ઑપરેશન, યુદ્ધ અને ગુલામ બનાવવા, કીડીઓની એ સંસ્કૃતિ જે માનવોને મળતી આવે છે

    • લેેખક, સુબાગુનમ કન્નન
    • પદ, બીબીસી સંવાદદાતા

કીડી અને માનવ સમુદાય વચ્ચે ઘણી બધી સમાનતા છે જેના વિશે ઘણું સંશોધન થઈ રહ્યું છે. સંશોધકોએ સામાજિક રચના અને આંતરવ્યક્તિત્વ સંબંધોમાં કીડી તથા માનવ સમુદાય વચ્ચેની સમાનતાની નોંધ લીધી છે. પરંતુ તાજેતરમાં થયેલી એક શોધે કીડીના વર્તનની જટિલ બાબતને પ્રદર્શિત કરી છે.

વૈજ્ઞાનિકોએ ફ્લોરિડા કાર્પેન્ટર કીડીઓમાં એક વિશિષ્ટ ઘટના નિહાળી છે જે બ્રાઉન રંગની પ્રજાતિ છે. એક મહત્ત્વના અભ્યાસમાં સંશોધકોએ જોયું કે સાથી કીડીનો જીવ બચાવવા માટે કીડીઓ તેનો પગ કાપી નાખે છે. તેમણે આ વિરલ ઘટનાનું દસ્તાવેજીકરણ કર્યું છે.

યુનિવર્સિટી ઑફ વુર્ઝબર્ગના બિહેવિયરલ ઇકોલોજિસ્ટ અને અભ્યાસના મુખ્ય લેખક એરિક ફ્રેન્કે લખ્યું છે કે, "પ્રાણીઓની દુનિયામાં આ પહેલો કિસ્સો છે કે જ્યાં એક પ્રાણી બીજાનો જીવ બચાવવા માટે તેના શરીરના ભાગને દૂર કરતા જોવા મળ્યા છે."

આ શોધ પ્રાણીઓમાં સર્જરીની એક નવીન ઘટના દેખાડે છે જેમાં બીજાને મદદ કરવા માટે અભૂતપૂર્વ વર્તન કરવામાં આવે છે. કીડીઓના સમુદાયમાં ઈજાગ્રસ્ત સાથી કીડીની સારસંભાળ કરવામાં આવી હોય અથવા પોતાની વસાહતને બચાવવા બલિદાન અપાયા હોય તેવું ઘણી વખત નોંધવામાં આવ્યું છે. પરંતુ જીવ બચાવવા માટે આવી સીધી કાર્યવાહી થઈ હોય તેનો આ પ્રથમ ડૉક્યુમેન્ટેડ કેસ છે.

આ અવલોકન કીડીની વર્તણૂક અને જટિલ, નિઃસ્વાર્થ કૃત્યો માટેની તેમની ક્ષમતા વિશે આપણી સમજણમાં ઉમેરો કરે છે.

ઘરઆંગણે ભયંકર યુદ્ધ

એક દિવસ મારા ઘરના દરવાજે મેં કીડીઓનું નાટકીય યુદ્ધ જોયું. એક કીડીએ બીજી કીડીનું માથું તેના પોતાના એન્ટેના પર ચડાવી દીધું હતું અને તે તેના નિર્જીવ શરીરને તેના પગથી ખેંચી રહી હતી. યુદ્ધની અંધાધૂંધી વચ્ચે આ દૃશ્ય જાણે વિજય પ્રદર્શન જેવું લાગતું હતું.

કુતૂહલના કારણે મેં નજીકથી જોયું તો તરત સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય અથડામણ નથી. તેમાં બે હરીફ કીડી વસાહતો વચ્ચેનો જોરદાર સંઘર્ષ ચાલતો હતો.

