દુનિયાનાં સૌથી ખતરનાક વાવાઝોડાંનું જન્મસ્થળ, જ્યાંથી પેદા થાય છે વિનાશ વેરતા ચક્રવાત

ઇમેજ સ્રોત, NASA
- લેેખક, સૅલિયા જૉન્સ
- પદ, ફિચર્સ સંવાદદાતા
ઉષ્ણકટિબંધીય ચક્રવાતો તેમની વિનાશક શક્તિ સમુદ્રની ઉષ્ણતાથી મેળવે છે, પરંતુ એ પૈકીનાં ઘણાં તોફાનોનું મૂળ તો હજારો માઇલ દૂરના રણમાં હોય છે, જ્યાં પણ તેઓ નુકસાન પહોંચાડે છે.
અમેરિકાના વર્જિન આઇલૅન્ડ્સમાં રહેતાં જૅન હિગિન્સ કહે છે, "તમે ક્યારેય કાર અકસ્માતમાં સપડાયા હોય તો તમને બ્રેકનો અવાજ, મેટલ સ્ક્રૅપિંગના અથડાવાનો ધડાકો, કાચ તૂટવાના અવાજ અને તૂટતી બીજી વસ્તુઓનો કડકડાટ સાંભળવા મળ્યો હશે. આ બધા તો ઇરમા વાવાઝોડા વખતે સાંભળવા મળેલા અવાજોનો અંશમાત્ર છે."
જૅન હિગિન્સ સૅન્ટ થૉમસના 51,000 રહેવાસીઓ પૈકીનાં એક છે, જેમણે તેમના કૅરેબિયન ટાપુને 2017ના 6, સપ્ટેમ્બરના દિવસે કૅટેગરી પાંચના શક્તિશાળી વાવાઝોડાએ વેરેલો વિનાશ જોયો હતો.
ચાર દિવસ પછી હરિકેન ઇરમાએ અમેરિકાના ફ્લોરિડાના કિનારે બીજી વખત લૅન્ડફૉલ કર્યો હતો. તેને કારણે રાજ્યને સૌથી વધુ નુકસાન થયું હતું. તે અમેરિકાના ઇતિહાસમાં કોઈ વાવાઝોડાએ વેરેલો પાંચમા ક્રમનો સૌથી ખરાબ વિનાશ હતો.
જોકે, એ વાવાઝોડાની ઉત્પત્તિ ફ્લોરિડાની પૂર્વમાં 5,955 કિલોમીટરથી વધુ દૂર હોવાનું જાણવા મળ્યું હતું. 2017ના ઑગસ્ટના અંતે પશ્ચિમ આફ્રિકાના દરિયાકાંઠે કૅપ વર્ડે દ્વીપસમૂહ ઉપર નીચા દબાણની સિસ્ટમ રચાઈ હતી.
તે ટાપુઓથી દૂર અને ઍટલાન્ટિક તરફ આગળ વધતું ગયું તેમ તેમ તેણે શક્તિ એકઠી કરી હતી. તે પ્રથમ ઉષ્ણકટિબંધીય વાવાઝોડું બન્યું હતું અને પછી ગરમ ઉષ્ણકટિબંધીય વરાળ ભેગી કરવાથી તેની તીવ્રતામાં વધારો થયો હતો.
વાવાઝોડાનું એ જન્મસ્થળ

ઇમેજ સ્રોત, Alamy
ઇરમાની માફક ઉત્તર અમેરિકા પર ત્રાટકતા ત્રીજી, ચોથી અને પાંચમી કૅટેગરીનાં આશરે 83 ટકા મોટાં વાવાઝોડાંનું જન્મસ્થળ પણ એ જ છે. તે કૅપ વર્દેમાંથી ઉદ્ભવતાં સૌથી શક્તિશાળી અને લાંબા સમય સુધી ટકી રહેતાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં પૈકીનાં એક હોય છે.
તેને લીધે, તોફાનો પર નજર રાખતા લોકો શું ચાલી રહ્યું છે તેના સંકેતો પામવા માટે આફ્રિકાની ઉપરના વાતાવરણને ઝીણી નજરે જોવા પ્રેરાયા છે. અહીંથી ઉદ્ભવતાં તોફાનોમાં એવું તે શું છે, જે તેમને આટલાં વિનાશક બનાવે છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સૌથી શક્તિશાળી વાવાઝોડાની આગાહી કરવી શક્ય છે, જેથી તેના માર્ગમાં આવતા લોકોને સામનાની તૈયારી માટે વધુ સમય મળી શકે?
