You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કમલા હૅરિસ સામે ટ્રમ્પનો આક્રમક પ્રચાર, આ ત્રણ મુદ્દાઓ ભારે પડી શકે
- લેેખક, ઍન્થોની ઝર્ચર
- પદ, ઉત્તર અમેરિકા સંવાદદાતા, બીબીસી
અમેરિકાના રાજકીય ઇતિહાસમાં આવેલી અચાનક ઊથલપાથલમાં કદાચ તમને થોડી પળો માટે એવું લાગી શકે કે કમલા હૅરિસને માટે રાષ્ટ્રપતિપદની દોડ સહેલી હશે. પરંતુ કદાચ એ થોડી પળોનો જ ભ્રમ છે.
ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચારઅભિયાનમાં સામેલ પોલસ્ટર ટૉની ફૅબ્રિઝિઓ આ ઘટનાને ‘હૅરિસ હનીમૂન’ ગણાવે છે, જ્યાં મીડિયાની મદદ અને હકારાત્મક ઊર્જાને કારણે ડૅમોક્રૅટ્સને થોડા સમય માટે બળ મળ્યું છે.
હનીમૂન એ એવી ચીજ છે કે જેનો થોડા સમય પછી અંત આવતો જ હોય છે, એ પછી લગ્નજીવન હોય કે કમલા હૅરિસ માટે અને અમેરિકી મતદારો વચ્ચેનો સંબંધ.
કદાચ થોડા સમય માટે ડૅમોક્રૅટ્સ એક ‘આશા’ની લાગણી અનુભવી રહ્યા છે. પરંતુ બીજી તરફ ચૂંટણીજંગમાંથી પોતાનું નામ પાછું ખેંચવાની બાઇડનની જાહેરાત પછી થોડો સમય શાંત રહેલાં રિપબ્લિકન્સ હવે તેમના નવાં નોમિની એવા કમલા હૅરિસ સામે લડવા માટે બાંયો ચઢાવી રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયમાં તેમણે કમલા હૅરિસ પર ક્યા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પ્રહારો કર્યા એ જોઇએ અને શા માટે તે કમલા હૅરિસ માટે મુશ્કેલી સર્જી શકે છે.
કમલા હૅરિસને ‘કટ્ટરપંથી ડાબેરી’ કહેવામાં આવ્યાં
2020માં કમલા હૅરિસ ડેમોક્રૅટિક પક્ષ તરફથી પ્રમુખપદના નોમિનેશન માટે જ્યારે ઊભાં રહ્યાં ત્યારે તેઓ અસફળ રહ્યાં હતાં. તે સમયે તેમને જે મુશ્કેલીઓ પડી હતી એ સારી રીતે દસ્તાવેજીકૃત છે.
તે સમયે હૅરિસનાં પ્રચારમાં સ્પષ્ટ સંદેશનો અભાવ, આંતરિક વિખવાદની સાથે પ્રચાર-પ્રસાર અને, ઉમેદવાર તરીકે ખરાબ ઇન્ટરવ્યૂ આપવા તથા જાતે પણ ગફલતમાં રહેવું, જેવી બાબતોથી તેમને નુકસાન પહોંચ્યું હતું.
તત્કાલીન સેનેટર કમલા હૅરિસ 2020માં અંતે પ્રમુખપદનાં ઉમેદવાર ન બની શક્યા પરંતુ તેમણે તે સમયે તેમના અભિયાનમાં જે છાપ છોડી હતી તે આજે પણ લોકોને યાદ છે. તેમણે ડૅમોક્રૅટિક પક્ષના મતદારો સાથે સુસંગત રહેવા અથવા તો અમુક મતબૅન્કને જાળવી રાખવા માટે તીવ્ર ડાબેરી વલણ અપનાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'થર્ડ વે' નામની મધ્યમમાર્ગી ડૅમોક્રૅટિક થિંક ટૅન્કના ઍક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ મૅટ બૅનેટ કહે છે, “તેમના પર ઍક્ટિવિસ્ટ્સનાં જૂથો તરફથી ઘણું પ્રેશર હતું. તમે જ્યારે પ્રાઇમરીની ચૂંટણી લડો છો અને જ્યારે તમે રાષ્ટ્રપતિપદની દોડમાં હોવ છો ત્યારે તમારી રાજકીય પ્રાથમિકતાઓ બહુ અલગ હોય છે.”
