ઉદ્ધવ ઠાકરેનું રાજકારણ બાલ ઠાકરેથી કેટલું અલગ, મુસ્લિમોની નજીક જવાથી કેટલો ફાયદો?

ઇમેજ સ્રોત, PUNEET KUMAR/BBC
- લેેખક, અંશુલસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા, મુંબઈથી પરત ફરીને
અબ્દુલ હમીદ નાગપુરના રહેવાસી છે, પરંતુ તેઓ છેલ્લાં 28 વર્ષથી મુંબઈમાં ટૅક્સી ચલાવે છે.
હાલની મહારાષ્ટ્રની ચૂંટણી વિશે તેમનું કહેવું છે કે ચૂંટણી ખીચડો બની ગઈ છે, કોણ કોની સાથે છે તે નક્કી કરવું મુશ્કેલ બની ગયું છે.
ઉદ્ધવ ઠાકરે હાલમાં મુસ્લિમો નજીક જવાનો પ્રયાસ કરે છે. તેના વિશે અબ્દુલ હમીદ કહે છે, “ઉદ્ધવની શિવસેના કૉંગ્રેસ સાથે છે, તેથી તે ભાજપ જેવો હિન્દુત્વ રજૂ કરી શકે નહીં. મુસ્લિમો ભાજપ વિરુદ્ધ મત આપે છે, તેથી શિવસેનાને કૉંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ફાયદો મળે છે અને મુસલમાનોના મત મળવાની શક્યતા વધી જાય છે."
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન થવાનું છે. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે હતા.
હવે ઉદ્ધવ ઠાકરે અને ભાજપ આમને-સામને છે. ભાજપથી અલગ થયા બાદ ઉદ્ધવ ઠાકરેએ પણ પોતાની રાજકીય વ્યૂહરચના બદલી છે. મુસ્લિમો નજીક જવાનો તેમનો પ્રયાસ આ વ્યૂહરચનાનો એક ભાગ છે.
મુંબઈનો નરીમાન પૉઇન્ટ. અહીં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)નું મહારાષ્ટ્ર રાજ્ય સંપર્ક કાર્યાલય 'શિવાલય' આવેલું છે.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અને એનસીપી (શરદ પવાર)ના નેતા જિતેન્દ્ર આવ્હાડ અહીં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.
ત્યારબાદ ગળામાં શિવસેના (યુબીટી)નો પટ્ટો નાખીને અને માથે ટોપી પહેરેલા કેટલાક મુસ્લિમ કાર્યકરોએ જિતેન્દ્ર આવ્હાદ સાથે ફોટા પડાવવાનું શરૂ કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મારી બાજુમાં ઊભેલા એક સ્થાનિક પત્રકારે કહ્યું, "આ શિવસેના હવે બાળ ઠાકરેની શિવસેના નથી રહી."
શું ઉદ્ધવનું રાજકારણ બદલાઈ રહ્યું છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મે મહિનામાં લોકસભાની ચૂંટણી દરમિયાન ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં ચેમ્બુર નજીક ચિતા કૅમ્પ નામની જગ્યાએ પહોંચ્યા હતા.
આ વિસ્તારમાં મુસ્લિમોની સારી એવી વસ્તી છે અને ઉદ્ધવે અહીં મરાઠીના બદલે હિન્દીમાં ભાષણ આપ્યું હતું.
મુસ્લિમ મતદારોને સંબોધતા ઉદ્ધવે કહ્યું છે, "હું કદાચ પહેલી વાર તમારી સામે આવ્યો છું, કારણ કે આપણી વચ્ચે એક દીવાલ હતી. આપણે એકબીજા સાથે લડતા હતા. હું તમને એક પ્રશ્ન પૂછું છું કે શું મેં હિંદુત્વ છોડી દીધું છે?"
“શું તમને મારું હિંદુત્વ મંજૂર છે? મારા હિંદુત્વ અને ભાજપના હિંદુત્વમાં ફરક છે કે નહીં? હું પણ જયશ્રી રામ બોલું છું. પણ મારું હિંદુત્વ હૃદયમાં રામ અને દરેક હાથને કામ આપતું હિંદુત્વ છે. અમારું હિંદુત્વ ઘરનો ચૂલો પેટાવતું હિંદુત્વ છે, ઘરને બાળતું હિંદુત્વ નથી."
