પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સના કર્મચારીઓ કૅનેડામાં જઈને કેમ ગુમ થઈ જાય છે?

    • લેેખક, મોહમ્મદ સોહૈબ તથા ઉમૈર સલીમી
    • પદ, બીબીસી ઉર્દૂ સંવાદદાતા

પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સ વારંવાર વિવાદોમાં રહે છે. ક્યારેક તેમના પાઇલટો પાસે ડિગ્રી ન હોવાને કારણે, તો ક્યારેક ખાનગીકરણ કરવાની માંગને કારણે. દરમિયાન પીઆઈએના કર્મચારીઓ કૅનેડામાં 'ગુમ' થઈ રહ્યા છે અને આ સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે.

તાજેતરમાં પીઆઈએના પ્રવક્તા અબ્દુલ્લા ખાને પુષ્ટિ કરી હતી કે કૅનેડા ટૉરેન્ટોથી પાકિસ્તાનના લાહોર ઉડનારી ફ્લાઇટ પીકે-798ના ફ્લાઇટ ઍટેન્ડન્ટ આસિફ નઝામ સમયસર ઍરપૉર્ટ નહોતા પહોંચ્યા.

પીઆઈએનું કહેવું છે કે જ્યારે તેમનો સંપર્ક કરવામાં આવ્યો, તો તેમણે 'નાદુરસ્ત તબિયત'નું કારણ આપ્યું.

પીઆઈએના પ્રવક્તાનું કહેવું છે કે આ કેસની તપાસ થઈ રહી છે. સાથે જ તેમણે ઉમેર્યું કે આ પ્રકારે ગેરકાયદેસર રીતે 'ગુમ' થઈ જવાના કેસમાં ઍરલાઇન્સના કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

અગાઉ પણ આવી ઘટનાઓ ઘટી છે

પીઆઈએનો કોઈ ક્રૂ મૅમ્બર કૅનેડાથી પરત ન ફર્યો હોય, તેવી આ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ અનેક વખત ફ્લાઇટ ઍટેન્ડન્ટ કે ઍરહોસ્ટેસ કૅનેડામાં 'ગુમ' થઈ ગયાં છે.

તા. 29 ફેબ્રુઆરી 2024ના પણ આવો જ એક કેસ બહાર આવ્યો હતો. પીઆઈએની ઉડ્ડાણક્રમાંક પીકે-783માં કરાંચીથી ટૉરન્ટો પહોંચેલા ફ્લાઇ ઍટેન્ડન્ટ જિબ્રાન બલૂચે ઉડ્ડાણક્રમાંક પીકે-782 મારફત પરત ફરવાનું હતું.

ટૉરન્ટોના પિયરસન હવાઇમથકના ટર્મિલ નંબર ત્રણ પરથી વિમાન ઉડાન ભરવાનું હતું, પરંતુ જિબ્રાન 'લાપતા' હતા. તેઓ પૂર્વનિર્ધારિત સમયે હોટલેથી ઍરપૉર્ટ માટે નહોતા નીકળ્યા.

પાકિસ્તાનમાંથી પ્રકાશિત થતા અખબાર ડૉનના અહેવાલ અનુસાર ઍરલાઇન્સ કંપનીના કર્મચારીઓએ હોટલના રુમમાં જિબ્રાનની શોધખોળ હાથ ધરી, તો તેઓ 'ગાયબ' હતા. અખબારના અહેવાલ અનુસાર, અધિકારીઓને તેમના કોઈ સગડ ન મળ્યા.

અખબાર લખે છે કે આ ઘટનાના અમુક દિવસ પછી કંપનીમાં ઍરહોસ્ટેસ તરીકે કામ કરતાં મરિયમ રઝા પણ આવી જ રીતે ટૉરન્ટોમાં પોતાની હોટલના રુમમાંથી 'ગુમ' થઈ ગયાં.

પાકિસ્તાની ટેલિવિઝન ચૅનલ 'સમા'ના એક અહેવાલ અનુસાર કંપનીના અધિકારીઓને તેમના ડ્રેસ પાસે એક નોટ મળી હતી, જેની ઉપર લખેલું હતું, "થેન્ક યુ પીઆઈએ."

આવી જ રીતે જાન્યુઆરી-2024ની શરૂઆતમાં ઍરહોસ્ટેસ ફૈઝા મુખ્તાર પણ કૅનેડાથી પરત નહોતાં ફર્યાં.

ડૉનના એક રિપોર્ટ મુજબ, વર્ષ 2023માં પીઆએના સાત કૅબિન ક્રૂ મૅમ્બર કૅનેડામાં 'ગાયબ' થઈ ગયાં હતાં. બીજી બાજુ, 'ધ ઍક્સપ્રેસ ટ્રિબ્યૂન'ના રિપોર્ટ મુજબ, વર્ષ 2022માં પાંચ ક્રૂ મૅમ્બર 'ગાયબ' થઈ ગયા હતા.

પીઆઈએનું શું કહેવું છે?

પીઆઈએના પ્રવક્તા અબ્દુલ્લા ખાનના કહેવા પ્રમાણે, છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન ઍરલાઇન્સ કંપનીના ક્રૂ મૅમ્બર કૅનેડા પહોંચ્યા બાદ પાકિસ્તાન પરત ન ફર્યા હોય તેવી અનેક ઘટનાઓ ઘટી છે.

અગાઉ આવી ઘટનાઓ ક્યારેક-ક્યારેક જ ઘટતી હતી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન આવી ઘટનાઓમાં વધારો થયો છે.

એવું કહેવાય છે કે, પાકિસ્તાનની કથળતી જતી આર્થિક પરિસ્થિતિ તથા પીઆઈએના ખાનગીકરણને કારણે ગત અમુક વર્ષો દરમિયાન 'ગુમ' થઈ જવાની ઘટનાઓ વધી છે.

પીઆઈએના ખાનગીકરણની લગભગ ગત બે દાયકાથી ચર્ચા થઈ રહી છે, હવે આ દિશામાં પાકિસ્તાને પહેલીવખત પગલું લીધું હોવાનું મનાય છે.

પાકિસ્તાન માટે ઇન્ટરનૅશનલ મૉનિટરી ફંડના (આઈએમએફ) સાત અબજ ડૉલરના પ્રોગ્રામ હેઠળ આમ કરવું સરકાર માટે જરૂરી છે.

જોકે, પીઆઈએનું કહેવું છે કે કૅનેડામાં શરણાર્થી કાયદાનો વ્યાપ ખૂબ જ મોટો છે, જેનો ફાયદો પીઆઈએના કર્મચારીઓ ઊઠાવી રહ્યા છે.

જોકે, આ દરમિયાન અન્ય કોઈ ઍરલાઇન્સ કંપનીના કર્મચારીઓ કૅનેડામાં ગુમ થયા હોય, તેવા અહેવાલ સામે નથી આવ્યા.

કૅનેડામાં ઇમિગ્રેશન ઉપર નજર રાખનારા જાણકારોનું કહેવું છે કે આ સમસ્યા માત્ર પીઆઈએ કર્મચારીઓ કે પાકિસ્તાન પૂરતી મર્યાદિત નથી, પરંતુ અન્ય કેટલાક દેશોના લોકો પણ કૅનેડાના શરણાર્થી કાયદાઓનો ફાયદો લઈ રહ્યા છે.

પીઆઈએએ નિયમ બદલ્યા

વર્ષ 2021માં પીઆઈએએ તેના નિયમોમાં ફેરફાર કર્યો હતો અને આંતરરાષ્ટ્રીય ઉડાનના ક્રૂ મૅમ્બર માટે વિદેશી ઍરપૉર્ટ ઉપર પોતાનો પાસપૉર્ટ જમા કરાવી દેવાનું અનિવાર્ય કરી દેવાયું હતું.

પીઆઈએ દ્વારા યુવા ઍરહોસ્ટેસ્ટ તથા ઍટેન્ડન્ટ્સને આંતરરાષ્ટ્રીય ઉડાનો ઉપર નહીં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કંપનીના પ્રવક્તાનું કહેવું છે કે આ પગલાંની કોઈ દેખીતી અસર નથી થઈ. આ અંગે કંપનીએ એક તપાસ સમિતિનું ગઠન કર્યું છે તથા ચાલકદળની ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે.

પ્રવક્તાના કહેવા પ્રમાણે, "અમે આ અંગે કૅનેડાના અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને તેમને ચાલકદળના સભ્યો અંગે વિસ્તૃત માહિતી આપી છે."

