હરિદ્વાર : કૅન્સરપીડિત બાળકને ગંગામાં 'ડુબાડીને મારવા'નો આરોપ, શું છે હકીકત?

    • લેેખક, રાજેશ ડોબરિયાલ
    • પદ, બીબીસી માટે

હરિદ્વારમાં હરકી પૌડીનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં એક મહિલા બાળકને પાણીમાં ડુબાડીને રાખતી જોવા મળે છે, તેની સાથે બે પુરુષ પણ છે. થોડા સમય પછી હાજર લોકો બળજબરીથી બાળકને બહાર કાઢે છે, પણ તેમાં કોઈ હરકત જોવા મળતી નથી.

આ ઘટના પર લોકો બાળકને ડુબાડીને મારી નાખવાનો આરોપ લગાવતા મહિલા અને પુરુષો સાથે ગાળાગાળી કરીને તેમને મારે પણ છે.

એક અન્ય વીડિયોમાં મહિલા બાળકના મૃતદેહ લાશ પાસે બેસેલી જોવા મળી છે અને બેભાન અવસ્થામાં હસતા દાવો કરે છે કે આ બાળક હાલ ઊઠશે.

હોબાળા બાદ પોલીસે મહિલા અને પુરુષની ધરપકડ કરી છે અને બાળકના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરાવ્યું.

આ મામલે અસલી કહાણી હવે સામે આવી છે. પોલીસનું કહેવું છે કે પ્રથમ દૃષ્ટિએ બાળકનું મોત ડૂબવાને કારણે થયું નથી.

વીડિયો શૅર ન કરવાની ચેતવણી

સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોમાં લોકો બાળકનાં માતાપિતા પર તેને મારી નાખવાનો આરોપ લગાવે છે.

વાઇરલ વીડિયો બાદ હરિદ્વારના એસપી સિટી સ્વતંત્રકુમારે એક પત્રકારપરિષદ કરીને બાળકને ડુબાડીને મારવાની ઘટનાને ખોટી ગણાવી છે.

હરિદ્વાર પોલીસ તરફથી જારી પ્રેસ રિલીઝ અનુસાર, "હરકી પૌડી પર મહિલા દ્વારા બાળકને ડુબાડીને મારવાની વાત ખોટી છે. મામલો પ્રથમ દૃષ્ટિએ આસ્થા અને "અંતિમ આશા" સાથે જોડાયેલો છે. દરેક પાસાં પર તપાસ ચાલુ છે, પોસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ છે."

પોલીસ અનુસાર, "બાળક બ્લડ કૅન્સરથી પીડિત હતું અને આખરી સ્ટેજમાં હોવાથી દિલ્હી એઇમ્સે તેને ભરતી કરવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં આખરી આશા સાથે બાળકનાં માતાપિતા તેને હરિદ્વાર લાવ્યા હતા."

પોલીસે કહ્યું કે ઘટના બાદ સાંજે પાંચ વાગ્યે મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરાવ્યું, જ્યાં ડૉક્ટરોએ જણાવ્યું કે બાળકનાં 'ફેફસાંમાં પાણી નહોતું' અને ડૂબવાથી તેનું મોત થયું નથી. બાળકનું શરીર અક્કડ હતું. જોકે હજુ સત્તાવાર રીતે રિપોર્ટની રાહ છે, જેમાં વધુ માહિતી મળશે.

પોલીસે ચેતવણી આપી છે કે ઘટના બાળક સાથે જોડાયેલી હોવાથી બહુ સંવેદનશીલ છે અને હરિદ્વાર પોલીસ બધી રીતે ઝીણવટથી તપાસ કરી રહી છે. પોલીસે અપીલ કરી છે કે તથ્યો વિના વિભિન્ન પ્લૅટફૉર્મ પર વાઇરલ થયેલા વીડિયોને શૅર ન કરે.

'રસ્તામાં બાળકનું મોત થયું હતું'

આ ઘટનાથી સંબંધિત એક પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે આ ઘટના સામે આવ્યા બાદ માતાપિતાની પોલીસ સ્ટેશન લવાઈને પૂછપરછ કરાઈ છે અને પોસ્ટમૉર્ટમમાં મોતનું કારણ ડૂબવું ન હોવા બાદ તેમને છોડી દેવાયાં છે, જેથી તેઓ બાળકની અંતિમવિધિ કરી શકે.

દિલ્હીના સોનિયાવિહારમાં રહેતા રણજિતકુમાર ટૅક્સીચાલક છે અને તેઓ આ લોકોને દિલ્હીથી હરિદ્વાર લઈને આવ્યા હતા.

રણજિતે બીબીસીને જણાવ્યું કે બાળક બહુ બીમાર હતું અને ગાડીમાં બેસ્યા બાદ તેણે કોઈ પણ હલનચલન કરવાનું બંધ કરી દીધું હતું.

તેમણે કહ્યું કે ઘટનાના દિવસે સવારે સાત વાગ્યે બાળકના માસા (પડોશી)એ તેમને હરિદ્વાર જવા માટે ફોન કર્યો હતો. સવા નવ વાગ્યે એ લોકો દિલ્હીથી નીકળ્યા હતા. બાળક સાથે તેમનાં માતાપિતા અને એક માસી હતાં. ત્યારે બાળક જોરથી શ્વાસ લઈ રહ્યું હતું.

થોડા સમય પછી બાળકના શ્વાસ લેવાનો અવાજ પણ આવતો બંધ થઈ ગયો, ત્યારે બાળકની માતાએ કહ્યું કે તે સૂઈ રહ્યું છે.

અંદાજે સવા એક વાગ્યે હરિદ્વાર પહોંચ્યા બાદ માતાપિતા તેને ખોળામાં લઈને ગંગાસ્નાન માટે જતાં રહ્યાં. બે-અઢી કલાક બાદ પોલીસે રણજિતને બોલાવીને પૂછપરછ કરી.

દિલ્હીના સોનિયાવિહાર કૉલોનીમાં મદનરાય આ પરિવારના પડોશી છે.

તેમણે બીબીસી હિન્દીને જણાવ્યું કે બાળકના પિતા રાજકુમાર ફૂલોનું કામ કરે છે અને પત્ની ગૃહિણી છે. તેમને બે બાળક છે. પુત્ર રવિનું મોત થઈ ગયું અને તેનાથી મોટી એક પુત્રી છે.

તેઓ કહે છે, "બાળકને બ્લડ કૅન્સર હતું અને ડૉક્ટરોએ તેના જીવવાની આશા છોડી દીધી હતી. બાદમાં કોઈ ચમત્કારની આશાએ તેઓ હરિદ્વાર ગયાં કે બની શકે કે મા ગંગાના આશીર્વાદથી તેમનો પુત્ર સાજો થઈ જાય."

મદનરાય કહે છે, "ભગવાનને કંઈક જુદું કરવું હતું. ગાઝિયાબાદ પાર કરતા કરતા બાળકનો જીવ નીકળી ગયો હતો. એ જ વાત તેમને ડૉક્ટરોએ પણ કહી હતી."

પોસ્ટમૉર્ટમ બાદ પરિવાર મોડી રાતે દિલ્હી પાછો આવ્યો હતો.

મદનરાય મીડિયાના વર્તનથી પણ નારાજ જણાયા અને પૂછ્યું કે "શું તમે કોઈ પણ તપાસ કર્યા વિના સમાચાર છાપી દો છો. તેઓ બિચારા પહેલેથી દુખી છે અને ઉપરથી મીડિયામાં ન જાણે શું શું ચાલી રહ્યું છે. શું આવું કંઈ પણ ચલાવનાર મીડિયા સામે કોઈ કાર્યવાહી ન થાય?"