જિજ્ઞેશ મેવાણી અને IPS અધિકારી પાંડિયન વચ્ચેનો વિવાદ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images/ANI
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
આજે વડગામના કૉંગ્રેસી ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ અને દલિત સામાજિક સંગઠનો અને કૉંગ્રેસના ટોચના નેતાઓ તથા કાર્યકર્તાઓએ ગાંધીનગરમાં આવેલી ડીજીપી ઑફિસની બહાર દેખાવો કર્યા છે.
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા સહિત અન્ય લોકો પણ દેખાવના આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
જિજ્ઞેશ મેવાણીના દાવા અનુસાર તેઓ અને અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના એસસી(શિડ્યૂલ કાસ્ટ) ડિપાર્ટમેન્ટના પ્રમુખ હિતેન્દ્ર પિઠડિયા પંદર ઑક્ટોબરે બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ ગુજરાતના આઈપીએસ અધિકારી રાજકુમાર પાંડિયનને મળવા ગયા હતા.
જિજ્ઞેશ મેવાણીનો આરોપ છે કે આ મુલાકાત વખતે તેમની સાથે અણછાજતું વર્તન કરવામાં આવ્યું હતું. પાંડિયન સીઆઈડી(ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ) અને એસસી – એસટી તેમજ માનવ અધિકારના અધિક પોલીસ મહાનિરીક્ષક છે.
જિજ્ઞેશ મેવાણીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, UGC
જિજ્ઞેશ મેવાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, “પાંડિયનના વર્તનથી ગુજરાતના દલિતોમાં આક્રોશ છે. ગૃહ મંત્રીને પણ અમે રજૂઆત કરી છે કે તેમને હઠાવવામાં આવે. તે અમારા પર જીવલેણ હુમલો કરાવી શકે છે.”
“ગુજરાતભરમાંથી દલિતો અહીં આવ્યા છે. આગામી દિવસોમાં અમે વાવમાં પણ દેખાવો કરીશું. મારી સાથે આ પ્રકારનું વર્તન કરે તો સમાન્ય વ્યક્તિ સાથે તેઓ કેવું વર્તન કરતા હશે. અમે તેમને દસ સવાલો પૂછ્યા છે પણ તેનો જવાબ તેમની પાસે નથી. જો તેમને સસ્પેન્ડ નહીં કરાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું.”
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સ્ટેટ કૉ-ઑર્ડિનેટર સુબોધ પરમારે બીબીસી સંવાદદાતા લક્ષ્મી પટેલને કહ્યું હતું કે, “અમે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને આવેદન આપ્યું છે. જેમાં અમે પાંડિયને જે પ્રકારે અમારા નેતાઓનું અપમાન કર્યું છે તેની સામે પગલાં લેવા જણાવ્યું છે. વિકાસ સહાયે અમને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ મામલે ઘટતું કરશે.”
આવેદન પત્ર આપવા સમયે પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને કૉંગ્રેસ નેતા અમિત ચાવડા પણ ઉપસ્થિત હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘટના શું હતી?

ઇમેજ સ્રોત, UGC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સમગ્ર ઘટનાક્રમ વિશે મેવાણીએ કહ્યું હતું કે, “ગુજરાતમાં દલિત સમાજના લોકોને મળવા પાત્ર હજારો એકર જમીન પર માથાભારે અસામાજિક તત્ત્વો, ગુંડાતત્ત્વો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. ગુજરાતના લાખો દલિતના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે વારંવાર સુરેન્દ્રનગર અને કચ્છ સહિત જુદા-જુદા જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે લેખિત અને મૌખિક રજૂઆત કરી છતાં કોઈ નક્કર પરિણામ ન મળતા રાજકુમાર પાંડિયન સમક્ષ રજૂઆત કરવા ગયા હતા."
"પ્રશ્નો અંગે રજૂઆત સંભાળવાને બદલે તેમણે અણછાજતું અને અહંકારી વર્તન કર્યું હતું. પાંડિયને આદેશ કરતાં હોય તેમ મોબાઇલ બહાર મૂકી આવવાનું કહ્યું હતું. ટી-શર્ટ કેમ પહેરી છે? જેવા બિનજરૂરી સવાલ પૂછીને સરકારી અધિકારીના પ્રોટોકોલનો ભંગ કર્યો હતો અને તેમણે અમારું અપમાન કર્યું હતું.”
મેવાણીએ કહ્યું હતું કે, “હું જનતા દ્વારા ચૂંટાયેલો પ્રતિનિધિ છું. ધારાસભ્ય કે સાંસદ સાથે પોલીસ અધિકારીએ કઈ રીતે વર્તવું તેનો એક પ્રોટોકોલ છે. જે તેમને લાગૂ પડે છે. એ વખતે પાંડિયને તરત કહ્યું હતું કે મિટિંગ ઇઝ ઓવર. તમારી સાથે વાત નહીં કરું, તમને ફરી ઍપૉઇન્ટમેન્ટ નહીં મળે. ફરી આ ચેમ્બરમાં તમને પગ મૂકવા નહીં મળે. હું પાંડિયનને કહેવા માગું છું કે ડીજી ઑફિસ એ ગુજરાતની સાડા છ કરોડની જનતાના કરના પૈસેથી ચાલતી ઑફિસ છે. એ કોઈની જાગીર નથી.”
