You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વકફ બિલ : એ જોગવાઈઓ જેની સામે મુસ્લિમ ધર્મગુરુઓ વિરોધ કરી રહ્યા છે
- લેેખક, સૈયદ મોઝિઝ ઇમામ
- પદ, બીબીસી સંવાદદાતા, લખનૌ
ઇસ્લામમાં વકફને એક પુણ્યનું કાર્ય ગણવામાં આવે છે. વકફ એટલે ઇશ્વરને દાન કરવામાં આવતી ચળ કે અચળ સંપત્તિ જેના પર ફરીથી દાવો ન કરી શકાય.
ધર્મના આધારે દાનની આ પરંપરા પર કેન્દ્ર સરકારે સંસદમાં રજુ કરેલા વકફ સુધારા બિલ પર વકફ બોર્ડ અને વિપક્ષનાં દળોએ સવાલો ઉઠાવ્યા છે.
વિપક્ષનો આરોપ છે કે સરકાર આ બિલ થકી વકફની સંપત્તિઓ પર કબજો કરવા માંગે છે. જોકે, સરકારની દલીલ છે કે આ બિલ વકફની સંપત્તિઓના યોગ્ય ઉપયોગ અને મહિલાઓ તથા વંચિત વર્ગના ફાયદા માટે છે.
નવા વકફ બિલના ભારે વિરોધ પછી આ બિલને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું. આ સમિતિના અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય જગદંબિકા પાલ છે.
સંયુક્ત સંસદીય સમિતિમાં અલગ-અલગ દળોના લગભગ 31 સંસદ સભ્યો છે, જેમાં લોકસભા અને રાજ્યસભાના સંસદસભ્યો સામેલ છે.
આ બિલનો વિરોધ કેમ થઈ રહ્યો છે?
આ બિલનો રાજકીય વિરોધ લગભગ બધી જ વિપક્ષી પાર્ટીઓ કરી રહી છે. આ ઉપરાંત સરકારનું સમર્થન કરનારી કેટલીક પાર્ટીએ પણ આ બિલ વિશે શંકા વ્યક્ત કરી હતી.
આ પાર્ટીઓની નારાજગીને કારણે સરકારને આ બિલ સંયુક્ત સંસદીય સમિતિમાં મોકલવાની ફરજ પડી.
કૉંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું, “આ બિલ બંધારણીય નથી. આ ઉપરાંત સરકાર પાસે એ પ્રકારનું કોઇ બિલ લાવવાનો અધિકાર નથી, જેનો સંબંધ ધાર્મિક દાન સાથે હોય. (સરકારનો) આ પ્રયાસ સંધીય વ્યવસ્થા પર એક હુમલો છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ અને હૈદરાબાદથી સાંસદ અસદ્દુદીન ઓવૈસીએ સંસદમાં કહ્યું, “આ (બિલ) બંધારણની વિરુદ્ધ છે અને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે.”
ઔવેસી પણ સંયુક્ત સંસદીય સમિતિના સભ્ય છે, જે આ બિલ વિશે પોતાનો મત જણાવશે.
સરકારની દલીલ
કેન્દ્રીય લઘુમતી કલ્યાણ મંત્રી કિરેન રિજિજૂએ જ્યારે વકફ સુધારા બિલ રજુ કર્યું ત્યારે તેની ખાસિયતો ગણાવી હતી.
સરકારનો દાવો છે કે આ બિલને કારણે વકફને લગતા વિવાદોનો ઉકેલ મેળવવામાં સરળતા થશે.
કિરેન રિજિજૂએ સંસદમાં કહ્યું હતું, “આ બિલને કારણે કોઇ પણ વ્યક્તિની ધાર્મિક સ્વતંત્રતામાં કોઈ દખલ થશે નહીં. આ બિલ કોઈનો અધિકાર છીનવી લેવાની વાત નથી કરતું. આ બિલ એવા લોકોને અધિકાર દેવા માટે છે, જેને વકફને લગતા મામલાઓમાં પોતાનો અધિકાર મળ્યો નથી.”