2019માં આપેલા ઇન્ટરવ્યૂમાં અને તે પછી પણ કમલા હૅરિસ અનેક ચર્ચાઓમાં સરકારી સિસ્ટમમાં પ્રાઇવેટ હૅલ્થ ઇન્સ્યૉરન્સની નાબુદીની વકીલાત કરી ચૂક્યાં છે. તેમણે પોલિસિંગ રિફૉર્મની સરાહના કરી હતી. એ સિવાય તેમણે કાયદા અનુપાલનમાં વપરાતું બજેટ અન્ય સ્થળે વાપરવાને પણ પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. તેમણે અમેરિકામાં બિનદસ્તાવેજીકૃત પ્રવેશને ડિક્રિમિનલાઇઝ કરવાની તથા ઇમિગ્રેશન અને કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ એજન્સી ‘આઇસ’ને બરતરફ કરવાની ભલામણ કરી હતી. તેમણે ‘ગ્રીન ન્યૂ ડીલ’ નામના પર્યાવરણીય કાયદાને સમર્થન આપ્યું હતું અને ફ્રેકિંગ અને ઑફ-શોર ડ્રિલિંગ પર પ્રતિબંધને સમર્થન આપ્યું હતું.
તેમણે ભૂતકાળમાં લીધેલા આ પ્રકારનાં સ્ટેન્ડ હવે તેમને નડી રહ્યાં છે.
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.
પેન્સિલવેનિયાથી સેનેટ માટે રિપબ્લિકન ઉમેદવાર ડૅવિડ મૅકોર્મિકે હૅરિસે 2019માં જે પ્રકારના સ્ટેન્ડ લીધાં હતાં એ સંદર્ભે એક ટીવી જાહેરાત બનાવી હતી અને આ જાહેરાતને તેઓ તેમના પ્રતિસ્પર્ધી અને ડૅમોક્રૅટિક પક્ષના સેનેટર બૉબ કેસી સાથે જોડી રહ્યા છે.
ટ્રમ્પે પણ ‘Meet San Francisco Radical Kamala Harris’ શીર્ષકથી એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તે સમયે કમલા હૅરિસે જે પોલિસીનું સમર્થન કર્યું હતું તેની માહિતી છે.
કન્ઝર્વેટિવ કમેન્ટેટર મૅટ વોલ્શ આ બાબતને કઈ રીતે ઉપરાષ્ટ્રપતિ પર હુમલો કરવો તેની ‘બ્લૂપ્રિન્ટ’ ગણાવે છે.
બૅનેટ કહે છે, “તેઓ આ બધા મુદ્દે દલીલ કરી શકે છે કે સારા નેતાઓ તેમનું નીતિગત વલણ બદલતાં રહે છે અને તેઓ તેમના સિદ્ધાંતો બદલતાં નથી. કમલા હૅરિસનાં સિદ્ધાંતોમાં કોઈ મોટો બદલાવ જોવા મળ્યો નથી.”
પણ જો તેઓ આ વાતથી લોકોને સહમત નહીં કરાવી શકે તો સ્વતંત્ર મતદારો અને એવા મતદારો કે જેમણે વલણ નક્કી નથી કર્યું તેમનું સમર્થન તેઓ ગુમાવી શકે છે. તેના કારણે મહત્ત્વના ‘સ્વિંગ સ્ટેટ્સ’માં પરિણામ પણ બદલાઈ શકે છે.