આમ છતાં પીઆઈએના કર્મચારીઓ માટે 'ગુમ' થઈ જવા કૅનેડા કેમ પસંદગીપૂર્ણ દેશ બની ગયો છે?

આ સવાલનો જવાબ જાણવા માટે બીબીસીએ ગત વર્ષે ટૉરેન્ટોમાં અધિકારીઓ, પીઆઈએ તથા અન્ય ઍરલાઇન કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ તથા કૅનેડામાં ઇમિગ્રેશન બાબતે કામ કરનારા એક વકીલ સાથે વાત કરી હતી.

કૅનેડા 'પસંદગીનો દેશ' કેમ?

ટૉરેન્ટોનું પિયરસન ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ ઑન્ટારિયો પ્રાંતના પીલ પ્રાંતીય પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.

બીબીસીએ પીલ પોલીસને પૂછ્યું કે શું પીઆઈએના 'ગુમ' થયેલા ક્રૂ મૅમ્બર્સ વિશે કોઈ રિપોર્ટ દાખલ કરાવવામાં આવી છે?

પીલ પોલીસના પ્રવક્તા રિચર્ડ ચીને ઈ-મેઇલ ઉપર બીબીસીને જણાવ્યું, "અમે અમારા ઍરપૉર્ટ સેક્શન પાસેથી માહિતી મેળવી છે કે પીલ પોલીસને ગુમ થયેલી વ્યક્તિ સંબંધે કોઈ કૉલ નથી આવ્યો."

તેમણે કહ્યું, "સામાન્ય રીતે પરિવારનો કોઈ સભ્ય કે ઓળખીતી વ્યક્તિ ગુમ થવા વિશે રિપોર્ટ નોંધાવવા પોલીસનો સંપર્ક સાધે છે. જો ઍરલાઇનના કર્મચારી આશ્રય મેળવવા માટે 'ગુમ' થઈ રહ્યા હોય, તો આના વિશે કૅનેડા સરહદ એજન્સીનો (સીબીએસએ) સંપર્ક સાધી શકાય છે."

જોકે, સીબીએસએનાં પ્રવક્તા કૅરેન મોર્ટેલે ઇ-મેઇલ ઉપર બીબીસીને જણાવ્યું કે સીબીએસએ કોઈ વ્યક્તિ કે તેના વિશે ટિપ્પણી નથી કરતું, કારણ કે કોઈ વ્યક્તિની સરહદ તથા ઇમિગ્રેશન સંબંધિત માહિતીને અંગત માનવામાં આવે છે અને નિજતાના કાયદા હેઠળ હોય છે.

કંઈક આવો જ જવાબ કૅનેડાના ઇમિગ્રેશન, રૅફ્યૂજી એન્ડ સિટીઝનશિપ ડિપાર્ટમેન્ટે (આઈઆરસીસી) આપ્યો. વિભાગે ઇ-મેઇલ ઉપર બીબીસીને જણાવ્યું કે ગુપ્તતાના કાયદાની જોગવાઈઓને કારણે તે વ્યક્તિગત મામલે ટિપ્પણી ન કરી શકે.

વિદેશી ઉડાનોના ક્રૂ મૅમ્બર્સ માટેના નિયમ

કૅરેન માર્ટેલે કૅનેડામાં આવતી ઉડ્ડાણોના ક્રૂ મૅમ્બર્સ ઉપર કેવા પ્રકારના કૅનેડાના કેવા કાયદા લાગુ થાય, તેના વિશે માહિતી આપી.

આઈઆરસીસીના નિયમો હેઠળ જે વ્યક્તિ વિમાન ઉડાડે છે અથવા તો તેનો ક્રૂ મૅમ્બર હોય, તેમને કૅનેડામાં પ્રવેશ કરવા કે રહેવા માટે હંગામી વિઝા લેવાની જરૂર નથી. પરંતુ તેના માટે કૅનેડા તથા અન્ય દેશ (જ્યાંથી ફ્લાઇટ આવી હોય) તે દેશ અંગે વિઝાકરાર થયા હોય, તે જરૂરી છે.

સીબીએસએનાં પ્રવક્તા કૅરેન માર્ટેલનાં કહેવા પ્રમાણે, જો કોઈ વિદેશી ફ્લાઇટ કૅનેડામાં આવી હોય તથા અહીં પહોંચ્યા બાદ કર્મચારી તેનું કામ છોડી દે, તો ઍરલાઇન કંપનીએ આના વિશે સીબીએસએને માહિતી આપવી પડે છે.

જ્યારે કોઈ ઍરલાઇન કર્મચારી અચાનક 'ગુમ' થઈ જાય અને તેણે નોકરી મૂકી દીધી છે, એવું પાક્કું થઈ જાય, ત્યારે આ નિયમ લાગુ પડે છે.

કૅનેડાના નિયમ મુજબ, "જો કોઈ કર્મચારીને પદ પરથી હઠાવવામાં આવે અથવા તે 72 કલાકની અંદર કૅનેડા છોડી ન દે, તો ઍરલાઇન કંપનીઓએ આના વિશે કૅનેડાના અધિકારીઓને જાણ કરવાની રહે છે."

સીબીએસએના પ્રવક્તાનું કહેવું છે કે કાયદેસરનાં કાગળિયાં વગરનો કોઈ કર્મચારી કૅનેડામાં ન પ્રવેશે, તે જોવાની ફરજ ઍરલાઇન કંપનીઓની હોય છે. જેમની પાસે કાયદેસરનાં કાગળિયાં ન હોય અથવા તો આ નિયમોનો ભંગ કરે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

કૅનેડામાં કર્મચારીઓનું ગાયબ થઈ જવું

બીબીસીએ પીઆઈએ અને અન્ય ઍરલાઇન કંપનીઓમાં કામ કરતા વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ સાથે વાત કરી હતી અને કૅનેડામાં કર્મચારીઓ આટલી આસાનીથી કેમ ગાયબ થઈ જાય છે તે જાણવા પ્રયાસ કર્યો હતો.

તેઓ બધા માને છે કે કૅનેડામાં કાયદા અને અગાઉથી હાજર મજબૂત નેટવર્કના કારણે આવી ઘટનાઓને રોકવી આસાન નથી હોતી.

ડૉક્યુમેન્ટ્સના કારણે પણ એક મુશ્કેલી પડે છે. સામાન્ય રીતે ઍરલાઇનના કર્મચારીઓનાં ડૉક્યુમેન્ટ્સ બીજા પ્રવાસીઓ કરતા અલગ હોય છે. ઍરલાઇન કર્મચારીઓને સંબંધિત દેશના વિઝાની જરૂર નથી હોતી. તેઓ એક જનરલ ડિક્લેરેશન દ્વારા આ દેશોની મુલાકાત લઈ શકે છે.

ઇન્ટરનૅશનલ સિવિલ ઍવિયેશન ઑર્ગેનાઇઝેશન મુજબ આ ડૉક્યુમેન્ટ્સમાં ક્રૂ મેમ્બરની માહિતી, વિમાનનું રજિસ્ટ્રેશન નંબર, ફ્લાઇટની આવનજાવનની માહિતી હોય છે.

આ ડૉક્યુમેન્ટ્સ અસલમાં ઇમિગ્રેશન અધિકારીઓ માટે એક પ્રકારની 'ગૅરંટી' છે કે ક્રૂ મેમ્બર્સ નિશ્ચિત સમયમાં દેશ છોડી દેશે.

પીઆઈએના અધિકારીઓએ જણાવ્યું કે, "જ્યારે કોઈ ક્રૂ મેમ્બર લાપતા થાય, ત્યારે તેઓ આની ગંધ પણ આવવા નથી દેતા. આ બહુ ગુપ્ત રીતે કરવામાં આવે છે. તેમણે પહેલેથી તે દેશમાં હાજર લોકો સાથે ચર્ચા કરી લીધી હોય છે."

તેઓ કહે છે, "આ એક દિવસમાં લેવાયેલો નિર્ણય નથી હોતો, પરંતુ મહિનાઓની યોજના અને કૅનેડામાં એજન્ટોના નેટવર્ક સાથે કાગળિયા તૈયાર કરાવ્યાં પછી તેઓ આ પગલું ભરે છે."

એક પ્રાઇવેટ ઍરલાઇન કંપનીના કૉમર્શિયલ પાઇલટે બીબીસીને જણાવ્યું કે, પીઆઈએમાં નિયમનની પ્રક્રિયા બીજી કંપનીઓની તુલનામાં એટલી સખત નથી, આ પણ એક કારણ હોઈ શકે છે.

આ ઉપરાંત પાકિસ્તાનનાં અર્થતંત્ર અને પીઆઈએને લગતી અનિશ્ચિતતા પણ આની પાછળનાં કારણો છે.

ઍરલાઇનના અધિકારીઓએ જણાવ્યું કે દુનિયાભરમાં ઍરલાઇનના ક્રૂ મેમ્બર્સ માટે લાંબી ઉડાન દરમિયાન દેશમાં યાત્રા કરવા અથવા સ્વજનોને મળવા પર કોઈ પ્રતિબંધ નથી હોતા.

પરંતુ કૅનેડા જ શા માટે?

કૅનેડાસ્થિત ઇમિગ્રેશન વકીલ મેહરીન રઝા છેલ્લા બે દાયકાથી કૅનેડામાં શરણાર્થીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

તેમણે ઑન્ટારિયોમાં સાઉથ એશિયા લીગલ ક્લિનિક શરૂ કરી છે, જેઓ બીજા દેશમાં શરણ લેવાનો ખર્ચ ઉઠાવી ન શકે એવા લોકોની મદદ કરે છે.

મેહરીન રઝાએ બીબીસીને જણાવ્યું કે, "પીઆઈએના ક્રૂ મેમ્બર્સને લગતા રિપોર્ટ અમે જોયા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી અલગ અલગ આધાર પર કૅનેડામાં શરણ લેવા માટે પાકિસ્તાન સહિત અન્ય દેશોના લોકોની અરજીઓ વધી છે."

તેઓ કહે છે, "કૅનેડાનો કાયદો કહે છે કે આશરો માંગનારને કોઈ પણ રીતે શંકાની નજરે જોઈ શકાય નહીં. અમે આ અંગે ટ્રેનિંગ્સ પણ યોજી છે. શક્ય છે કે વ્યક્તિ અહીં આવીને લગ્ન કરી લે અને પોતાના જીવનસાથીની મદદથી સ્પાઉઝ વિઝા અથવા પર્મેનન્ટ વિઝા મેળવી લે."

કૅનેડાના ઇમિગ્રેશન ઍન્ડ રેફ્યુજી બોર્ડના આંકડા પ્રમાણે 2023માં કૅનેડાના અધિકારીઓને શરણ માંગવાને લગતી 1.44 લાખ અરજીઓ મળી હતી. 2022ના વર્ષની તુલનામાં આ અરજીઓ 57 ટકા વધારે હતી.

તેમાંથી 4832 અરજીઓ પાકિસ્તાનથી હતી. ગયા વર્ષની 1894 અરજીઓ કરતા તે 60 ટકા વધુ છે.

ઇમિગ્રેશન સલાહકાર અબ્દુલ્લા બિલાલ છેલ્લાં કેટલાંક વર્ષથી કૅનેડામાં ઇમિગ્રેશન કન્સલ્ટન્સીમાં કામ કરે છે.

બીબીસીએ આ અંગે કહ્યું કે "કૅનેડાના કાયદા પ્રમાણે તમે દેશમાં જ્યાંથી એન્ટ્રી કરો, ત્યાં તમે શરણ માટે અરજી કરી શકો છો. ત્યાર પછી દેશમાં પ્રવેશ કર્યા બાદ તમે કોઈની સાથે રહો છો અને શરણ માટે કેસ ફાઇલ કરી શકો છો."

"આ આખી પ્રક્રિયામાં કેટલાંક વર્ષનો સમય લાગી શકે છે. તમને કોઈ કારણથી શરણ આપવામાં ન આવે તો અપીલ કરી શકો છો."

શરણ દેવાની પ્રક્રિયા વિશે અબ્દુલ્લા બિલાલ કહે છે, "સરકાર તરફથી પહેલાં અરજીની સમીક્ષા કરવામાં આવે છે, પછી તેને રેફ્યૂજી પ્રૉટેક્શન ડિવિઝન મોકલવામાં આવે છે. તમારી અરજી રિજેક્ટ થાય તો તમે અપીલ કરી શકો છો. આ દરમિયાન તમે કામ કરી શકો છો અને તમને મફતમાં સારવાર જેવી સુવિધાઓ મળે છે. લોકો અહીં લગ્ન પણ કરે છે અને સ્પૉન્સર પણ હોઈ શકે છે."

તેઓ કહે છે કે કૅનેડામાં રેફ્યૂજી સર્વિસ સુધી તમારી પહોંચ હોય છે અને કેટલાક મામલામાં આ પ્રક્રિયાનો ખર્ચ પૂરો કરવા માટે વ્યક્તિ ધાર્મિક સંસ્થાઓની મદદ લઈ શકે છે.

મેહરીન અને બિલાલ બંનેએ કહ્યું કે ઘણી વખત શરણ માગતા લોકો આના માટે ખોટાં કારણો આપે છે. તેના કારણે જેઓ હકીકતમાં શરણ મેળવવાના હકદાર હોય તેમને અસર થાય છે.

મેહરીન રઝાએ બીબીસીને જણાવ્યું કે શરણ માંગવાનાં કારણોમાં "ધર્મ, જાતીય ઝુકાવ, રાજકીય અથવા પારિવારિક આધારથી નિશાન બનાવવું" વગેરે સામેલ હોઈ શકે છે.

અબ્દુલ્લા બિલ્લા કહે છે, કૅનેડામાં શરણ લેવાની પ્રક્રિયાનું હવે વ્યવસાયીકરણ થઈ રહ્યું છે. તેઓ કહે છે કે લોકો વિઝિટર વિઝા પર આવે છે અને પછી આશરો લેવાની અરજી કરી દે છે."

તેઓ કહે છે કે માત્ર પાકિસ્તાની જ નહીં, પરંતુ ભારત, ઈરાન, નાઇજિરિયા, મૅક્સિકો જેવા બીજા દેશોમાંથી પણ લોકો કૅનેડામાં શરણ લેવા માંગે છે, પરંતુ તેનાં કારણોની પુષ્ટિ કરવી મુશ્કેલ છે.

તેઓ કહે છે કે, "જો કોઈ પોતાને સમલૈંગિક કહે, તો આ દાવાની ચકાસણી કેવી રીતે થઈ શકે? ધાર્મિક લઘુમતીના આધારે જોખમોના દાવાની પુષ્ટિ કરવી પણ મુશ્કેલ છે."

પીઆઈએએ મુશ્કેલીના ઉકેલ માટે શું કર્યું?

આ અંગે પીઆઈએના વહીવટીતંત્રના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે બીબીસીને કહ્યું કે "આને રોકવા માટે બૉન્ડ લેવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ તેની કોઈ અસર નથી થઈ."

તેઓ કહે છે કે "કર્મચારીઓ પાસેથી બૉન્ડ લેવામાં આવ્યા પરંતુ તેની કોઈ અસર નથી થઈ, લોકોનું 'ગાયબ' થવાનું અટક્યું નથી."

પીઆઈએના અધિકારી કહે છે, "લાપતા થયેલા લોકોના પરિવારો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા અંગે પણ વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેને બિનવ્યવહારુ ગણીને તેને છોડી દેવાયો. અદાલત તેને એક મિનિટમાં ફગાવી દેશે."

તેઓ કહે છે, "આ રીતે ગાયબ થયેલા કર્મચારીઓને રેડ ફ્લાય લિસ્ટમાં નાખવાની વાત થઈ હતી. પરંતુ મુશ્કેલી એ છે કે આ લોકોને ડિપૉર્ટ કરવામાં નથી આવ્યા. કેટલાંક વર્ષો પછી બીજા કોઈ દેશના પાસપૉર્ટ પર યાત્રા શરૂ કરી દે છે. તમે તેને રોકી શકતા નથી."

ઍરપૉર્ટ પર પાસપૉર્ટ જમા કરવાની પ્રક્રિયા વિશે મેહરીન રઝા કહે છે, "શરણ લેવા ઇચ્છતા લોકો પાસપૉર્ટને સૌથી પહેલાં નષ્ટ કરી દે છે. તેથી તેનો કોઈ ઉપયોગ નથી."

તેઓ કહે છે કે, "આ સમસ્યાનું સમાધાન બંને દેશોના અધિકારીઓની વાતચીતના માધ્યમથી કાઢવાનું રહેશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન