આઈપીએલના ઇતિહાસની એ બે રોમાંચક ફાઇનલ મૅચ, જે ધોનીની ટીમ છેલ્લા બૉલે હારી ગઈ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્ણવ વસાવડા
- પદ, બીબીસી ગુજરાતી
આજથી આઈપીએલ 2024ની શરૂઆત થવા જઈ રહી છે. આઈપીએલ 2023ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે હરાવ્યું હતું. ત્યારે વાંચો આઈપીએલની ફાઇનલની સૌથી રોમાંચક મૅચોની કહાણી.
2022ની જેમ જ 2023માં પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગત આઈપીએલ ચૅમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સ અને ચાર વખત આઈપીએલ જીતી ચૂકેલી ચેન્નઈ સુપરકિંગ્સ આમનેસામને હશે.
2022ની આઈપીએલની ખાસ વાત એ છે કે આ સીઝનની સૌથી પહેલી મૅચ પણ આ જ સ્ટેડિયમમાં આ બે ટીમો વચ્ચે જ રમાઈ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપરકિંગ્સને હરાવ્યું હતું.
સૌથી વધુ રસપ્રદ કહી શકાય એવી મૅચોમાં હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેની મૅચનો સમાવેશ થાય છે. આ મૅચમાં રાજસ્થાન મૅચ જીતવા સુધી પહોંચી ગયું હતું, એવામાં તેમના બૉલરે છેલ્લી ઓવરમાં નાખેલા નો-બૉલે હૈદરાબાદને મૅચ જીતાડી દીધી હતી.
હવે સૌની નજર ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચેની ફાઇનલ મૅચ પર છે. એનાં ઘણાં કારણો છે જેમાં સૌથી વધુ ચર્ચા ધોનીની છે. આઈપીએલની શરૂઆતથી જ ચર્ચા ચાલી હતી કે ધોનીની ખેલાડી તરીકે આ છેલ્લી આઈપીએલ ટુર્નામેન્ટ હોઈ શકે છે. જોકે ભારતીય ક્રિકેટના અને આઈપીએલના સૌથી સફળ કપ્તાનોમાં જેમનું નામ મોખરે છે એવા ધોનીએ આ વિશે કંઈ સ્પષ્ટતા નહોતી કરી.
અત્યાર સુધી ચાર વખત આઈપીએલનો ખિતાબ જીતી ચૂકેલા કૅપ્ટન તરીકે ધોનીની ટીમને આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધારે ફાઇનલ મૅચ રમવાનો અનુભવ છે.
ત્યારે આઈપીએલની એવી બે ફાઇનલ મૅચોની વાત કરીએ, જેમાં છેલ્લા બૉલ સુધી મૅચ અત્યંત રોમાંચક રહી હતી.
આઈપીએલના ઇતિહાસની સૌથી રોમાંચક ગણાઈ શકે તેવી આ મૅચો જે-તે સમયે હૈદરાબાદમાં જ રમાઈ હતી. બંનેમાં રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોનીની ટીમ જ આમનેસામને હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બંને મૅચોએ છેલ્લા બૉલ સુધી દર્શકોના જીવ તાળવે ચોંટાડી રાખ્યા હતા અને અંતે ખૂબ જ નજીવા અંતરથી ધોનીની ટીમ હારી હતી.

2017: પૂણે એક ઓવરમાં 11 રન ન બનાવી શક્યું

ઇમેજ સ્રોત, Getty Images

- તારીખ: 21 મે, 2017
- મુંબઈ ઇન્ડિયન્સ - 129/8, કૃણાલ પંડ્યા: 47 (38), જયદેવ ઉનડકટ: 4/19
- રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ - 128/6, સ્ટિવ સ્મિથ: 51 (50), મિશૅલ જૉહ્નસન: 3/26
- પ્લેયર ઑફ ધ મૅચ - કૃણાલ પંડ્યા

