકોની સમસ્યાઓને ઉકેલવા માટે સંયુક્ત સંઘર્ષ કરવા માગે છે. સાથે જ લોકોની દરેક સમસ્યાનો ઉકેલ માત્ર સશસ્ત્ર સંઘર્ષથી ન આવી શકે, એ વાત તેમના વૈચારિક માળખામાં આવેલી તિરાડ અને સંભવિત પરિવર્તન તરફ પણ ઇશારો કરે છે."
અગાઉ પણ વાટાઘાટોના પ્રયાસ થયા હતા

ઇમેજ સ્રોત, Alok Putul
નક્સલવાદીઓ અને સરકાર વચ્ચે વાટાઘાટોનો આ પહેલો પ્રયાસ નથી. અગાઉ પણ અનેક વખત આવા પ્રયત્ન થયા છે.
વર્ષ 2002માં આંધ્ર પ્રદેશમાં વાતચીતની પહેલી શરૂઆત થઈ હતી. આ વાતચીતમાં સરકાર અને નક્સલવાદીઓ વચ્ચે કયા મુદ્દે વાટાઘાટો થશે, તેનો ઍજન્ડા નક્કી કરવા માટે વાતચીત થવાની હતી. એટલે તેને 'વાટાઘાટો માટે વાતચીત' કહેવામાં આવી હતી. પરંતુ આ વાતચીતમાં કોઈ નિષ્કર્ષ ન નીકળ્યો.
એ પછી ઑક્ટોબર-2004માં આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી વાય. એસ. રાજશેખર રેડ્ડીના કાર્યકાળ દરમિયાન નક્સલવાદીઓ સાથે વાટાઘાટો હાથ ધરવામાં આવી હતી.
નક્લવાદીઓ તરફથી આ વાટાઘાટોનું નેતૃત્વ કરી રહેલા અક્કીરાજૂ હરગોપાલ ઉર્ફે રામકૃષ્ણ ઉર્ફે આરજે ઉર્ફે સંકેતે વાટાઘાટોના એક દિવસ અગાઉ કહ્યું હતું કે આ શાંતિવાર્તાનો પ્રયાસ પણ અન્ય એક પ્રકારનું યુદ્ધ જ છે.
તા. 15થી 17 ઑક્ટોબર 2004 એમ ત્રણ દિવસની વાતચીત દરમિયાન નક્સલવાદીઓએ જમીન સુધાર, સુરક્ષાબળોને પાછાં ખેંચવા તથા જનસંગઠનોને માન્યતા આપવી, જેવી માંગણીઓ મૂકી હતી.
શાંતિવાર્તા શરૂ થાય, એ પહેલાં તા. 11 ઑક્ટોબરના આંધ્ર પ્રદેશના પ્રકાશમ્ તથા મહબૂબનગર જિલ્લામાં સુરક્ષાબળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ, જેમાં છ નક્સલવાદી માર્યા ગયા.
નક્સલ નેતા રામકૃષ્ણાએ તેને 'વાટાઘાટોની પ્રક્રિયાને ખોરંભે પાડવાની ચાલ' ગણાવીને સરકાર ઉપર નિશાન સાધ્યું હતું.
બીજી બાજુ, વાટાઘાટો ચાલુ હતી, ત્યારે જ તા. 16 ઑક્ટોબરના રોજ નક્સલવાદીઓએ ધારાસભ્ય આદિકેશવુલા નાયડૂની હત્યા કરી, સ્વાભાવિક રીતે જ આ વાટાઘાટો નિષ્ફળ રહેવાની હતી.
આ ઘટનાના ત્રણ મહિના બાદ જાન્યુઆરી-2005માં નક્સલવાદી સંગઠનોએ સંયુક્ત નિવેદન બહાર પાડીને કહ્યું, "સરકારે દગો દીધો છે, એટલે તેની સાથે વધુ વાટાઘાટો નહીં થાય."

ઇમેજ સ્રોત, Alok Putul
વર્ષ 2010માં ડૉ. મનમોહનસિંહની સરકારમાં ગૃહમંત્રી પી. ચિદમ્બરમે શાંતિવાર્તા માટે પહેલ કરી હતી.
નક્સલવાદી સંગઠનની સેન્ટ્રલ કમિટીના સભ્ય તથા પ્રવક્તા ચેરિકુરી રાજકુમાર ઉર્ફ આઝાદે વાટાઘાટોની તૈયારી હાથ ધરી હતી અને સ્વામી અગ્નિવેશ જેવા મધ્યસ્થીઓ સાથે સંપર્કમાં હતા.
