You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હરિયાણામાં ગોમાંસ લઈ જવાની શંકાને કારણે બંગાળના એક યુવકની માર મારીને હત્યા, શું છે મામલો?
- લેેખક, સતસિંહ
- પદ, બીબીસી માટે
દિલ્હીથી અંદાજે 150 કિલોમીટર દૂર આવેલા હરિયાણાના ચરખી દાદરીના બાઢડા વિસ્તારમાં ગોરક્ષા સાથે જોડાયેલા કેટલાક લોકોએ બંગાળના એક કચરો વીણવાનું કામ કરતા મુસ્લિમ વ્યક્તિની કથિતપણે માર મારીને હત્યા કરી દીધી છે.
આ ઘટના 27 ઑગસ્ટે બની હતી. પીડિત વ્યક્તિ પોતાના પરિવાર સાથે ચરખી દાદરીની એક ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. આ વ્યક્તિનું નામ સાબિર મલિક હતું અને તેઓ પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના રહેવાસી હતા.
ગોરક્ષા સાથે જોડાયેલા લોકોને એક વાસણમાં માંસનો ટુકડો મળ્યો હતો ત્યારપછી તેમને એ ગોમાંસ હોવાની શંકા ગઈ હતી.
29 તારીખે પોલીસે આ મામલામાં સાત લોકોની ધરપકડ કરી છે, જેમાંથી બે લોકો સગીરવયના છે.
લાઠી અને ડંડાથી વ્યક્તિને માર મારવાની આ ઘટનાનો વીડિયો 31 ઑગસ્ટે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વીડિયોમાં કેટલાક યુવકો 24 વર્ષીય સાબિર મલિકને ડંડાથી માર મારી રહેલાં જોવા મળી રહ્યા છે અને કેટલાક સ્થાનિક લોકો વચ્ચે તેમનો બચાવ કરતાં જોવા મળી રહ્યા છે.
હરિયાણાના મુખ્ય મંત્રીએ ઘટના મૉબ લિન્ચિંગ હોવાની વાત નકારી
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ચરખી દાદરીની આ ઘટના પર સંજ્ઞાન લેતાં પક્ષના નેતાઓને પીડિત પરિવારોને મળવાની અને તેમને વળતર આપવાની માંગણી કરી છે.
જ્યારે હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈનીએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે પરંતુ તે મૉબ લિન્ચિંગ નથી એમ કહ્યું છે.
તેમણે કહ્યું હતું કે, "લોકોની ગાય પ્રત્યે આસ્થા છે અને તેને લઈને પ્રદેશમાં સખત કાયદો પણ છે. તેની સાથે કોઈ સમાધાન નહીં કરવામાં આવે. હું કહેવા માંગું છું કે આ પ્રકારની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને તે સ્વીકાર્ય નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નૂંહથી કૉંગ્રેસના ધારાસભ્ય આફતાબ અહેમદે આ ઘટના વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, "હરિયાણામાં કાયદો વ્યવસ્થા જેવી કોઈ ચીજ બચી નથી. ગરીબ કચરો વીણનાર વ્યક્તિને નિશાન બનાવવામાં આવી, જે ચિંતાજનક છે. આ ઘટના ત્રણ-ચાર દિવસ પહેલાં બની હતી, તો તેની ખબર અત્યારે શા માટે પડી?"
આ ઘટના અંગે ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્ય મંત્રી માયાવતીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, "ચરખી દાદરીમાં ગોમાંસ ખાવાની શંકાએ એક ગરીબ યુવકની માર મારીને કરવામાં આવેલી હત્યા એ માનવતાને શર્માવે છે અને કાયદાના રાજની પોલ ખોલે છે."
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ નાસિકમાં ગોમાંસની શંકામાં થયેલી આ હત્યાની ઘટના અંગે ટ્વીટ કર્યું છે.
તેમણે લખ્યું, "ભીડની શકલમાં છુપાઈને નફરતી તત્ત્વો કાયદાના રાજને પડકારીને ખુલ્લેઆમ હિંસા ફેલાવી રહ્યા છે. લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો પર સતત હુમલાઓ શરૂ છે. સરકારી તંત્ર મૂક પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહ્યું છે."
તેમણે બંને મામલામાં કડક કાર્યવાહીની માગ કરી છે. તેમણે લખ્યું, "આવા અરાજક તત્ત્વોની સામે સખત કાર્યવાહી કરીને કાયદાનું રાજ સ્થાપિત કરવું જોઈએ."
ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો
જણાવવામાં આવી રહ્યું છે કે ગોરક્ષા દળ સાથે જોડાયેલા લોકોને શંકા હતી કે બાઢડા બસ સ્ટેન્ડની સામે રહેતા મુસ્લિમ કૉલોનીના લોકો ગોમાંસનું સેવન કરે છે. ગોરક્ષા દળ સાથે જોડાયેલા આ લોકોએ 27મી તારીખે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી હતી.
આ સમય દરમિયાન તેમણે કોઈ વાસણમાં માંસનો ટુકડો જોયો અને તે ગોમાંસ હોવાની તેઓ શંકા કરવા લાગ્યા. ત્યારપછી તેમણે ઝૂંપડપટ્ટીમાં રહેતા શબરુદ્દીન નામની વ્યક્તિને પકડી લીધી અને તેની પૂછપરછ કરી. આ ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો.