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 2017માં રમાયેલી આઈપીએલની આ ફાઇનલ મૅચ અત્યંત રોમાંચક રહી હતી. હૈદરાબાદમાં રમાયેલી આ મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સની સામે મહેન્દ્રસિંહ ધોનીની રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ ટીમ આમનેસામને હતી.
મુંબઈએ ટૉસ જીતીને બેટિંગની પસંદગી કરી. મુંબઈની શરૂઆત અત્યંત કથળેલી રહી. શરૂઆતની ઓવરોમાં જ ટપાટપ વિકેટો પડી ગઈ હતી. સંઘર્ષ કરતાકરતા મુંબઈએ આઠ વિકેટના નુક્સાને 129 રન નોંધાવીને ચેન્નઈ સમક્ષ 130 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. કૃણાલ પંડ્યાએ મુંબઈ તરફથી સૌથી વધુ 47 રન નોંધાવ્યા હતા.
130 રનોના લક્ષ્યાંકનો સામનો કરવા ઊતરેલી પૂણેની ટીમની પહેલી વિકેટ 17 રને જ પડી ગઈ હતી, પરંતુ ત્યાર પછી અજિંક્ય રહાણે અને સ્ટીવ સ્મિથ વચ્ચે મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ હતી.
71 રને બે વિકેટ પડ્યા બાદ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની મેદાનમાં ઊતર્યા હતા. જોકે, તેમનો પણ જાદુ ચાલ્યો ન હતો. માત્ર 10 રનના નજીવા સ્કોર પર મહેન્દ્રસિંહ ધોની જસપ્રીત બુમરાહના હાથે આઉટ થઈ ગયા હતા.
ધોનીની વિકેટ બાદ ટીમનો સ્કોર હતો ત્રણ વિકેટના નુક્સાને 98 રન. હવે ટ્રૉફી જીતવા માટે પૂણેની ટીમને 22 બૉલમાં 32 રનની જરૂર હતી. એવામાં સ્ટીવ સ્મિથ અને મનોજ તિવારીએ પૂણે માટે મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. બંનેએ 18 બૉલમાં 25 રન નોંધાવ્યા હતા.
હવે છેલ્લી ઓવરમાં પૂણેને 11 રનની જરૂર હતી. એમ લાગતું હતું કે સ્ટીવ સ્મિથ અને મનોજ તિવારીની આ જોડી સરળતાથી આ લક્ષ્યાંક પાર પાડી દેશે. ત્યારે છેલ્લી ઓવર નાખવા આવ્યા મિશૅલ જ્હૉનસન.
જ્હૉનસનના પહેલા બૉલ પર જ મનોજ તિવારીએ ચોક્કો ફટકારી દીધો. હવે પૂણેને જીતવા માટે પાંચ બૉલમાં સાત રનની જરૂર હતી. તેમણે બીજા બૉલ પર પણ છગ્ગો ફટકારવાનો પ્રયાસ કર્યો. જોકે, લૉન્ગ ઑન પર પોલાર્ડને કૅચ આપી બેઠા.
ત્યાર પછી અર્ધશતક ફટકારીને રમી રહેલાં સ્ટિવ સ્મિથ પણ ચોગ્ગો મારવાની લાલચે બૅકવર્ડ પૉઇન્ટ અને ડીપ કવર વચ્ચે ઊભેલા અંબાતી રાયડુને કૅચ આપી બેઠા.
મૅચ વધુ રસપ્રદ ત્યારે થઈ જ્યારે પૂણેને જીતવા માટે એક બૉલમાં ચાર રનની જરૂર હતી. સ્ટ્રાઇક પર હતા વૉશિંગ્ટન સુંદર. જ્હૉનસને છેલ્લો બૉલ મિડલ સ્ટમ્પ પર યૉર્કર નાખ્યો. સુંદરે ડીપ સ્ક્વૅર લેગ પર શૉટ ફટકાર્યો, પરંતુ ત્રણ રન લેવાની ઉતાવળમાં તેઓ આઉટ થઈ ગયા અને મુંબઈએ 2017ની આઈપીએલની ટ્રૉફી પણ પોતાને નામ કરી.

2019: જ્યારે એક ઓવરમાં નવ રન ન થઈ શક્યા

ઇમેજ સ્રોત, Getty Images

તારીખ: 12 મે, 2019
મુંબઈ ઇન્ડિયન્સ - 149/8, પોલાર્ડ: 42 (25), દિપક ચહર: 3/25
ચેન્નઈ સુપરકિંગ્સ - 148/7, શેન વૉટસન: 80 (59), જસપ્રીત બુમરાહ: 2/14
પ્લેયર ઑફ ધ મૅચ - જસપ્રીત બુમરાહ

હૈદરાબાદના મેદાનમાં વર્ષ 2019માં રમાયેલી આ મૅચમાં મુંબઈએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ તરફથી પોલાર્ડે ત્રણ છગ્ગા અને ત્રણ ચોક્કા વડે 41 રન નોંધાવ્યા હતા.
સાથે જ હાર્દિક પંડ્યાએ 22 બૉલમાં 39 રન ફટકારીને મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. જેની મદદથી મુંબઈએ ચેન્નઈ સામે 150 રનનો ટાર્ગેટ મૂક્યો હતો.
ધોનીની ટીમ ચેન્નઈએ 13 ઓવરમાં 82 રન ફટકારી દીધા હતા. તેની સાથે જ ચાર વિકેટો પણ પડી ગઈ હતી. કપ્તાન મહેન્દ્રસિંહ ધોની પણ માત્ર બે રન બનાવીને પેવેલિયનભેગા થઈ ગયા હતા.
તેમની ટીમ ટ્રૉફી જીતવા માટે 44 બૉલમાં 68 રન દૂર હતી અને બેટિંગ કરી રહેલા શેન વૉટસન અને ડ્વેઇન બ્રાવોએ 34 બૉલમાં 51 રન ફટકારી દીધા. અંતે આઠ બૉલમાં 17 રન બાકી હતા, ત્યાં જ બ્રાવો જસપ્રીત બુમરાહનો શિકાર બન્યા. છેલ્લી ઓવરમાં ચેન્નઈને જીતવા માટે માત્ર નવ રન બનાવવાના હતા.
મેદાનમાં અને ઘેરબેઠા આઈપીએલ જોઈ રહેલાં હજારો પ્રેક્ષકોએ ચેન્નઈની જીતની ખુશી મનાવવાની શરૂ કરી દીધી હતી. એવામાં રોહિત શર્માએ શ્રીલંકન બૉલર લસીથ મલિંગાને બૉલિંગ આપી. ક્રીસ પર હતા શેન વૉટસન અને રવીન્દ્ર જાડેજા.
અંતિમ ઓવરના પ્રથમ ત્રણ બૉલમાં ત્રણ રન આવ્યા, પરંતુ ચોથા બૉલે બીજો રન દોડવામાં વૉટસન આઉટ થઈ ગયા હતા. ત્યાર પછી મેદાનમાં ઊતર્યા શાર્દૂલ ઠાકુર.
શાર્દૂલે આવતાની વેંત બે રન લીધા. હવે બાકી હતો છેલ્લો બૉલ અને જીતવા માટે જોઇતા હતા બે રન.
મલિંગાએ છેલ્લા બૉલે એવું કર્યું, જેના માટે તેઓ જાણીતા છે. છેલ્લો બૉલ સ્ટમ્પ્સની વચ્ચોવચ યૉર્કર નાખ્યો અને શાર્દૂલ ઠાકુર એલબીડબલ્યૂ થયા અને મુંબઈ માત્ર એક રનથી જીતી ગયું.
આ સાથે જ મુંબઈ પાંચમી વખત આઈપીએલ વિજેતા બન્યું હતું. પ્લેયર ઑફ ધ મૅચનો ખિતાબ જસપ્રીત બુમરાહને મળ્યો હતો.