લોકસભાની ચૂંટણી દરમિયાન ઉદ્ધવ ઠાકરે શિવસેના ભવનમાં મુસ્લિમ મતદારોને મળ્યા અને તેમને જણાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ બંધારણ બચાવવા માગે છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં રાયગઢ જિલ્લામાં મુસ્લિમોએ ઉદ્ધવ ઠાકરેને મરાઠીમાં લખાયેલું કુરાન ભેટમાં આપ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે, "મને મરાઠીમાં કુરાન આપવામાં આવ્યું હતું. આ જ આપણું હિંદુત્વ છે. તેથી કોઈએ અમારા હિંદુત્વ પર શંકા કરવી ન જોઈએ."
મુસ્લિમ મતદારો સુધી પહોંચવાના ઉદ્ધવ ઠાકરેના આ પ્રયાસ તેમના પિતા બાળ ઠાકરેની રાજનીતિથી સાવ અલગ છે.
આનું કારણ શું છે અને શું આ પ્રયાસો સફળ થઈ રહ્યા છે?
મુસ્લિમ મતદારો ઉદ્ધવના આ પ્રયત્નો વિશે શું માને છે? શું શિવસેનાની પરંપરાગત વોટબૅન્ક પર તેની કોઈ અસર થઈ રહી છે?
આ વિશે વાત કરતા પહેલાં જાણી લઈએ કે બાળ ઠાકરેના રાજકારણમાં મુસ્લિમ મતદારોનું કેવું સ્થાન હતું?
બાળ ઠાકરેનું રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images
1987માં મુંબઈના વિલે પાર્લેની પેટાચૂંટણી વખતે બાળ ઠાકરેએ એક સભામાં કહ્યું હતું કે, "અમે આ ચૂંટણી હિંદુઓને બચાવવા માટે લડી રહ્યા છીએ. અમને મુસ્લિમ મતોની પરવા નથી. આ દેશ હિંદુઓનો છે અને તેમનો જ રહેશે. "
તે ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર રમેશ પ્રભુની જીત થઈ હતી, પરંતુ 1989માં બૉમ્બે હાઈકોર્ટે બાળ ઠાકરે અને રમેશ પ્રભુ બંનેને ઉશ્કેરણીજનક ભાષણના કેસમાં દોષી ઠેરવ્યા અને પરિણામ રદ કર્યું હતું.
રમેશ પ્રભુએ હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ ડિસેમ્બર 1995માં સુપ્રીમ કોર્ટે બૉમ્બે હાઈકોર્ટના નિર્ણયને યથાવત્ રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જગદીશ સરન વર્માએ આ કેસમાં સજા તરીકે બાળ ઠાકરેને 1995થી 2001 સુધી મતદાન કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.
એક સમય એવો પણ હતો જ્યારે બાળ ઠાકરેએ મુસ્લિમોનો મતાધિકાર રદ કરવાની વાત કરી હતી. શિવસેનાએ પણ વર્ષ 2015માં બાળ ઠાકરેની આ માગને દોહરાવી હતી.
તે સમયે શિવસેનાના નેતા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં લખ્યું હતું કે, “જ્યાં સુધી મુસ્લિમોનો વોટબૅન્ક તરીકે ઉપયોગ થતો રહેશે ત્યાં સુધી તેમનું કોઈ ભવિષ્ય નથી. આ કારણે જ બાળ ઠાકરેએ મુસ્લિમોનો મતાધિકાર છીનવી લેવાની માગ કરી હતી. જે દિવસે મુસ્લિમોનો મતાધિકાર છીનવી લેવામાં આવશે, તે દિવસે 'ધર્મનિરપેક્ષ' હોવાનો દાવો કરનારાઓના ચહેરા પરથી મહોરું હઠી જશે"
ઉદ્ધવ ઠાકરેનો આ ‘મુસ્લિમ પ્રેમ’ પણ બહુ જૂનો નથી
એપ્રિલ, 2023માં એક પત્રકારપરિષદમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, "જે દિવસે બાબરી મસ્જિદ પાડવામાં આવી, તે દિવસે હું બાળાસાહેબ પાસે ગયો હતો. તેમણે કહ્યું કે બાબરી મસ્જિદ પડી ગઈ છે. ત્યારપછી મને સંજય રાઉતનો ફોન આવ્યો. બાળાસાહેબે તેમને કહ્યું કે જો શિવસૈનિકોએ બાબરી મસ્જિદ તોડી હોય તો તેમને ગર્વ છે."
જોકે, બીજી તરફ ઉદ્ધવ ઠાકરે હવે રાજ્યભરના મુસ્લિમ મતદારોને પોતાની સાથે આવવાની અપીલ કરતા જોવા મળી રહ્યા છે. તેમની ચૂંટણીસભાઓ અને મુલાકાતોમાં મુસ્લિમ સમુદાયના મતદારો પણ સારી એવી હાજરી ધરાવે છે.
આ વ્યૂહરચના અસરકારક સાબિત થશે?

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદે પણ મુસ્લિમો પ્રત્યે ઉદ્ધવના વલણની ટીકા કરતા રહે છે.
શિંદે એક સમયે ઉદ્ધવ ઠાકરે સાથે હતા, પરંતુ શિવસેનાના ભાગલા પડ્યા ત્યારે તેઓ ભાજપમાં જોડાયા અને રાજ્યના મુખ્ય મંત્રી બની ગયા.
12મી ઑક્ટોબરે એકનાથ શિંદેએ કહ્યું હતું કે, "સત્તાની ભૂખ તમારા (ઉદ્ધવ)નાં શરીર અને મનમાં ઘૂસી ગઈ છે. હવે તમે પાકિસ્તાનની વાણી બોલવા લાગ્યા છો. બાળાસાહેબ એક મિનિટ પણ આમની સાથે રહ્યા ન હોત. હવે એઆઈએમઆઈએમ અને શિવસેના (યુબીટી)માં કોઈ તફાવત નથી રહ્યો.
ગયા ગુરુવારે ચૂંટણીપ્રચાર દરમિયાન રાજ ઠાકરેએ કહ્યું કે, "મુખ્ય મંત્રી બન્યા પછી ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાનાં હૉર્ડિંગ્સમાંથી 'હિંદુ હૃદયસમ્રાટ' હટાવી દીધું, કારણ કે કૉંગ્રેસ અને એનસીપીને હિંદુ શબ્દ પસંદ નહોતો. ઘણાં હૉર્ડિંગ્સમાં તો ઉર્દૂમાં 'જનાબ બાળાસાહેબ ઠાકરે' લખેલું હતું.
ઉદ્ધવે પણ પ્રતિક્રિયા આપી અને રાજ ઠાકરેને હજ ઠાકરે કહ્યા હતા.
ઉદ્ધવે કહ્યું, "રાજ ઠાકરેની પાર્ટીએ મુસ્લિમોને હજમાં રાહત આપવાની માગણી કરી હતી. તે સમયે રાજ ઠાકરેને હજ ઠાકરે કહેવાતા હતા."
ભાજપના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ રાજ ઠાકરેના કટાક્ષનું પુનરાવર્તન કર્યું છે.
તેમણે કહ્યું, “વોટની મજબૂરીને કારણે જો કોઈ 'હિન્દુ હૃદયસમ્રાટ શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે'ને 'જનાબ બાળાસાહેબ ઠાકરે' કહેશે, તો અમે તેને સહન નહીં કરીએ. અમે વોટ માટે લાચાર થનારા લોકો નથી."
વરિષ્ઠ પત્રકાર જયદેવ ડોલે કહે છે, "ઉદ્ધવ જ્યારથી મહાવિકાસ અઘાડી અથવા ઇન્ડિયા ઍલાયન્સમાં જોડાયા છે, ત્યારથી તેઓ સમજી ગયા છે કે હિંદુત્વનો મુદ્દો હવે પ્રાદેશિક પક્ષો માટે યોગ્ય નથી."
"અગાઉ તેમની પાર્ટી મુસ્લિમો અને ડાબેરીઓને બહુ ભાંડતી હતી, પણ હવે એવું નથી. હિંદુત્વની રાજનીતિ કરવી હોય તો હવે તો તેમાં ભાજપ શ્રેષ્ઠ વિકલ્પ બની ગયો છે.

મહારાષ્ટ્રમાં લગભગ 12 ટકા મુસ્લિમ મતદારો છે અને મુંબઈમાં મુસ્લિમ વસતી લગભગ 22 ટકા છે.
ઉદ્ધવ ઠાકરેના મુસ્લિમોને સાથે લેવાના અભિયાન અંગે તેમની પાર્ટીના વરિષ્ઠ નેતા અનિલ પરબ કહે છે, “બાળાસાહેબના વકીલો, ડૉક્ટરો અને ઘણા નેતાઓ મુસ્લિમ હતા. બાળાસાહેબ ક્યારેય મુસ્લિમોના વિરોધી નહોતા. તેમનું કહેવું હતું કે ભારતમાં રહીને પાકિસ્તાન જિંદાબાદ ન કરો અને અમારો પણ આજે એ જ મુદ્દો છે. શિવસેના (યુબીટી) હંમેશાં બાળાસાહેબના હિંદુત્વ પર આગળ વધશે.
મુસ્લિમોને શિવસેનાની નજીક લઈ જવામાં વરિષ્ઠ પત્રકાર અને લેખક પ્રકાશ અકોલકર મહાવિકાસ અઘાડીની ભૂમિકાને મહત્ત્વપૂર્ણ માને છે.
પ્રકાશ અકોલકર કહે છે કે, “2024ની ચૂંટણી સ્પષ્ટ રીતે વિભાજિત હતી. કાં તો તમે મોદીની સાથે છો અથવા નથી. 1992-93માં બાબરી ધ્વંસ પછી મુંબઈમાં રમખાણો થયાં, ત્યારબાદ મુસ્લિમોએ ક્યારેય શિવસેનાને મત આપ્યો ન હતો. પરંતુ આ વખતે તેમણે મત આપ્યા. લોકસભાની ચૂંટણીને હવે છ મહિના વીતી ગયા છે અને મુદ્દા પણ બદલાઈ ચૂકયા છે."
શું ઉદ્ધવની પરંપરાગત મતબૅન્ક તેમના હાથમાંથી નીકળી જશે?

ઇમેજ સ્રોત, Getty Images
શું મુસલમાનો પ્રત્યે કૂણા વલણથી શિવસેનાના હિંદુ વોટબૅન્ક પર કોઈ અસર પડી શકે છે?
વરિષ્ઠ પત્રકાર સુધીર સૂર્યવંશી કહે છે, "જેટલા હિંદુ વોટબૅન્ક ખસવાના હતા ખસીને એકનાથ શિંદેની સાથે ચાલ્યા ગયા છે. જે લોકોને લાગે છે ઉદ્ધવ ઠાકરેનું હિંદુત્વ યોગ્ય છે, તે આજે ઉદ્ધવ ઠાકરેની સાથે છે. મુસ્લિમ વોટબૅન્કના કારણે ઉદ્ધવને કેટલીક લોકસભા સીટો પર ફાયદો થયો છે, તેથી આ તેમના પક્ષમાં જ છે.”
બાળ ઠાકરે ઘણી વખત મુસલમાનો અને દેશદ્રોહને સાથે જોડતા હતા. એક સમયે તો તેમણે મુસ્લિમોને ‘લીલું ઝેર’ પણ કહ્યા હતા.
જોકે, પાંચ વર્ષ પહેલાં ડિસેમ્બર 2019માં ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર વિધાનસભામાં મુખ્ય મંત્રી તરીકે એ સ્વીકારી ચૂક્યા છે કે ધર્મને રાજકારણ સાથે જોડવું એ તેમની એક ભૂલ હતી અને તેમને આનાથી નુકસાન થયું છે.
આ જ વર્ષે લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેએ એક પણ મુસ્લિમ ઉમેદવારને ઉતાર્યા ન હતા. વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે માત્ર એક મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. હારુન ખાન મુંબઈની વર્સોવા બેઠક પરથી શિવસેના (યુબીટી)ના ઉમેદવાર છે.
મુસ્લિમ સમાજનો મત
સામાજિક કાર્યકર ઝૈદ ખાનનું કહેવું છે કે કૉંગ્રેસ અને શિવસેના (યુબીટી)ને મુસ્લિમ સમુદાયના મત તો જોઈએ છે, પરંતુ તેમને પ્રતિનિધિત્વ દેવા માગતા નથી.
ઝૈદ ખાનનું કહેવુ છે, “બાળાસાહેબના સમયે અમને ખબર હતી કે તેમને મુસ્લિમોના વોટની જરૂર ન હતી. પરંતુ ઉદ્ધવ ઠાકરેથી અમને ઘણી આશાઓ હતી. લોકસભામાં મુસ્લિમોએ તેમને પૂરા ઉત્સાહથી વોટ આપ્યા હતા, પરંતુ આખા મહાવિકાસ અધાડીએ એક પણ મુસ્લિમને ટિકિટ આપી ન હતી.”
“આ વખતે વિધાનસભા ચૂંટણીમાં આશાઓ હતી. મહારાષ્ટ્રમાં 12 ટકા મુસ્લિમો છે. આ હિસાબે 36 બેઠકો પર ટિકિટ મળવી જોઈએ, પરંતુ તેમને એટલી બેઠકો નથી મળી. ભાયખલા સીટ પર 41 ટકા મુસલમાનો છે અને શિવસેના (યુબીટી)એ અહીં મનોજ જામસુતકરને ટિકિટ આપી.”
આફાક અહમદ ધારાવીના મતદાતા છે અને ધારાવીમાં રહીને પત્રકારત્વ કરે છે.
શિવસેના અને મુસ્લિમ પ્રતિનિધિત્વના મામલે આફાક કહે છે, “ભાજપે જે હિંદુત્વનું વાતાવરણ બનાવેલું છે તેનાથી દરેક પાર્ટીને ડર લાગે છે. આ કારણથી જ શિવસેના પણ મુસ્લિમોને તેમની વસ્તીના પ્રમાણમાં ટિકિટ આપવા માગતી નથી. મુસ્લિમ સમાજ દિલથી નારાજગી રાખે છે, પરંતુ તે વિચારે છે કે પ્રતિનિધિત્વ નહીં તો ઓછામાં ઓછું અમારી વાત રજૂ કરવાવાળા કોઈ તો હોવા જોઈએ. ”
નસીમ સિદ્દીકી મહારાષ્ટ્ર લઘુમતી આયોગના અધ્યક્ષ (2004થી 2011) રહી ચૂક્યા છે અને એનસીપી (શરદ પવાર)ના રાષ્ટ્રીય પ્રવક્તા છે.
ટિકિટની વહેંચણી અંગે તેમનું માનવું છે કે શિવસેના સહિત બાકીના પક્ષોએ તેમને વસતી મુજબ ટિકિટ આપી નથી.
નસીમ સિદ્દીકી કહે છે કે, “શિવસેનાએ એક, શરદ પવારે બે તથા કૉંગ્રેસે 7-8 મુસ્લિમોને ટિકિટ આપી છે. મુસ્લિમ સમાજમાં નારાજગી છે, પરંતુ મુદ્દો એ છે કે કોઈ પણ રીતે મહાયુતિને રોકવામાં આવે. ભવિષ્યમાં અલગ-અલગ પદો પર મુસ્લિમોનું ધ્યાન રાખવામાં આવશે.”
બંને ‘સેનાઓ’ માટે કેટલી મહત્ત્વપૂર્ણ છે આ ચૂંટણી?

ઇમેજ સ્રોત, Getty Images
મુંબઈમાં શિવસેનાની આસપાસ ચૂંટણીની ચર્ચા કરતા લોકોની વચ્ચે એક મોટો સવાલ એ છે કે ‘અસલી શિવસેના’ કઈ છે?
જૂન 2022માં એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના ધારાસભ્યોમાંથી એક હિસ્સાએ બળવો કર્યો અને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેની સામે મોરચો ખોલી દીધો.
આ ધારાસભ્યોનું કહેવું હતું કે મહાવિકાસ અઘાડી ગઠબંધન શિવસેનાની અસલ વિચારધારાની વિરુદ્ધ છે.
ત્યાર બાદ શિંદે મુખ્ય મંત્રી બનતા જ અસલી શિવસેના કઈ તેની લડાઈ ચાલુ થઈ જે આજે પણ ચાલુ છે.
વરિષ્ઠ પત્રકાર સુધીર સૂર્યવંશી બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "હાલમાં મહારાષ્ટ્રના ઘણા લોકો માને છે કે શિંદેની પાસે ચોરી કરેલી શિવસેના છે. શિવસેના કોની છે તે આ વિધાનસભા ચૂંટણી દ્વારા નક્કી કરવામાં આવશે. અત્યારે તો અસલી શિવસેનાનો કેસ સુપ્રીમ કોર્ટમાં પૅન્ડિંગ છે, પરંતુ આ ચૂંટણીઓમાં જે વધુ સારું પ્રદર્શન કરશે, તેને જનતાની કોર્ટમાં અસલી શિવસેનાની મહોર લાગી જશે.”
ફેબ્રુઆરી 2023માં ચૂંટણીપંચે શિંદે જૂથને શિવસેનાનાં નામ અને ધનુષ-બાળ ફાળવ્યાં, જ્યારે ઉદ્ધવ ઠાકરેનો તર્ક હતો કે પક્ષપલટાને કારણે શિંદેના ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવા જોઈએ. હાલમાં અસલી શિવસેનાનો મામલો કોર્ટમાં પૅન્ડિંગ છે.
શિવસેના બે જૂથમાં વહેંચાયા બાદ આ પહેલી વિધાનસભાની ચૂંટણી છે. અગાઉ લોકસભા ચૂંટણીમાં બંને પાર્ટી એકબીજાની સામે આવી હતી.
તે વખતે શિંદેની શિવસેના 15 બેઠકો પર લડીને સાત સીટો જીતી હતી. ઉદ્ધવની શિવસેના (યુબીટી) 21 બેઠકો પર ચૂંટણી લડીને 9 બેઠક જીતી હતી.
બંને પાર્ટી 13 બેઠકો પર એકબીજાની સામે હતી. જેમાંથી સાત બેઠકો શિવસેના (યુબીટી) અને છ બેઠક શિંદે જૂથની શિવસેનાએ જીતી હતી.
રાજ્યની 45થી વધુ બેઠકો પર ઉદ્ધવ અને શિંદેની પાર્ટી સામ-સામે છે, જેમાંથી મુંબઈ શહેરમાં જ 11થી 12 બેઠકો પર બંને પાર્ટીનાં ઉમેદવારો એકબીજાની સામે ચૂંટણી લડી રહ્યા છે.
આ ઉપરાંત મરાઠવાડા અને કોંકણમાં આઠ, વિદર્ભમાં છ, ઉત્તર મહારાષ્ટ્રમાં ચાર અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં પણ ચાર બેઠકો પર બંનેના ઉમેદવારોની વચ્ચે સીધી ટકકર જોવા મળશે.
મહારાષ્ટ્રમાં શિવસેના (યુબીટી) 94 અને એકનાથ શિંદેની શિવસેનાનાં ચૂંટણીપ્રતીક ધનુષ-બાણ પર 78 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
જ્યારે શિવસેના અને મુસ્લિમ લીગ વચ્ચે જોડાણ થયું

ઇમેજ સ્રોત, Getty Images
લેખક અને પત્રકાર વૈભવ પુરંદરેના પુસ્તક ‘બાળ ઠાકરે ઍન્ડ રાઇઝ ઑફ શિવસેના’માં મુસ્લિમ લીગ સાથે ગઠબંધનનો ઉલ્લેખ મળે છે.
વૈભવ લખે છે, “વર્ષ 1972-73માં શિવસેનાએ રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (ગવઈ)ની સાથે મળીને મુંબઈ નગરનિગમની ચૂંટણી લડી. જોકે, શિવસેનાને મેયર બનાવવામાં કેટલીક બેઠકોની ઘટ પડી અને પછી શિવસેનાએ મુસ્લિમ લીગનું સમર્થન લીધું હતું. ત્યારબાદ શિવસેનાના નેતા સુધીર જોશી મુંબઈના મેયર બન્યા હતા.’
1970ના દાયકાના અંતમાં ફરી એક વાર શિવસેના અને મુસ્લિમ લીગના નેતાઓ મંચ પર દેખાયા. મુંબઇના નાગપાડા વિસ્તારમાં બંને પાર્ટીઓની મિટિંગ થઈ હતી અને ઉદ્ધવ ઠાકરે મુસ્લિમ લીગના ગુલામ મહમૂદ બનાતવાલાની સાથે એક મંચ પર સાથે રહ્યા હતા.
તે વખતે બાળ ઠાકરેએ પોતાના ભાષણમાં કહ્યું હતું, “હવેથી શિવસેના અને મુસ્લિમ લીગ પોતાના યોગ્ય અધિકારો માટે લડશે.”
આ ઘટનાનો ઉલ્લેખ યોગેન્દ્ર ઠાકુરના શિવસેના પર લખાયેલા પુસ્તકમાં મળે છે. જોકે આ ગઠબંધન બહુ લાંબો સમય ચાલ્યું ન હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












