સમલૈંગિક લગ્નને કાયદાકીય રૂપે માન્યતા આપવી એ સંસદનો અધિકાર : CJI

સમલૈંગિક

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના ચીફ જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડે સજાતિય લગ્નને લઈને પોતાનો નિર્ણય સંભળાવતાં કહ્યું છે કે સજાતીય લગ્નને માન્યતા ના આપતો હોવા માત્રથી સ્પેશિયલ મૅરેજ ઍક્ટને ગેરબંધારણીય જાહેર ના કરી શકાય.

બીબીસીના સહયોગી પત્રકાર સુચિત્ર મોહંતી અનુસાર કોર્ટે કહ્યું છે કે જો સ્પેશિયલ મૅરેજ ઍક્ટને ખતમ કરી દેવામાં આવે તો આ દેશ આઝાદી પહેલાંના યુગમાં જતો રહેશે. જો કોર્ટ કોઈ બીજો દૃષ્ટિકોણ અપનાવે અને સ્પેશિયલ મૅરેજ ઍક્ટમાં શબ્દ ઉમેરે તો એ કદાચ સંસદની ભૂમિકા હશે.

જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડે ચુકાદો સંભળાવતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે આ અદાલત સંસદ કે રાજ્યોની વિધાનસભાઓને લગ્નની નવી સંસ્થા ઊભી કરવા માટે બાધ્ય ન કરી શકે. ચુકાદા અનુસાર અદાલત સ્પેશિયલ મૅરેજ ઍક્ટને ફરીથી ઘડી ન શકે અથવા પુરુષ અને મહિલા અથવા પતિ અને પત્નીને મળતા અધિકારોનો ફરીથી મુસદ્દો ન તૈયાર કરી શકે.

મુખ્ય ન્યાયાધીશે એવું પણ કહ્યું કે, "અદાલત કાયદાને સમજવાનું કામ કરે તે માટે સજ્જ નથી. "

સુપ્રીમ કોર્ટે કહ્યું કે લગ્નના અધિકાર વગર એલજીબીટીક્યુ સમુદાયના સભ્યોને સાથી પસંદ કરવાનો અને અંતરંગ સંબંધ રાખવાનો અધિકાર છે અને સરકારે કેટલાક અધિકારોને માન્યતા આપવી જોઈએ જેથી આવાં યુગલો સમાગમના અધિકારોથી વંચિત ન રહે. લગ્નના અધિકારમાં પોતાના સાથીની પસંદગીનો અધિકાર અને લગ્નની માન્યતાનો અધિકાર પણ સામેલ છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, "આવા સંબંધોને માન્યતા ન આપવી એ ક્વીયર કપલ્સ સાથે ભેદભાવ હશે. "

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે સૉલિસિટર જનરલે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આવાં યુગલોને જે અધિકારો આપી શકાય તેની સમીક્ષા માટે કમિટી નીમશે.

ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે, આવા સંબંધોને સંપૂર્ણ રીતે માણવા માટે, આવા સંબંધોને માન્યતાની જરૂર છે અને તેમને મૂળભૂત સુવિધાઓ અને ચીજોથી વંચિત ન રાખી શકાય. સરકાર જો આ અધિકારોને માન્યતા નહીં આપે તો અપ્રત્યક્ષ રૂપથી આઝાદી પર તરાપ મારશે.

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં બીજું શું કહ્યું?

સમલૈંગિકો

ઇમેજ સ્રોત, Getty Images

સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં જણાવ્યું કે જીવનની દિશા નક્કી કરવામાં સાથીની પસંદગી કરવાનો અધિકાર એ અભિન્ન ભાગ છે. કેટલાક લોકો તેને જીવનનો સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય માની શકે છે.

અદાલતે કહ્યું કે જો બે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ લગ્ન કરવા માગે અને આ પ્રક્રિયામાં પોતાને ટ્રાન્સ-મૅન અથવા ટ્રાન્સ-વુમન તરીકે ઓળખાવે, તો તેમનાં લગ્ન સ્પેશિયલ મૅરેજ ઍક્ટમાં નોંધવામાં આવી શકે છે.

મુખ્ય ન્યાયાધીશે કેન્દ્ર સરકાર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ આપેલા પ્રસ્તાવને માન્ય રાખ્યો છે જેમાં તેમણે નિષ્ણાતોની એક પૅનલ રચવાની સલાહ આપી હતી. તેની અધ્યક્ષતા કૅબિનેટ સેક્રેટરી કરશે. આ પૅનલ વિષમલિંગી યુગલોને મળતા લગ્નના અધિકાર સિવાય ક્વિયર યુગલોને કેટલાક અધિકારો અને વિશેષ હકો આપવા અંગે વિચારણા કરશે, જેમાં રૅશન કાર્ડ, પેન્શન, ગ્રેચ્યુટી અને વારસા જેવા મુદ્દા સામેલ છે.

સમલૈંગિક કપલ્સને બાળક દત્તક લેવાનો અધિકાર નથી, સુપ્રીમ કોર્ટે બહુમતથી આ માગને ફગાવી

સમલૈંગિક
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સમલૈંગિક યુગલોને બાળક દત્તક લેવાના અધિકાર પર સુપ્રીમ કોર્ટના પાંચ જજોનો મત અલગઅલગ હતો. ત્રણ જજોનો મત હતો કે સમલૈંગિક યુગલોને બાળકો દત્તક લેવાનો અધિકાર નહીં મળે.

જ્યારે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ અને જસ્ટિસ એસકે કૌલ સમલૈંગિક યુગલોને દત્તક લેવાનો અધિકાર મળે, તેના પક્ષમાં હતા. ત્યારે ત્રણ જજો જસ્ટિસ પીએસ નરસિમ્હા, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ રવીન્દ્ર ભટ્ટ તેના વિરોધમાં હતા. એટલે સમલૈંગિક યુગલોને આ અધિકાર નહીં મળે.

જસ્ટિસ રવીન્દ્ર ભટ્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે અમે ક્વિયર કપલને બાળક દત્તક લેવાનો અધિકાર મળે તેનાથી અસહમત છીએ.

પોતાના ચુકાદામાં જસ્ટિસ ભટ્ટે કહ્યું છે કે કોઈ પણ સિવિલ યુનિયનને કોઈ પણ કાયદાકીય અધિકાર માટે કાયદાની જરૂર હશે.

તેમણે કહ્યું કે ટ્રાન્સસેક્શુઅલ વ્યક્તિ જો હોમોસેક્શુઅલ સંબંધમાં છે તો તેની પાસે લગ્નનો અધિકાર છે.

પરંતુ તે સમલૈંગિક લોકોને સંબંધમાં હોવાના અધિકારથી વંચિત નથી કરતું.

બૅન્ચે એ વાત પર એકમત વિચાર પ્રકટ કર્યો કે સમલૈંગિક લોકોને લગ્નનો અધિકાર આપવો સંસદના કાર્યક્ષેત્રમાં છે.

મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું કે અવિવાહિત કપલ, ક્વિયર કપલ એક સાથે બાળક દત્તક લઈ શકે છે.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે રૅકૉર્ડ પર એવી કોઈ સામગ્રી નથી જે દર્શાવે અથવા સાબિત કરે કે માત્ર વિષમલિંગી યુગલો જ બાળકને સ્થિરતા આપી શકે. મુખ્ય ન્યાયાધીશે ચુકાદો સંભળાવતા કહ્યું કે બધાં એલજીબીટીક્યુ + યુગલો, જે પોતાને પુરુષ અને મહિલા તરીકે ઓળખાવે છે, એ લગ્ન કરી શકે છે.

ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે એવું પણ કહ્યું છે કે વિષમલિંગી લોકોને લગ્નના જે અધિકાર મળે છે એ અધિકાર સમલૈંગિક લોકોને મળવા જોઈએ. જો સમલૈંગિક યુગલોનો એ અધિકારો ન મળે તો આ મૂળભૂત અધિકારોનું હનન ગણવામાં આવશે. તેમણે ચુકાદામાં એવું કહ્યું કે અવિવાહિત યુગલોની જેમ ક્વિયર લોગો બાળકો દત્તક લઈ શકશે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?

બીબીસી

આ પહેલાં સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે તેઓ ધાર્મિક પર્સનલ લૉમાં ફેરફાર કરવા માગતા નથી, પરંતુ આંતર-જ્ઞાતિ અને આંતર-ધર્મ લગ્નો માટેના સ્પેશ્યલ મૅરેજ ઍક્ટનું વિશેષ રીતે અર્થઘટન કરીને LGBTQ+ સમુદાયના લોકોનાં લગ્નને કાયદેસર કરી શકે છે કે કેમ તે જોશે.

સુનાવણી આગળ વધવા લાગી ત્યારે સ્પષ્ટ થવા લાગ્યું હતું કે આ મામલો કેટલો જટિલ છે. પાંચ જજની બૅન્ચે પણ સ્વીકાર્યું કે એક કાયદામાં થોડા ફેરફાર સાથે પણ આવી માન્યતા આપવી શક્ય લાગતી નથી. કેમ કે અહીં માત્ર લગ્નને કાયદેસર કરવાની વાત નથી, તેની સાથે છૂટાછેડા, દત્તક, વારસો, ભરણપોષણ સહિતના મુદ્દાઓ જોડાયેલા છે અને તેના વિશેના 35 કાયદાઓ છે. આમાંની કેટલીક બાબત પર્સનલ લૉના કાર્યક્ષેત્રને પણ સ્પર્શે એવું બની શકે છે.

અરજદારોના વકીકોની દલીલ હતી કે લગ્ન એ માત્ર એક પુરુષ અને સ્ત્રી નહીં પણ બે લોકોનું મિલન છે. કોઈ વ્યક્તિનો લગ્ન કરવાનો અધિકાર નકારવો એ ભારતના બંધારણની વિરુદ્ધ છે કે જેમાં તમામ નાગરિકોને તેમની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર અપાયો છે. બંધારણમાં જાતીય અભિગમના આધાર પર ભેદભાવની પણ મનાઈ છે.

તેઓએ કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે કાયદેસર લગ્ન ના થતા હોવાથી બૅન્કમાં સંયુક્ત ખાતું ખોલવું, મકાનની સહ-માલિકી રાખવી અથવા સાથે મળીને વાલી તરીકે બાળકોને દત્તક લેવાનું પણ શક્ય બનતું નથી. આ અધિકારોથી વંચિત રહી જાય છે અને લગ્ન થયેલા હોય ત્યારે મળતી પ્રતિષ્ઠા પણ મળતી નથી.

વીડિયો કૅપ્શન, સમલૈંગિકોનાં લગ્નને કાયદેસર માન્યતા નહીં તેમ છતા શું બદલાશે? Explained

આ પહેલાં સરકારે LGBTQ+ સમુદાયના લોકો વચ્ચે લગ્નને માન્ય ગણવાની માગણીવિરોધ કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે લગ્નના સામાજિક-કાનૂની મુદ્દા પર માત્ર સંસદમાં જ ચર્ચા થઈ શકે છે. કોર્ટને આ બાબતની સુનાવણી કરવાનો અધિકાર નથી એમ પણ એણે જણાવાયું હતું.

સરકાર વતી રજૂઆત કરનારા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે પ્રેમ અને સહવાસનો અધિકાર મૂળભૂત છે પરંતુ લગ્ન માટેનો કોઈ "સંપૂર્ણ અબાધિત અધિકાર નથી" - વિષમલિંગી યુગલો માટે પણ નહીં. નજીકના લોકો વચ્ચે સંબંધો અને લગ્ન પર પ્રતિબંધ છે તેનો ઉલ્લેખ કરીને કેવા સંબંધો સ્વીકાર્ય ના બને તેની યાદી પણ તેમણે અદાલતને આપી હતી.

સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતા આપવાનો સરકારે ઇનકાર કર્યો હતો, પરંતુ એવી પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે કૅબિનેટ સેક્રેટરીની આગેવાની હેઠળ એક સમિતિ બનાવીને સમલૈંગિક યુગલોની નડતી "માનવીય સમસ્યાઓ" વિશે વિચારણા કરવા માટે એ તૈયાર છે.

ન્યાયાધીશોએ તેને "ખૂબ જ વાજબી સૂચન" ગણાવ્યું હતું અને કહ્યું હતું કે "કેટલીકવાર નાના પાયે શરૂઆત કરવાની હોય છે". હાલના સંજોગોમાં જે સ્થિતિ છે તેના કરતાં "નોંધપાત્ર સુધારો" થઈ શકશે અને "ગે અધિકારોના ભાવિ માટે એક બિલ્ડિંગ બ્લૉક તે બની શકે છે."

સુનાવણી વખતે ઘણાં યુગલોએ બીબીસી સાથેની વાતચીતમાં અગાઉ કહ્યું હતું કે જો કાયદેસર માન્યતા મળી જશે તો તે લોકો લગ્ન કરી લેવા માગે છે.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ARUN SANKAR/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ભારતમાં LGBTQ+ લોકોની સંખ્યા અંદાજે 13થી 14 કરોડની છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી સમલૈંગિકતાની સ્વીકૃતિમાં વધારો થયો છે. ખાસ કરીને ડિસેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને ગે સેક્સ કોઈ અપરાધ ન હોવાનું જાહેર કર્યું ત્યારથી આવા સંબંધોની સ્વીકૃતિ વધી છે.

2020માં 'પ્યુ' સંસ્થાએ કરેલા સર્વેક્ષણમાં 37 ટકા લોકોએ કહ્યું હતું કે સમલૈંગિકતાને સ્વીકારવી જોઈએ.

2014માં પહેલી વાર સર્વેમાં આવું પુછાયેલું ત્યારે માત્ર 15 ટકા લોકો આવું માનતા હતા. 2020માં આ રીતે સીધો 22 ટકાનો વધારો થયો હતો. તાજેતરમાં જૂનમાં થયેલા પ્યુ સર્વેક્ષણમાં 53 ટકા ભારતીયોએ કહ્યું કે સમલૈંગિક લગ્નને કાયદેસર કરી દેવાં જોઈએ, માત્ર 43 ટકા લોકોએ તેનો વિરોધ કર્યો હતો.

લોકોના વલણમાં આ રીતે ફેરફાર થવા છતાં, સેક્સ અને લૈંગિકતા પ્રત્યેનું વલણ મોટે ભાગે હજુ પણ રૂઢિચુસ્ત છે. આ ક્ષેત્રના કાર્યકરો કહે છે કે આ સમુદાયને હજી પણ કલંક ગણવામાં આવે છે અને ભેદભાવનો સામનો કરવો પડે છે.

કોર્ટમાં અરજદારો વતી હાજર રહેલા વકીલોમાંના એક મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે LGBTQ+ લોકોને બંધારણીય રીતે સમાન તરીકે સ્વીકારવામાં આવે તે માટે સમાજમાં એક પહેલની જરૂર હોય છે અને સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય સમુદાયનો સ્વીકારવા માટે સમાજને પણ પ્રેરિત કરશે.