આઈપીએલ ફાઇનલ ન રમાઈ તો ગુજરાત ટાઇટન્સ બની જશે વિજેતા? શું છે નિયમો?

મહેન્દ્રસિંહ ધોની અને હાર્દિક પંડ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આઈપીએલ 2023ની ફાઇનલ મૅચ રવિવારે રમાવાની હતી, પરંતુ અમદાવાદમાં સતત વરસાદને કારણે આ મૅચ સોમવારે રમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આઈપીએલ 2023ની આ ફાઇનલ મૅચ અમદાવાદમાં રવિવારે રમાવાની હતી, પરંતુ ત્યાં મૂસળધાર વરસાદને કારણે ટૉસ પણ થઈ શક્યો નહોતો.

રાત્રે 9 વાગ્યાની આસપાસ વરસાદ બંધ થઈ ગયો હતો. આખું મેદાન સુકાઇ ગયું હતું અને જ્યારે અમ્પાયર અને ખેલાડીઓ મેદાનનું નિરીક્ષણ કરવા ગયા ત્યારે વરસાદ ફરી શરૂ થઈ ગયો હતો.

ત્યારબાદ લગભગ 11 વાગ્યે નિર્ણય લેવામાં આવ્યો કે આ મૅચ હવે સોમવારે સાંજે 7.30 વાગ્યે રમાશે.

સ્ટેડિયમમાં લગાવવામાં આવેલી મોટી સ્ક્રીન પર આ મૅસેજ આપવામાં આવ્યો હતો અને સાથે એ પણ જણાવવામાં આવ્યું હતું કે રવિવારની ટિકિટ જ સોમવારે માન્ય રહેશે.

બીબીસી ગુજરાતી

....તો ગુજરાત થશે વિજેતા

ગુજરાત ટાઇટન્સ આઈપીએલ 2023

ઇમેજ સ્રોત, ANI

જો મૅચ રાત્રે 9.30 વાગ્યે શરૂ થશે તો ઓવર ઓછી કરવામાં આવશે નહીં. દરેક 5-5 ઓવરની મૅચ માટે કટઑફ સમય રાત્રે 11.56 છે.

જો આ પણ ન રમી શકાય તો સુપર ઓવર રમાશે.

સુપર ઓવરમાં જે ટીમ જીતશે તે વિજેતા બનશે. જો વરસાદને કારણે સુપર ઓવર નહીં રમાય, તો પ્રાથમિક રાઉન્ડમાં ટૉચ પર રહેલા ગુજરાતને વિજેતા જાહેર કરવામાં આવશે.

વિજેતા ટીમને 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે. રનર્સઅપ ટીમને 13 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે.

આ સાથે સોમવારે પણ અમદાવાદમાં વરસાદની શક્યતા છે, પરંતુ મૅચ પહેલાં વરસાદ બંધ થઈ જશે તેવા સંકેતો મળી રહ્યા છે.

આ સાથે આયોજકોએ નિયમોની જોગવાઈ કરી છે જેથી ફાઈનલ જેવી મોટી મૅચને વરસાદની અસર ન થાય.

પ્રારંભિક રાઉન્ડમાં ગુજરાત 14 મૅચમાંથી 10 જીત સાથે પૉઈન્ટ ટેબલમાં ટૉચ પર છે. ગુજરાતને 4 મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતના 20 પૉઈન્ટ હતા.

બીજી તરફ ચેન્નઈએ 14 મૅચમાંથી 8 જીત સાથે પૉઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું છે. ચેન્નઈની ટીમ 5 મૅચમાં હારી ગઈ હતી, જેમાંથી એક મૅચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. ચેન્નઈના 17 પૉઈન્ટ હતા.

બીબીસી ગુજરાતી

શું કહે છે નિયમ?

વરસાદને કારણે મૅચ બંધ રહી હતી

ઇમેજ સ્રોત, ANI

આઈપીએલના નિયમોનુસાર આ ટુર્નામેન્ટની લીગ મૅચ અને પ્લેઑફ મૅચો માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો ન હતો.

વરસાદના કારણે ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મૅચ રમાઈ ન હતી અને બંને ટીમોએ એક-એક પૉઈન્ટ વહેંચવો પડ્યો હતો.

જોકે ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, જો મૅચ રવિવારે નહીં રમાય તો સોમવારે રમાશે.

જો આ મૅચ સોમવારે પણ નહીં રમાય તો લીગ મૅચમાં પ્રદર્શનના આધારે આ નિર્ણય લેવામાં આવશે. તેથી ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સની ટીમ બનશે, કારણ કે તેણે 14 લીગ મૅચોમાંથી 10 જીતી હતી, જ્યારે ચેન્નઈએ એટલી જ મૅચોમાંથી આઠમાં જીત મેળવી હતી.

