અમદાવાદ : સરખેજના શકરી તળાવમાં બોટ ઊંધી પડી અને ત્રણ યુવાનોનું ડૂબીને મોત થયું, પરિવારજનોએ શું કહ્યું?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

"મને એકલી મૂકીની જતા રહ્યા તમારા વગર હું શુંં કરીશ. તમે આપણી દીકરીનો પણ વિચાર ન કર્યો. તમે પાછા આવી જાવ."

આ રડતાં-રડતાં બોલી રહેલાં વિશાલના પત્નીનો આક્રંદ છે.

વિશાલ ચાવડા અને અન્ય બે યુવકોનું સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં ડૂબી જવાને કારણે મોત થયું હતું.

દુર્ઘટનામાં મૃત્યુ પામનાર 23 વર્ષના વિશાલે દોઢ વર્ષ પહેલાં જ પ્રેમલગ્ન કર્યાં હતાં. તેમને ચાર મહિનાની દીકરી છે.

આસપાસના લોકોનું કહેવું છે કે તળાવમાં પડી રહેલી બોટમાં બોટિંગ કરી રહ્યા હતા ત્યારે બોટ ઊંધી થઈ જતાં ત્રણેય યુવાનો ડૂબી ગયા હતા.

વિશાલના પિતાનું કહેવું છે કે, "આ તળાવ પર સિક્યૉરિટી ગાર્ડ રાખવામાં આવ્યા હોત અને જો બોટને બાંધીને રાખવામાં આવી હોત તો આ દુર્ઘટના ન બનતી. અમારા દીકરાઓ જીવતા હોત."

વિપક્ષે પણ સિક્યૉરિટી ન રાખવા માટે એએમસી જવાબદાર હોવાના આક્ષેપ કર્યા હતા. તેમજ મૃતકોના પરિવારને સહાય આપવાની માંગ કરી હતી.

એએમસીનું કહેવું છે કે કૉન્ટ્રેક્ટરના કહેવા અનુસાર સિક્યૉરિટી ગાર્ડ હતા અને બોટ બાંધીને રાખવામાં આવી હતી. જો કે એએમસી આ અંગે તપાસ કરી રહી હોવાનું કહે છે.

ઘટના શું હતી?

સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં લીલ કાઢવા માટે રાખવામાં આવેલી બોટ લઈને ચાર યુવાનો બોટિંગ કરી રહ્યા હતા. બોટ ઊંધી થઈ જતા ત્રણ યુવાનો ડૂબી ગયા હતા જ્યારે એક યુવાન કૂદી પડ્યો હતો, જે બચી ગયો હતો.

આસપાસના લોકોનું કહેવું છે કે મંગળવારે સાંજે લગભગ 5.35 વાગ્યાની આસપાસ તળાવમાંથી એક છોકરો દોડતો દોડતો આવ્યો અને કહેવા લાગ્યો કે છોકરાઓ ડૂબી રહ્યા છે. આસપાસના લોક તરત જ દોડીને તળાવમાં ગયા હતા. તેમજ પરિવારને જાણ કરી હતી. કૉલ કરતાં 15 મિનિટમાં ફાયર વિભાગની ગાડી તળાવ પર પહોંચી હતી.

ફાયરના જવાનો આવતા પહેલાં આસપાસના લોકો જેમને તરતા આવડતું હતું તેમણે તળાવમાં યુવાનોને શોધ્યા હતા. પરંતુ તેમને કંઈ મળ્યું ન હતું.

ફાયર જવાનોને બે યુવાનોના મૃતદેહ શરૂઆતના સમયમાં જ મળી ગયા હતા. જો કે ત્રીજા યુવકનો મૃતદેહ મળતા મોડી રાત થઈ ગઈ હતી.

બુધવારે સવારે મૃતક વિશાલ અને પ્રદીપના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમજ ત્રીજા યુવક રાધેના મૃતદેહને તેમના વતન ધોળકા લઈ જવામાં આવ્યો હતો.

પરિવારના લોકોનું શું કહેવું છે?

બીબીસી ગુજરાતીની ટીમે મૃતકોના પરિવારની મુલાકાત લીધી હતી.

તળાવમાં ડૂબી જવાને કારણે મૃત્યુ પામેલા ત્રણેય યુવાનો ગાયત્રી સોસાયટીમાં રહેતા હતા. શકરી તળાવની એક બાજુ સ્મશાન છે બીજી બાજુ ચોક છે અને ત્રીજી બાજુ નાનો દરવાજો છે. જે દરવાજાની બિલકુલ સામે જ રસ્તો પાર કરને ગાયત્રી સોસાયટીનો દરવાજો છે.

અમે શકરી તળાવ પહોંચ્યા ત્યાં આસપાસના લોકો આ દુર્ઘટના અંગે જ વાત કરી રહ્યા હતા.

બીજી બાજુ આવેલા સ્મશાનમાં વિશાલ અને પ્રદીપની અંતિમ વિધિ પૂરી કરીને લોકો ઘરે જઈ રહ્યા હતા.

લગભગ 50 વર્ષનાં એક મહિલા અમારી પાસે આવ્યાં અને અમને આંગળી ચીંધીને કહેવા લાગ્યાં કે આ સામે જ મારું ઘર છે. કાલે સાંજે હું બહાર જ ઊભી હતી અને એક છોકરો બૂમો પાડતો આવ્યો કે છોકરાઓ ડૂબી રહ્યા છે. અમે તરત જ તળાવ તરફ દોડ્યાં હતાં. તેમને શોધવાનો પ્રયત્ન કર્યો પણ બચાવી શકાયા ન હતા.

ગાયત્રી સોસાયટીની અંદર જઈએ તો પાંચ ઘર છોડીને વિશાલનું ઘર હતું. ત્યાં બહાર પુરુષો માથા પર રૂમાલ બાંધીને ઊભા હતા અને મહિલાઓ ઘરના આંગણમાં બેસીને રડી રહી હતી. કેટલાક પુરુષો સ્મશાનથી પરત આવ્યા હતા.

અમે વિશાલના ઘરમાં ગયા જ્યાં ખૂણામાં લાલ કપડાં પહેરીને એક મહિલા ખૂબ જ રડી રહ્યાં હતાં. આસપાસ બેઠી મહિલાઓ તેમને સાંત્વના આપી રહ્યાં હતાં. તેમજ પાણી પીવડાવી રહ્યાં હતાં.

એક મહિલાએ અમારી સામે જોઈને કહ્યું કે આ વિશાલનાં પત્ની છે. જોકે વિશાલનાં પત્ની વાત કરી શકે તેવી કોઈ સ્થિતિમાં ન હતાં.

ઘરની અંદરથી વિશાલનાં માતા ગીતાબહેન ઘરની પાછળથી રૂમમાં રડતાં-રડતાં આવ્યાં. તેમણે રડતાં રડતાં થોડીક વાત કરી.

તેઓ બોલ્યાં કે, "વિશાલ કાલે પાંચ વાગ્યે મારી પાસેથી 10 રૂપિયા લઈને માવો ખાવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. તે બહાર ગયા બાદ તળાવ પર ગયો કે વિસર્જનમાં ગયો આ અંગે અમને કંઈ ખબર ન હતી. અમને જાણ થતા અમે તળાવ પર પહોંચ્યા હતા. અમને ત્યાં જઈને જોયું. ફાયરની ટીમે મારા દીકરાને બહાર લાવ્યો અને અમે તેને લઈને દવાખાને દોડ્યા પણ એને બચાવી શકાયો નહીં."

ગીતાબહેન બોલતાં-બોલતાં રડી પડતાં હતાં.

તેઓ કહેવા લાગ્યાં કે, "હવે હું રડું તો પણ મને મારો દીકરો મળવાનો નથી. મારું દુ:ખ હું શું કહું? કોની ભૂલ હતી એ તો મને નથી ખબર પણ મારો દીકરો છીનવાઈ ગયો."

ઘરની બહાર વિશાલના પિતા કિશોરભાઈ તેમના સગા સંબધીઓ સાથે બેઠા હતા. તેઓ પણ રડી રહ્યા હતા.

તેમનો નાનો દીકરો પિતાની પાસે તેમનો હાથ પકડીને બેઠો હતો અને તેમને સાંત્વના આપી રહ્યો હતો.

વિશાલના પિતાએ કિશોર કહ્યું કે, "અમે ઘરે જ હતા. મારા સાળાનો 5.37એ ફોન આવ્યો કે વિશાલ તળાવમાં ડૂબ્યો છે. અમે તરત જ દોડતા દોડતા તળાવ પહોંચ્યા હતા. અમે ત્યાં જઈને જોયું તો વિશાલના ચપ્પલ પડી રહ્યા હતા. 15 મિનિટમાં ફાયરના જવાનો આવ્યા હતા. તેમને પહેલાં જ વિશાલને બહાર કાઢયો હતો. અમે પોલીસની જીપમાં વિશાલને લઈને ખાનગી દવાખાને ગયા હતા. પરંતુ ત્યા હાજર ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો."

વિશાલના પિતાના હાથમાં વિશાલની ચાર મહિનાની દીકરી હતી.

તેઓ દીકરીને જોઈને બોલ્યા કે, "મારી છોકરી બાપ વગરની થઈ ગઈ. જો આ તળાવ પર સિક્યૉરિટી ગાર્ડ રાખવામાં આવ્યા હોત અને જો હોળીને સાંકળથી બાંધીને રાખી હોત એ લોકોએ જવાબદારી રાખી હોત તો કદાચ આ ત્રણેય દીકરાઓ જીવતા હોત."

વિશાલના પિતાએ કહ્યું કે, "વિશાલની સાથે અન્ય બે યુવકો હતા તે તેમનાં માતા-પિતાના એકના એક સંતાન હતા."

"મારી પુત્રવધુ મને કહે છે કે પપ્પા મારી છોકરીના પપ્પા લાવો, હું શું જવાબ આપું?"

વિશાલના ઘરની પાછળ પાંચ ઘર છોડીને પ્રદીપનું ઘર હતું. પ્રદીપના ઘરે બહાર પુરુષો બેઠા હતા.

તેમના પિતા અને દાદાને સાંત્વના આપી રહ્યા હતા.

તેમના પિતા મનુભાઈ કહ્યું કે, "મારો એકનો એક દીકરો જતો રહ્યો. દુર્ઘટના બની ત્યારે હું મારી નોકરી પર હતો. મને ફોનથી જાણકરી મળી એટલે તરત જ હું તળાવ પર આવ્યો હતો."

જો કે તેઓ વધુ વાત કરી શકે તેવી સ્થિતિમાં ન હતા. તેમને પ્રદીપનો ફોટો આપ્યો અને ઘરના ફોટો લેવાની પરવાનગી આપી અમે ફોટો લીધા અને નીકળી ગયા.

વિરોધપક્ષના નેતાએ કરી મૃતકોના પરિવાર માટે વળતરની માગ

એએમસી વિરોધ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણ અને કૉંગ્રેંસના સભ્યો મૃતકોના પરિવારને મળ્યા હતા.

શહેઝાદખાન પઠાણે સત્તાપક્ષ સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, "અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ તેમજ નેતાઓની ઑફિસની બહાર બાઉન્સર ઊભા હોય છે. બે હજારથી વધારે બાઉન્સર એએમસીની વિવિધ કચેરીઓમાં છે."

"પરંતુ જનતાની સુરક્ષા માટે સિક્યૉરિટી રાખવામાં આવતી નથી પરંતુ માત્ર અધિકારીઓ માટે જ સુરક્ષા રાખવામાં આવે છે. ગઈ કાલે જો આ તળાવની બહાર સિક્યૉરિટી ગાર્ડ હોત તો આ યુવાનોનાં મોત થયાં ન હોત."

શહેઝાદખાન પઠાણે આક્ષેપ કર્યા હતા કે, "માત્ર આ તળાવમાં જ નહીં પરંતુ શહેરનાં દરેક તળાવો પર પણ સિક્યૉરિટી જોવા મળતી નથી. આ એએમસીની બેદરકારીને કારણે યુવાનોનાં મોત થયાં છે માટે એએમસીએ મૃતકોના પરિવારને વળતર ચૂકવવું જોઈએ તેવી અમે માંગ કરીએ છીએ."

રિક્રિએશન કમિટીના ચૅરમૅને શું કહ્યું

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના રિક્રિએશન કમિટીના ચૅરમૅન જયેશ ત્રિવેદી ઘટના અંગે જાણ થતા શકરી તળાવ પહોંચી ગયા હતા.

જયેશ ત્રિવેદીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "શકરી તળાવનું કામ રીડેવલપ કરવા માટે કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો. થોડાક સમય પહેલાં કામ પૂરું થઈ ગયું હતું. પરંતુ પઝેશન લેવાની પ્રક્રિયા કરવામાં આવી ન હતી.જેથી આ તળાવ પર એએમસીએ નહીં પરંતુ કૉન્ટ્રેક્ટરના કબજામાં હોવાથી તેને સિક્યૉરિટી રાખવાની હતી."

જયેશ ત્રિવેદી જણાવે છે કે, "ઘટના અંગે જાણ થતાં અમે તરત જ તળાવ પર પહોંચ્યા હતા. કૉન્ટ્રેક્ટર સાથે વાત કરતાં તેણે તળાવ પર સિક્યૉરિટી ગાર્ડ રાખ્યા હોવાની માહિતી આપી છે અમે તે અંગે તપાસ કરી રહ્યા છીએ."

તેમણે જણાવ્યું કે, "તળાવમાંથી લીલ અને કચરો કાઢવાનું કામ મલેરિયા વિભાગ દ્વારા એજન્સીને આપવામાં આવે છે. આ એજન્સીએ અમને એવી સ્પષ્ટતા કરી છે કે તેઓ બોટ તળાવમાં ઉતારીને કામ કરે છે અને કામ પૂરુ થઈ જાય એટલે બોટ બહાર કાઢીને બાંધીને મૂકી દે છે. હોડી અને તળાવનું કામ કરનાર કૉન્ટ્રેક્ટરના દાવાઓ અંગે તપાસને અંતે જ સત્ય જાણી શકાશે."

શહેરનાં અન્ય તળાવ અને વૉટર બૉડીની સિક્યૉરિટી અંગે સવાલ કરતાં જયેશ ત્રિવેદીએ જણાવ્યું કે શહેરની અન્ય કોઈ વૉટર બૉડીમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅને ચર્ચા કરી હતી. સ્ટેન્ડિંગ ચૅરમૅન તેમજ મુખ્ય સત્તાધીશો દ્વારા ચોક્કસ નિર્ણય કરવામાં આવશે.

જયેશ ત્રિવેદીએ વધુમાં જણાવે છે કે, "આ તળાવના બધા જ દરવાજા બંધ કરીને તાળા મારવામાં આવ્યા હોવા છતાં લોકો દીવાલ કૂદીને અંદર જતા હોવાનું કૉન્ટ્રેક્ટરે રજૂઆત કરી હોવાનું અમારા ધ્યાને આવ્યું છે."