જૂન-2010માં નક્સલવાદીઓના પ્રવક્તા આઝાદે પત્ર લખીને કહ્યું હતું કે તેઓ સંઘર્ષવિરામ તથા વાટાઘાટો માટે તૈયાર છે. આ દરમિયાન તા. પહેલી જુલાઈ 2010ના રોજ પોલીસે દાવો કર્યો કે તેઓ આંધ્ર પ્રદેશમાં એક ઍન્કાઉન્ટર દરમિયાન આઝાદ તથા પત્રકાર હેમચંદ્ર પાંડેનાં મૃત્યુ થયાં છે.
આ સાથે જ વાટાઘાટો અટકી ગઈ. આ વાતચીતમાં મધ્યસ્થી કરી રહેલા સ્વામી અગ્નિવેશે આરોપ મૂક્યો હતો કે પોલીસે આઝાદને મહારાષ્ટ્રનાં નાગપુરમાંથી ઉઠાવ્યા હતા અને તેમને આંધ્ર પ્રદેશમાં લાવીને તેમનું નકલી ઍન્કાઉન્ટર કર્યું હતું.
નક્સલવાદીઓએ કહ્યું હતું કે સરકાર વાસ્તવમાં વાટાઘાટો કરવા નહોતી માંગતી, પરંતુ નક્સલવાદીઓનાં નેતૃત્વને ખતમ કરી દેવા માંગતી હતી.
વર્ષ 2011માં પશ્ચિમ બંગાળમાં નક્સલ નેતા કિશનજીએ વાતચીતની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, તા. 24 નવેમ્બર 2011ના રોજ પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપુર જિલ્લામાં કિશનજીનું મોત થયું અને વાટાઘાટો શરૂ ન થઈ શકી.
કિશનજીનાં મૃત્યુ અંગે પણ સવાલ ઉઠ્યા હતા. એનાં મૃત્યુ પછી વાટાઘાટો માટે સરકાર તરફ નિમાયેલા મધ્યસ્થીઓએ પણ રાજીનામાં આપી દીધાં.
નક્સલવાદી લખાણો મુજબ, આ ઘટના પછી પણ અનેક વખત શાંતિસંવાદ માટે રજૂઆતો થઈ હતી. જોકે, ગત વર્ષે છત્તીસગઢના બસ્તરમાં સુરક્ષાબળોએ વેગવંતા ઑપરેશન હાથ ધર્યાં, એ પછી નક્સલવાદીઓએ અનેક વખત વાટાઘાટો માટે પ્રસ્તાવ મૂક્યા છે.

ઇમેજ સ્રોત, Alok Putul
તા. 28 માર્ચ 2025ના રોજ નક્સલવાદીઓની સેન્ટ્રલ કમિટીએ નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તેઓ વાટાઘાટો માટે તૈયાર છે. જોકે, આ માટે તેમણે 'ઑપરેશન કગાર'ને અટકાવવાની શરત મૂકી હતી.
એ પછી તા. બીજી ઓપ્રિલના રોજ સીપીઆઈ-એમની કેન્દ્રીય સમિતિએ નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે જો 'ઑપરેશન કગાર' અટકાવી દેવામાં આવે, પોલીસ નવા કૅમ્પ ન બનાવે તથા નક્સલવિરોધી અભિયાનોને અટકાવી દેવામાં આવે, તો તેઓ વાટાઘાટો માટે તૈયાર છે.
આના બીજા જ દિવસે, એટલે કે તા. ત્રીજી એપ્રિલ 2025ના રોજ નક્સલવાદીઓની સેન્ટ્રલ કમિટીના પ્રવક્તા અભયે કહ્યું હતું કે જો સરકાર સકારાત્મક પ્રતિક્રિયા આપશે, તો તેઓ તાત્કાલિક સંઘર્ષવિરામ જાહેર કરશે.
એ પછી તા. 25 એપ્રિલ 2025ના રોજ ઔપચારિક અપીલ કરતા નક્સલવાદીઓના પ્રવક્તા અભયે કહ્યું કે "નિર્ધારિત સમયમર્યાદા સાથે સંઘર્ષવિરામની જાહેરાત કરવામાં આવે અને વિના શરતે શાંતિવાર્તા શરૂ કરવામાં આવે."
જોકે, છત્તીસગઢની સરકારે સ્પષ્ટપણે કહ્યું હતું કે પહેલાં નક્સલવાદીઓ હથિયાર હેઠાં મૂકે, એ પછી જ કોઈપણ જાતની વાટાઘાટો થઈ શકે છે.
છત્તીસગઢના નાયબમુખ્ય મંત્રી વિજય શર્માએ કહ્યું કે નક્સલ નેતાઓ આત્મસમર્પણ કરે, એ પછી જ વાટાઘાટો શક્ય છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે નક્સલવાદીઓ હથિયાર હેઠાં મૂકીને મુખ્યપ્રવાહમાં ભળે.
શાંતિવાર્તા અંગે સંશય

ઇમેજ સ્રોત, CG KHABAR
જાણકારોનું કહેવું છે કે સરકાર અને નક્સલવાદીઓ વચ્ચે વિશ્વાસનો અભાવ છે.