એફઆઈઆર મુજબ, જ્યારે સાબિરના સંબંધી શબરુદ્દીનને પૂછવામાં આવ્યું કે શું માંસનો ટુકડો એ ગોમાંસ છે, તો તેમણે તેને ભેંસના માંસનો ટુકડો હોવાનું કહ્યું અને પછી તેમની પકડમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. ત્યારપછી ગોરક્ષા દળ સાથે જોડાયેલા લોકો તેમને પકડીને પાછો લાવ્યા અને કૅમેરા સામે કબૂલ કરાવ્યું કે તે ગોમાંસનો જ ટુકડો છે.
આ અંગે ગોરક્ષકોએ બાઢડા પોલીસને પણ જાણ કરી હતી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કેટલાક લોકોને માંસના ટુકડા સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ.
ફરિયાદીએ શું કહ્યું?
ફરિયાદી સજાઉદ્દીન સરદરે જણાવ્યું હતું કે તેઓ અને તેમના સંબંધી સાબિર મલિક બાઢડાના જુઈ રોડ પર હાજર ઝૂંપડપટ્ટીમાં રહે છે. સાબિરના લગ્ન તેમની બહેન સકીના સાથે થયા હતા. તેમનું કામ કચરો વીણવાનું છે.
તેઓ કહે છે, "27 ઑગસ્ટના દિવસે કેટલાક લોકો આવ્યા. તેઓ મને અને મારી સાથે કચરો વીણનારા લોકો કહેવા લાગ્યા કે તમે લોકો મંગળવારના દિવસે પણ માંસ ખાઓ છો અને કદાચ આ ગોમાંસ હોઈ શકે. અમને પોલીસસ્ટેશને લઈ જવામાં આવ્યા. ત્યારે જ કેટલાક છોકરાઓ મારા જીજા સાબિર મલિકને બસસ્ટૅન્ડ લઈ ગયા."
તેમણે આગળ કહ્યું કે, "તેને કહેવામાં આવ્યું કે કંઈક ભંગારનો સામાન આપવાનો છે. સાબિરને બસ સ્ટૅન્ડ પર બોલાવ્યા પછી એક અન્ય વ્યક્તિ અસીરૂદ્દીનને પણ ત્યાં બોલાવવામાં આવ્યો અને ચાર-પાંચ છોકરાઓએ તે બંને સાથે મારપીટ કરી. એ તેમને સૌની સામેથી જ મોટરસાઇકલ પર ઉઠાવીને લઈ ગયા. મારા જીજાજી અને અસીરુદ્દીનને લોકોએ ડંડાથી માર માર્યો. તેનો વીડિયો પણ મેં જોયો છે.”
અસીરુદ્દીને જણાવ્યું કે પોલીસ સાથે ગોરક્ષકો પણ પોલીસસ્ટેશન ગયા. તેમણે અહીં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો સામે કેસ દાખલ કરવાનું દબાણ ઊભું કર્યું.
તેમણે કહ્યું કે, ત્યારપછી સાબિર મલિકને બાઢડા બસ સ્ટૅન્ડ પાસે બોલાવવામાં આવ્યા અને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો. જ્યારે સ્થાનિક લોકોએ દરમિયાનગીરી કરી તો ગૌરક્ષાની ટીમ સાબિરને મોટરસાઈકલ પર પોતાની સાથે લઈ ગઈ.
એફઆઈઆર પ્રમાણે 27 ઑગસ્ટની રાત્રે એક અજાણી વ્યક્તિનો મૃતદેહ ભાંડવા ગામ પાસે મળ્યો. ત્યારપછી મૃતદેહની ઓળખ સાબિર મલિક તરીકે કરવામાં આવી.
બાઢડા પોલીસે 28 ઑગસ્ટે મૃતક સાબિર મલિકના સંબંધી સજાઉદ્દીન સરદરની ફરિયાદને ધ્યાનમાં લઈને સાત લોકો સામે કેસ દાખલ કર્યો છે. તેમાંથી બે લોકો સગીર વયના છે.
તેમની સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓના નામ પણ જાહેર કર્યા છે.
બંને સગીરોને સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે અન્ય તમામ આરોપીઓ હાલમાં પોલીસ રિમાન્ડ પર છે.
લોકોમાં ડરનો માહોલ
ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો સાથે વાત કરવાની કોશિશ કરતાં તેમણે જણાવ્યું કે આ ઘટના પછીથી તેઓ ડરેલાં છે અને અહીંથી ક્યાંક બીજે જવાની યોજના બનાવી રહ્યા છે.
ગૌમાંસના મુદ્દે કોઈપણ પ્રવાસી મજૂર બોલવા માટે તૈયાર નથી. 30 તારીખે જ્યારે આ લોકો દાદરી છોડીને પશ્ચિમ બંગાળ જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને સુરક્ષા પણ આપી હતી.
પોલીસે શું કહ્યું?
ચરખી દાદરીના બાઢડાના જિલ્લા પોલીસ અધિક્ષક ભારત ભૂષણ કહે છે કે 27 ઑગસ્ટે આ ઘટનાની આગલી રાત્રે જ પોલીસે કેસ નોંધ્યો હતો અને સાત લોકોની ધરપકડ કરી હતી. સંડોવાયેલા બે સગીરો સિવાય બાકીના તમામ પોલીસ રિમાન્ડ પર છે.
પોલીસનું કહેવું છે કે આ લોકોની પૂછપરછ ચાલી રહી છે.
પોલીસ અધિકારી ધીરજકુમારનું કહેવું છે કે પોલીસ એ સુનિશ્ચિત કરવા માટે ફ્લૅગ માર્ચ કરી રહી છે કે વિસ્તારમાં તણાવ ન વધે, હાલમાં અહીં શાંતિ જળવાઈ રહી છે.
તેમણે કહ્યું કે જો આ કેસમાં અન્ય કોઈનું નામ સામે આવશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)