ફેક્ટ ચેક : ચંદ્રયાન-3 વિશે બીબીસીનાં ચાર વર્ષ જૂના વીડિયોનો દુરુપયોગ

બીબીસી ચંદ્રયાન -3 વીડિયો ફેક્ટચેક

ઇમેજ સ્રોત, TWITTER

બીબીસી વર્લ્ડ ન્યૂઝ પર પ્રસારિત થયેલા ચાર વર્ષ જૂના વીડિયોને કાપકૂપ કરીને નવા વીડિયો તરીકે દર્શાવીને ખોટી રીતે શેર કરાઈ રહ્યો છે.

ભારતના ચંદ્રયાન-3 ઉપગ્રહે બુધવારે સાંજે વિક્રમ લૅન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને ઇતિહાસ રચ્યો છે.

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)ના આ મહત્ત્વપૂર્ણ મિશન પર દેશ-વિદેશની નજર રહી અને દુનિયાભરમાં મીડિયાએ તેને પ્રાથમિકતા આપીને કવરેજ પણ કર્યું.

આ મીડિયામાં બીબીસીની ભારતીય ભાષાઓ અને બીબીસીનાં આંતરરાષ્ટ્રીય પ્રસારણો પણ સામેલ હતાં.

તમે બીબીસી ન્યૂઝના ચંદ્રયાન-3એ ચંદ્ર કરેલા લૅન્ડિંગનું સંપૂર્ણ કવરેજ અહીં જોઈ શકો છો.

bbc gujarati line

વર્ષ 2019ના વીડિયોમાં શું કાપકૂપ કરવામાં આવી?

બીબીસી ચંદ્રયાન ફેક્ટચેક

ઇમેજ સ્રોત, TWITTER

વિક્રમ લૅન્ડરે ચંદ્ર પર ઉતરાણ કર્યું તેની થોડી ક્ષણો બાદ જ ભારતીય સોશિયલ મીડિયા, ખાસ કરીને અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતા પ્લૅટફૉર્મ X પર બીબીસીના વર્ષ 2019માં પ્રસારિત કરેલા એક વીડિયોની કાપકૂપ કરીને શેર કરવાની શરૂઆત થઈ.

હકીકતમાં જે વીડિયોમાં કાપકૂપ કરીને શેર કરવામાં આવી રહ્યો છે તે બીબીસી વર્લ્ડ ટેલિવિઝનના એક પ્રેઝન્ટર અને બીબીસીના એક ભારતીય સંવાદદાતા વચ્ચે થયેલી ચર્ચા હતી, જે 2019માં ચંદ્રયાન-2ના લૉન્ચિંગના થોડા સમય અગાઉ જ થઈ હતી.

કાપકૂપ કરેલો જે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે તેને ચંદ્રયાન-3 સાથે કોઈ લેવાદેવા નથી. તે વીડિયોમાં માત્ર પ્રેઝન્ટરનો સવાલ રાખવામાં આવ્યો છે, જ્યારે તેના જવાબને પ્રથમ વાક્ય પછી કાપી નાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત, સાફ જોઈ શકાય છે કે આ વીડિયો જૂનો છે, તેના પર બીબીસી વર્લ્ડ ન્યૂઝનો લોગો છે, હકીકત છે કે આ ચેનલ હવે પ્રસારણ નથી કરતી.

આ ભ્રામક ટ્વીટને ઘણા જાણીતા લોકોએ શેર કરી છે અને તેના પર ટીકા ટિપ્પણી કરી છે. તેમને ખબર નહોતી કે આ એક બનાવટી વીડિયો છે.

બુધવારની રાત્રે દેશની અગ્રણી ટીવી ચેનલ આજતકના ટ્વિટર હૅન્ડલે પણ આ ખોટા વીડિયોને આધાર બનાવીને એક ટ્વીટ કર્યું.

જ્યારે સમાચાર ચેનલનું આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે તેમણે એ ટ્વીટને ડિલીટ કરી દીધું હતું.

bbc gujarati line
bbc gujarati line