You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા: ગોધરા અને અયોધ્યામાં ભૂતકાળમાં રમખાણોથી પ્રભાવિત વિસ્તારોના મુસલમાનો શું કહી રહ્યા છે?
ધન્નીપુર(અયોધ્યા)થી અનંત ઝણાણે, ગોધરા(ગુજરાત)થી રોક્સી ગાગડેકર છારા, મુંબઈથી દીપાલી જગતાપ અને ભોપાલથી સલમાન રાવીનો અહેવાલ
અયોધ્યાના નવા બનેલા રામમંદિરમાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીના રોજ પૂર્ણ થયો.
આ અવસરે વડા પ્રધાન મોદી સિવાય આરએસએસના પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત હતાં. એ સિવાય ત્યાં દેશના અનેક મોટા ઉદ્યોગપતિઓ અને સિનેમા જગતના મોટા ચહેરાઓ ઉપસ્થિત હતા.
દેશભરના હિન્દુ સમુદાયમાં આ સમારોહને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. લોકોએ પૂજાપાઠ સિવાય ઝુલૂસ કાઢીને અને જમણવારનું આયોજન કરીને તેમની ખુશીઓ વ્યક્ત કરી.
બીજી તરફ મુસલમાનોમાં આ કાર્યક્રમને લઈને મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી. ખાસ કરીને એ વિસ્તારોમાં જ્યાં 1992થી લઈને 2002માં રમખાણો થયા હતા.
મોટાભાગના મુસ્લિમોએ કહ્યું કે તેમને આ સમારોહથી કોઈ સમસ્યા નથી કારણ કે ભારતમાં દરેક લોકોને પોતાનો ધર્મ પાળવાની આઝાદી છે.
કેટલીક જગ્યાએ મુસલમાનોએ એવો દાવો કર્યો છે કે તેમણે આ અવસરે હિન્દુઓને તેમનો ઉત્સવ મનાવવાની તૈયારીમાં પણ સહયોગ આપ્યો છે.
જ્યારે અયોધ્યા ધામથી 20 કિલોમિટર દૂર ધન્નીપુરમાં જ્યાં મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન મળી છે ત્યાંના મુસલમાનોને પણ સરકારથી આશા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધન્નીપુરના મુસ્લિમો શું વિચારે છે?
ધન્નીપુરમાં મસ્જિદ સિવાય કૅન્સર હૉસ્પિટલ અને કમ્યુનિટી કિચન બનાવવાની યોજના છે, પરંતુ ચાર વર્ષ પછી પણ ત્યાં શિલાન્યાસ થઈ શક્યું નથી.
એવામાં મુસ્લિમોએ કહ્યું છે કે તેમને સરકાર પાસેથી એવી આશા છે કે રામમંદિરનું ઉદ્ધાટન થઈ ગયા બાદ સરકાર હવે મસ્જિદના નિર્માણ પર પણ ધ્યાન આપશે.
આ મુદ્દે ત્યાંના સ્થાનિક નિવાસી શાબાન ખાને બીબીસી સંવાદદાતા અનંત ઝણાણેને કહ્યું હતું કે, "મોદીજી કહે છે, સબકા સાથ-સબકા વિકાસ. એ હિસાબે અહીં પણ કંઈક થવું જોઈએ."
તેમણે કહ્યું કે અહીં માત્ર મસ્જિદ જ નહીં પરંતુ એક હૉસ્પિટલ પણ બનવાની છે. તેઓ એ સાંભળીને ખૂબ જ ખુશ હતા કે તેમના વિસ્તારમાં હૉસ્પિટલ આવશે, પરંતુ તેનું કામ હજી શરૂ થયું નથી.
શાબાન ખાને કહ્યું, "પરંતુ હજુ સુધી એક ઈંટ પણ મૂકવામાં આવી નથી, આ દુઃખની વાત છે."
નઈમ ખાનની માગ છે કે સરકારે મસ્જિદના નિર્માણમાં રસ લેવો જોઈએ, પરંતુ અત્યાર સુધી સરકાર રામજન્મભૂમિમાં વ્યસ્ત હતી.
આશા વ્યક્ત કરતા તેમણે કહ્યું, "મને વિશ્વાસ છે કે મંદિરના ઉદ્ઘાટન પછી, અમારી સરકાર, અમારા મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથજી આ અંગે ધ્યાન આપશે અને અહીંનો સર્વાંગી વિકાસ કરાવશે."
ગોધરાના મુસ્લિમોએ શું કહ્યું?
2002ના ગુજરાત રમખાણો સમયે ગોધરાનું પોલન બજાર હિંસાથી બહુ ખરાબ રીતે પ્રભાવિત થયું હતું.
બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ રામમંદિરના ઉદ્ધાટન સમયે ત્યાંના મુસ્લિમો સાથે વાતચીત કરી હતી તો લોકોએ એ આશા વ્યક્ત કરી હતી કે હવે કદાચ આ વિવાદનો અંત થઈ જાય.
