ગુજરાતમાં ખ્યાતિકાંડ પછી PMJAY હેઠળ સારવારની નવી SOP જાહેર, દર્દીઓને થશે આ અસર

ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ દર્દીઓની સારવાર કરવા માટે સોમવારે એક નવી એસઓપી (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર)ની જાહેરાત કરી છે.

હવેથી કાર્ડિયૉલૉજી, રેડિયૉલૉજી અને નિયોનેટલ સારવાર માટે આ માર્ગદર્શિકા લાગુ પડશે.

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે PMJAY-MA યોજનામાં સામેલ હૉસ્પિટલો ગેરરીતિ આચરી ન શકે તે માટે આ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

નવી એસઓપીમાં શું જણાવાયું છે?

નવી ગાઇડલાઇન પ્રમાણે, જે હૉસ્પિટલો PMJAY -મુખ્યમંત્રી અમૃતમ સ્કીમ હેઠળ કાર્ડિયૉલૉજીના દર્દીઓની સારવાર કરતી હશે, તેમણે પ્રિ-ઑથોરાઇઝેશનના તબક્કામાં જ ઍન્જિયોગ્રાફી અને ઍન્જિયોપ્લાસ્ટીની સીડી અથવા વીડિયોગ્રાફી અપલોડ કરવી પડશે.

ઇમર્જન્સીના કેસમાં સારવાર પછી સીડી કે વીડિયોગ્રાફી અપલોડ કરી શકાશે.

કૅન્સરના કેસમાં હૉસ્પિટલોએ ટ્યૂમર બોર્ડનું સર્ટિફિકેટ અપલોડ કરવું પડશે જેમાં મેડિકલ, સર્જિકલ અને રેડિયેશન ઓન્કૉલૉજિસ્ટની જોઇન્ટ પેનલ સામેલ હોવી જોઈએ.

તેનાથી દર્દીની જરૂરિયાત પ્રમાણે જ સારવાર પ્લાન નક્કી કરવામાં આવ્યો છે તેની ખાતરી કરી શકાશે.

એસઓપીમાં જણાવાયું છે કે વજાઇનલ કૅન્સરના કેસમાં, જેમાં બ્રૅકીથૅરપી નામની રેડિયેશન થૅરપીની જરૂર પડે છે, તે માત્ર જરૂરી ફૅસિલિટી ધરાવતી હૉસ્પિટલોમાં જ કરાવી શકાશે.

બ્રેકીથૅરપીના કિસ્સામાં અન્ય હૉસ્પિટલો સાથે ટાઇ-અપ સિસ્ટમ ચલાવી લેવામાં નહીં આવે.

આ ઉપરાંત હૉસ્પિટલોએ નિયોનેટલ કૅર માટે પોતાને ત્યાં ફુલ ટાઇમ પીડિયાટ્રિશિયન (બાળરોગ નિષ્ણાત) રાખવા પડશે. દર્દીઓની પથારીની સંખ્યા મુજબ નર્સિંગ સ્ટાફ પણ રાખવો પડશે.

આ ગાઇડલાઇનમાં કાર્ડિયૉલૉજી, રેડિયૉલૉજી, નિયોનેટલ અને ટોટલ ની રિપ્લૅસમેન્ટ (ટીકેઆર), ટોટલ હિપ રિપ્લૅસમેન્ટ (ટીએચઆર) સેવાઓ સામેલ છે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે માત્ર એવા કાર્ડિયૉલૉજી સેન્ટરને કાર્ડિયૉલૉજી ક્લસ્ટર તરીકે નિર્ધારિત કરવામાં આવશે જ્યાં ફૂલ ટાઇમ કાર્ડિયૉલૉજિસ્ટ તથા કાર્ડિયૉ-થૉરાસિક સર્જન હોય.

દર્દીની સારવાર માટે યોગ્ય નિર્ણય લઈ શકાય તે માટે આ જરૂરી છે.

આ ઉપરાંત આવી હૉસ્પિટલોમાં ફુલ ટાઇમ કાર્ડિયાક ઍનેસ્થેટિસ્ટ અને ફિઝિઓથૅરપિસ્ટ પણ કામ કરતા હોય તે જરૂરી છે.

સ્પેશિયલ કિસ્સામાં માત્ર કાર્ડિયૉલૉજી સર્વિસ આપતા કેન્દ્રો પણ ઍન્જિયોપ્લાસ્ટી કરી શકશે. પરંતુ માત્ર ઇમર્જન્સી સારવારની જરૂર હોય ત્યારે જ આવું કરી શકાશે તેમ ઋષિકેશ પટેલે કહ્યું હતું.

કૅન્સરના દર્દીના કેસમાં રેડિયેશન પેકેજિસમાં પણ જરૂરી સુધારા કરવામાં આવ્યા છે જેથી યોગ્ય સારવાર પસંદ કરી શકાય.