કિરેન રિજિજૂએ આરોપ લગાવ્યો છે કે વિપક્ષ મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યો છે.
તેમણે કહ્યું, “વિરોધ કરી રહેલી પાર્ટીના કેટલાક નેતાઓએ પોતે કહ્યું છે કે વકફ બોર્ડ પર માફિયાઓનો કબજો છે, પરંતુ તેઓ પોતાની પાર્ટીની કારણે ચુપ છે. આ વિશે અમે આખા દેશમાં ચર્ચા કરી છે.”
નવું સંશોધિત વકફ બિલ શું છે?
વકફ સુધારા પર નવું બિલ 1995ના વકફ કાયદામાં સુધારો કરવા માટે રજુ કરવામાં આવ્યું છે.
આ બિલનું નામ છે યુનાઇટેડ વકફ મૅનેજમૅન્ટ ઍમ્પાવારમેન્ટ ઍફિશિએન્સી ઍન્ડ ડૅવલોપમૅન્ટ ઍક્ટ – 1995. આવો જાણીએ કે આ બિલમાં એવી કઈ જોગવાઈઓ છે જેના પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
આ બિલની જોગવાઈઓ પ્રમાણે, જે વ્યક્તિએ પાંચ વર્ષ સતત મુસ્લિમ ધર્મનું પાલન કર્યું હોય તે જ વ્યક્તિ દાન કરી શકે છે. આ ઉપરાંત દાન કરનાર વ્યક્તિ જે-તે સંપત્તિના માલિક પણ હોવા જોઇએ.
વકફ કાયદામાં બે પ્રકારની વકફ સંપત્તિનો ઉલ્લેખ છે. પ્રથમ વકફ અલ્લાના નામ પર હોય છે એટલે કે એવી સંપત્તિ જે અલ્લાને સમર્પિત કરી દેવામાં આવી છે અને આ સંપત્તિ પર કોઈનો વારસાગત અધિકાર રહેતો નથી.
બીજી વકફ સંપત્તિ – “વકફની એવી સંપત્તિ જેની સારસંભાળ વારસદારો કરે છે.”
આ બીજા પ્રકારની વકફ સંપત્તિ માટે નવા બિલમાં જોગવાઈ કરવામાં આવી છે કે આ સંપત્તિમાં વારસાનો અધિકાર મહિલાઓ માટે ખતમ ન થવો જોઇએ.
આ પ્રકારે દાન કરેલી સંપત્તિ એક વખત સરકારી ચોપડે ચડી જાય એ પછી જિલ્લાના કલેકટર તેનો વિધવા મહિલાઓ કે અનાથ બાળકોના કલ્યાણ માટે ઉપયોગ કરી શકે છે.
સંપત્તિના વિવાદની સ્થિતિમાં શું થશે?
જે સંપત્તિ અથવા જમીન પર પહેલાંથી જ સરકારનો કબજો હોય અને વકફ બોર્ડે પણ આ સંપત્તિ પર પોતાનો દાવો કર્યો હોય તે સંજોગોમાં નવા બિલ પ્રમાણે વકફ બોર્ડનો દાવાનો આધાર ડીએમના વિવેક પર રહેશે.
નવા બિલ પ્રમાણે, વકફના દાવાવાળી જમીન પર જો સરકારનો કબજો હોય તો કલેકટર આ જમીન વિશે પોતાનો રિપોર્ટ સરકારને મોકલી શકે છે.
કલેકટરના રિપોર્ટ પછી જો એ સંપત્તિને સરકારી સંપત્તિ ગણવામાં આવે તો સરકારી રાજસ્વ રેકૉર્ડમાં તેની નોંધણી સરકારી સંપત્તિ તરીકે કરવામાં આવશે.