હિગિન્સ કહે છે, "કૅપ વર્દે ફૉર્મેશન ઝોનમાંથી આવતાં વાવાઝોડાને ટ્રૅક કરવાથી મને અને અન્ય કૅરેબિયન લોકોને સજ્જતાની ચેતવણી પ્રસારિત કરવા માટે પુષ્કળ સમય મળે છે."
ટાપુ પર 25 વર્ષથી રહેતા હોવાને કારણે હિગિન્સ ચેતવણીના પ્રારંભિક સંકેતોને ઓળખી શકે છે.
હિગિન્સ કૅરેબિયન ટાપુના સ્વ-નિયુક્ત વાવાઝોડા સંવાદદાતાઓ પૈકીનાં એક છે, જેઓ સ્ટૉર્મકેરિબ નામના એક સ્વયંસેવી સંગઠનમાં યોગદાન આપે છે. સ્ટૉર્મકેરિબ ઍટલાન્ટિક તટપ્રદેશના સમગ્ર વિસ્તારમાં ભયંકર સ્વરૂપ લેવાની શક્યતા હોય તેવા સેટેલાઇટ અને વૅધર ડેટા પર નજર રાખે છે.
ઍટલાન્ટિકમાં વર્ષે સરેરાશ આશરે બાર વાવાઝોડાં સર્જાય છે. ઉષ્ણકટિબંધીય તોફાનોની શરૂઆત નીચા દબાણવાળી વાયુ પ્રણાલી અથવા ચક્રવાત તરીકે થાય છે. તેના પવનની ગતિ પ્રતિ કલાક 63 કિલોમીટર સુધી પહોંચે એ પછી જ તેને નામ આપવામાં આવે છે. તેના પવનની ગતિ પ્રતિ કલાક 119 કિલોમીટરથી વધી જાય તો એ વાવાઝોડું બની જાય છે. એ પછી તેને મોટા વાવાઝોડાનો દરજ્જો આપવામાં આવે છે.
સામાન્ય રીતે ઍટલાન્ટિકમાં એક વર્ષમાં લગભગ છ વાવાઝોડાં સર્જાય છે, પરંતુ 2020 એવું વર્ષ ન હતું. આ લખાતું હતું ત્યારે 25 ઉષ્ણકટિબંધીય તોફાનો અને નવ વાવાઝોડાંની રચના થઈ ચૂકી હતી.
નવેમ્બરમાં સ્ટૉર્મ સેબેસ્ટિયન સાથે વાવાઝોડાની સિઝન પૂર્ણ થયા પછી વિશ્વ હવામાન સંસ્થાની 26 પૈકીના 21 મૂળાક્ષરો પર આધારિત નામોની સૂચિ સપ્ટેમ્બરમાં મધ્યમાં જ પૂર્ણ થઈ ગઈ હતી. છેલ્લાં ચાર વાવાઝોડાંનું ગ્રીક નામકરણ – આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા કરવામાં આવ્યું હતું.
2020ના નવ વાવાઝોડાં પૈકીના સૌથી શક્તિશાળી લૉરા તથા ટેડી સહિતનાં ચાર વાવાઝોડાંનાં મૂળ આફ્રિકામાં શોધી શકાય છે. આ વાવાઝોડાની વિનાશક શક્તિનાં બીજ ત્યાં રોપાયાં હતાં.
આફ્રિકન ઇસ્ટર્લી વેવ્ઝ
કૅપ વર્દેનાં બધાં વાવાઝોડાંની માફક આ બધાની શરૂઆત પણ પશ્ચિમ આફ્રિકા ઉપરના વાતાવરણમાં ઉચ્ચ વિક્ષેપ સાથે થઈ હતી. તેને આફ્રિકન ઇસ્ટર્લી વેવ્ઝ તરીકે ઓળખવામાં આવે છે. તે સમગ્ર આફ્રિકામાં પૂર્વથી પશ્ચિમ તરફ વહેતા હવાના પ્રવાહમાંની મોટી વિકૃતિ છે.
આફ્રિકન ઇસ્ટર્લી જૅટ તરીકે ઓળખાતી હવાનો આ પ્રવાહ સહરાના વિશાળ રણ અને અર્ધ-શુષ્ક સાહેલ પ્રદેશ વચ્ચેના ઊંચા તાપમાનમાંના મોટા તફાવત સાથે આગળ વધે છે.
પૃથ્વી પરના સૌથી સૂકા પ્રદેશો પૈકીનું એક સહરાનું રણ 85 લાખ ચોરસ કિલોમીટર કરતાં વધારે વિસ્તારમાં અને ઉત્તર આફ્રિકાના 11 દેશોમાં ફેલાયેલું છે. તે વાતાવરણમાં ગરમ, સૂકી હવા મોટા પ્રમાણમાં સતત છોડતું રહે છે.
ઍટલાન્ટિક વાવાઝોડાંની મોસમ બાબતે આગાહી કરતા કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના ઍટમોસ્ફિયરિક વિજ્ઞાની ફિલિપ ક્લોત્ઝબેચ કહે છે, "સહરાના રણમાં દેખીતી રીતે કાયમ ગરમી હોય છે, પરંતુ ઉનાળામાં તેમાં જોરદાર વધારો થાય છે."
ઉનાળાની ગરમી ઉષ્ણ, સૂકા સહરા અને ઠંડા, ભીના સાહેલ વચ્ચેના ઉષ્ણતામાનના તફાવતમાં વધારો કરે છે. તાપમાનમાં જેટલો તફાવત વધારે હોય એટલી જ વધારે મજબૂત જૅટ સ્ટ્રીમ હોય છે.
ગરમ સહરાની હવા સપાટીથી કેટલાક કિલોમીટર ઉપર જાય છે. તે સાહેલ અને ગિનીના અખાતની ઉપરની ઠંડી હવાને મળવા માટે દક્ષિણની તરફ વળે છે.
પૃથ્વીનું પરિભ્રમણ આ હવાના પ્રવાહને પશ્ચિમ તરફ ફેરવે છે, જેથી સમગ્ર હવાનું શક્તિશાળી જૅટ બને અને ઍટલાન્ટિક મહાસાગરમાં જાય. ક્લોત્ઝબેચ સમજાવે છે, "તે 15થી 20 હજાર ફૂટ ઉપર પૂર્વનું જોરદાર મોજું હોય છે."
સુદાનના ડાર્ફુર પ્રદેશમાંના મુર્રાહ માઉન્ટેઇન્સ અને ઇથિયોપિયન હાઇલૅન્ડ્સ જેવા પૂર્વ આફ્રિકાના પર્વતીય વિસ્તારો દ્વારા ઉપર ધકેલવામાં આવેલી ગરમ હવા આફ્રિકન ઇસ્ટર્લી જૅટમાં વિક્ષેપ સર્જે છે, જે ઉત્તરથી દક્ષિણ તરફ પ્રચંડ મોજાંની પૅટર્ન બનાવે છે. એ પૈકીનું દરેક મોજું લગભગ 2,500 કિલોમીટરનું હોઈ શકે છે.
વાવાઝોડાનાં ક્લસ્ટર્સનું સર્જન

આ વિક્ષેપિત હવા સમગ્ર ખંડમાં ફરે છે. તે નીચેની જમીનના તાપમાન અને ભેજને આધારે કાં તો તીવ્ર અથવા નબળી પડી શકે છે. કૅપ વર્દે નજીક ઍટલાન્ટિક મહાસાગરમાં પહોંચતા પહેલાં તે આ ખંડના પશ્ચિમમાં વાવાઝોડાનાં ક્લસ્ટર્સ સર્જે છે.
ક્લોત્ઝબેચ કહે છે, "આ ક્લસ્ટર્સ તેને પુષ્ટ બનાવે છે." ઍટલાન્ટિક વાવાઝોડાની આગાહી કરતાં પહેલાં તેઓ સાહેલ પ્રદેશમાંના વરસાદ પર ખાસ ધ્યાન આપે છે, કારણ કે એ શું થવાનું છે તેનો સંકેત હોઈ શકે છે. ચોમાસામાં વધારે પડતો વરસાદ સંભવિત સક્રિય હરિકેન સિઝનનો સૂચક છે.
તેલ અવીવ યુનિવર્સિટીના ઍટમોસ્ફિયરિક વિજ્ઞાની કૉલિન પ્રાઇસ જણાવે છે, ઉત્તરીય ગોળાર્ધના ગરમ ઉનાળાના મહિનાઓમાં પૂર્વ તથા મધ્ય આફ્રિકામાં દરરોજ ઘડિયાળના કાંટાની જેમ વાવાઝોડું વિકસે છે.
તેઓ કહે છે કે, "રોજ કીટલી ગરમ કરીએ તેમ તે વિકસે છે. તેમના સંશોધન દર્શાવે છે કે આ વાવાઝોડાની રચનાનો ઉપયોગ આફ્રિકન ઇસ્ટર્લી વૅવ્ઝથી વિકસીત ઉષ્ણકટિબંધીય ચક્રવાતની તીવ્રતાની આગાહી કરવામાં મદદરૂપ થઈ શકે."
પૂર્વ આફ્રિકામાં વીજળીની ગતિવિધિ પણ તેની પ્રારંભિક ચેતવણી આપી શકે, એવું તેમણે અને તેમના સાથીઓએ શોધી કાઢ્યું છે.
હવામાનશાસ્ત્રીઓએ એ પણ શોધી કાઢ્યું છે કે આફ્રિકન ઇસ્ટર્લી વેવ્ઝ "ટ્રેન" બનાવી શકે છે, જે વારાફરતી એક વિસ્તારમાંથી પસાર થાય છે, અગાઉની પરિસ્થિતિને પલટાવી દે છે અને એ કારણે તે વધુ તીવ્ર બને છે.
વાવાઝોડાના આ ક્લસ્ટર્સ નીચા દબાણનો વિસ્તૃત પટ્ટો સર્જે છે, જે સેનેગલની ઉપરથી આગળ વધીને કૅપ વર્દે દ્વીપસમૂહમાંથી પસાર થાય છે.
ઇસ્ટર્લી વેવ્ઝનાં બધાં તોફાનો વાવાઝોડું નથી બનતાં

ઇમેજ સ્રોત, NASA
તાજેતરનાં સંશોધનો સૂચવે છે કે ઍટલાન્ટિકમાંના 72 ટકા ઉષ્ણકટિબંધીય તોફાનો આફ્રિકન ઇસ્ટર્લી વેવ્ઝ સાથે સંકળાયેલા હોય છે. એ બધાથી વાવાઝોડાં સર્જાતાં નથી. કેટલાંક ઉત્તર તરફ આગળ વધે છે અને નબળાં પડી જાય છે, જ્યારે અન્ય ગરમ ઉષ્ણકટીબંધીય પાણી ઉપર ગતિ કરે છે, ઊર્જા એકત્ર કરે છે અને 1992ના ઍન્ડ્રુ અને 2004ના ફ્રાન્સિસ હરિકેનની માફક શક્તિશાળી તોફાન બની જાય છે.
તેનું કારણ એ છે કે ઇસ્ટર્લી જૅટમાં મોજાં મજબૂત બને એ માટે અન્ય ઘટકોની જરૂર હોય છે. કોલોરાડો ખાતેના નૅશનલ સૅન્ટર ફૉર ઍટમોસ્ફિયરિક રિસર્ચના સંશોધક હવામાનશાસ્ત્રી રોસિમર રિઓસ-બેરિઓસ કહે છે, "એ ગોલ્ડીલૉક્સ જેવું છે. વાવાઝોડું આકારમાં માટે ઘણા ઘટકોનું સંપૂર્ણ સંયોજન જરૂરી હોય છે. કમનસીબે, આ વર્ષે એવું બધું થયું છે."
એ મિશ્રણમાં મુખ્ય તત્ત્વ સમુદ્રનું તાપમાન છે. સપ્ટેમ્બરમાં વાવાઝોડાંની મોસમની સર્વોચ્ચ સ્થિતિ આવે છે. એ વખતે સમુદ્ર સૌથી વધુ ગરમ હોય છે.
વાવાઝોડાને રોકવા માટે ઉષ્ણતામાન ઓછામાં ઓછું 26 ડિગ્રી સે. કે તેનાથી વધુ હોવું જોઈએ. હરિકેન પાણીમાંથી વધતી ગરમી અને ભેજને દૂર કરે છે તથા ચક્રવાતને ઊર્જા આપવાની સાથે પુષ્ટ બનાવે છે.
સમુદ્રની સપાટી પર ફૂંકાતા ઉત્તર-પૂર્વીય ટ્રૅડ વિન્ડ્ઝ સામાન્ય રીતે સપાટીનાં પાણીમાંથી ગરમીને હટાવે છે અને ઍટલાન્ટિકમાં ઠંડા પ્રવાહોને ઉત્તેજિત કરે છે, પરંતુ કેટલાંક વર્ષોમાં તે ટ્રૅડ વિન્ડ્ઝને નોંધપાત્ર રીતે નબળા પાડે છે અને ઉષ્ણકટિબંધની આસપાસનાં સમુદ્રનાં પાણીનું તાપમાન વધારે છે.
આ સ્થિતિએ 2017માં ઇરમા વાવાઝોડાંની મોસમને રૅકૉર્ડ પરની સૌથી વિનાશક સિઝન પૈકીની એક બનાવવામાં મદદ કરી હતી.
સ્પિનિંગ સિસ્ટમ તથા અલગ-અલગ દિશા
ઉષ્ણકટિબંધીય ચક્રવાતને પુષ્ટ બનાવતા પવનોમાં વર્ટિકલ શિયર પણ હોતું નથી, જેમાં ઉપરની તુલનામાં વાતાવરણના નીચલા હિસ્સામાં પવનની જુદી જુદી દિશાઓ હોય છે. તે સ્પિનિંગ સિસ્ટમને અટકાવી શકે છે.
રીઓસ-બેરીઓસ સમજાવે છે કે મહાસાગરો પર વર્ટિકલ શિયર પવનના પ્રવાહને કારણે સર્જાય છે, જે હજારો કિલોમીટર સુધી ફેલાય છે. તે ચોક્કસ હવામાન પ્રણાલીઓ સાથે સંકળાયેલા હોઈ શકે છે અથવા વિશ્વભરમાં ફૂંકાતા પવનની જનરેટ પૅટર્નનો એક ભાગ માત્ર હોઈ શકે છે.
વાવાઝોડાના વિકાસમાં વ્યાપક હવામાનનાં ચક્રો પણ ભૂમિકા ભજવે છે. આપણે હાલ લા નીનામાં છીએ. લા નીના, અલ નીનો-સધર્ન ઑસિલૅશનનો અડધો હિસ્સો છે, જે દક્ષિણ પેસિફિક મહાસાગરની બંને બાજુએ ગરમ પાણીના તાપમાનના સમયગાળાનું કારણ બને છે.
પૂર્વીય પેસિફિકમાં સમુદ્રના ઠંડા તાપમાનનો અર્થ એ છે કે ઍટલાન્ટિક બૅઝિન અને કૅરેબિયન સમુદ્રમાં નબળા પવન તથા ઓછા વર્ટિકલ વિન્ડ શિયર છે, જેને લીધે વાવાઝોડાંનાં જૂથોને અવરોધ વિના એકઠાં થવાની અનુકૂળતા મળે છે.
તે 2020માં આકાર પામેલાં કેટલાંક તોફાનોની માત્રા સમજવાની એક રીત છે.
'વાત'ની વાતો

ઇમેજ સ્રોત, Getty Images
હરિકેન માટે સમય પણ મહત્ત્વપૂર્ણ હોય છે. પશ્ચિમ આફ્રિકામાંથી ઉદ્ભવતાં વાવાઝોડાંમાં ઍટલાન્ટિક મહાસાગરનો સમગ્ર વિસ્તાર હોય છે, જ્યારે એ કૅરેબિયન અને અમેરિકા તરફ જાય છે ત્યારે તે વધુ તીવ્ર બને છે. ચક્રવાતને આફ્રિકાથી અમેરિકાના પૂર્વ કિનારા સુધી પહોંચવામાં ઘણા દિવસોથી થોડા સપ્તાહો સુધીનો સમય લાગી શકે છે.
ક્લોત્ઝબેચ કહે છે, "આપણે આ વર્ષે વાવાઝોડાંની સંખ્યાનો રેકૉર્ડ કદાચ તોડી નાખીશું, પરંતુ સદ્નસીબે એટલી તીવ્રતા નહીં હોય." વાવાઝોડાંની તીવ્રતા સંચિત ચક્રવાત ઊર્જા (એસીઈ) દ્વારા માપવામાં આવે છે. તેમાં સમયગાળો અને તીવ્રતા જોવા મળે છે.