નિયમોનુસાર, "નિયમ 8 અને 9 અનુસાર જો સુપર ઓવર પણ રમવી શક્ય ન હોય અથવા કોઈ પણ અડચણ વિના પૂર્ણ ન થઈ શકે, તો જે ટીમ લીગ મૅચ દરમિયાન પૉઈન્ટ ટેબલમાં ટૉચ પર હતી, તેને પ્લેઑફ અથવા ફાઇનલમાં વિજેતા જાહેર કરવામાં આવશે."

એટલે કે જો ફાઇનલમાં એક પણ ઓવર નાખવામાં નહીં આવે, તો ગુજરાત ટાઇટન્સની ટીમ સતત બીજી વખત આ ટ્રૉફી જીતશે.

બીબીસી ગુજરાતી

ભારતીય ખેલાડીઓને લંડન જવામાં મોડું થશે

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રવિવારે (28 મે) આઈપીએલની ફાઇનલ હતી. વરસાદને કારણે હવે ફાઈનલ સોમવારે (29 મે)ના રોજ રમાશે.

ગુજરાત અને ચેન્નઈની 5 ભારતીય ખેલાડીઓનો વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મૅચ 7 જૂનથી ઈંગ્લૅન્ડના ઓવલમાં રમાશે.

ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, સપોર્ટ સ્ટાફ સાથે વિરાટ કોહલી, રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓ ઈંગ્લૅન્ડ પહોંચી ગયા છે. જો કે આઈપીએલ ફાઈનલમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને ત્યાં પહોંચવામાં વિલંબ થશે.

ગુજરાતની ટીમમાંથી મોહમ્મદ શમી, કેએસ ભરત અને શુભમન ગિલ ભારતીય ટીમમાં છે. ચેન્નઈના અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમનો ભાગ છે.

2021માં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલ રમાઈ હતી.

ન્યૂઝીલૅન્ડે ભારતીય ટીમને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ભારતીય ટીમ સતત બીજી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે.

ભારતીય ટીમ 1983 અને 2011માં વનડેનો ખિતાબ જીતી ચૂકી છે. 2007માં પ્રથમ ટી20માં ખિતાબ જીત્યો હતો. 2002માં ભારતે ચૅમ્પિયન્સ ટ્રૉફીનો સંયુક્ત ખિતાબ જીત્યો હતો. 2013માં ભારતે ચૅમ્પિયન ટ્રોફી જીતી હતી.

બીબીસી ગુજરાતી

ધોની અને હાર્દિકની ટીમનું પ્રદર્શન

હાર્દિક પંડ્યા અને મહેન્દ્રસિંહ ધોની

ઇમેજ સ્રોત, ANI

ધોની અને હાર્દિકની ટીમ વચ્ચે પહેલાં ક્વૉલિફાયરમાં મૅચ રમાઈ હતી, જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે 15 રને જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

સાથે ગુજરાત ટાઇટન્સે બીજા ક્વૉલિફાયરમાં મુંબઈ ઇન્ડિયન્સ પર 62 રનના માર્જિનથી જીત મેળવીને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી.

ગુજરાત માટે શુભમન ગિલ બેટથી ફટકારી રહ્યા હતા અને આ સીઝનમાં સૌથી વધુ રન (851 રન) પણ તેમના નામે છે, તેથી ઑરેન્જ કૅપ તેમના માથે જશે તે નક્કી છે.

બીજી તરફ મોહમ્મદ શમી (28 વિકેટ) અને રાશિદ ખાન (27 વિકેટ) બૉલિંગમાં કમાલ કરી રહ્યા છે અને પર્પલ કૅપની રેસમાં ટૉચના બે બૉલર છે.

સાથે ચેન્નઈ માટે મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાની પ્લસ પૉઇન્ટ છે, ત્યારે ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ડેવન કૉનવે ખૂબ સારી લયમાં છે. બૉલિંગમાં રવીન્દ્ર જાડેજા અને તુષાર દેશપાંડેના નેતૃત્વમાં બૉલરો પણ કમાલ કરી રહ્યા છે.

બંને ટીમો વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધી ચાર મૅચ રમાઈ છે. તેમાંથી ત્રણમાં હાર્દિકની ટીમ જીતી છે.

જ્યારે પાંચ દિવસ પહેલાં બંને ટીમો વચ્ચે રમાયેલી પહેલી ક્વૉલિફાયર મૅચમાં ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે જીત મેળવી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સ ચાર વખતની આઈપીએલ ચૅમ્પિયન છે, સાથે ગુજરાત ટાઇટન્સ વર્તમાન ચૅમ્પિયન છે. જો ગુજરાતની ટીમ આ ટ્રૉફી ફરીથી હાંસલ કરી લેશે, તો તે સતત બીજા વર્ષે આઈપીએલ ચૅમ્પિયન બનનારી પ્રથમ ટીમ બની જશે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી