You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુંબઈમાં 700 વર્ષ જૂની દરગાહ જે પહેલાં હિંદુ મંદિર હોવાના દાવા પર વિવાદ
મુંબઈની એક સૂફી દરગાહ જ્યાં દરેક ધર્મના ભારતીયો જાય છે તે ચર્ચામાં છે કારણ કે એક મોટા રાજનેતાએ કહ્યું કે તેઓ આ દરગાહને માત્ર હિંદુઓ માટે મુક્ત કરાવવા માગે છે. બીબીસી સંવાદદાતા ચેરિલેન મોલને આ વિવાદને સમજવા માટે દરગાહની મુલાકાત લીધી હતી.
શ્રધ્ધાળુઓ માટે આ દરગાહે પહોંચવું સરળ નથી. અહીં પહોંચવા માટે તેમને ખડકોમાંથી કાપીને બનાવેલા 1,500 પગથિયાં ચડવાં પડે છે. એક સૂફી સંતની કબર જે આસ્થા, દંતકથા અને વિવાદિત ઇતિહાસનું કેન્દ્ર બની ગઈ છે.
પશ્ચિમી રાજ્ય મહારાષ્ટ્રના મુંબઈના સીમાળે એક ટેકરી પર સ્થિત હાજી મલંગની દરગાહ વિશે કહેવામાં આવે છે કે અહીં એક આરબ મિશનરીની કબર છે, જે 700 વર્ષ પહેલાં ભારત આવ્યા હતા. ભારતની અન્ય કેટલીક સૂફી દરગાહોની જેમ ધાર્મિક વિવાદના કેન્દ્રમાં હોવા છતાં આ દરગાહને સહિષ્ણુતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે.
જ્યારે મેં દરગાહની મુલાકાત લીધી ત્યારે હિંદુ અને મુસ્લિમો બન્ને ધર્મના લોકો સૂફી સંતની કબર પર ફૂલ અને ચાદર ચડાવી રહ્યા હતા. અહીં માન્યતા છે કે આ દરગાહ પર લોકો દ્વારા પવિત્ર મને માગેલી કોઈ પણ ઇચ્છા પૂરી થાય છે.
સૂફી દરગાહનું પ્રબંધન બોર્ડ સન્માનજનક સહ-અસ્તિત્વની ભાવનાનું પ્રતિબિંબ છે. આ બોર્ડના બે ટ્રસ્ટી મુસ્લિમ છે અને તેમના વારસાગત રખેવાળો એક હિંદુ બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે.
શું છે સમગ્ર વિવાદ?
જોકે, આ મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ એક રાજકીય સભામાં દાયકાઓ જૂના દાવાને પુનર્જીવિત કરીને વિવાદ ઊભો કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે આ સંરચના જેને પરંપરાગતરૂપે દરગાહ માનવામાં આવે છે તે હિંદુઓનું એક મંદિર હતું. તેમણે આ દરગાહને મુક્ત કરાવવા માટેની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી.
મુખ્ય મંત્રી શિંદેએ આ વિશે ટિપ્પણી કરવા માટેની બીબીસીની વિનંતીનો જવાબ ન આપ્યો.
શિંદેએ એવા સમયે દાવો કર્યો છેે જ્યારે ભારતની કેટલીક મુખ્ય મસ્જિદો અને મુસ્લિમો દ્વારા નિર્મિત સ્મારકો વિવાદોમાં છે કે તેમનું નિર્માણ સદીઓ પહેલાં હિંદુ મંદિરોને તોડીને કરવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શિંદેના રાજકીય ગુરુ આનંદ દિધેએ હાજી મલંગ દરગાહને હિંદુઓ માટે ફરીથી પ્રાપ્ત કરવા માટે 1980ના દાયકામાં અભિયાન ચલાવ્યું હતું. તેમણે 1996માં આ દરગાહની અંદર પૂજા કરવા માટે શિવસેના પક્ષના 20,000 કાર્યકર્તાઓનું નેતૃત્વ કર્યું હતું.
હિંદુ કટ્ટરપંથીઓ આ માળખાને મલંગગઢ તરીકે ઓળખાવે છે. હિંદુ કટ્ટરપંથીઓએ પૂર્ણિમાના દિવસોમાં મંદિરમાં પૂજા કરવાની પ્રથા ચાલુ રાખી છે, જે ક્યારેક-ક્યારેક મુસ્લિમ શ્રદ્ધાળુઓ અને સ્થાનિકો સાથે ઘર્ષણમાં પરિણમે છે.
જોકે, રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે શિંદેના વલણને આસ્થા સાથે નહીં પરંતુ રાજકીય અપીલ સાથે લેવાદેવા છે. દિધેના અભિયાને મહારાષ્ટ્રના હિંદુ મતદારો વચ્ચે તેમની અપીલ મજબૂત કરી હતી.
પૂર્વ પત્રકાર પ્રશાંત દીક્ષિત કહે છે કે શિંદે હવે પોતાને મહારાષ્ટ્રમાં હિંદુઓના રક્ષક તરીકે સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યા છે.
લોકસભાની ચૂંટણી પછી આ વર્ષના અંતે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મહારાષ્ટ્ર ભારતનું સૌથી અમીર રાજ્ય છે. દીક્ષિત કહે છે કે હાલમાં રાજ્યની વિશેષ રાજકીય પરિસ્થિતિ જોતાં મુખ્ય મંત્રી શિંદે માટે હિંદુ બહુમતીનું સમર્થન મેળવવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
મહારાષ્ટ્રની ચૂંટણીમાં સામાન્ય રીતે ચતુષ્કોણીય મુકાબલો જોવા મળે છે, જેમાં હિંદુ રાષ્ટ્રવાદી પક્ષો શિવસેના અને ભાજપ અને મધ્યમ માર્ગીય પક્ષો રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી અને કૉંગ્રેસ પાસે પોતાના પાક્કા મતદારો છે.
જોકે, મુખ્ય મંત્રી શિંદે એક વધારાની ગૂંચવણનો સામનો કરી રહ્યા છે. તેમણે અને તેમના સમર્થકોએ 2022માં અગાઉની શિવસેના સાથે છેડો ફાડ્યો હતો.
આ વિદ્રોહને કારણે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના ગઠબંધનની સરકાર પડી ગઈ હતી. નવી સરકારની રચના કરવા માટે શિંદે અને તેમની સાથે આવેલા ધારાસભ્યોએ ભાજપ સાથે એક નવું ગઠબંધન બનાવ્યું.
પૂર્વ પત્રકાર દીક્ષિતે કહ્યું, "ધારાસભ્યો તો પક્ષપલટો કરી શકે છે પરંતુ પક્ષના પાક્કા મતદારોને તેમની વફાદારી બદલવા માટે પ્રેરિત કરવા, એ ખૂબ જ અઘરું છે. આમ, શિંદેને આશા છે કે દરગાહનો મુદ્દા દ્વારા પહેલાંની શિવસેનાના મૂળ મતદારોની ભાવનાઓને આકર્ષીને હિંદુ વોટબૅન્કને મજબૂત કરી શકાય."
હિંદુ ભક્તોએ આ વિવાદ વિશે શું કહ્યું?
બીબીસીએ જે હિંદુ ભક્તો સાથે શિંદેની ટિપ્પણીઓ વિશે વાત કરી તેમને મિશ્ર પ્રતિક્રિયાઓ આપી હતી.
ઉદાહરણ રૂપે કુશલ મિસ્લનું માનવું છે કે મુખ્ય મંત્રીએ લાંબા સમયથી તેમના મનમાં જે ચાલી રહ્યું છે તે વ્યક્ત કર્યું છે. તેમને એવો વિશ્વાસ છે કે આ મંદિર મૂળરૂપે એક હિંદુ સંતનું હતું અને પછી ભારત પર આક્રમણ દરમિયાન મુસ્લિમોએ તેના પર કબજો કર્યો હતો.
રાજેન્દ્ર ગાયકવાડ પણ આ પ્રકારના વિચાર વ્યક્ત કરે છે પરંતુ તેઓ કહે છે કે આ વિવાદ પર ચાલી રહેલી ચર્ચાઓથી અસહજ છે. તેઓ કહે છે કે હાલમાં ભારતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે અત્યંત ખરાબ છે. તેઓ પોતાની માન્યતા પર ભાર મૂકતા કહે છે કે "બધા ભગવાન એક જ છે."
અભિજીત નાગરે દર મહિને આ સૂફી દરગાહ પર આવે છે. તેમણે કહ્યું કે મને કોઈ ફર્ક નથી પડતો કે સંરચના કયા ધર્મની છે. મને અહીં આવવું પસંદ છે કારણ કે અહીં મને શાંતિનો અનુભવ થાય છે.
દરગાહના ટ્રસ્ટીઓમાંથી એક નાસિર ખાને બીબીસીને જણાવ્યું કે આ વિવાદને કારણે સૂફી દરગાહ પર આવતા ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું, "લોકો તેમના પરિવાર સાથે અહીં આવે છે અને તેઓ નથી ઇચ્છતા કે અસામાજિક તત્ત્વો તેમને હેરાન કરે."
આ વિવાદને કારણે સ્થાનિક વ્યવ્સાયોને પણ નુકશાન થઈ રહ્યું છે.
સ્થાનિક લોકોનું વિવાદ વિશે શું કહેવું છે?
3,000 ફૂટ (914 મીટર) ઊંચી ટેકરી પર માત્ર આ એક જ સંરચના નથી. આ ટેકરી પર ઘરો, દુકાનો, અને હોટલો પણ બનાવવામાં આવ્યાં છે.
નાસિર ખાનનું કહેવું છે કે અહીં હિંદુ અને મુસ્લિમ બન્ને મળીને લગભગ 4,000 લોકો રહે છે. સ્થાનિક લોકો રોજગાર માટે પ્રવાસીઓ પર નિર્ભર છે, જો કે તેમનું જીવન કઠિન છે.
સ્થાનિક લોકોએ બીબીસીને જણાવ્યું કે તેમને પીવાના પાણી જેવી મૂળભુત સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરવો પડે છે, ખાસ કરીને ભયંકર ગરમીના મહિનાઓમાં.
સ્થાનિક ગ્રામ પરિષદના સભ્ય અય્યૂબ શેખ કહે છે કે પાણીની વહેંચણી કરવી પડે છે. દરેક પરિવારને રોજ માત્ર દસ લીટર પાણી આપવામાં આવે છે.
ટેકરી પર કોઈ સારી હૉસ્પિટલ, શાળા કે ઍમબ્યુલન્સ પણ નથી.
ટુક-ટુક ચલાવનાર 22 વર્ષીય શેખ કહે છે કે એક પણ શિક્ષિત વ્યક્તિ અહીં રહેવા નથી માગતો. તેમની પાસે અહીં કરવા માટે કશું જ નથી. શેખે આ અહેવાલ માટે માત્ર પોતાનું પહેલું નામ જ વાપરવા માટે જણાવ્યું હતું.
"રાજકીય નેતાઓ માત્ર વોટ મેળવવા માટે જ આવા ખેલો કરે છે. વાસ્તવમાં કોઈને એ વાતની ચિંતા નથી કે લોકોને શું જોઈએ છે."
આ ભાવના કેટલાય સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
શેખે ઉમેર્યું, "સદીઓથી આ ટેકરી પર હિંદુ અને મુસ્લિમો સૌહાર્દપૂર્વક રહેતા આવ્યા છે. અમે એક સાથે તહેવારો ઊજવીએ છીએ અને જરૂરતના સમયમાં એક બીજાની મદદ પણ કરીએ છીએ. બીજું કોઈ અમારી સાથે ઊભું નથી તો અમે એકબીજા સાથે શું કામ લડીએ?"