આ વર્ષનાં ઘણાં તોફાનો અલ્પજીવી રહ્યાં છે. હરિકેન લૉરા જેવાં કેટલાંક વાવાઝોડાં જમીનની નજીક વધુ તીવ્ર બન્યાં હતાં અથવા હરિકેન ઓમરની જેમ ઉત્તરની તરફ આગળ વધતાં ફંટાઈ ગયાં હતાં.
વાવાઝોડાની રચનામાં બીજો હાથ સહરા પ્રદેશનો હોય છે. સહરામાં સર્જાતાં ધૂળનાં તોફાનો સૂકી, ધૂળવાળી હવા વાતાવરણના મધ્ય-સ્તરોમાં ફેંકે છે, જેને સહરા ઍર લેયર (એસએએલ) તરીકે ઓળખવામાં આવે છે. હવાના આ સ્તરની ધૂળ અનુકૂળ સ્થિતિમાં આઠ હજાર કિલોમીટર સુધી પ્રવાસ કરી શકે છે. ફ્લોરિડા, ટૅક્સાસ અને મધ્ય અમેરિકા પણ દરેક સિઝનમાં ધૂળવાળા સહરાના રણના આકાશનો અનુભવ કરે છે.
રણમાંથી શુષ્ક હવાના જોરદાર ઉછાળાથી વિન્ડ શિયર સર્જાઈ શકે છે, જેને કારણે ચક્રવાતની સિસ્ટમ્સ તૂટી જાય છે, પરંતુ આ ધૂળ વિક્ષેપને ધીમો પાડવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવે છે.
યુએસ નૅશનલ ઑસેનિક ઍન્ડ ઍટમોસ્ફિયરિક ઍડમિનિસ્ટ્રેશનના હવામાનશાસ્ત્રી જેસન ડ્યુનિયન અને તેમના સાથીદારોનું સંશોધન સૂચવે છે કે સહરાની ધૂળ સંવહનની પ્રક્રિયાને અટકાવી શકે છે અને એ રીતે વિકાસશીલ તોફાનોને શક્તિ પ્રાપ્ત કરતાં રોકે છે.
કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ આફ્રિકન ઇસ્ટર્લી જૅટ અને સહારન ધૂળ વચ્ચેના સંબંધ વિશે વિચારણા કરી હતી.
હવે કૅલિફૉર્નિયામાં લૉરેન્સ બર્કલી નૅશનલ લૅબોરેટરી માટે કામ કરતાં ઍમિલી બર્કોસ-હિકી સમજાવે છે, "અત્યાર સુધીના પુરાવા દર્શાવે છે કે ઉત્તર આફ્રિકા પરના ધૂળનાં તોફાનો આ પ્રદેશમાં વાતાવરણના ગરમ થવાને અસર કરે છે અને ક્યારેક આફ્રિકન ઇસ્ટર્લી મોજાંને ઊર્જા આપી શકે છે."

ઇમેજ સ્રોત, NASA
વધુ સંશોધનો સૂચવે છે કે સહરા પ્રદેશમાંથી ધૂળનું વહન કરતા મજબૂત, સૂકા પવનો ઍટલાન્ટિક મહાસાગરની ઉપરથી પસાર થતાં વાવાઝોડાંનો માર્ગ બદલી શકે છે.
2012માં નાદીનના કિસ્સામાં એવું બન્યું હતું. તે 22 દિવસ સુધી ચાલ્યું હતું. જોકે, તે એક જ તોફાનનું અનુકરણ કરતું એકમાત્ર મૉડલ હતું. તેથી આ બધું સમજવા માટે વધારે સંશોધનની જરૂર છે.
ડ્યુનિઅનના કહેવા મુજબ, આ વર્ષે જૂનના અંતમાં મહત્ત્વના અપવાદ સાથે સહારન ઍર લેયરમાં સામાન્યથી થોડી ઓછી નૉર્મલ ઍક્ટિવિટી જોવા મળી છે. તેમાં ધૂળે ઉષ્ણકટિબંધીય ઍટલાન્ટિક વિક્ષેપને નોંધપાત્ર રીતે દબાવી દીધો હતો.
2020ના વાવાઝોડાની મોસમ બાબતે ઘણું અર્થઘટન કરવામાં આવ્યું છે. આત્યંતિક હવામાન પ્રણાલીઓનાં નામાંકન માટે હવામાનશાસ્ત્રીઓએ તમામ મૂળાક્ષરોનો ઉપયોગ કર્યો હોય તેવું માત્ર બીજી વખત બન્યું છે.