નક્સલવાદીઓ દરેક વાટાઘાટ પહેલાં એવી કોઈક શરત મૂકી દે છે કે જેને લોકશાહીનાં માળખામાં પૂરી ન કરી શકાય.
આ પ્રકારની દરેક વાટાઘાટો દરમિયાન સશસ્ત્ર અભિયાન ચાલુ રહ્યાં છે. આઝાદ અને કિશનજીનાં મૃત્યુ જેવી ઘટનાઓને કારણે ક્યાંક ને ક્યાં સરકાર પ્રત્યે અવિશ્વાસ પેદા થયો છે.
છત્તીસગઢના એક નિવૃત્ત પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે, નક્લવાદીઓની ઇચ્છા રહી છે કે શાંતિ માટેના સંવાદ દરમિયાન સરેન્ડર તથા હિંસા સિવાયની બાબતો ઉપર વાટાઘાટો થાય.
નક્સલવાદીઓ ઇચ્છતા હતા કે જમીન સુધાર, આદિવાસીઓના અધિકાર, વિસ્થાપન, ખાણકામની યોજનાઓ તથા લોકતાંત્રિક સ્વતંત્રતા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થાય.
જોકે, સરકારનો વિચાર સ્પષ્ટ હતો કે માત્ર કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષા જેવા મુદ્દે વાટાઘાટો થઈ શકે છે.
તેઓ કહે છે, "શાંતિવાર્તાની શરતો અંગે હંમેશા અસહમતિ રહેવા પામી છે."
તેઓ ઉમેરે છે, "એક તરફ વાટાઘાટો થતી, તો બીજી બાજુ, નક્સલ હિંસા તથા અથડામણો પણ થતાં રહ્યાં. એટલે ક્યારેય શાંતિવાર્તા ન થઈ અને તેની કોઈ શક્યતા પણ દેખાતી નથી."
પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે, ભારતમાં સીપીઆઈ-એમ સૌથી મોટું સંગઠન છે. આ સિવાય નક્સલવાદીઓના ઓછામાં ઓછાં 18 અન્ય સંગઠન છે, જે નાના-મોટા વિસ્તારોમાં સક્રિય છે.
જો સીપીઆઈ-એમના તમામ સભ્યો હથિયાર હેઠાં મૂકી દે, તો શું અન્ય નક્સલ સંગઠનોના સભ્ય પણ એજ રસ્તો અપનાવશે કે કેમ? એ પણ મોટો સવાલ છે.
એમ પણ નક્સલવાદીઓમાં લોકશાહીનો માર્ગ અપનાવનારને 'સંશોધનવાદી' જાહેર કરીને, હિંસક રાજકારણ ચાલુ રાખવાની લાંબી પરંપરા રહી છે.
નક્સલપ્રભાવિત વિસ્તારના એક નાનકડાં ગામ 'સંગમ'માં રહેતાં આદિવાસી પત્રકાર મનકૂ નેતામને અન્ય ચિંતાઓ સતાવે છે.
તેમનું કહેવું છે કે જો નક્સલવાદીઓ ખરેખર હથિયાર હેઠાં મૂકી દે, તો તેમના માટે સન્માનજનક પુનર્વસન, રાજકીય ભાગીદારી તથા આદિવાસી વિસ્તારોમાં મૂળભૂત સુવિધા જેવી બાબતો થાય, તે જરૂરી છે.
બીજી બાજુ, જો સરકાર માત્ર સશસ્ત્રબળોનાં દબાણ અને આત્મસમર્પણની નીતિ ઉપર અટકેલી રહે, તો ભલે હિંસા દબાઈ જશે, પરંતુ તે ખતમ નહીં થાય. આ અસમાનતાઓ ધરાતલ ઉપર અન્ય સ્વરૂપે ફરી દેખા દેશે.
મનકૂ નેતામ કહે છે, "નક્સલવાદીઓ હથિયાર હેઠાં મૂકે છે કે નહીં, એજ મુદ્દો નથી. અસલ સવાલ એ છે કે શું ભારત એ સામાજિક-આર્થિક પરિસ્થિતિઓને બદલી શકશે, જેના કારણે નક્સલ આંદોલન વકર્યું અને દેશના ખાસ્સા વિસ્તારને પોતાની નાગચૂડમાં લઈ લીધો."
"જ્યાર સુધી આદિવાસી સમાજને શિક્ષણ, રોજગાર તથા સન્માનજનક જીવનની તકો નહીં મળે, ત્યાર સુધી આ પ્રકારની હિંસા માટે માટેનાં કારણો રહેશે, જે અલગ-અલગ સ્વરૂપે સામે આવશે. સરકાર સામે તે મોટો પડકાર છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