સંસદમાં રજુ કરવામાં આવેલા વકફ બિલમાં વકફ બોર્ડના સર્વેનો અધિકાર ખતમ કરી દેવામાં આવ્યો છે. બિલની જોગવાઈ પ્રમાણે, વકફ બોર્ડ હવે સર્વે કરીને એ ન જણાવી શકે કે કોઈ સંપત્તિ વકફની છે કે નહીં.
વર્તમાન કાયદામાં વકફ બોર્ડના સર્વે કમિશનર પાસે વકફના દાવાવાળી સંપત્તિનો સર્વે કરવાનો અધિકાર છે. જોકે, નવા રજુ કરાયેલા બિલમાં સુધારો કરીને વકફના સર્વે કમિશનરનો આ અધિકાર જિલ્લા કલેકટરને આપવામાં આવ્યો છે.
કઈ જોગવાઈઓ પર વિવાદ થઈ રહ્યો છે?
નવા રજુ કરાયેલા વકફ બિલમાં વકફ કાઉન્સિલના સ્વરૂપને લઈને કરવામાં આવેલી જોગવાઈ પર પણ વિવાદ થઈ રહ્યો છે.
સૅન્ટ્રલ વકફ કાઉન્સિલના બધા જ સભ્યો ફરજિયાત મુસ્લિમ હોવા જોઇએ. જોકે, નવા રજુ કરાયેલા વકફ બિલમાં બે બિન-મુસ્લિમ સભ્યોને સામેલ કરવાની જોગવાઈ છે.
આ સાથે જ સૅન્ટ્રલ વકફ કાઉન્સિલના મુસ્લિમ સભ્યોમાં ફરિજયાતપણે બે મહિલા સભ્યો હોવાં જોઇએ.
આ ઉપરાંત નવા વકફ બિલમાં શિયા અને સુન્ની ઉપરાંત વહોરા અને આગાખાની મુસ્લિમો માટે પણ અલગથી બોર્ડ બનાવવાની વાત કરી હતી. વર્તમાન કાયદા પ્રમાણે શિયા વકફ બોર્ડ ત્યારે જ બનાવી શકાય જ્યારે વકફની કુલ સંપત્તિમાં 15 ટકા સંપત્તિ અને આવકની ભાગેદારી શિયા સમુદાય પાસે હોય.
વકફની પ્રક્રિયા કેવી છે?
વકફની પ્રકિયા ખૂબ જ સરળ છે. જે વ્યક્તિ પાસે કોઈ જમીનની માલિકીનો હક છે તે પોતાની સંપત્તિ દાન કરી શકે છે. આ જમીન કોઇ મસ્જિદ, ઇમામ-બારગાહ કે દરગાહના નામે દાન કરી શકાય.
આ સ્થળોની સારસંભાળ કરવા માટે ધર્માર્થ દાનની જમીનનો ઉપયોગ કરી શકાય છે. જોકે, નવા બિલમાં વકફ ડીડ વગર વકફની જમીનનો અમલ કરી નહીં શકાય.
વકફના જુના કાયદામાં પણ વકફ ડીડની જરૂરિયાત વિશે જણાવવામાં આવ્યું છે, જેને પૉર્ટલ પર અપડેટ કરવામાં આવે છે.
વકફની જમીન વેચી ન શકાય. આ જમીનને માત્ર ભાડે અથવા લીઝ પર આપી શકાય છે.
જોકે, સરકારે નવા બિલમાં જણાવ્યું છે કે કોઇ પણ વ્યક્તિનો જમીન પર 12 વર્ષથી વધારે સમય માટે કબજો હોય તો તેને જમીનની માલિકીનો હક મળી શકે. જોકે, મુસ્લિમ સમાજમાં કેટલાક લોકો આ મુદ્દે ગુસ્સે છે.
સુપ્રીમ કોર્ટના વકીલ મહમૂદ પ્રાચાએ બીબીસીને જણાવ્યું, “એક રીતે વકફ એક સમુદાયની સાર્વજનીક જમીન છે. સરકારી જમીન પર જે રીતે ઍડવર્સ પઝેશનનો કાયદો ન ચાલે તે જ રીતે વકફ સંપત્તિને મામલામાં પણ ઍડવર્સ પઝેશનનો કાયદો ન ચાલી શકે.”
જોકે, સરકારે વકફને લિમિટેશન ઍક્ટ હેઠળ રાખવામાં આવ્યું છે. વકફ પહેલાં લિમિટેશન ઍક્ટની હેઠળ ન હતું.
કલેકટર-રાજની વાપસીનો આરોપ
નવા બિલમાં કહેવામાં આવ્યું છે કે વકફના રૂપે ઓળખાતી કોઇ પણ સરકારી સંપત્તિને વકફ ગણવામાં આવશે નહીં. અનિશ્ચિતતાની સ્થિતિમાં જે તે વિસ્તારના કલેકટર જમીનની માલિકી નક્કી કરશે અને રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે. જો તે સંપત્તિને સરકારી સંપત્તિ ગણવામાં આવે તો તે રાજસ્વ નોંધણીમાં અપડેટ કરવામાં આવશે.
જો આ બિલ અમલમાં આવે તો જે સરકારી સંપત્તિ પર વકફ બોર્ડ દાવો કરી રહ્યું હોય તેના વિશેનો નિર્ણય કલેક્ટર કરશે.
લોકો આરોપ લગાવે છે કે નવા રજુ કરેલા બિલમાં કલેકટરને અમર્યાદિત અધિકારો મળી જશે.
વકીલ મહમૂદ પ્રાચા કહે છે કે કલેકટર પોતે જ એક પાર્ટી છે તો તેઓ તટસ્થ કેવી રીતે રહેશે?
સર્વેયર (સરકારી અધિકારી) કોઇ પણ જમીનને વકફ જાહેર કરતાં પહેલાં બધા જ સંબંધિત વિભાગોને નોટિસ આપે છે, જેથી કરીને કોઇ પણ પ્રકારનો વાંધો હોય તો તેની નોંધ લઈ શકાય અને ઉકેલ લાવી શકાય.
જે વિભાગોને નોટિસ આપવામાં આવે છે તેમાં રાજસ્વ, ગ્રામ સમાજ, રેલવે, ડિફેન્સ, નઝૂલ જેવા વિભાગો સામેલ છે. આ વિભાગોના વાંધાની નોંધ લેવામાં આવે છે.
સર્વેયરનો રિપોર્ટ એ બાદ વકફ બોર્ડ અને વહીવટતંત્રને મોકલવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ થાય પછી સરકાર પોતાના ગૅજેટમાં એક નોટિફિકેશન જાહેર કરે છે.
જમાતે ઇસ્લામી હિન્દના અધ્યક્ષ સૈયદ સઆદતુલ્લાહ હુસેનીએ બીબીસીને કહ્યું, “આ સંશોધનો અંગ્રેજોના જુના કાયદાઓથી પ્રેરિત છે. જે કલેકટરને અંતિમ સત્તા તરીકે સ્થાપિત કરે છે. આ કારણે મુસ્લિમોના પોતાના ધાર્મિક દાનનું સંચાલન કરવાના અધિકારોનું ઉલ્લંઘન થાય છે.”
હુસેનીએ ઉમેર્યુ, “આ એવી વાત છે કે એનજીટી પાસેથી પર્યાવરણને લગતા અધિકારો અને આઈટીએટી પાસેથી ટૅક્સ સંબંધિત અધિકારો પાછા લઈ લેવામાં આવે.”
વકફએ શરિયતનો મૂળભૂત ભાગ છે. વકફનો ખ્યાલ લાંબા ગાળાના ધાર્મિક અને સખાવતી ઉપયોગને માન્યતા આપે છે અને તેને દૂર કરવામાં આવી રહ્યો છે. આ પરિવર્તનને કારણે વકફની સંપત્તિઓ પર વધારે વિવાદ ઊભો થાય એવું જોખમ છે.
