50 વર્ષ પહેલાં વેપારીએ ચોરેલા 37 રૂપિયા, જ્યારે વ્યાજ સાથે પરત કરવા વિદેશ ગયા

- લેેખક, મુરલીધરન કાશીવિશ્વનાથન
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 4 મિનિટ
તામિલનાડુના કોયમ્બતૂરના એક વેપારીએ લગભગ પચાસ વર્ષ પહેલાં ચોરેલા રૂપિયા તાજેતરમાં પાછા આપ્યા હતા.
એ વેપારી કોણ છે? તેણે કેટલા રૂપિયા ચોર્યા હતા? હવે તેમણે કેટલા રૂપિયા પાછા આપ્યા? ખરેખર શું થયું હતું?
50 વર્ષ પહેલાંની ઘટના

તે 1970ના દાયકાના મધ્યભાગનો સમય હતો. સુબ્રમણ્યમ અને ઈલુવાઈ શ્રીલંકાના નુવારા એલિયા જિલ્લામાં મસ્કેલિયા નજીક અલાકોલા વિસ્તારમાં ચાના બગીચામાં કામ કરતાં હતાં. દંપતી પોતાનું ઘર ખાલી કરીને બીજા વિસ્તારમાં રહેવા જવાનું હતું.
ઘર ખાલી વખતે તેમણે તેમના રણજિત નામના પાડોશી યુવાનની મદદ લીધી હતી. રણજિતે તેમને સામાન ખસેડવામાં મદદ કરી હતી.
જૂના ઘરમાંથી એક ઓશીકું હટાવ્યું ત્યારે તેની નીચે રણજિતે કેટલાક પૈસા જોયા હતા.
એ શ્રીલંકન ચલણમાં રૂ. 37.50 હતા. રણજિત એ વખતે બેરોજગાર હતા. રણજિતે કોઈને ખબર ન પડે એ રીતે પૈસા લઈને છુપાવી દીધા હતા.
થોડા સમય પછી ઈલુવાઈને યાદ આવ્યું હતું કે તેમણે ઓશીકા નીચે પૈસા મૂક્યા હતા.
નવા મકાનમાં સામાન ખસેડ્યા પછી દંપતીએ રણજિતને એ પૈસા બાબતે વારંવાર પૂછ્યું હતું, પરંતુ રણજિતે પૈસા લીધા હોવાનું કબૂલ્યું ન હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ વખતે ચાના બગીચામાં કામ કરતા લોકો ગરીબીથી ત્રાસેલા હતા અને રૂ. 37 ત્યારે પણ મોટી રકમ હતી.
એ પછી ઈલુવાઈ મંદિરે ગયાં હતાં અને ગૂમ થયેલા પૈસા બાબતે ભગવાનને ફરિયાદ કરી હતી. રણજિત પણ ઈલુવાઈની સાથે મંદિરે ગયા હતા.
ઈલુવાઈની સાથે રણજિત પણ ભગવાન સમક્ષ રડી પડ્યા હતા.
તેમણે પ્રાર્થના કરી હતી કે “એ પૈસા મેં લીધા છે. ભગવાન મને કંઈ પણ થવા દેશો નહીં.”
રણજિત તામિલનાડુ આવ્યા

રણજિતનાં માતાનું નામ મરિયમ્મલ અને પિતાનું નામ પલાયીસ્વામી છે. એ બંને પણ શ્રીલંકાના પર્વતીય પ્રદેશમાં ચાના બગીચામાં મજૂર તરીકે કામ કરતાં હતાં.
રણજિતનો પરિવાર ઘણો મોટો હતો જેમાં ત્રણ ભાઈ અને ત્રણ બહેનો હતાં. ગરીબીને કારણે રણજિત બીજા ધોરણથી આગળ ભણી શક્યા ન હતા.
1977માં રણજિત 17 વર્ષના થયા ત્યારે કામ કરવા અને રહેવા માટે તામિલનાડુ આવ્યા હતા.
તે ઘરમાંથી થોડું સોનું સાથે લાવ્યા હતા.
એ દિવસોને યાદ કરતાં રણજિતે જણાવ્યું હતું કે તામિલનાડુ આવ્યા પછી શરૂઆતમાં થોડી મુશ્કેલી થઈ હતી, પરંતુ પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો થયો હતો.
રણજિતે કહ્યું હતું, "ઘરેથી લાવ્યો હતો તે સોનું વેચી દીધું હતું. તેના પૈસા એક ડબ્બામાં મૂક્યા હતા. નુકસાન થયું અને હું ફરી રસ્તા પર આવી ગયો. મેં રેસ્ટોરાંમાં ટેબલ સ્વીપર અને રૂમ બૉય તરીકે કામ કર્યું હતું. બસ સ્ટૅન્ડમાં સેલ્સમૅન તરીકે પણ કામ કર્યું હતું. હું એકેય કામ લાંબા સમય સુધી કરી શક્યો ન હતો. બાદમાં મેં નાના પાયે કેટરિંગ કંપની શરૂ કરી હતી. હવે એ કંપની મોટી બની ગઈ છે અને તેમાં 125 લોકો કામ કરે છે."
દેવાની ચૂકવણીની ઇચ્છા

રણજિતના કહેવા મુજબ, એક વખત તેની તબિયત સારી ન હતી ત્યારે તેમણે બાઇબલ વાંચ્યું હતું. તેમાં એક વાક્ય લખેલું હતુઃ "દુષ્ટ લોકો દેવાની ચૂકવણી કરતા નથી, પરંતુ પ્રામાણિક લોકો તેમનું દેવું ચૂકવી દે છે."
રણજિતે કહ્યું હતું, "એ પછી મેં કોઈની પાસેથી થોડાક પૈસા લીધા હોય તો પણ વચન આપ્યું હોય ત્યારે પાછા આપી દેતો હતો. મેં રૂ. 1,500ની લૉન લીધી હતી. તે હું લાંબા સમય પછી ચૂકવી શક્યો હતો, પરંતુ મેં વર્ષો પહેલાં વૃદ્ધ દંપતીના ઘરમાંથી જે રૂ. 37.50 ચોર્યા હતા તે ચૂકવ્યા ન હતા."
"વૃદ્ધ દંપત્તિનાં દાદી ઇલુવાઈ મૃત્યુ પામ્યાં હોવાનું મને જાણવા મળ્યું હતું. તેઓ તેમની પાસે જે પૈસા હતા એ તેમના વારસદારોને આપવા ઇચ્છતાં હતાં. મેં શ્રીલંકામાંના મારા દોસ્તો મારફત તેમના વિશે વધારે માહિતી મેળવવાનું શરૂ કર્યું."
ચોરેલા પૈસા પાછા આપ્યા

સુબ્રમણ્યમ અને ઈલુવાઈને છ સંતાનો છે. તેમાં ત્રણ પુત્ર – મુરુગૈયા, પલાનિયાંધી તથા કૃષ્ણન છે અને ત્રણ દીકરીઓ – વીરમ્મલ, અજગમમ્મલ અને સેલ્વમલ છે.
ત્રણ પુત્રો પૈકીના મુરુગૈયાનું અવસાન થયું છે. તેમના પરિવારમાં પત્ની તથા ચાર દીકરા છે.
પલાયિનંધી કોલંબો શહેર નજીક રહે છે, જ્યારે કૃષ્ણન નુવારા એલિયા પાસે રહે છે.
રણજિતે તેમની સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેણે તેમના માતા-પિતા પાસેથી લીધેલા પૈસા પરત કરવા ઇચ્છે છે.
ઑગસ્ટ-2024માં રણજિત કોલંબો ગયા હતા અને સુબ્રમણ્યમ પરિવારના સભ્યોને એક રેસ્ટોરાંમાં મળ્યા હતા.
તેમણે 1970ના દાયકામાં બનેલી ઘટના વિશે તેમને જણાવ્યું હતું. રણજિત તેમના માટે નવાં કપડાં લઈ ગયાં હતાં. એ તેમને આપ્યાં. પછી તેમણે ચોરેલા રૂ. 37.50 જ નહીં, પરંતુ મુરુગૈયા, પલાનિયાંધી અને કૃષ્ણનને શ્રીલંકન ચલણમાં રૂ. 70,000 આપ્યા હતા.
સુબ્રમણ્યમ-ઈલુવાઈના પરિવારને તે આશ્ચર્યજનક લાગ્યું હતું.
સુબ્રમણ્યમ પરિવાર હજુ પણ આઘાતમાં
કોલંબોમાં રહેતા પલાંનિયાંધીએ કહ્યું હતું, "રણજિત આવ્યા હતા. તેમણે અમારું સરનામું શોધી કાઢ્યું હતું અને અમને પૈસા પરત કર્યા હતા. અમને ખુશ કર્યા હતા. એ પૈસા અમને અત્યારે બહુ ઉપયોગી થશે. ખાસ કરીને મારા નાના ભાઈ અને તેમનાં પત્નીને પૈસાની ખૂબ જ જરૂર છે. તેઓ ખૂબ જ ખુશ છે."
પલાંનિયાંધીના કહેવા મુજબ, "હું 12-13 વર્ષનો હતો ત્યારે કોલંબો આવ્યો હતો. એ સમયે શું થયું હતું તેની અમને ખબર નથી. રણજિતે પૈસા લીધા હતા, તે કદાચ મારાં માતા પણ નહીં જાણતાં હોય. આ વિશે કોઈને ખબર નથી."
રણજિતના જણાવ્યા મુજબ, સેલ્લમલનો પરિવાર તિરુચી નજીક રહે છે અને તેઓ તેમને પણ કેટલાક પૈસા મોકલશે.
પૈસા પાછા આપીને પોતે ખૂબ જ ખુશ હોવાનું પણ રણજિતે જણાવ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