અગાઉ આવું 2005માં બન્યું હતું. 2005માં 31 તોફાનો જોવાં મળ્યાં હતાં, જેમાં હરિકેન કૅટરિનાનો પણ સમાવેશ થાય છે. તેણે તોફાનને ઉત્તેજિત કર્યું હતું અને એ તોફાનમાં ન્યૂ ઑર્લિયન્સના 80 ટકા વિસ્તારમાં પૂર આવ્યું હતું.
'ઘણું શીખવાનું બાકી'

ઇમેજ સ્રોત, Getty Images
કોલંબિયા યુનિવર્સિટી, ન્યૂ યૉર્કના સમુદ્ર તથા આબોહવા ભૌતિકશાસ્ત્રી સુઝાના જે કેમાર્ગો કહે છે, "લોકો વાવાઝોડાંની સંખ્યાથી ખૂબ પ્રભાવિત થાય છે, પરંતુ અમે વિનાશ વિશે વિચારીએ છીએ ત્યારે તે આંકડાબાજી હોતી નથી. એ મોટાં વાવાઝોડાંની વાત હોય છે, જેની સૌથી વધુ અસર થાય છે અને જેનાથી જોખમો સર્જાય છે."
અમેરિકામાં આ વર્ષે પાંચ વાવાઝોડાં ત્રાટક્યાં છે. અત્યાર સુધીમાં એ પૈકીના ત્રણને મોટી ઘટના તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. કૅપ વર્દેમાંથી જન્મેલા રા વાવાઝોડાએ લ્યુઈસિયાના અને ટૅક્સાસને ધમરોળ્યાં હતાં. તેને કારણે અંદાજે 19.2થી 2.23 અબજ ડૉલરનું આર્થિક નુકસાન થયું હતું. નવેમ્બરમાં વાવાઝોડાની મોસમ પૂરી થવામાં હવે થોડાક સપ્તાહ જ બાકી છે.
ઉપગ્રહો હવે વાતાવરણની વિગતવાર ઇમેજીસ પ્રદાન કરી શકે છે. તેનાથી નવાં તોફાનો ક્યાં સર્જાઈ રહ્યાં છે તે જાણવામાં મદદ મળે છે. આફ્રિકામાં વીજળીના કડાકાભડાકા અને ધૂળનાં તોફાનો પર નજર રાખવાથી એ બધાના સંકેતો મળે છે, પરંતુ કોયડો હજુ અપૂર્ણ છે.
આફ્રિકામાં હવામાન પ્રણાલીઓ, ધૂળ અને પવનો આ તોફાનનાં બીજ કેવી રીતે રોપે છે એ બાબતે સંશોધકોને વધારે જાણવા મળે છે તેમ તેમ તેઓ વધારે શીખે છે. મોટી કુદરતી આફતની આગાહી કરવાની તેમની ક્ષમતામાં સુધારો થાય છે.
હજુ પણ સૌથી મોટો સવાલ એ છે કે આફ્રિકાથી આવતી કેટલી સિસ્ટમ્સ શા માટે શક્તિશાળી વાવાઝોડાના સ્વરૂપમાં આકાર લે છે અને મોટાભાગની પાણી પરથી આગળ જતાં ખતમ થઈ જાય છે? કેમાર્ગો કહે છે, "આપણે હજુ ઘણું બધું શીખવાનું છે."
જેઓ આવાં વાવાઝોડાના માર્ગમાં આવતા વિસ્તારોમાં રહે છે તેમણે સહરા અને સાહેલમાંથી શું બહાર આવી રહ્યું છે તેની વધુને વધુ ચિંતા રહેશે. 2017માં ઇરમા સૅન્ટ થોમસ પર ત્રાટક્યું પછી પાંચમી કૅટેગરીનું અન્ય હરિકેન મારિયા આફ્રિકન દરિયાકાંઠે તૂટી પડ્યું હતું.
ઇરમાને લીધે થયેલા નુકસાનમાંથી બેઠા થવાનો પ્રયાસ કરતા ઘણાને તેનાથી ફટકો પડ્યો હતો. સૅન્ટ થોમસમાં રહેતાં જૅન હિગિન્સ કહે છે, "મારી પાસે તો છત બચી હતી. ઘણા લોકો પાસે તો એ પણ નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન














