તામિલ સંગમમ : સૌરાષ્ટ્રના લોકો જ્યારે સદીઓ પહેલાં તામિલનાડુ જઈને વસ્યા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
રાજેન્દ્રન, રામાસુબ્રમણ્યન, શ્રીનિવાસન, રાધાક્રિષ્નન, રવિચંદ્રન, ક્રિષ્નાસામી, કન્નન, રામૂર્તિ અને ગોવિંદન. તામિલનાડુમાં વસતા મૂળતઃ ગુજરાતીઓ પણ આ અટકો ધારણ કરે છે, એ વાત કદાચ માન્યામાં ન આવે, પણ તે હકીકત છે.
સદીઓ પહેલાં સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી નીકળેલા આ ગુજરાતીઓ તામિલનાડુમાં જઈને સ્થાયી થયા, એ પહેલાં તેમણે અન્ય રજવાડાંમાં વસવાટ કર્યો હતો. સદીઓનાં સંઘર્ષ, સફળતા અને સર્જનની ગાથા તેમની સાથે જોડાયેલી છે.
તામિલનાડુમાં 'ભાષાકીય લઘુમતી' એવા આ ગુજરાતીઓ 'સૌરાષ્ટ્રીયનો' તરીકે ઓળખાય છે અને તેઓ 'સૌરાષ્ટ્ર' ભાષા બોલે છે. મહદંશે ઘર અને સમાજમાં જ બોલાતી તેમની ભાષામાં ગુજરાતી, ઉપરાંત સંસ્કૃત અને સદીઓની સફરની અસર જોવા મળે છે.
તેઓ મુખ્યત્વે તામિલનાડુના 'ટૅમ્પલ સિટી' મદુરાઈમાં કેન્દ્રિત છે, પરંતુ લાખોની સંખ્યામાં રાજ્યભરમાં ફેલાયેલા છે અને ત્યાંથી તેઓ વિદેશોમાં પણ સ્થાયી થયા છે.
ગુજરાતીઓ અને તામિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રીયનો નજીક આવે તે હેતુથી 17મી એપ્રિલથી 'સૌરાષ્ટ્ર તામિલ સંગમમ'નું આયોજન કરવામાં આવ્યું છે.
મૂળતઃ વડા પ્રધાનના આ વિચારને સાકાર કરવા માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. લોકસભા ચૂંટણીને આડે એક વર્ષ બાકી હોય, ત્યારે આ પ્રકારના આયોજનને રાજકારણ સાથે જોડીને પણ જોવામાં આવે છે.

સૌરાષ્ટ્રીયનોની સદીઓની સફર

ઇમેજ સ્રોત, PUNEET BARNALA/BBC
વર્તમાન સમયનો ગુજરાતનો સૌરાષ્ટ્રનો (કાઠિયાવાડ) વિસ્તાર અરબ સાગરના કિનારે આવેલો છે, તેની એક તરફ ખંભાતનો અખાત છે, તો બીજી તરફ કચ્છનો અખાત છે. જેના કારણે આ વિસ્તારના લોકો દરિયાઈ માર્ગે અનેક દેશો સાથે વેપાર કરતા હતા અને અહીં ભારે સમૃદ્ધિ હતી.
સોમનાથની સમૃદ્ધિનાં વખાણ ચાઇનીઝ અને પર્શિયન મુસાફરોએ તેમનાં લખાણોમાં કર્યાં છે. આ સમૃદ્ધિ દેશદેશાવરમાંથી લોકોને અહીં ખેંચી લાવતી, જેમાંથી એક નામ મહમદ ગઝનવીનું પણ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તામિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રીયનોનું માનવું છે કે સદીઓ પહેલાં જ્યારે મહમદ અને એ પછી ધર્મ આધારિત હુમલા થયા ત્યારે તેમનું 'દક્ષિણાયન' થયું.
સૌ પહેલાં તેઓ દેવગિરિમાં સ્થિત થયા હતા, જ્યાં તેઓ રેશમી કપડાં અને દોરાનું કામ કરતા. આની બે સદી પછી વિજયનગરના રાજાએ તેમને પોતાના રાજમાં સ્થાયી થવા આમંત્રણ આપ્યું. જેનો સૌરાષ્ટ્રીયનોએ સ્વીકાર કર્યો. અહીં તેઓ રાજા તથા રાજવી પરિવારના સભ્યો માટે સિલ્કનાં વસ્ત્રોનું નિર્માણ કરતા. આ સિવાય તેઓ રેશમના વેપાર સાથે પણ સંકળાયેલા હતા.
જ્યારે વિજયનગર સામ્રાજ્યનું પતન થયું અને મદુરાઈમાં નાયક શાસકો સત્તા ઉપર આવ્યા, ત્યારે તેમણે આ સૌરાષ્ટ્રીયનોને આશરો આપ્યો અને મદુરાઈમાં થિરૂમલાઈ નાયક પૅલેસની આજુબાજુમાં તેમને વસાવ્યા. આજે પણ આ રાજમહેલની આજુબાજુમાં સૌરાષ્ટ્રીયનો વસે છે. શહેરમાં તેમની કુલ વસતિ 20થી 25 ટકા જેટલી હોવાનું અનુમાન મૂકવામાં આવે છે.
સિલ્ક એ મદુરાઈના લોકોના જીવનમાં વણાયેલું છે. તેમના ધાર્મિક, સાંસ્કૃત્તિક, માંગલિક કાર્યોમાં જન્મથી લઈને લગ્ન અને મરણ સુધીમાં સિલ્કનું મહત્ત્વ રહેલું છે. જેનો ઉલ્લેખ મદુરાઈ ડિસ્ટ્રિક્ટ ગૅઝેટિયરમાં ઠેર-ઠેર જોવા મળે છે.
તામિલનાડુના સાલેમ શહેરમાં 'સેલાઈ' (મહિલાઓ દ્વારા પહેરવામાં આવતી શેલા જેવી કિંમતી સાડી) સાથે જોડવામાં આવે છે. જે સૌરાષ્ટ્રીયનોની કસબની કમાલ હતી.
એ પછીનાં વર્ષો દરમિયાન તેઓ ત્રિચી, કુંભકોણમ સહિત તામિલનાડુનાં અલગ-અલગ શહેરોમાં વિસ્તરતા રહ્યા. 20મી સદી દરમિયાન તેઓ બૅંગ્લુરુ, મુંબઈ અને દિલ્હી ઉપરાંત દુબઈ, સિંગાપોર, યુએસએ અને યુકે જઈને વસ્યા છે.
તામિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રીયનો 'પટલૂનકર' કે 'સૌરાષ્ટ્ર' તરીકે પણ ઓળખાય છે. તેમનું આ નામ પટોળાં બનાવવાની પ્રવૃત્તિ સાથે જોડીને પણ જોવામાં આવે છે.
આ કળા ઘરમાં અને ઘરમાં જ રાખવામાં આવે છે. એટલે સુધી કે તે પરિવારની વહુને શીખવવામાં આવે, પરંતુ દીકરીને શીખવવામાં ન આવે.
મૈસુરના શાસક હૈદરઅલીના (ટીપુ સુલતાનના પિતા) આમંત્રણ ઉપર તંજાવૂરના કેટલાક વણકર પરિવારોને પોતાના રાજમાં આવવા આમંત્રણ આપ્યું હતું.
તેઓ શ્રીરંગાપટ્ટનમમાં જઈને વસ્યા અને ટીપુ સુલતાનના પતન પછી તેઓ બૅંગ્લુરુ આવી ગયા. જ્યાં તેઓ જમખન્નડાવારુ તરીકે ઓળખાય છે. પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ તિરુપતિમાં પણ અનેક પરિવાર જઈ વસ્યા હતા.

- વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાંથી દક્ષિણનાં રજવાડાંમાં સ્થાયી થયેલા મૂળ ગુજરાતીઓનો સંબંધ ગુજરાત સાથે વધુ ગાઢ બનાવવા માટે 17 એપ્રિલથી ‘સૌરાષ્ટ્ર તામિલ સંગમમ’નું આયોજન કરાયું છે
- આ સમગ્ર આયોજનને રાજકારણ લાભાલાભની દૃષ્ટિએ પણ જોવામાં આવી રહ્યું છે
- દક્ષિણમાં મૂળ ગુજરાતી પ્રજા ભારે સંખ્યામાં વસતી હોવાનો ખ્યાલ પ્રથમ દૃષ્ટિએ ચોંકાવનારો લાગી શકે અને દક્ષિણમાં વસતા સૌરાષ્ટ્રીયનોની સંસ્કૃતિ અને રહેણીકરણી અંગે કૂતુહલ સર્જે તે વાજબી છે
- દક્ષિણમાં જઈને વસેલા સૌરાષ્ટ્રીયનો આસપાસના વિસ્તારો ઉપરાંત વિદેશમાં પણ સ્થાયી થયા છે
- જાણો તેમના સ્થળાંતરથી માંડીને ઉદય સુધીની સમગ્ર કહાણી, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં

ભાષાનો ભાવ અને વૈભવ

ઇમેજ સ્રોત, Getty Images
સૌરાષ્ટ્રીયનો સોમનાથથી તામિલનાડુ પહોંચતા પહેલાં સુરત, મરાઠવાડા, રત્નાગિરિ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશની (અને તેલંગણા) સફર ખેડી છે. આ દરમિયાન ઉર્દૂ, અરબી, પૉર્ટુગીઝ અંગ્રેજી અને ફારસી જેવી ભાષાએ તેમની ભાષા ઉપર પ્રભાવ પાડ્યો છે. છતાં અનેક મૂળતઃ ગુજરાતી શબ્દો તેમણે યથાવત્ જાળવી રાખ્યા છે અને નિયમિત રીતે ઉપયોગમાં લેવાય છે.
અલગ-અલગ ઐતિહાસિક લખાણોમાં 'સૌરાષ્ટ્ર' ભાષા માટે સૌરાષ્ટ્રમ્, પટલૂન કરાર, સૌરાષ્ટ્રી, સુરાષ્ટ્ર, અને સૌરાષ્ટ્રી જેવા શબ્દોનો ઉપયોગ થયો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2008માં 'સૌરાષ્ટ્ર હૅરિટેજ ચૅર'ની સ્થાપના કરવામાં આવી હતી. આ ચૅરના નેજા હેઠળ સાંસ્કૃત્તિક, શૈક્ષણિક, ભાષા, શબ્દકોશ સર્જન, વર્કશોપ જેવી બહુવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ સિવાય ગુજરાત અને તામિલનાડુના સૌરાષ્ટ્રીયન વિદ્યાર્થી અને લોકો વચ્ચે સંપર્ક વધે તે માટે પ્રયાસ કરવામાં આવે છે.
ચૅરના કૉ-ઑર્ડિનેટર પ્રો. રવિસિંહ ઝાલાના કહેવા પ્રમાણે, "સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા તામિલનાડુમાં સૌરાષ્ટ્ર ભાષાના તજજ્ઞો દ્વારા સૌરાષ્ટ્ર ભાષાના 1500 જેટલા શબ્દોને સંગ્રહિત કરવામાં આવ્યા, તો માલૂમ પડે કે તેમાંથી 90 ટકા ગુજરાતી કે સંસ્કૃત આધારિત છે. તેના ઉચ્ચારણ તામિલમિશ્રિત હોવાને કારણે અલગ લાગે. વર્તમાન સમયમાં અમુક શબ્દોનો પ્રયોગ આપણે અલગ સંદર્ભમાં કરી રહ્યા હોય એમ પણ જણાય આવે."
"જેમ કે, 'વેળુ.' રેતી માટેનો આ શબ્દ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે તળપદા શબ્દ તરીકે પ્રચલિત છે, પરંતુ તામિલનાડુની સૌરાષ્ટ્ર ભાષામાં 'રેતી' માટેનો તે એકમાત્ર શબ્દ છે. "
"એવી જ રીતે મોટી આંખ કે ડરાવવા માટે આંખને મોટી કરવાના સંદર્ભમાં આપણે 'ડોળા' શબ્દનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તામિલનાડુમાં બોલાતી ગુજરાતી ભાષામાં તે આંખ માટેનો પ્રચલિત શબ્દ છે. પ્રવર્તમાન સમયમાં જો આપણે ગુજરાતમાં આંખના સંદર્ભમાં 'ડોળા' શબ્દનો ઉપયોગ કરીએ તો સાંભળનારને કદાચ વિચિત્ર લાગે."
આ સૌરાષ્ટ્રીયનોના ઉદભવને પાટણ સાથે જોડવામાં આવે છે, ત્યારે એ પણ યાદ રાખવું ઘટે કે સોમનાથ અને તેની આજુબાજુનો વિસ્તાર 'પ્રભાસ પાટણ' તરીકે ઓળખાય છે.

ગઝનવીને કારણે વિસ્થાપન?

ઇમેજ સ્રોત, Movie Mango/Twitter
સૌરાષ્ટ્રીયનોમાં પ્રચલિત માન્યતા પ્રમાણે, ગઝનવીના આક્રમણ સમયે તેમણે હિજરત કરવી પડી હતી. સરકારી વિજ્ઞપ્તીઓમાં પણ આવી જ માહિતી આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળતી કેટલીક જ્ઞાતિઓ તથા રાજપૂતો અને બ્રાહ્મણોની પેટાજ્ઞાતિઓનાં મૂળિયાં દેશનાં અન્ય રાજ્યોમાં જોવા મળે છે. સદીઓ પહેલાં તેઓ સોમનાથની સખાતે સૌરાષ્ટ્રમાં આવ્યા હોય અને સ્થિર થઈ ગયા હોવાના કિસ્સા જોવા મળે છે, ત્યારે કોઈ સમુદાયે મૂર્તિભંજકોના આક્રમણને કારણે હિજરત કરી હોવાની વાત અસામાન્ય જણાય આવે.
દક્ષિણ ભારતમાં સૌરાષ્ટ્રીયનો વિશે થયેલાં સંશોધનો અને પ્રકાશિત પુસ્તકોના આધારે ઇતિહાસકાર નરોત્તમ પલાણનો મત છે કે, "સૌરાષ્ટ્રમાંથી થયેલા વિસ્થાપન માટે એ સમયે આવેલો ભયાનક દુકાળ જવાબદાર હોઈ શકે છે. સોમનાથ પર મહમદ ગઝનવીએ ચઢાઈ કરીને તરત જ વતન પરત ફર્યો હતો એટલે તેના આક્રમણને કારણે હિજરત થઈ હોવાની વાત તર્કસંગત નથી જણાતી."
"જો દમનને કારણે જ આ લોકોએ વતન છોડવું પડ્યું હોય તો તે મહમદ બેગડાનો સમય હોઈ શકે, તેણે પણ સોમનાથની ઉપર આક્રમણ કર્યું હતું."
સૌરાષ્ટ્રીયન સમુદાયમાં પણ હિજરત અંગે બીજી કેટલીક થિયરી પ્રચલિત છે, જેમ કે, તેઓ શિવાજીનાં દખ્ખણનાં અભિયાનો વખતે તેમની સાથે ગયા અને પછી ત્યાં જ રોકાઈ ગયા. દક્ષિણમાં નાયકરોનું શાસન હતું, ત્યારે તેમને 'રાજવી વણકર' તરીકે આમંત્રણ મળ્યું અને તેઓ ત્યાં જ રોકાઈ ગયા.
આ વિશે ડૉ. ઝાલા કહે છે, "એક પ્રચલિત માન્યતા એવી છે કે અહીંનાં કોઈ કુંવરી ત્યાંના રાજા કે રાજકુમારને પરણ્યાં હોય અને તેમનાં વસ્ત્રો માટે આ કારીગરો તેમની સાથે ગયાં હોય. લગભગ હજાર વર્ષ પહેલાં જો આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને કે કોઈ રાજવી પરિવારના આમંત્રણને માન આપીને 50 જેટલા પરિવારોએ પણ હિજરત કરી હોય તો પણ આટલી સદીઓ પછી તેમનો વ્યાપ વધ્યો હોય."
"પ્રારંભનાં વર્ષોમાં વિસ્થાપિત થયેલા કૌશલ્યવાન પરિવારો સાથે અમુક વર્ષો પછી વધુ કેટલાક પરિવાર વેપારના કારણસર જોડાયા હોય, એવું પણ બને."
ગુજરાતમાં પાટણનાં પટોળાં વિખ્યાત છે અને તેને જિયોગ્રાફિકલ આઇડેન્ટિફિકેશન (જી.આઈ.) ટૅગ મળેલો છે. જોકે, સૌરાષ્ટ્રના રાજકોટની આસપાસ પણ પટોળાંનું કામ કરનારા કારીગરો છે અને તેમણે પણ અલગથી જી.આઈ. માટે અરજી કરેલી છે.

ઘટતી સંખ્યા, વધતી ચિંતા

ઇમેજ સ્રોત, Saurashtra University
સામાન્યતઃ કોઈ પણ વિસ્થાપિત સમુદાયમાં સૌથી છેલ્લે ભાષાનું પતન થાય. આપણે ત્યાં બોલાતી અને તેમની ગુજરાતી ભાષામાં ખાસ્સો તફાવત જોવા મળે છે.
1951ની વસતીગણતરી સમયે (પેજનંબર 54-55) તામિલનાડુ રાજ્યનું અસ્તિત્વ ન હતું અને મદ્રાસ ડિવિઝન હેઠળ સૌરાષ્ટ્રએ નવમી સૌથી વધુ બોલાતી ભાષા હતી. મદ્રાસમાં આ ભાષા બોલનારાઓની સંખ્યા બે લાખ 20 હજાર જેટલી હતી, જ્યારે દક્ષિણ મદ્રાસ ડિવિઝનમાં તેમની સંખ્યા ચાર લાખ જેટલી હતી.
રિપોર્ટમાં થયેલી નોંધ પ્રમાણે, મુખ્યત્વે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સૌરાષ્ટ્ર ભાષા બોલે છે. તેઓ હાથ વણાટનાં કપડાં અને રંગકામ સાથે જોડાયેલા છે.
આ ભાષા બોલનારા મુખ્યત્વે મદુરાઈમાં કેન્દ્રિત છે. મદુરાઈને સૌરાષ્ટ્રીયનોનું 'મુખ્ય મથક' ગણાવે છે. સૌરાષ્ટ્ર ભાષા માત્ર બોલચાલની ભાષા હોવાનું અને તેની કોઈ લિપિ નહીં હોવાની નોંધ પણ અહેવાલમાં જોવા મળે છે.
પ્રો. ઝાલાના મતે, "છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન રામારાવ લિપિને પ્રચલિત કરવા માટે પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ તેના વિશે તામિલનાડુના સૌરાષ્ટ્ર ભાષાના વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તમાન છે, કેટલાકના મતે તે ખૂબ જ દ્રવિડ લિપિથી પ્રભાવિત છે."
છેલ્લે વર્ષ 2011માં વસતીગણતરી થઈ હતી, તેના નિષ્કર્ષ અનુસાર, તામિલનાડુમાં ગુજરાતી, સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રી, પાટણી તથા પાંચ અન્ય સ્વરૂપે બોલાતી ગુજરાતી ભાષા માતૃભાષા હોય તેવા લોકોની સંખ્યા બે લાખ 57 હજાર જેટલી છે, જેમાં પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા સરખી છે.
મદુરાઈમાં લગભગ દોઢસો વર્ષ જૂની સૌરાષ્ટ્ર સ્કૂલ છે, જે ભાષાને જીવંત રાખવાનો તેમનો પ્રયાસ છે. જોકે, તેમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઉત્તરોત્તર ઘટી રહી છે, પરંતુ સામાજિક અને વ્યક્તિગત સ્તરે બોલચાલ દ્વારા તેને જાળવવાના પ્રયાસ થઈ રહ્યા છે.
તામિલનાડુમાં સૌરાષ્ટ્ર લોકોને 'ભાષાઆધારિત લઘુમતી'નો દરજ્જો મળેલો છે, જેના આધારે કેટલીક શાળાઓ અને કૉલેજોને અનુદાન મળે છે.
'સૌરાષ્ટ્ર મધ્ય સભા'એ તામિલનાડુમાં 50 કરતાં વધુ શહેરોમાં હાજરી ધરાવતી સમુદાયની મધ્યસ્થ સંસ્થા છે. તેના આકલન પ્રમાણે, વાસ્તવિક વસતિ આના કરતાં બેથી ત્રણ ગણી વધારે હોય શકે છે, કારણ કે અનેક લોકોએ દાયકાઓથી તામિલ ભાષામાં જ સંવાદ કરતાં હોવાને કારણે ઘર-સમાજમાં સૌરાષ્ટ્ર ભાષા બોલતા હોવા છતાં પોતાની માતૃભાષાને તામિલ ગણાવી હતી.

મૂળ સાથે જોડાણ

ઇમેજ સ્રોત, Getty Images
સૌરાષ્ટ્રવાસીઓ તથા તામિલનાડુમાં સૌરાષ્ટ્ર બોલતો સમુદાય નજીક આવે તે માટે પ્રથમ વખત આટલા મોટા પાયે આયોજન થઈ રહ્યું છે. તેઓ પ્રથમ વખત આટલા મોટા પ્રમાણમાં તેમના પૂર્વજોની ભૂમિ ઉપર આવી રહ્યા છે.
સૌરાષ્ટ્ર મધ્ય સભાના વડા ડૉ. વી. આર. રાજેન્દ્રનના કહેવા પ્રમાણે, "અમે અમારા પૂર્વજોની ભૂમિની મુલાકાત લેવાના છીએ, એ વાતનો અમને રોમાંચ અને ઉત્સાહ પણ છે. સૌરાષ્ટ્રીયનોએ તામિલનાડુના વિકાસમાં અલગ-અલગ ક્ષેત્રે પોતાનું પ્રદાન આપ્યું છે."
નામ અને અટક પરથી સૌરાષ્ટ્રીયનો કદાચ દક્ષિણ ભારતીય થઈ ગયા છે, એટલે લગ્નસંબંધ સમયે ગૌત્ર ઉપર ભાર મૂકવામાં આવે છે. આજે પણ લગ્ન વિધિ દરમિયાન કરવામાં આવતાં લખાણોમાં સૌરાષ્ટ્ર-સોમનાથનો ઉલ્લેખ આવે.
પ્રો. ઝાલાના કહેવા પ્રમાણે, "ગુજરાત અને ભારતના અન્ય વિસ્તારોમાં પણ વણાટકામ સાથે સંકળાયેલા સમુદાયને એસ. સી. ગણવામાં આવે છે, જ્યારે તામિલનાડુમાં સૌરાષ્ટ્રીયનોની ગણના બ્રાહ્મણ તરીકે થાય છે અને તેઓ જનોઈ પણ ધારણ કરે છે."
"ક્લાસ અને કાસ્ટના બીબાં સૌરાષ્ટ્રના લોકો માટે તૂટતા જણાય છે, જેમને જન્મ નહીં, પરંતુ કર્મના આધારે ઓળખ મેળવી હતી. ત્યાંના મહારાણીએ તામ્રપત્ર ઉપર તેમને બ્રાહ્મણ તરીકે સ્વીકારવાનું લખીને આપ્યું હતું."
પ્રો. ઝાલાનું માનવું છે કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં બે-ત્રણ પૉકેટ છે, જ્યાં તેમના મૂળ હોઈ શકે છે. જેમ કે, સુરેન્દ્રનગર વિસ્તારની બાંધણી, રાજકોટનાં પટોળાં કે જામનગરની બાંધણી. તેમની મૂળ ડિઝાઇન્સમાં મોર, પોપટ અને ગોતિડાં વગેરે છે, જે આજે પણ જોવા મળે છે.
આયોજન પાછળ રાજ-કારણ?
ગત વર્ષે નવેમ્બર મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસી ખાતે 'કાશી તામિલ સંગમમ'નું આયોજન કરવામાં આવ્યું હતું, તેની ભારે સફળતા બાદ 'સૌરાષ્ટ્ર તામિલ સંગમમ'નો વિચાર વહેતો મૂકવામાં આવ્યો હતો.
જોકે સામાન્ય ચૂંટણીને આડે માંડ એક વર્ષનો સમય બાકી હોય ત્યારે આ પ્રકારના કોઈ આયોજનનું રાજકીય દૃષ્ટિકોણથી પણ વિશ્લેષણ થાય તે સ્વાભાવિક છે.
ગુજરાત ભાજપના અગ્રણીના કહેવા પ્રમાણે, "વર્ષ તા. 16 ફેબ્રુઆરી 2009ના રોજ મદુરાઈના કે.એલ. એન. કૃષ્ણન ઇનડોર સ્ટેડિયમ ખાતે નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્રીયનોને સંબોધિત કર્યા હતા. જેમાં રાજ્યભરમાંથી હજારો લોકોએ હાજરી આપી હતી. એ સમયે ભાજપ દ્વારા લાલકૃષ્ણ અડવાણીને વડા પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા અને ચૂંટણીના આડે બે-ત્રણ મહિનાનો જ સમય બાકી હતો."
"સામાન્ય રીતે ટેલિપ્રૉમ્પટરની મદદથી ભાષણ આપતા વડા પ્રધાન મોદીએ લગભગ અડધી કલાક સુધી અંગ્રેજી ભાષામાં સંબોધન કર્યું હતું અને સૌરાષ્ટ્રીયનો સાથે સંવાદ સાધવાનો પ્રયાસ કર્યો હતો. આ તેમની રાષ્ટ્રવ્યાપી છબિ ઊભી કરવાના પ્રારંભિક કાર્યક્રમોમાંથી એક હતો."
ઉપરોક્ત નેતાનું કહેવું છે કે ચેન્નાઈ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્ર, ગુજરાત અને તામિલનાડુ સરકારના મંત્રીઓ ઉપરાંત તામિલનાડુ ભાજપના અધ્યક્ષ અન્નામલાઈને પણ મંચ પર સ્થાન આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં તામિલનાડુ ભાજપના નેતા હાજર રહ્યા હતા. એટલે આ આયોજનમાં રાજકીય ગૂઢાર્થ અને નિહિતાર્થ જોવામાં આવે તે સ્વાભાવિક છે.

