દુબઈથી ભારતમાં કેટલું સોનું લાવી શકાય, કેટલા તોલા સોનું લાવો તો કસ્ટમડ્યૂટી ભરવી પડે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય મીડિયામાં અવારનવાર ખાડીના દેશોમાંથી, ખાસ કરીને દુબઈથી છૂપી રીતે સોનું લાવવાના સમાચાર સાંભળવા મળે છે. ગયા મંગળવારે કન્નડ અને તમિળ ફિલ્મોનાં અભિનેત્રી રાન્યા રાવ દુબઈથી પરત ફર્યાં ત્યારે રેવન્યૂ ઇન્ટેલિજન્સ વિભાગે 14.8 કિલો સોના સાથે ધરપકડ કરી હતી.
આ સોનાની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રાન્યા રાવ સોનાના જથ્થા સાથે બૅંગ્લુરુના કેમ્પેગૌડા ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર ઊતર્યાં હતાં.
અગાઉ વર્ષ 2020માં સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સ અને કસ્ટમ્સે તિરુવનંતપુરમ ઍરપૉર્ટ પર એક રાજદ્વારીની બૅગમાંથી રૂ. 14.82 કરોડની કિંમતનું 30 કિલોગ્રામ 24 કૅરેટ સોનું જપ્ત કર્યું હતું.
આના કારણે કેરળના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયનના મુખ્ય સચિવ એમ. શિવશંકર આ દાણચોરીના કેસમાં ફસાયા અને તેમણે તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.


ભારતીયો શા માટે વિદેશથી સોનું લાવે છે?
ભારતીય લોકોમાં સોના માટે એક અલગ જ ક્રેઝ છે. આ ઉપરાંત તે રોકાણનું નક્કર માધ્યમ પણ છે. આ જ કારણથી સોનાના ખરીદદારોની સંખ્યાના મામલામાં ભારત વિશ્વમાં ટોચ પર છે.
ભારતમાં, સોનાની વાસ્તવિક કિંમત પર ટૅક્સ લેવામાં આવે છે. આ કારણે તેની કિંમત ઘણી વધી જાય છે.
આ જ કારણ છે કે ખાડી દેશોની મુલાકાતે આવતા પ્રવાસીઓ અવારનવાર અહીંથી સોનું ખરીદે છે. અહીં સોના પર કોઈ ટૅક્સ નથી.
ટૅક્સ ન હોવાના કારણે સોનાની કિંમત ભારતની સરખામણીમાં ઘણી ઓછી થઈ જાય છે. સસ્તું સોનું દરેકને આકર્ષે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુએઇમાં 5 માર્ચ, 2025ના રોજ 24 કૅરેટના દસ ગ્રામ સોનાની કિંમત 83,670 રૂપિયા હતી. જ્યારે ભારતમાં તેનો ભાવ 87,980 રૂપિયા હતો.
વિદેશથી આવ્યા બાદ નિયત મર્યાદા કરતાં વધુ સોનું હોય તો તેની માહિતી ઍરપૉર્ટ પર આપવી પડે છે. જો માહિતી છુપાવાય તો તેને સ્મગલિંગ ગણવામાં આવે છે.

વિદેશથી કેટલું સોનું લાવી શકાય?
નિયમ પ્રમાણે વિદેશથી કોઈ પણ પુરુષ 20 ગ્રામ અને કો ઈપણ મહિલા 40 ગ્રામ સોનું લાવી શકે છે. તે કસ્ટમ ડ્યુટીથી મુક્ત છે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્સ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ દરેક માટે સોનું લાવવા માટે ફી નક્કી કરી છે.
15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને પણ 40 ગ્રામ સોનું લાવવાની છૂટ છે. તેના માટે સંબંધના પુરાવા આપવા પડશે.
પાસપોર્ટ ઍક્ટ 1967 મુજબ ભારતીય નાગરિકો તમામ પ્રકારનું સોનું (જ્વેલરી અને સિક્કા) લાવી શકે છે.
મહિલા અને પુરુષો બંને માટે વિદેશથી લવાયેલા સોના પર નીચે પ્રમાણે ફી વસૂલાય છે.
પુરુષો માટે 20 ગ્રામ કે 50 હજારના સોના પર કોઈ પણ શુલ્ક વસૂલાતું નથી.
આ સિવાય પુરુષોએ 20થી 50 ગ્રામ સોના પર ત્રણ ટકા, 50થી 100 ગ્રામ પર છ ટકા અને 100 ગ્રામ કરતાં વધુ સોના પર દસ ટકા શુલ્ક ચૂકવવાનું હોય છે.
જ્યારે મહિલાઓ માટે 40 ગ્રામ કે એક લાખ રૂપિયા સુધીનું સોનું શુલ્કમુક્ત હોય છે.
ઉપરાંત મહિલાઓ માટે 40થી 100 ગ્રામ પર ત્રણ ટકા, 100થી 200 ગ્રામ સુધી છ ટકા અને 200 ગ્રામ કરતાં વધુના જથ્થા પર દસ ટકા શુલ્ક વસૂલાય છે.

સોનાની દાણચોરી શા માટે થાય છે?
ખાડી દેશોમાં સોનું સસ્તું પડે છે જે તેની દાણચોરીનું સૌથી મોટું કારણ છે. ખાડીના દેશોમાં સરકાર સોના પર ટૅક્સ વસૂલતી નથી. જેના કારણે તેની કિંમત ઘટી જાય છે.
તેની તુલનામાં ભારતમાં સોના પર ઘણો વધુ ટૅક્સ લાગે છે. આ કારણે સોનાની કિંમત વાસ્તવિક કિંમત કરતાં ઘણી વધી જાય છે.
સસ્તું સોનું ખરીદવાની અને તેને ભારતમાં વેચવાની ઇચ્છાના કારણે સ્મગલિંગ શરૂ થાય છે. ગુનાખોરીની દુનિયામાં આ એક જૂનો વિષય રહ્યો છે.
અંડરવર્લ્ડના ગૅંગસ્ટર હાજી મસ્તાન અને દાઉદ ઇબ્રાહિમ દરિયાઈ માર્ગે સોનાની દાણચોરી કરતા હતા, પરંતુ હવે રોજેરોજ દાણચોરીની નવી રીતો બહાર આવી રહી છે.

દાણચોરીનું સૌથી વધુ સોનું ક્યાંથી આવે છે?
દેશમાં મોટા ભાગનું સોનું સંયુક્ત આરબ અમીરાતમાંથી આવે છે. તે બાદ પડોશી દેશ મ્યાનમાર બીજા સ્થાને છે. આ ઉપરાંત કેટલાક આફ્રિકન દેશોમાંથી પણ દાણચોરો સોનું લાવે છે.
ડીઆરઆઇના અધિકારીઓના જણાવ્યા અનુસાર દાણચોરીમાંથી માત્ર દસ ટકા જ સોનું પકડી શકાયું છે. સીબીઆઇસીએ 2023-24માં લગભગ 4,869.6 કિલો સોનું જપ્ત કર્યું હતું.
સોનાની દાણચોરીમાં મહારાષ્ટ્ર, કેરળ અને તામિલનાડુ સૌથી આગળ છે. ગોલ્ડ સ્મગલિંગના લગભગ 60 ટકા કેસ અહીં નોંધાયેલા છે.
સોનાની દાણચોરી અંગે સીબીઆઇસીના ચૅરમૅન સંજયકુમાર અગ્રવાલે તાજેતરમાં કહ્યું હતું કે ઇમ્પૉર્ટ ડ્યૂટી 15થી ઘટાડીને છ ટકા કર્યા બાદ દાણચોરીમાં ઘટાડો થયો છે.
કોઈ વ્યક્તિ સોનાની દાણચોરી કરતા પકડાય તો તેની સામે વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જો તે દોષી સાબિત થાય તો પાંચ લાખ રૂપિયાનો દંડ, આજીવન કેદ અને વિદેશપ્રવાસ પર આજીવન પ્રતિબંધ પણ લગાવવામાં આવી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