એકતરફી નિર્ણય લેવાનો આરોપ
સુપ્રીમ કોર્ટના વકીલ ફુઝૈદ અહમદ અય્યૂબી આ કેસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “આ બિલ મુસ્લિમ સંગઠનો સાથે વાતચીત કર્યા વિના તૈયાર કરવામાં આવ્યું છે. કલેકટરને સર્વે કમિશનર બનાવવા એ યોગ્ય નથી. આ બ્રિટિશ રાજથી પ્રેરિત છે કારણ કે જ્યારે સરકારના કબજામાં જમીન હોય ત્યારે કલેકટર પોતે પણ એક પાર્ટી બને છે. આ સ્થિતિમાં કલેકટર કેવી રીતે ન્યાય કરશે. કલેકટરના હાથ તો બંધાઈ જશે.”
જમીયત ઉલેમા હિન્દના વડા અરશદ મદનીએ કહ્યું, “નવા સુધારાઓ પસાર થશે તો કલેકટર-રાજ ફરીથી અસ્તિત્વમાં આવશે. કલેકટર નિર્ણય કરશે કે કઈ સંપત્તિ વકફ છે અને કઈ સંપત્તિ વકફ નથી. આ કારણે વકફને વધારે નુકસાન થશે.”
બિલમાં જોગવાઈ કરવામાં આવી છે વકફ ડીડ વગર વકફની સંપત્તિને માન્યતા મળશે નહીં. આનો અર્થ એ છે કે કોઇ પણ સંપત્તિને વકફ ડીડ વગર વકફ કરવામાં આવી હોય તો તે મામલો જટિલ બની શકે છે.
શિયા ધર્મ ગુરૂ કલ્બે જવ્વાદે બીબીસીને કહ્યું, “રજુ કરેલા બિલ થકી વકફને નાબૂદ કરવાનું ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું છે. અમને ભાજપ પાસે કોઈ આશા નથી. જોકે, અમે ઇચ્છીએ છીએ કે ચંદ્રબાબુ નાયડુ અને નીતીશકુમાર આ બિલનો વિરોધ કરે. કારણ કે આ મુસ્લિમોએ દાન કરેલી જમીનનો મામલો છે, જેમાં સરકારનો ઇરાદો સાફ નથી.”
તેમણે ઉમેર્યું, “વકફની 60 ટકા જમીન પર સરકારનો કબજો છે. સદીઓ જુની નવાબોની લખેલી વકફ ડીડ કેવી રીતે શોધવામાં આવશે. આ બિલને એક યોજના સાથે લાવવામાં આવ્યું છે જેથી કરીને વકફની જમીન મોટા લોકોને વેચી શકાય અથવા તેના પર કબજો કરી શકાય. વકફને ખતમ કરવાના ઇરાદા સાથે આ બિલ થકી વકફને ફસાવી રહ્યા છે.”
સુપ્રીમ કોર્ટના વકીલ ફુઝૈદ અહમદ અય્યૂબીએ કહ્યું, “આ જોગવાઈ ખતમ કરવાથી વકફની પ્રૉપર્ટી પર ભૂમાફિયાઓ પોતાનો દાવો કરી શકે છે. આ કારણે વિવાદો વધશે. હાલમાં જે સ્થિતિ છે તે પ્રમાણે આ વિશે દાવો કરી શકાય છે.”
બિન-મુસ્લિમો વકફ બોર્ડના સભ્ય?
બિલની જોગવાઈમાં કહેવામાં આવ્યું છે કે બિન-મુસ્લિમ પણ વકફ બોર્ડના સભ્ય બની શકે છે. મુસ્લિમ ધર્મગુરુએ આ મામલે વિરોધ નોંધાવ્યો છે.
શિયા ધર્મગુરૂ કલ્બે જવ્વાદના મત પ્રમાણે, “આ એવી વાત છે કે પંડિત નિકાહ પઢાવે અને મોલવી ફેરા ફરાવે. કારણ કે વકફ ઇસ્લામિક કાયદા પ્રમાણે થાય છે તો તેમાં બિન-મુસ્લિમોનું શું કામ? જો આવું થશે તો શું મંદિરના બોર્ડમાં મુસ્લિમોને સામેલ કરવામાં આવશે?”
જવ્વાદે ઉમેર્યું, “ઘણાં મંદિરોમાં સોનાના ભંડારો છે. જો આ સોનું રિઝર્વ બૅન્કમાં જમા થાય તો ડૉલરની કિંમત રૂપિયાની બરાબર થઈ જશે. શું સરકાર આ પ્રકારનું કામ કરશે?”
ફુઝૈલ અહમદ અય્યૂબીએ કહ્યું, “જો બિન-મુસ્લિમ વ્યક્તિને વકફ બોર્ડના સભ્ય બનાવવામાં આવે તો જૈન, શીખ, ખ્રિસ્તિ, હિંદુ સહિત બધા જ ધર્મોમાં આ પ્રકારના બોર્ડમાં કાયદો બનાવવાનો રસ્તો ખુલ્લી જશે. આ રીતે જે-તે ધર્મને ન માનનારા લોકો પણ બોર્ડના સભ્યો બની શકે છે.”
ઉત્તર પ્રદેશ શિયા વકફ બોર્ડના ઍરમૅન અલી ઝૈદીએ બીબીસીને કહ્યું, “આ મામલો હાલમાં જેપીસી પાસે ગયો છે. જેપીસીના રિપોર્ટ પર વલણ સ્પષ્ટ કરીશું. આ બિલ વિશે હાલમાં એક પૅનલ વિચાર કરી રહી છે. બોર્ડ પોતાની પ્રૉપર્ટીનો સર્વે કરી રહ્યું છે.”
દેશમાં હાલમાં જેટલા પણ વકફ બોર્ડ છે, એમાં માત્ર ઉત્તર પ્રદેશ અને બિહારમાં જ શિયા વકફ બોર્ડ છે.
મહિલાઓને સામેલ કરવાની જોગવાઈનું સ્વાગત
જોકે, બિલની એક જોગવાઈ વિશે મુસ્લિમ જગતના કોઇ પણ વિદ્વાનોએ વાંધો ઉઠાવ્યો નથી. આ જોગવાઈ વકફ બોર્ડના મુસ્લિમ સભ્યોમાં મહિલાને સામેલ કરવાની છે.
જમાતે ઇસ્લામી હિન્દના સૈયદ સઆદતુલ્લાહ હુસેનીના મત પ્રમાણે, “કાયદામાં કેટલાક ફેરફારો ફાયદાકારક હોઈ શકે છે, જેમ કે મહિલાઓને સામેલ કરવી અને શિયા અથવા બીજો ઓછા પ્રતિનિધિત્વવાળા સમુદાયને પ્રતિનિધિત્વ આપવું. એમે આ જોગવાઈનો એક સકારાત્મક પગલા તરીકે સ્વીકાર અને સ્વાગત કરીએ છીએ.”
જોકે, હુસેનીએ કહ્યું, “હું સરકારને યાદ કરાવવાં માગું છું કે કાયદો લોકોના કલ્યાણ માટે ઘડવા જોઇએ. કાયદાથી પ્રભાવિત થનાર લોકોની સલાહને પણ પ્રક્રિયામાં સામેલ કરવી જોઇએ.”
હુસેનીએ ઉમેર્યું, “અમે જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવીશું. કારણ કે વકફ અધિનિયમમાં સુધારાની જોગવાઈઓ કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આ ફેરફાર લોકોની સંપત્તિની રક્ષા કરવાને બદલે તેના વિનાશનું કારણ બની શકે છે. આ કારણે જ આ સુધારાને રોકવાની જરૂર છે.”
વકફની સંપત્તિ અને સંચાલન
યુપીએ સરકારે 2009માં 'વામસી પૉર્ટલ' બનાવ્યું હતું જે વકફ સંપત્તિ માટે ડેટાબેઝ તરીકે કામ કરે છે. આ પૉર્ટલ પર વકફની આઠ લાખ 72 હજાર 324 અચળ સંપત્તિની ઓળખાણ થઈ છે અને 16 હજાર 713 ચળ સંપત્તિ હતી. આ સંપત્તિ પૈકીની 97 ટકા સંપત્તિઓ માત્ર 15 રાજ્યોમાં છે.
ઉત્તર પ્રદેશમાં લગભગ બે લાખ 32 હજાર 457 સંપત્તિઓ છે, જ્યારે ઓડિશામાં 10 હજાર 314 સંપત્તિઓ છે.
આ પૉર્ટલની જાણકારી પ્રમાણે, વકફની કુલ સંપત્તિઓ પૈકી માત્ર 39 સંપત્તિઓ વિવાદીત નથી.
50 ટકા સંપત્તિઓ વિશે સ્પષ્ટતા નથી. સાત ટકા સંપત્તિઓ અતિક્રમણવાળી અને બે ટકા સંપત્તિઓ વિવાદીત છે.
કેન્દ્ર સરકારે હાલમાં જ દિલ્હીની લગભગ 123 વકફ પ્રૉપર્ટીને પોતાના કબજા હેઠળ લીધી હતી. આ મામલે વિવાદ ચાલી રહ્યો છે.
આ સંપત્તિઓમાં એક મસ્જિદ પણ છે, જેનો મામલો દિલ્હી હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે.
બિલના સમર્થકો શું કહે છે?
ભાજપના લધુમત્તિ મોર્ચાના અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ કહ્યું, “વકફ બોર્ડની જમીનનો અત્યાર સુધી દુરૂપયોગ થતો રહ્યો છે. મોટા ભાગની જમીનો વેચી નાખવામાં આવી છે અને જે બચેલી છે તેના વિશે જાણકારી નથી. વકફની જેટલી પ્રૉપર્ટી છે તે પ્રમાણે 3,500 કરોડની વાર્ષિક આવક થવી જોઇએ જે થતી નથી. સરકાર હવે આ વાતને સુધારવા માંગે છે ત્યારે કૉંગ્રેસના લોકો પોતાની વોટબૅન્કના ઠેકેદારોને બચાવવા માટે આ બિલનો વિરોધ કરી રહ્યા છે.”
ઑલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવી આ બિલનું સમર્થન કરે છે. તેમણે કહ્યું, “કેન્દ્ર સરકારે વકફ બોર્ડ વિશે એક બિલ સંસદમાં રજુ કર્યું છે. કેન્દ્ર સરકાર આ બિલ થકી વકફ બોર્ડની સંપત્તિના મામલે થતી મનમરજીને રોકશે. આ બિલને કારણે ભૂમાફિયાઓની મિલીભગત સાથે ચાલતા વકફની સંપત્તિને વેચવાના અથવા લીઝ પર આપવાના વેપાર પર રોક લાગશે.”
રઝવીએ કહ્યું કે ભારતના બધા જ વકફ બોર્ડના અધ્યક્ષ, અધિકારી અને સભ્યો ભૂમાફિયા સાથે મળીને વકફની સંપત્તિનો પોતાની મરજી પ્રમાણે ઉપયોગ કરે છે.
તેમણે કહ્યું, “વકફ બોર્ડે પોતાનું કામ જો સાચા અર્થમાં કર્યું હોત તો આખા દેશમાં મુસ્લિમોનો વિકાસ સ્પષ્ટપણે જોવા મળ્યો હોત. વડીલોએ પોતાની મિલકતો અર્પણ કરી દીધી હતી જેથી તેની આવકથી મુસ્લિમોના ગરીબ અને નબળાં છોકરા-છોકરીઓના શિક્ષણની સારી વ્યવસ્થા થઈ શકે, પરંતુ એવું ન થયું. ”
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)