'મારું ઍન્કાઉન્ટર થાય તો પાંડિયન જવાબદાર'

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ડીજી ઑફિસ જઇને વિરોધમાં જિજ્ઞેશ મેવાણી સહિત આગેવાનો પાંડિયનને કેટલાક સવાલો પણ પૂછવાના છે.
જિજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા મંચ – ઍક્સ પર લખ્યું હતું કે, "બાબા સિદ્દીકીની જેમ જો મારી કે મારા પરિવારજનો કે મારી ટીમના સાથીઓમાંથી કોઈની હત્યા થાય તો એના માટે આઈપીએસ અધિકારી રાજકુમાર પાંડિયન જવાબદાર રહેશે."
21 ઑક્ટોબરે મેવાણીએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જણાવ્યું હતું કે, 'રાજકુમાર પાંડિયન મારા, મારા પરિવાર અને ટીમના નજીકના સાથીઓના જાનમાલને ગંભીર નુકસાન પહોંચાડે એમ છે, અને અમારું ઍન્કાઉન્ટર કે હત્યા પણ કરાવી શકે એમ છે. તેથી આ પત્રની નોંધ લઈને અમારી સુરક્ષા બાબતે તેમજ પાંડિયનને નોકરીમાંથી કાઢી મૂકવા માટે જે પણ કરવા યોગ્ય કામગીરી હોય તે તાબડતોબ કરશો એવી મારી નમ્ર વિનંતિ છે.'
પાંડિયનનું શું કહેવું છે?
રાજકુમાર પાંડિયને બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, જિજ્ઞેશ મેવાણીના આરોપ પાયાવિહોણા છે.
તેમણે વધુમાં કહ્યું, "હું તેના વિશે ખાસ કશું કહેવા માગતો નથી. પોલીસ અધિકારી તરીકે અમારી પાસે જ્યારે પણ કોઈ તાકીદની ઘટનામાં કોઈ વ્યક્તિ મળવા આવે કે કોઈ નેતા આવે તો અમે તેમને વેઇટીંગમાં બેસાડતા હોતા નથી. તેમના જ કેટલાક સાથીદારો અમને મળવા આવ્યા હતા ત્યારે દલિતો વિશેની તેમની વાત ધ્યાનથી સાંભળી હતી અને એમાં જે કાંઈ કાર્યવાહી કરવાની હતી તે આગળ પણ ધપાવી જ છે."
"જિજ્ઞેશ મેવાણી જે આરોપો કરે છે તે માની શકાય નહીં, ઊના દલિતકાંડ વખતે મારું પોસ્ટિંગ જૂનાગઢ હતું અને ત્યાં મેં જે કામગીરી કરી છે તે તમે ત્યાંના કોઈ પણ અધિકારીને પૂછી શકો છો. જિજ્ઞેશને અગાઉ પણ અન્ય કેટલાક અધિકારી સામે વાંધા પડ્યા છે એવું કેમ થયું છે?"
મોબાઇલ ફોન બહાર મૂકવાની ફરજ પાડવામાં આવી હતી તેવો જિજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે. આરોપ વિશે જવાબ આપતા તેમણે કહ્યું, "આજકાલ પ્રધાનો તેમજ અધિકારીના ચેમ્બરમાં લોકો તેમને મળીને વાત કરે છે એનું ક્યારેક રેકૉર્ડીંગ કરીને વાઇરલ કરતા હોય છે ત્યારે ચેમ્બરમાં કોઈ રેકૉર્ડ કરીને કંઈ પણ ચલાવે તો તમે કેવી રીતે માન્ય રાખી શકો."
આ વિશે જિજ્ઞેશ મેવાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બીબીસીને જણાવ્યું હતું કે, “આનો મતલબ એ છે કે તમે એવો પૂર્વગ્રહ રાખીને બેઠા છો કે તમારે ત્યાં આવતા લોકો રેકૉર્ડીંગ જ કરશે. એવું તો કોઈ જગ્યાએ લખેલું નથી કે મોબાઇલ બહાર મૂકવાનું કહેવામાં આવે. વળી, હું પ્રજાનો પ્રતિનિધિ છું. ધારો કે હું રેકૉર્ડીંગ કરવાનો હોઉં તો પણ તેઓ ક્યા આધારે મને 'ના' કહી શકે?”
જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે 700 જેટલા લોકો અમે આવતી કાલે ડીજી ઑફીસ જવાના છીએ અને ત્યાં અમે દેખાવો કરીશું.
ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિના ઍન્કાઉન્ટર કેસમાં 2007માં આઈપીએસ ઑફિસર રાજકુમાર પાંડિયન સહિત અન્ય અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ઍન્કાઉન્ટર કેસમાં ધરપકડ બાદ 2007માં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2018માં પાંડિયનને બૉમ્બે હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