શું છે સૌરાષ્ટ્ર તામિલ સંગમમાં?

ઇમેજ સ્રોત, @mansukhmandviya
ચર્ચા પ્રમાણે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. 17મી એપ્રિલે તામિલ સૌરાષ્ટ્ર સંગમમને ખુલ્લું મૂકવામાં આવશે.
માર્ચ મહિનાના મધ્ય ભાગમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. મનસુખ માંડવિયા તામિલનાડુના પાટનગર ચેન્નાઈની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સૌરાષ્ટ્ર તામિલ સંગમમના લૉગો અને થિમ સૉંગ લૉન્ચ કર્યા હતા.
આયોજન સાથે સંકળાયેલા ડૉ. કમલેશ જોશીપુરાના કહેવા પ્રમાણે, "આ મુખ્યત્વે ભારત સરકારનો કાર્યક્રમ છે અને મનસુખ માંડવિયા તેના મુખ્ય સંયોજક છે. આ આયોજનની મૂળ સંકલ્પના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છે. કાર્યક્રમમાં ગુજરાત સરકાર સહયોગ કરી રહી છે."
"સંગમમ માટે તામિલનાડુમાં અલગ-અલગ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. મુલાકાતીઓ તેમની ગુજરાતયાત્રા દરમિયાન સોમનાથ, દ્વારકા અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેશે."
ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, સંગમમ માટે રજિસ્ટ્રેશન ખૂલ્યું, તેના 24 કલાકમાં જ 10 હજારથી વધુ આવેદન મળ્યાં હતાં.
તા. 17 એપ્રિલથી 30 એપ્રિલ સુધી આયોજન સંગમમનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે તામિલનાડુથી સૌરાષ્ટ્રની વચ્ચે 10 જેટલી વિશેષ ટ્રેન પણ દોડાવવામાં આવશે. આયોજન સાથે સંકળાયેલા અન્ય એક સભ્ય કલ્પક ત્રિવેદીના કહેવા પ્રમાણે :
"શિક્ષણ, સાંસ્કૃતિક, ભાષા, સાહિત્ય અને વેપાર વાણિજ્યક્ષેત્રે આદાનપ્રદાન વધે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2009માં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ મદુરાઈ ખાતે સૌરાષ્ટ્રીયનોની સભાને સંબોધિત કરી હતી, જેમાં લગભગ 50 હજાર લોકો ઊમટી પડ્યા હતા."
એક હજાર વર્ષ પહેલાં તેમણે સૌરાષ્ટ્ર છોડ્યું હોવાનું કહેવાય છે, પરંતુ ક્યારે વિસ્થાપિત થયા? તેઓ મૂળ ક્યાના છે? કેવા સંજોગોમાં તેઓ નીકળ્યા, જેવા સવાલોનો જવાબ નથી મળ્યો, પરંતુ તેમણે સૌરાષ્ટ્ર ભાષા સ્વરૂપે તેમનામાં ગુજરાતનો એક અંશ નિઃશંકપણે જીવિત રાખ્યો છે.