હૅરિસને બાઇડન સાથે જોડવાનો પ્રયાસ
મતદાન દર્શાવે છે કે બાઇડનની ઝુંબેશ મહિનાઓથી ટ્રમ્પ કરતાં પાછળ ચાલી રહી હતી. બાઇડનની ઇમિગ્રેશન નીતિઓ ઘણી ટીકાપાત્ર હતી. ભલે ફુગાવો ઓછો થયો હોય અને અર્થવ્યવસ્થા આગળ વધી રહી હોય પણ મતદારોએ હજુ પણ તેમને ઊંચા ભાવ માટે જવાબદાર ઠેરવ્યા હતા.
ગાઝાના યુદ્ધમાં ઇઝરાયલ માટે અમેરિકાનું સમર્થન પણ તેમને નુકસાન પહોંચાડી રહ્યું હતું. તેના કારણે યુવા મતદારોનું સમર્થન ઘટી રહ્યું હતું.
કમલા હૅરિસ ઉપરાષ્ટ્રપતિ હોવાને કારણે બાઇડન સરકાર અને ઍડમિનિસ્ટ્રેશનની સારી કે ખરાબ બાબતો તેમની સાથે જોડાયેલી રહેશે, અને લોકો તેને એ રીતે જ જોશે.
રિપબ્લિકન પહેલેથી જ ઇમિગ્રેશનના મુદ્દાને કમલા હૅરિસના ગળે બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ તેમને વહીવટી તંત્રના ‘બૉર્ડર ઝાર’ તરીકે લેબલ કરે છે. આ લેબલને અમુક મીડિયા દ્વારા પણ આપવામાં આવ્યું હતું.
તેમણે ઇમિગ્રેશન અંગેના તેમના ભૂતકાળનાં નિવેદનો અને 2022માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન દાવો કર્યો હતો કે ‘સરહદ સુરક્ષિત છે’.
ટ્રમ્પના અભિયાન સાથે જોડાયેલા અને પોલિટિકલ ઍક્શન કમિટી ચલાવતાં ટેલર બુડોવિચે ટીવી જાહેરાતમાં હૅરિસ પર નિશાન સાધતાં કહ્યું હતું, “કમલા હૅરિસ એ હાલમાં નિષ્ફળ અને અલોકપ્રિય ઉપરાષ્ટ્રપતિ તરીકે ઓળખાય છે જેમણે પોતે નોમિનેશન મેળવવા માટે પોતાના જ બૉસની પીઠમાં છરો ભોંક્યો છે.”
બેનેટના જણાવ્યા મુજબ, “હેરિસ પોતાને બાઇડનના રેકૉર્ડથી સંપૂર્ણપણે દૂર કરી શકશે નહીં પરંતુ તેઓ રિપબ્લિકન્સ તરફથી થઈ રહેલા હુમલાઓ વચ્ચે પણ આ રેકૉર્ડને નવા સ્વરૂપે રજૂ કરી શકે છે.”
"તેઓ આ વાતને ભવિષ્યના સ્વરૂપમાં એ રીતે રજૂ કરી શકે છે કે આ 81 વર્ષના વ્યક્તિ માટે કરવું અઘરું બન્યું હોત. તેઓ એવી દલીલ પણ કરી શકે છે કે ટ્રમ્પ ફક્ત પાછળ જ જુએ છે ભવિષ્યનું વિચારતા નથી."
વકીલાતનાં વર્ષો પર સવાલ ઉઠાવવા
તેમના પ્રમુખપદના પ્રચાર માટેની પ્રથમ જાહેર રેલીમાં કમલા હૅરિસે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામેના હુમલાની એક એવી બાજુને પ્રકાશમાં લાવવાનો પ્રયત્ન કર્યો કે જે થોડી અલગ હતી.