નવા એસઓપી પ્રમાણે ઇમેજ ગાઇડેડ રેડિયેશન થૅરપીમાં CBCT (કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) ઇમેજિસને કિલોવોટમાં કૅપ્ચર કરવાની રહેશે.

હૉસ્પિટલોએ રેડિયોથેરાપી મશીનો માટે ક્વૉલિટી કન્ટ્રોલના ધોરણોનું પાલન કરીને તેનો ફરજિયાત રૅકૉર્ડ રાખવો પડશે.

NICUમાં અપાતી સારવાર અંગેની રજૂઆતોને ધ્યાનમાં રાખીને નવજાત શિશુઓની સારવાર માટે ગાઇડલાઇન નક્કી કરવામાં આવી છે.

આ ઉપરાંત નિયોનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (એનઆઈસુયી)માં બાળકોને ગુણવત્તાસભર સારવાર મળે તે માટે હૉસ્પિટલોએ સીસીટીવી કૅમેરા ગોઠવવા પડશે, સાથે-સાથે માતાઓની પ્રાઇવસીને પણ ધ્યાનમાં રાખવી પડશે.

એસઓપી મુજબ તાલુકા હેલ્થ ઑફિસર નિયમિત રીતે એનઆઈસીયુની મુલાકાત લેશે અને રાજ્યની ઓથોરિટીને તેનો રિપોર્ટ સોંપશે. આ માટે ટૂંક સમયમાં એક ઓનલાઈન વિઝિટ મોડ્યુલ પોર્ટલ શરૂ કરાશે.

નિયોનેટલ સ્પેશિયાલિટી ધરાવતી હૉસ્પિટલો માટે ફુલ ટાઇમ પીડિયાટ્રિશિયન (બાળરોગ નિષ્ણાત) હોવા જરૂરી છે જેથી ચોવીસે કલાક સારવારની સગવડ મળી શકે.

અગાઉ રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ટોટલ ની રિપ્લૅસમેન્ટ (ટીએનઆર) અને ટોટલ હિપ રિપ્લૅસમેન્ટ (ટીએચઆર) માટે નવી એસઓપી તૈયાર કરી હતી.

ઋષિકેશ પટેલે જણાવ્યું કે ટીકેઆર માટેની એસઓપીનો ભંગ કરવા બદલ પીએમજેએવાય સ્કીમ સાથે સંકળાયેલી 75 હૉસ્પિટલોને 3.51 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

પીએમજેએવાય હેઠળની 14થી વધારે હૉસ્પિટલોને સસ્પેન્ડ કરાઈ છે, પેનલમાંથી દૂર કરાઈ છે અને તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. તેમને કુલ 18 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

નવી એસઓપીની કેમ જરૂર પડી?

અમદાવાદની ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ દર્દીઓને લાવીને તેમના બિનજરૂરી ઑપરેશન કરવામાં આવ્યા તેવા આરોપ છે.

હૉસ્પિટલમાં કેટલાક દર્દીનાં મોત નિપજ્યાં ત્યાર બાદ રાજ્ય સરકારે PMJAY માટે નવી એસઓપી (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર) જાહેર કરવી પડી છે.

આના કારણે સિસ્ટમમાં અત્યાર સુધી જે છીંડાં હતાં તે કદાચ પૂરાઈ જશે તેવો દાવો કરવામાં આવે છે.

ખ્યાતિ હૉસ્પિટલના પ્રકરણમાં શું થયું?

અમદાવાદની ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં 11મી નવેમ્બરે સાત લોકોએ ઍન્જિયોપ્લાસ્ટી કરાવી હતી.

દર્દીના હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ બ્લોક થઈ જાય ત્યારે તેને પહોળી કરવા માટે ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે.

આ ઑપરેશન પછી બે દર્દી મૃત્યુ પામ્યા હતા જેથી બીજા દિવસે પોલીસ ફરિયાદ થઈ હતી.

ખ્યાતિ હૉસ્પિટલે ગામડાંમાં ફ્રી ચેક-અપ કૅમ્પ યોજીને દર્દીઓને આરોગ્ય કાર્ડ દ્વારા PMJAY હેઠળ સર્જરી માટે તૈયાર કર્યા હતા અને તેમાં એક વ્યાપક કૌભાંડ ચાલતું હતું તેવું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરી છે, જેમાં હૉસ્પિટલના ડાયરેક્ટર, વિઝિટિંગ કાર્ડિયૉલૉજિસ્ટ, સીઈઓ, માર્કેટિંગ ડાયરેક્ટર અને માર્કેટિંગ ઍક્ઝિક્યૂટિવનો સમાવેશ થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.