એ ઘરો જે 190 કિમીની ઝડપે ફૂંકાતા પવન અને તીવ્ર વાવાઝોડાં સામે પણ ટકે છે

ઇમેજ સ્રોત, Margaret Clayton
- લેેખક, લુસી શેરિફ
- પદ, બીબીસી ફ્યુચર
અમેરિકાના ફ્લોરિડામાં અનેક વિનાશક વાવાઝોડાં ત્રાટક્યાં છે. આ જોરદાર તોફાનોનો સામનો કરવા માટે રચાયેલાં ઘરો આકરી પરીક્ષામાં સફળ થયાં છે.
હરિકેન (ચક્રવાત) માઇકલે 2018માં ઇતિહાસ રચ્યો હતો. ફ્લોરિડાના પેનહેન્ડલમાં લૅન્ડફૉલ કરવા ઉપરાંત તે રેકૉર્ડ પરનું પ્રથમ કૅટેગરી ફાઇવનું હરિકેન બન્યું હતું.
આ ચક્રવાતે વ્યાપક વિનાશ વેર્યો હતો અને આખેઆખી ઇમારતોને પાયામાંથી હચમચાવી નાખી હતી. તેનાથી લગભગ 50,000 સ્ટ્રક્ચર્સને માઠી અસર થઈ હતી.
જોકે, ફ્લોરિડાના મેક્સિકો બીચના એક નાના સમુદાયમાં અરાજકતા વચ્ચે પણ કશું અણધાર્યું જોવા મળે છે. ઈયળ જેવું ગુંબજ આકારનું દેખાતું એક ઘર 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સામે અડીખમ રહ્યું હતું.
‘ગોલ્ડન આઈ’ નામનું એ ઘર માર્ગારેટ ક્લેટનનું હતું, જેમણે મોનોલિથિક ડોમ્સ નામની કન્સ્ટ્રક્શન કંપની સાથે મળીને 2015માં આ ઘર ડિઝાઇન કર્યું હતું અને બનાવ્યું હતું.
ક્લેટનના પાડોશીના ઘરમાં "ધડાકો" થયો હતો અને એક ટ્રાન્સફૉર્મર ઊડતું આવીને તેમના ઘરની દીવાલ સાથે અફળાયું હતું. માર્ગારેટ કહે છે, "મારા ઘરની આસપાસનાં તમામ ઘરો નાશ પામ્યાં હતાં અથવા વસવાટ-યોગ્ય રહ્યાં ન હતાં." ગોલ્ડન આઈ એ દરમિયાન અડીખમ રહ્યું હતું.
લૅન્ડોલ્ફ રોડ-બાર્બરીગોસ એ મિયામી યુનિવર્સિટીના સિવિલ, આર્કિટેક્ચરલ ઍન્ડ ઍન્વાયર્નમેન્ટલ ઍન્જિનિયરિંગ વિભાગના સહયોગી પ્રોફેસર તથા ક્લાયમેટ રેઝિલિયન્સ ઇન્સ્ટિટ્યૂટના ઍસોસિએટ ડિરેક્ટર છે.

ઇમેજ સ્રોત, Margaret Clayton
તેઓ કહે છે, "તમે એ ફોટોગ્રાફ્સ જુઓ ત્યારે વાહ-વાહ બોલી ઊઠો. આજુબાજુ વેરાયેલા વિનાશ વચ્ચે એક ગુંબજ અડીખમ ઊભો છે. તે ખૂબ જ પ્રભાવશાળી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકામાં આત્યંતિક હવામાનની કોઈ અન્ય ઘટનાઓ કરતાં વાવાઝોડાં વધારે મૃત્યુ અને વિનાશનું કારણ બને છે. અમેરિકામાં 1980થી 363 અબજ ડૉલરના મૂલ્યની હવામાન સંબંધી દુર્ઘટનાઓ સર્જાઈ છે અને તેમાં વાવાઝોડાએ સૌથી વધુ કુલ 1.3 ટ્રિલિયન ડૉલરનું નુકસાન કર્યું છે.
પ્રત્યેક વાવાઝોડા દીઠ સરેરાશ 22.8 અબજ ડૉલરનું નુકસાન થયું છે. 2023માં તેને કારણે 6,890 મૃત્યુ થયાં હતાં.