તેમણે કોર્ટરૂમ પ્રૉસિક્યુટર તરીકે અને કૅલિફૉર્નિયાના ઍટર્ની જનરલ તરીકે સેવા આપી હતી તે સમયગાળાની યાદ અપાવતાં કહ્યું હતું કે તેમણે ‘તમામ પ્રકારના ગુનેગારો’નો સામનો કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, “આથી જ્યારે હું બોલું કે ટ્રમ્પ પ્રકારના હુમલાને જાણું છું ત્યારે તમે મને સાંભળો.”
અમેરિકન યુનિવર્સિટીમાં ડૅમોક્રૅટિક કેમ્પેઇન ઍડવાઇઝર અને સહાયક પ્રશિક્ષક ક્રેગ વારોગા કમલા હૅરિસની કાયદાકીય પૃષ્ઠભૂમિને ‘સુપર પાવર’ ગણાવે છે. તેઓ કહે છે, “જ્યારે 2019માં પોલિસિંગ રિફૉર્મ એ અગત્યનો મુદ્દો હતો ત્યારે તેઓ તેમની આ પૃષ્ઠભૂમિનો ફાયદો લઈ શક્યા ન હતાં.”
પરંતુ ટ્રમ્પની ચૂંટણીઝુંબેશમાં પહેલેથી જ એવા સંકેતો મળી રહ્યા છે કે તેઓ કેવી રીતે પ્રતિક્રિયા આપી શકે છે.
ટ્રમ્પના પ્રચાર પ્રબંધક ક્રિસ લાસિવિટાએ એ સાબિત કરીને બતાવ્યું છે કે તેઓ કઈ રીતે ડૅમોક્રૅટ ઉમેદવારની આ સુપરપાવર પૃષ્ઠભૂમિને જ તેમની સામે કરી શકે છે અથવા તો તેનાથી જ તેમને નુકસાન પહોંચાડી શકે છે.
2004માં પણ ડૅમોક્રૅટિક ઉમેદવાર જ્હોન કેરી જ્યારે ઇરાક યુદ્ધ દરમિયાન અસરકારક કમાન્ડર-ઇન-ચીફ હોવાના પુરાવા તરીકે તથા વિયેતનામ યુદ્ધના તેમના રેકૉર્ડની દલીલ આપીને તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે લાસિવિટાએ જ કેરીની દેશભક્તિ અને વીરતા પર સવાલ ઉઠાવતી શ્રેણીબદ્ધ જાહેરાતોનું નેતૃત્વ કર્યું હતું.
લાસિવિટાએ બનાવેલી જાહેરાતો ખૂબ અસરકારક નીવડી હતી. તેમાં તેમણે વિયતનામમાં નદીઓ અને કિનારાઓ પર પેટ્રોલિંગ કરતી નૌકાદળની સ્વિફ્ટ બોટ પર કેરી સાથે સેવા આપતા ખલાસીઓને દર્શાવ્યા હતા.
તેણે ‘સ્વિફ્ટ-બોટિંગ’ શબ્દને જન્મ આપ્યો હતો. આ શબ્દનો અર્થ એ થાય છે કે ઉમેદવાર જેને પોતાની શક્તિ ગણતા હોય તેના પર જ હુમલો કરીને તેને નિઃશસ્ત્ર કરવા.
એવું પ્રતીત થઈ રહ્યું છે કે ટ્રમ્પનો ચૂંટણીપ્રચાર પણ એ જ રીતે આગળ વધી રહ્યો છે અને તેઓ ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસના ભૂતકાળના રેકૉર્ડ પર હુમલાઓની તૈયારી કરી રહ્યા છે.
એક તરફ તેઓ કમલા હૅરિસની છબીને અતિશય કડક દર્શાવી રહ્યા છે અને તેમના પર આરોપ લગાવી રહ્યા છે કે તેઓ ડ્રગ્સના ગુનામાં ખાસ કરીને અશ્વેત લોકો પર વધુ કડકાઈ દાખવે છે. બીજી તરફ તેઓ એવા દાખલાઓ ટાંકી રહ્યા છે કે જ્યાં કમલા હૅરિસે કાં તો કાર્યવાહી ન કરવાનું પસંદ કર્યું હતું અથવા તો નવા ગુનેગારોના પેરોલને મંજૂરી આપી હતી.
વારોગા સ્વીકારે છે કે ડૅમોક્રૅટ્સે 2004માં સ્વિફ્ટ-બોટિંગના હુમલાઓ સામે ખોટી રીતે પ્રતિસાદ આપ્યો હતો પરંતુ તેઓ કહે છે કે હવે તેઓ પાઠ શીખી ગયા છે અને કમલા હૅરિસ પણ આક્રમણ માટે તૈયાર હશે.
તેઓ કહે છે, "જો લાસિવિટા એવું વિચારતા હોય કે તેઓ ફરીથી સમગ્ર દેશને મૂર્ખ બનાવશે, તો તેઓ તે ભ્રમણા સાથે જીવી શકે છે અને પછી હારી પણ શકે છે,"
કમલા હૅરિસનું ભવિષ્ય દાવ પર
ફેબ્રિઝિઓ કહે છે કે, “કમલા હૅરિસે ભૂતકાળમાં શું કહ્યું છે કે શું કર્યું છે તેને તેઓ બદલી શકવાનાં નથી. મતદારો થોડા સમયમાં જ તેમને બાઇડનનાં પાર્ટનર અને કો-પાઇલટ તરીકે જોવા લાગશે અને તેમના અતિશય ઉદારમતવાદી ભૂતકાળ વિશે જાણવા લાગશે.”
આવનારા દિવસોમાં ટ્રમ્પ તરફથી થનારું જાહેરાતોનું કેમ્પેઇન અને રેલીઓમાં ટ્રમ્પનાં ભાષણોથી આ તમામ વધુને વધુ લોકો સુધી પહોંચશે.
તો બીજી તરફ કમલા હૅરિસ અને તેમના પ્રચારઅભિયાન મોટા ભાગે ઉમેદવાર કોણ છે અને શા માટે તેઓ આ ચૂંટણી લડી રહ્યાં છે તેના પર કેન્દ્રિત રહેશે તેવું મનાય છે.
વારોગાના મત અનુસાર કમલા હૅરિસ જો તેમના ઉપરાષ્ટ્રપતિપદના સાથીદાર જાહેર કરી દે તો અસરકારક ટક્કર આપી શકે તેમ છે.
તેઓ કહે છે, “આ પહેલો મોટો નિર્ણય નીવડી શકે છે અને તેનાથી જ લોકો એ સમજી શકશે કે તેઓ ભવિષ્યમાં કઈ દિશામાં જવા માંગે છે.”
જો તેઓ પોતાના કરતાં થોડા નરમપંથી ઉમેદવારને પસંદ કરશે તો લોકોને એ સમજાશે કે કમલા હૅરિસનું વલણ મધ્યમમાર્ગી રહેશે, રિપબ્લિકન્સ જેવો આરોપ મૂકી રહ્યા છે તેવું ડાબેરી વલણ તેઓ નહીં રાખે.
આવનાર અઠવાડિયાંમાં એક એવી લડાઈ જોવા મળશે કે જેમાં કમલા હૅરિસ પોતાના શબ્દોથી, પોતાના મતોથી, પોતાના ભૂતકાળનાં વલણો વચ્ચેથી રસ્તો કાઢવાનો પ્રયત્ન કરતાં જોવા મળશે. તેના પરથી જ અમેરિકી પ્રજા જ્યારે નવેમ્બરમાં બૅલટ બૉક્સ સુધી પહોંચશે ત્યારે તેમનું ભવિષ્ય નક્કી કરશે.
તેનાથી નક્કી થશે કે ડૅમોક્રૅટ્સ માટે આ ‘હનીમૂન’ એ ‘દિલ તોડનારું’ હશે કે પછી આ જોડાણ આવતાં ચાર વર્ષ સુધી ટકી રહેશે.