બેંગલુરુમાં એટીઆરઈઈના કીટકશાસ્ત્રી ડૉ. પ્રિયદર્શન ધર્મરાજને જણાવ્યું કે કીડીઓમાં લડાઈ સામાન્ય રીતે બે મુખ્ય કારણોથી થાય છે. એક જ પ્રજાતિની કીડીઓ અલગ-અલગ માળાઓમાંથી આવતી હોય તો તેમની વચ્ચે પણ સંઘર્ષ થઈ શકે છે. ઘણીવાર ખોરાક અને રહેઠાણ જેવાં સંસાધનોના કારણે આ લડાઈ થાય છે. મેં જે કીડીઓનું યુદ્ધ જોયું તેમાં પણ કદાચ આ કારણ હશે.

બીજી એક ઘટનામાં મેં અડીને આવેલા માળાઓમાંથી ખૂંધવાળી કીડીઓના સંઘર્ષનું અવલોકન કર્યું. તેમાં ખોરાકની લૂંટ કરવા માટે લડાઈ દેખાઈ હતી.

કીડીઓ વિવિધ કારણોસર સંઘર્ષમાં ઊતરે છે અને આ લડાઈઓ તેમની સમજવામાં મુશ્કેલ એવી સામાજિક વર્તણૂક વિશે મહત્ત્વની જાણકારી આપે છે.

ગુલામ બનાવતી કીડીઓ

કીડીનો સમુદાય વિવિધ પ્રકારની આશ્ચર્યજનક વર્તણૂકનું પ્રદર્શન કરે છે જે વર્તન માનવીમાં પણ જોવા મળે છે. દાખલા તરીકે કીડીની કેટલીક પ્રજાતિઓ ખેતીની જટિલ પ્રવૃત્તિ કરે છે. તે પાંદડા અને લાકડાની સળીઓ એકઠી કરે છે, તેના પર ફૂગ ઉગાડે છે અને ફૂગને પોતાના માળામાં ખોરાક તરીકે ખાય છે.

અન્ય કીડીઓ એક પ્રકારે જંતુઓનું પાલન કરે છે, તેઓ તેમના માળામાં એફિડને આશ્રય આપે છે અને તેમાંથી "મિલ્કડ્યુ" તરીકે ઓળખાતું પોષક તત્ત્વોથી ભરપૂર પ્રવાહી મેળવે છે. ATREE ના ડૉ. પ્રિયદર્શન ધર્મરાજન કહે છે કે આ વર્તણૂક માનવીની કૃષિ અને પશુપાલન પ્રવૃત્તિ જેવી છે.

કીડીઓની સૌથી વધુ રસપ્રદ વર્તણૂક એ કથિત "ગુલામ બનાવતી કીડીઓ"ની છે. આ કીડીઓ અન્ય પ્રજાતિની કીડીઓના માળા પર આક્રમણ કરે છે, તેમની પોતાની વસાહતોમાં ગુલામ તરીકે ઉછેરવા માટે તેમના યુવાન લાર્વાને ઉઠાવી લાવે છે.

ગોવાના અરણ્ય ઍન્વાયર્નમેન્ટ રિસર્ચ સેન્ટરના કીટકશાસ્ત્રી ડૉ. પ્રોનોય બૈદ્યા જણાવે છે, "ગુલામ બનાવતી કીડીઓ જે અન્ય કીડીઓને ગુલામ બનાવે છે તેની સાથે કોઈ સંબંધ ધરાવતી નથી. તેઓ માત્ર પોતાની વસાહત માટે મેન્ટેનન્સનાં કાર્યો કરવા માટે પકડાયેલી કીડીઓનો ઉપયોગ કરે છે."

કીડીઓની આક્રમક લડાઈ અને ગુલામ બનાવવાની પ્રવૃત્તિ- આ બંનેમાં મુખ્ય હેતુ તો હરીફ કીડીની વસાહતોમાંથી સંસાધનોને લૂંટવાનો હોય છે, પછી તે ખોરાક હોય કે બચ્ચાં ઉઠાવી જવાનાં હોય.

જો કે, બેંગલુરુમાં ATREE નાં રિસર્ચ ફેલો સહનશ્રી ઉમેરે છે કે, "આવી લડાઈઓ દરમિયાન હુમલાનો ભોગ બનેલી કીડીઓ ખૂબ આક્રમક રીતે પોતાની વસાહતને બચાવવા પ્રયાસ કરશે. પરંતુ જો આક્રમણકારી કીડીઓ તેમની રાણીને પકડી લેશે તો હુમલાનો ભોગ બનતી રક્ષક કીડીઓ અને કામદાર કીડીઓ લડાઈ છોડી દેશે. એટલે કે કીડીની વસાહત આત્મસમર્પણ કરશે."

કીડીઓનું સામાજિક માળખું

કીડીની રાણી પકડાઈ જાય એટલે તેમની સમગ્ર વસાહતનું અસ્તિત્વ ખતમ થઈ શકે છે. આનાથી કીડીઓની સામાજિક રચના અને વસાહતમાં રાણીની ભૂમિકા વિશે મહત્ત્વપૂર્ણ સવાલો ઊભા થાય છે.

ડૉ. પ્રોનોય બૈદ્યા સમજાવે છે, "વસાહત બનાવવા અને તેને ટકાવી રાખવા માટે રાણી કીડી જરૂરી છે. જો તે ન રહે તો વસાહતનું અસ્તિત્વ જોખમમાં મૂકાય છે. તેથી આક્રમણ વખતે રાણી કીડીને બચાવવા માટે બીજી કીડીઓ ઘણીવાર પોતાના જીવને જોખમમાં મૂકે છે."

કીડીઓની વસાહતોમાં બધી કીડીઓ માદા હોય છે, પરંતુ માત્ર અમુક જ કીડીઓ પ્રજનન કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્રજનન કરતી કીડીઓને રાણી કીડી તરીકે ઓળખવામાં આવે છે. વસાહતમાં નર કીડીઓ પણ હોય છે પરંતુ તેમની સંખ્યા ઓછી હોય છે અને તેમનું માત્ર એક કામ હોય છેઃ રાણી સાથે સંવનન કરવું.

સંવર્ધનની મોસમ પહેલાં રાણી કીડીઓ અને પ્રજનનક્ષમ નર કીડીઓ પોતાના માળા છોડી દે છે. ત્યાર પછી સંવનનની એક વિધિ થાય છે જેમાં રાણી હવામાં ઊડતા ઊડતા અલગ કોલોનીના એક નરને પસંદ કરે છે. સમાગમ પછી રાણી નીચે ઊતરે છે, પોતાની પાંખોનો ત્યાગ કરે છે અને ભૂગર્ભમાં નવો માળો સ્થાપે છે. ત્યાં તે ઈંડાં મૂકવાનું શરૂ કરે છે. ઈંડાંમાંથી કામદાર કીડીઓ બહાર આવે છે જે નવી વસાહતને વિસ્તારવામાં મદદ કરે છે.

આ પ્રક્રિયા વસાહતને ટકાવી રાખવામાં રાણીની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકે છે અને તેને પકડવાથી આખી વસાહતનું કઈ રીતે પતન થઈ શકે તે પણ જણાવે છે.

કીડીઓની વસાહતમાં જવાબદારીનો ક્રમ

કીડીઓની વસાહતોમાં પદનો એક વ્યવસ્થિત ક્રમ હોય છે. તેમાં વિવિધ પ્રકારની કીડીઓને અલગ-અલગ ભૂમિકાઓ સોંપવામાં આવી છે. વસાહતની અંદર કેવી કેવી મુખ્ય ભૂમિકા હોય તે અહીં જણાવ્યું છે.

રાણી કીડીઓ: રાણી કીડીઓની પ્રાથમિક ભૂમિકા પ્રજનનની હોય છે. તેમનું એકમાત્ર કાર્ય ઈંડાં મૂકવાનું છે જે તેઓ મોટા પ્રમાણમાં કરે છે. દરરોજ સેંકડોથી લઈને હજારો ઈંડાં મૂકે છે. એકવાર સંવનન કર્યા પછી રાણીની પાંખો ખરી જાય છે. તે ફરીથી સંવનન નહીં કરે. તે માત્ર ઈંડાં મૂકવા અને વસાહતની ભાવિ પેઢીઓના ઉછેર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

નર કીડીઓ: નર કીડીઓ માત્ર પ્રજનનમાં મદદ કરવાનું કામ કરે છે. તેઓ મેટિંગની ઉડાન દરમિયાન રાણી સાથે સંવનન કરે છે, પરંતુ અન્ય વસાહતી કાર્યોમાં કોઈ યોગદાન આપતા નથી.

કામદાર અથવા વર્કર કીડીઓ: આ કીડીઓ માળો બાંધવો, તેની જાળવણી કરવી, ખોરાક શોધવો અને ઈંડાં અને લાર્વાની સંભાળ સહિત વિવિધ જટિલ કાર્યોને સંભાળે છે. તેઓ વસાહતની દૈનિક કામગીરી અને અસ્તિત્વ માટે જરૂરી છે.

સૈનિક કીડીઓ: સૈનિક કીડીઓને વસાહતની સુરક્ષા, જોખમ સામે રક્ષણ અને અન્ય વસાહતો સાથેના સંઘર્ષમાં સામેલ કરવાનું કામ સોંપવામાં આવે છે. વસાહતની સુરક્ષા અને વિસ્તરણ માટે તેમની ભૂમિકા મહત્ત્વની છે.

કીટકશાસ્ત્રી પ્રિયદર્શન ધર્મરાજનના મતે માત્ર એક રાણીથી શરૂ થતી કીડીની વસાહત સેંકડો કીડીઓથી લઈને લાખો કીડીઓ સુધી વધી શકે છે. રાણી સિવાયની તમામ માદા કીડીઓ બિનફળદ્રુપ હોય છે અને પ્રજનન તથા પોતાના સમાજને ચાલુ રાખવા માટે રાણી પર આધાર રાખે છે. જો રાણી ગુમાવવી પડે તો આખી વસાહતનું પતન થઈ શકે છે.

ડૉ. પ્રોનોય બૈદ્યા જણાવે છે કે, સંઘર્ષના સમયે "કામદાર અને રક્ષક કીડીઓ પોતાના જીવનનું બલિદાન આપશે અને રાણીની રક્ષા કરવા તથા ભાવિ પેઢીઓનું અસ્તિત્વ સુનિશ્ચિત કરવા માટે ખૂબ આક્રમકતાથી લડશે."

કીડીઓ કેવી રીતે બલિદાન આપે છે?

મેં તાજેતરમાં સૂર્યાસ્તના સમયે હરિયાણામાં બ્લૅક ગાર્ડન કીડીઓ વચ્ચેનો એક નાટકીય મુકાબલો જોયો હતો, જે એક ભીષણ યુદ્ધની શરૂઆત હતી. સૈનિક કીડીઓ પોતાના માળાને બહાદુરીથી બચાવી રહી હતી, ઘણી કીડીઓ આ પ્રક્રિયામાં મૃત્યુ પામી હતી. જ્યારે ખોરાક એકઠો કરતી વર્કર કીડીઓ સલામતી માટે એક વ્યવસ્થિત પદ્ધતિથી માળા તરફ પાછી દોડતી હતી.

એક મુખ્ય પ્રશ્ન ઊભો થયો: ખોરાક એકઠો કરતી કીડીઓને આક્રમણની કેવી રીતે ખબર પડી? ડૉ. પ્રોનોય બૈદ્યા આનો શ્રેય કીડીઓની અદ્ભુત સંચાર ક્ષમતાને આપે છે.

તેઓ કહે છે, "કીડીઓની સંચાર વ્યૂહરચના અતિ આધુનિક હોય છે. આ વ્યૂહરચના તેમના સામાજિક સ્વભાવ સાથે જોડાયેલી છે. તેથી જ કીડીઓ પોતાની વસાહતની સુરક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપવા તૈયાર હોય છે."

કીડીઓ સામૂહિક અગ્રતા સાથે કામ કરે છે તેઓ પોતાના જીવન કરતા પોતાની વસાહતના અસ્તિત્વને વધુ મહત્ત્વ આપે છે. ડૉ. બૈદ્યા જણાવે છે, "તમામ જીવંત સજીવોનો પ્રાથમિક ધ્યેય તંદુરસ્ત સંતાન પેદા કરવાનો અને તેમના જનીનો ચાલુ રહે તેની ખાતરી કરવાનો હોય છે. કીડીઓની વસાહતોમાં બધી કીડીઓ અનિવાર્યપણે બહેનો હોય છે, તેમનામાં આનુવંશિક બંધારણનો લગભગ 75 ભાગ વહેંચાયેલો હોય છે. રાણી એકમાત્ર પ્રજનનક્ષમ વ્યક્તિ હોય છે અને તેના ઇંડા વસાહતના ભવિષ્ય માટે નિર્ણાયક છે."

તેઓ ઉમેરે છે, "કામદાર અને સૈનિક કીડીઓ રાણીને ખવડાવવા અને તેનું રક્ષણ કરવા, લાર્વાને ઉછેરવા અને નવી કીડીઓના વિકાસ માટે માર્ગદર્શન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે."

વસાહતના અસ્તિત્વ માટેની તેમની પ્રતિબદ્ધતાના કારણે જ કીડીઓ અસાધારણ કામ કરે છે અને આક્રમણ દરમિયાન પોતાના જીવનનું બલિદાન પણ આપે છે.

હવે, આપણે કીડીઓની રસપ્રદ સંચાર પ્રણાલીની વાત કરીએ.

કીડીઓ એકબીજા સાથે કેવી રીતે વાતચીત કરે છે?

કીડીઓ એકબીજા સાથે વાતચીત કરવા અને અસ્તિત્વ માટે તેમના અત્યંત સંવેદનશીલ એન્ટેના પર આધાર રાખે છે. આ એન્ટેના તેમની આંખોની ઉપર તેમના માથાથી વિસ્તરેલી બે પાતળી રચનાઓ હોય છે જે તેમનાં દૈનિક કાર્યો માટે નિર્ણાયક છે.

ડૉ. પ્રોનોય બૈદ્યા સમજાવે છે, "પોતાના એન્ટેના વગર કીડીઓ અસ્તિત્વના જોખમનો સામનો કરશે. તેમના સંચારનું પ્રાથમિક મોડ રાસાયણિક આધારિત છે. કીડીઓ તેમના શરીરમાંથી ફેરોમોન્સ તરીકે ઓળખાતાં રસાયણો છોડે છે, જે અન્ય કીડીઓ એકબીજા સાથે વાતચીત કરવા અને ઓળખવા માટે શોધી કાઢે છે."

ઉદાહરણ તરીકે કીડીને જ્યારે એકલા હાથે ઉઠાવી ન શકાય તેટલો ખોરાકનો સ્રોત મળે ત્યારે તે ફેરોમોન્સ દ્વારા તે સ્થાનને ચિહ્નિત કરે છે. આ રાસાયણિક ટ્રેઇલ એક જીપીએસની જેમ કાર્ય કરે છે અને કૉલોનીના અન્ય સભ્યોને ખોરાકના ઢગલા તરફ આવવા માર્ગદર્શન આપે છે.

હરિયાણામાં મેં જે કીડીઓનું યુદ્ધ જોયું તેના વિશે ડૉ. પ્રિયદર્શન ધર્મરાજન નોંધે છે, "કીડીઓએ આ સંચાર વ્યૂહરચનાનો ઉપયોગ કામદાર કીડીઓને સંઘર્ષ વિશે ચેતવણી આપવા અને વસાહતમાં પાછા ફરવા માટે કર્યો હશે."

ડૉ. બૈદ્યા જણાવે છે, "જો કીડીઓ તેમનો એન્ટેના ગુમાવે તો તેઓ રસ્તો શોધવાની, વાતચીત કરવાની અને જોખમને સમજવાની ક્ષમતા ગુમાવે છે. ટૂંકમાં કહીએ તો કીડીના અસ્તિત્વ માટે એન્ટેના મહત્ત્વપૂર્ણ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.