આબોહવા પરિવર્તનને કારણે વાવાઝોડા ઝડપથી તીવ્ર બની રહ્યાં છે અને પ્રથમ શ્રેણીનું વાવાઝોડું પણ ગંભીર નુકસાન કરી શકે છે ત્યારે વાવાઝોડા સામે ઝીંક ઝીલી શકે તેવા ઘરોનું નિર્માણ વધારેને વધારે મહત્ત્વનું બનતું જાય છે.
રોડ-બાર્બરીગોસ કહે છે, "આ પ્રકારની આબોહવા સામે ઝીંક ઝીલી શકે તેવા સ્થાપત્ય અને યોગ્ય ઍન્જિનિયરિંગના સંયોજન વડે આત્યંતિક હવામાનમાં લોકોનો જીવ બચાવી શકાય છે. આપણે આબોહવા-પ્રતિરોધક સ્ટ્રક્ચર્સ બાબતે વધારે અન્વેષણ કરવાની જરૂર છે, કારણ કે ચોક્કસ વાતાવરણ માટે ચોક્કસ સ્વરૂપો બહેતર હોય છે, એ આપણે જાણીએ છીએ."
પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકી રહેવું

ઇમેજ સ્રોત, Margaret Clayton
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઘણી કંપનીઓએ ગુંબજ અને ગોળાકારનાં મકાનો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. અમેરિકન કન્સ્ટ્રક્શન કંપની ડેલટેક છેલ્લા ત્રણ દાયકાથી ચક્રવાત-પ્રતિરોધક ઘરો બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.
ડેલટેકના રેકૉર્ડ મુજબ, કંપનીએ બનાવેલાં ગુંબજવાળાં અને ગોળાકાર 5,500 મકાનો પૈકીના માત્ર એકને જ જોરદાર પવનથી નુકસાન થયું હતું. ઇર્મા, માઇકલ, કેટરિના, ડોરિયન અને તાજેતરના મિલ્ટન સહિતના દેશના સૌથી શક્તિશાળી વાવાઝોડાં સામે એ ઘરો ટકી રહ્યાં છે.
ડેલટેકના જણાવ્યા મુજબ, તેમણે સંખ્યાબંધ ઘરમાલિકો સાથે વાત કરી હતી અને મિલ્ટન વાવાઝોડામાં નુકસાન થયાનું એ પૈકીના કોઈએ જણાવ્યું નથી.
ડેલટેકના પ્રમુખ સ્ટીવ લિંટન કહે છે કે તાજેતરનાં વર્ષોમાં ગુંબજવાળાં મકાનોમાં લોકોનો રસ વધ્યો છે. "ચક્રવાત-પ્રતિરોધક ડિધાઈ એ કોઈ અનન્ય વિચાર નથી, પરંતુ તમારું ઘર યોગ્ય રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે તે સુનિશ્ચિત કરવાનો એક મહત્ત્વપૂર્ણ પડકાર છે. મોટાભાગના આર્કિટેક્ટ્સ રાઉન્ડ હાઉસ ડિઝાઇન કરતા નથી."
બિલ્ડરો પણ રાબેતા મુજબની પદ્ધતિઓનો ઉપયોગ કરીને તેનું નિર્માણ કરી શકતા નથી.
તેઓ કહે છે, "ઘરને ચક્રવાત-પ્રતિરોધક બનાવવાનો પરંપરાગત અભિગમ એ છે કે પરંપરાગત ડિઝાઇન મુજબ ઘર બનાવવું અને તેને વધારે મજબૂત કરવું. આ એક સ્કૂલ બસમાંથી રેસિંગ કાર બનાવવાના પ્રયાસ જેવું છે. એ ખરેખર બે સંપૂર્ણપણે અલગ વસ્તુઓ છે અને ઘરની વાત પણ અલગ નથી."
ગોળાકારનો અર્થ એ છે કે ઘર વધુ ઍરોડાયનેમિક છે અને લિંટન દાવો કરે છે કે રાઉન્ડ ડિઝાઇનથી ઘરની બહાર નોંધપાત્ર રીતે ઓછું દબાણ સર્જાય છે.
ડિઝાઇનનો અર્થ એ છે કે આ ઘર પરંપરાગત ઘર કરતાં વધારે સારી રીતે ઊર્જાને શોષી શકે છે અને પવનના બળને ધ્યાનમાં લીધા વિના સારી રીતે વિતરિત કરી શકે છે.
લિંટન કહે છે, "તે પૈડાના આરાની માફક કામ કરે છે."

રોડ-બાર્બરીગોસ સમજાવે છે કે ગુંબજવાળા સ્વરૂપનો ફાયદો પણ છે, કારણ કે એવાં ઘર તેમની આસપાસના પવનના પ્રવાહનો પ્રતિકાર કરતા નથી.
"એક બૉક્સ જેવું ધારવાળું સામાન્ય ઘર અને સપાટ છત પવનના પ્રવાહ સામે ચોક્કસ અવરોધ સર્જે છે. તમારું ઘર ગોળાકાર હોય તો તેણે પવનના ઓછા બળનો સામનો કરવો પડે છે. તે માત્ર ઍન્જિનિયરિંગ જ નહીં, પરંતુ આર્કિટેક્ચર પણ છે, જે પવનના ભારને અસર કરી શકે છે."
રોડ-બાર્બરીગોસ કહે છે, "આ ઘરો પ્રતિરોધક છે. વાવાઝોડા સાથે ફૂંકાતા જોરદાર પવનની અસર તેના પર થતી નથી."
ડેલટેક સધર્ન યલો પાઇન સાથે પણ તેનું નિર્માણ કરે છે. તે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ડગ્લાસ ફિર જેવા અન્ય લાકડાઓ કરતાં વધારે મજબૂત હોય છે. તેનું સ્ટ્રક્ચર પણ ચોક્સાઈથી ફેકટરીમાં બનાવવામાં આવે છે.
"અમે નિયંત્રિત વાતાવરણમાં નિર્માણ કરતા હોવાથી અમે સારી ગુણવત્તાયુક્ત સામગ્રી બનાવી શકીએ છીએ, જે સાઇટ પર સરળતાથી મેળવી શકાતી નથી."
ડેલટેકે અમેરિકાનાં તમામ 50 રાજ્યોમાં અને વિશ્વના 30થી વધારે દેશોમાં ઘરો બનાવ્યાં છે.
લિંટન કહે છે, "આપણે જે બદલાતી દુનિયામાં જીવીએ છીએ તેમાં સ્વીકાર્ય હોય તેવાં ઘરો બનાવવાની જરૂર છે."
ભૂતકાળમાં ડેલટેકનાં ઘરો કસ્ટમ ડિઝાઇન્સમાં જ ઉપલબ્ધ હતાં. હવેના પ્રી-ડિઝાઇન્ડ મોડેલ્સ ચક્રવાતનો સામનો કરી શકે તેવાં, પ્રતિ કલાક 190 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સામે ઝીંક ઝીલી શકે તેવા અને કસ્ટમ બિલ્ડ હોમ કરતાં 25 ટકા સસ્તાં છે.
ડેલટેક ઘરનું કવચ (શેલ) પુરૂં પાડે છે, જ્યારે સાઇટ પરની તૈયારી, છત, ઇન્સ્યુલેશન અને ડ્રાયવૉલ વગેરેનું કામ ખરીદકર્તાના બિલ્ડરે કરવાનું હોય છે.
શેલની સરેરાશ કિંમત કુલ ઘરની કિંમતના 33 ટકા જેટલી હોય છે. 515 ચોરસ ફીટના ઘર માટે તે 45,900 ડૉલરથી માંડીને 2070 ફીટના ઘર માટે 1,32,500 ડૉલર સુધીની હોય છે.
ગુંબજ બનાવવાની એકથી વધુ રીત

ઇમેજ સ્રોત, Bonnie Paulson
ગોળાકાર ઘર બનાવતી હોય તેવી એકમાત્ર કંપની ડેલટેક જ નથી.
સૌપ્રથમ મોનોલિથિક ડોમ સ્ટ્રક્ચર 1976માં ઈડાહોમાં બટાકાના ગોદામ માટે બનાવવામાં આવ્યું હતું.
હવે એવા ગુંબજવાળા સ્ટ્રક્ચર્સ આર્કટિકથી માંડીને ઉષ્ણકટિબંધ સુધીના સમગ્ર વિશ્વમાં જોવા મળે છે.
ગેરી ક્લાર્કને 1980ના દાયકાની શરૂઆતમાં ઇડાહોમાં બટાકાના અન્ય ગોદામના ગુંબજ પર પૉલીયુરેથિન ફોમ સ્પ્રે કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
ગૅરી ક્લાર્ક હવે ટેક્સાસમાં મોનોલિથિક ડોમ બિલ્ડિંગ વર્કશૉપનું નેતૃત્વ કરે છે અને મિશિગનમાં ગુંબજવાળા પોતાના ઘરમાં રહે છે.
તેઓ કહે છે, "ગુંબજવાળા ઘરમાં લોકોનો રસ વધતો-ઘટતો રહે છે. વૃદ્ધિ અદ્ભુત નથી, પરંતુ સાતત્યપૂર્ણ રહી છે. આ ટ્રેન્ડ આગળ વધી રહ્યો છે."
"કૉમર્શિયલને બદલે રેસિડેન્શિયલ ડોમ્સ લોકોને વધારેને વધારે રસ પડતો હોવાનું અમે નોંધ્યું છે. રેસિડેન્શિયલ માર્કેટમાં તાજેતરમાં થોડો ગરમાટો આવ્યો હોય તેવું લાગે છે."
મોનોલિથિકની ઇમારતો લાકડામાંથી નહીં, પરંતુ કૉન્ક્રિટ અને સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તે સ્ટ્રક્ચરના ફ્લોર પર ગોળાકાર રિંગ બીમથી શરૂ થાય છે.
પછી તેને પીવીસી-કોટેડ ફેબ્રિકની બનેલા ઍર ફોમ મેમ્બ્રેન સાથે તેને જોડવામાં આવે છે અને સ્ટ્રક્ચરનો આકાર બનાવવા માટે તેને ફુલાવવામાં આવે છે.
ક્લોઝ-સેલ પૉલીફોમ તેની મજબૂતાઈ અને પાણીના પ્રતિકાર માટે જાણીતું છે. તેને અંદરના ભાગમાં લગાવવામાં આવે છે અને સ્ટીલ રિઇન્ફોર્સમેન્ટને ફોમ સરફેસ સાથે જોડવામાં આવે છે. પછી તેને શૉટક્રીટ તરીકે ઓળખાતા કૉન્ક્રિટના લેયર્સ પર છાંટવામાં આવે છે.
ક્લાર્ક કહે છે, "ગુંબજની કિંમત સ્ટાન્ડર્ડ કસ્ટમ ઘર કરતાં વધારે હોય એવું અમને નથી લાગતું," પરંતુ જાળવણી, કામગીરી, આયુષ્ય અને વીમા ખર્ચની ગણતરી કરવામાં આવે તો લાંબા ગાળે તે સસ્તું પડે છે.
ગુંબજ ખૂબ ઊર્જા કાર્યક્ષમ પણ હોઈ શકે છે. ક્લાર્ક દાવો કરે છે કે તેના લીધે માલિકોને નોંધપાત્ર બચત થાય છે. જોકે ક્લાર્ક કહે છે, "મોટાભાગના લોકો માત્ર બાંધકામના ખર્ચને જ ધ્યાનમાં લે છે."
બિનપરંપરાગત ડિઝાઇન માટે અન્ય પડકારો પણ છે.
ક્લાર્ક કહે છે, "અમારી સૌથી મોટી અડચણો પૈકીની એક બૅન્કોને તેના લાભ દર્શાવવાની અને લોકોને મોનોલિથિક ડોમ માટે લોનની મંજૂરી અપાવવાની છે. ધિરાણ મેળવવું મુશ્કેલ છે. તે અશક્ય નથી, પરંતુ લાકડા અને ઈંટના ઘર જેટલું સરળ પણ નથી."
ગુંબજવાળા ઘર સંપૂર્ણપણે ડિઝાસ્ટર-પ્રૂફ નથી. પવન સાથે આવતો કચરો સરફેસ મૅમ્બ્રેનને નુકસાન કરી શકે છે. એવું મોનોલિથિક ડોમના મકાનમાલિક માર્ગારેટ ક્લેટન સાથે થયું હતું. ટેક્સાસના પોર્ટ આર્થરમાં એક ડોમ પર ત્રણ ચક્રવાત ત્રાટક્યા હતા અને મોનોલિથિકને રેકોર્ડ અનુસાર, તે સહીસલામત રહ્યું હતું.
વિગતની ચકાસણી જરૂરી

મોનોલિથિક ડોમ્સ અને ડેલટેક બંનેના અભિગમ જોરદાર પવનનો સામનો કરવામાં પોતપોતાના લાભ ધરાવે છે, એમ રોડ-બાર્બરીગોસ જણાવે છે, પરંતુ આત્યંતિક હવામાન સામે ઝીંક ઝીલવાનો તે એકમાત્ર અભિગમ નથી. વળી, પવન એ વાવાઝોડાનું એકમાત્ર જોખમ નથી.
મિયામી યુનિવર્સિટીના અર્બન ડિઝાઇન પ્રોગ્રામના ડિરેક્ટર અને આર્કિટેક્ચરના પ્રોફેસર ઍલિઝાબેથ પ્લેટર-ઝાયબર્ક કહે છે, "આત્યંતિક હવામાન કેવું છે તેના આધારે આર્કિટેક્ચર બહુ મોટી ભૂમિકા ભજવી શકે. ઇમારતોને મજબૂત અને આબોહવાને અનુકૂળ બનાવવા માટે ચોક્કસપણે વધારે ધ્યાન આપવામાં આવે છે."
તેઓ ઉમેરે છે, "વાવાઝોડા દરમિયાન પવન અને પૂર બે મહત્ત્વની બાબતો હોય છે. વાસ્તવમાં વાવાઝોડાને કારણે જીવન પર સૌથી મોટો ખતરો પવનને લીધે નહીં, પરંતુ પાણીથી સર્જાય છે. જમીન પર હોય અને પૂર આવતું હોય તેવી કોઈપણ ઇમારતને આકાર મદદરૂપ થશે નહીં."
"તેથી તમે હ્યુસ્ટન અથવા લુસિયાનાના દરિયાકિનારે ગુંબજવાળું ઘર બાંધો તો તે જમીનથી ઉપર હોવું જોઈએ, જેથી પૂરમાં બચી શકાય. વાવાઝોડા સામે ટકી રહેલાં જે ઘરો મેં જોયાં છે તે જમીનથી ઊંચા અને કિલ્લેબંધીવાળાં છે."
પ્લેટર-ઝાયબર્ગના કહેવા મુજબ, ગુંબજવાળા કોઈ પણ ઘરને 'વાવાઝોડા સામે અભેદ્ય' કહી શકાય નહીં, પરંતુ ઘર કેટલું મજબૂત છે તેનો આધાર "ખરેખર તે જે સામગ્રીમાંથી બનાવવામાં આવ્યું હોય તેના પર હોય છે. તમારે ગુંબજના આકારનું હોય એવું એક ઘર એવું ઘર બનાવવું છે અને પછી બધું ઠીક થઈ જશે, એવું તમે કહેતા હો તો તે બિલકુલ સાચું નથી."

ઇમેજ સ્રોત, Deltec
પરંપરાગત આકારના ઘરને હજુ પણ પવન સામે, 'એન્વેલપ' કરીને અને ખાસ કરીને ઘરની આસપાસ કવચ રચીને અભેદ્ય કરી શકાય. 2018ના ફ્લોરિડાના એક કુખ્યાત ફોટોગ્રાફમાં હરિકેન માકઇલને કારણે સપાટ થઈ ગયેલો વિસ્તાર જોવા મળ્યો હતો.
તેમાં થોડા અપવાદોમાં ત્રણ માળનું એક મકાન દેખાતું હતું, જે સ્ટિલ્ટ પર ઊભું હતું અને તે કૉન્ક્રિટથી બનાવવામાં આવ્યું હતું.
રોડ-બાર્બરીગોસ સમજાવે છે કે એન્વેલપ મુખ્ય લાક્ષણિકતા છે અને તે માળખાકીય રીતે ચુસ્ત હોવું જરૂરી છે. "તમે એન્વેલપને ખોલશો નહીં, કારણ કે તમામ પવન તેમાં ઘુસી જશે. તેનાથી અંદરનું દબાણ એટલા પ્રચંડ પ્રમાણમાં વધી જશે કે છત ઊડી જશે. તેથી તેની અખંડિતતા જાળવી રાખવી મહત્ત્વપૂર્ણ છે."
લોડ પાથ પરના કનેક્શન્શમાં માળખાનું વજન પાયામાં ટ્રાન્સમિટ થાય છે અને પછી તે મેદાન પર આવે છે. આ લોડ પાથના કનેક્શન્શ પણ મહત્ત્વપૂર્ણ છે. આખા ઘરમાં મજબૂત કનેક્શન્શનો અર્થ એ છે કે તેમાં કોઈ નબળું બિંદુ નથી, પરંતુ રોડ-બાર્બરીગોસ કહે છે તેમ, આ બધા માટે "ચોક્કસ ખર્ચ કરવો પડે."
ઘર સામાન્ય રીતે વધુ મજબૂત છે તેની ખાતરી માટે બિલ્ગિંડ કોડ્સ હિતાવહ છે. તે કોડ્સ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને તેમાં સ્ટ્રક્ચરનું નિર્માણ કેવી રીતે થવું જોઈએ તેના લઘુતમ ધોરણો નક્કી કરવામાં આવે છે તેમ જ તેને અપ-ટુ-ડેટ રાખવામાં આવે છે, એમ પ્લેટર-ઝાયબર્ક જણાવે છે.
બિલ્ડિંગ અને ઝોનિંગ કોડમાં આત્યંતિક હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે છે તથા નવા ઘર કેવી રીતે ડિઝાઈન કરવાં જોઈએ તે સૂચવ છે. જેટલો કડક હાઉસિંગ કોડ એટલું જ મજબૂત હાઉસિંગ. ફ્લોરિડામાં આત્યંતિક હવામાન હોવાને કારણે તેના કેટલાક કોડ્સ દેશમાં સૌથી વધારે કડક છે.
પ્લેટર-ઝાયબર્ક કહે છે, "અમે હરિકેન કેટરિના વખતે કામ કર્યું હતું. તે વખતે જે મકાનો અડીખમ હતાં તે મિસિસિપીમાં હોવા છતાં તેના નિર્માણમાં ફ્લોરિડા કોડનું પાલન કરવામાં આવ્યું હતું."
રોડ-બાર્બરીગોસ માને છે કે ગુંબજવાળાં વધુ ઘરો ન હોવાનાં અથવા હરિકેન સામે ઝીંક ઝીલી શકે તેવાં સ્ટ્રક્ચર્સ ન હોવાનાં બે કારણો છે. પહેલું કારણ સાંસ્કૃતિક પરંપરા છે.
આપણે એવાં ઘરોમાં રહેવા ટેવાયેલા છીએ, જે ચોક્કસ પ્રકારનાં દેખાતાં હોય અને માનસિકતા બદલવામાં સમય લાગે છે. બીજું કારણ ખર્ચ છે.
"જોરદાર પવન સામે પણ ટકી રહે તેવી ઇમારતો કેવી રીતે બાંધવી તે આપણે ઍન્જિનિયરિંગના સંદર્ભમાં જાણીએ છીએ. એ માટેની ટેકનૉલૉજી છે. સવાલ એ જ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. વાસ્તવિક સમસ્યા ઍન્જિનિયરિંગ સંબંધી નથી. તે ખર્ચ સંબંધી છે. આપણને તે કેટલી હદે પરવડી શકે? આપણા હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું શું કરવાનું?"
તેમના કહેવા મુજબ, આ સવાલનો જવાબ મધ્યમાં ક્યાંક છે.
"વધારે પોસાય તેવા ઘરનું નિરાકરણ કદાચ ભૂમિતિ અને ટેકનૉલૉજીને ડિઝાઇનના અન્ય આઇડિયાઝ સાથે અજમાવવાની વચ્ચે ક્યાંક છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