ગોધરા નિવાસી ઇમ્તિયાઝ અબ્દુલ રહેમાને બીબીસીને જણાવ્યું હતું કે, "બાબાસાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું છે તે પ્રમાણે દરેક લોકોને તેમના ધર્મનું પાલન કે અનુસરણ કરવાનો અધિકાર છે. અમે તેમને શુભેચ્છા આપીએ છીએ કે તેઓ કુશળ રહે, ભલું કરે. શાંતિનો માહોલ બનાવીને રાખે."
ત્યાંના જ રહેવાસી રફીક તિજોરીવાલાએ કહ્યું કે ગોધરાનો મુસલમાન ઇચ્છે છે કે આ કાર્યક્રમ પણ શાંતિથી પૂર્ણ થાય.
જોકે, મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના દિવસે ગોધરામાં પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓને કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ રાખવામાં આવ્યા હતા.
મુંબઈના મુસલમાનોનો મત શું છે?
ડિસેમ્બર, 1992માં બાબરી મસ્જિદ તૂટ્યા બાદ મુંબઈમાં જ્યાં રમખાણો થયા તેમાં શહેરનો મોહમ્મદ અલી રોડવાળો વિસ્તાર પણ સામેલ હતો.
સમારોહના દિવસે ત્યાં પણ મોટી સંખ્યામાં પોલીસની તહેનાતી જોવા મળી. લોકો અન્ય દિવસોની સરખામણીએ બહાર ઓછા જોવા મળ્યા અને અનેક દુકાનો પણ બંધ જોવા મળી.
બીબીસી સંવાદદાતા દીપાલી જગતાપે ત્યાં રહેતા કેટલાક મુસ્લિમો સાથે વાત કરી હતી અને રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા વિશે તેઓ શું વિચારે છે તે જાણવાની કોશિશ કરી.
સ્થાનિક નિવાસી સરફરાઝ અહમદે બીબીસીને કહ્યું, "સૌનો પોતાનો ધર્મ હોય છે. તેઓ તેમનું મંદિર બનાવી રહ્યા છે, સારું છે, બનાવે. અમે અમારું કામ કરી રહ્યા છીએ."
"આ મામલે કોઈ મુસલમાનને કોઈ લેવા-દેવા નથી. તેઓ મંદિર બનાવે કે બીજું કંઈ પણ, એ તેમનો ધર્મ છે, તેઓ કરી શકે છે. તેનાથી કોઈ લેવા-દેવા નથી."
શું કહ્યું ભોપાલના મુસલમાનોએ?
બાબરી મસ્જિદના વિધ્વંસ સમયે એટલે કે 1992માં મુંબઈ પછી જે જગ્યાએ સૌથી વધારે રમખાણો ભયાનક સાબિત થયા, તેમાં ભોપાલ પણ હતું.
બીબીસી સંવાદદાતા સલમાન રાવીએ ભોપાલ રમખાણોનું કેન્દ્ર રહેલા બુધવારા બજાર પહોંચીને ત્યાંના મુસ્લિમો સાથે પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ વિશે વાત કરી હતી.
ત્યાંના કેટલાક મુસ્લિમોએ જણાવ્યું હતું કે સોમવારે મંદિરોમાં યોજાનારા ઉત્સવ અને તેની સ્વચ્છતા અને અન્ય તૈયારીઓમાં તેમણે મદદ કરી છે.
સ્થાનિક રહેવાસી રિઝવાને જણાવ્યું કે તેઓ સરકારને અનુસરી રહ્યા છે અને યાત્રાઓ વગેરે દરમિયાન વ્યવસ્થાતંત્રને સમર્થન અને સહયોગ આપી રહ્યા છે.
તેમણે કહ્યું, "સરકારે કહ્યું છે કે તેમની યાત્રા વગેરે નીકળશે, અમે બધા તેને સમર્થન આપી રહ્યા છીએ. તેની સામે કોઈ વિરોધ નથી. કોઈના દિલમાં ડર નથી."
બજારમાં ઘણી દુકાનો બંધ જોવા મળી હતી, જ્યારે બીબીસીએ રિઝવાનને આ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું, "દુકાનો હવે બંધ છે, પરંતુ વાતાવરણ સારું છે, ખરાબ નથી."
જ્યારે ઇતવારાના કોર્પોરેટર રફીક કુરેશીએ કહ્યું કે તેમણે મંદિરોમાં સફાઈ, રંગકામ વગેરેમાં સહયોગ કર્યો છે.
તેમણે કહ્યું, "આજના કાર્યક્રમની બધી વ્યવસ્થાઓ અમે મંદિરોમાં કરી છે, જેથી લોકોને એવું ન લાગે કે અમે સહયોગ કરી રહ્યા નથી. અમારો પૂર્ણ સહયોગ છે."
બુધવારા બજારના રહેવાસી નિઝામે કહ્યું કે રામ હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી દરેકના છે.
પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે તેમણે કહ્યું, "જે કંઈ થઈ રહ્યું છે, બધું સારું થઈ રહ્યું છે. અમને તેની સાથે કોઈ સમસ્યા નથી. મતલબ કે જે થઈ રહ્યું છે તે તેની જગ્યાએ સારી રીતે થઈ રહ્યું છે, તેમાં કોઈ સમસ્યા નથી. ભગવાન રામ દરેકના છે. ભારત એક છે."