You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પેટમાં કૃમિ કેવી રીતે થાય છે? તેનાથી બચવા શું કરવું?
- લેેખક, રુચિતા પુરબિયા
- પદ, બીબીસી ગુજરાતી માટે
કૃમિ, કરમિયા, ચરચિયા, કીડા, વગેરે અનેક નામોથી ઓળખાતો કૃમિ રોગ આમ તો એક સાધારણ રોગ છે જેની સમયસર દવા કરાવવાથી મટી જાય છે, પરંતુ જો સમયસર યોગ્ય સારવાર ન થાય તો તે મોટી બીમારીમાં પરિવર્તિત થઈ શકે છે.
મોટા ભાગે મળમાં લાંબા કૃમિની ઉપસ્થિતિ અથવા પેટમાં દુખાવો અને ગુદામાં ખંજવાળ થાય છે. આવાં લક્ષણોની તપાસ પછી આનું નિદાન થતું હોય છે.
પેટમાં મળતાં કૃમિને ગેસ્ટ્રિક કીડા પણ કહેવામાં આવે છે. જે કઈ પ્રકારના હોય છે જેમકે રાઉંડ વર્મ, ફ્લૅટવર્મ અને ટેપવર્મ.
આવાં દરેક કૃમિની વિશેષતાઓ અલગઅલગ હોય છે. તેમનું જીવનચક્ર અને તેની આપણા સ્વાસ્થ્ય પર અસર પણ અલગઅલગ હોય છે.
ભારતની દરેક વ્યક્તિ કૃમિ મુક્ત રહે તેની ખાતરી કરવા ભારત સરકાર દર વર્ષે 10 ફેબ્રુઆરીએ ‘રાષ્ટ્રીય કૃમિ-નાશક દિવસ’ તરીકે ઊજવે છે.
રાષ્ટ્રીય હેલ્થ પોર્ટલ આ પહેલને દેશના સૌથી મોટા જાહેર આરોગ્ય કાર્યક્રમોમાંના એક તરીકે માને છે.
રાષ્ટ્રીય કૃમિ-નાશક દિવસની શરૂઆત 2015માં થઈ હતી અને ત્યારથી શાળાઓ અને આંગણવાડીઓ મારફતે દ્વિવાર્ષિક એક દિવસીય કાર્યક્રમ તરીકે તેને અમલમાં મૂકવામાં આવે છે.
કેટલાંક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, કૃમિ રોગનો વ્યાપ વધુ છે અને તેથી જ આ દિવસને દ્વિ-વાર્ષિક રીતે ચિહ્નિત કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૃમિ રોગ/કૃમિનો ઉપદ્રવ શું છે?
કૃમિનો ઉપદ્રવ એ એક સામાન્ય સમસ્યા છે જે મોટે ભાગે બાળકોમાં જોવા મળે છે, પરંતુ જીવનશૈલીમાં બદલાવને કારણે આ સમસ્યા પુખ્ત વયના લોકોમાં પણ જોવા મળે છે.
નિષ્ણાતો મુજબ પુખ્ત વયમાં થવાનું કારણ એ છે કે, જંક ખોરાકનું ચલણ વધુ છે, લોકો ઘરથી દૂર રહે છે, બહારનું ભોજન ખાય છે, આ બધાના કારણે આરોગ્યની ચિંતા વધી છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનની વ્યાખ્યા મુજબ, કૃમિ પરોપજીવી છે, જે ખોરાક અને અસ્તિત્વ માટે બીજા સજીવ જેમકે માનવ આંતરડામાં રહે છે. કૃમિ શરીર માટેના જરૂરી પોષક તત્ત્વોનો ઉપયોગ કરે છે અને તેના કારણે શરીરમાં લોહીની ઊણપ અને પોષણ નબળું પડે છે.
અમદાવાદના જાણીતા ફિઝિશિયન ડૉકટર પ્રવીણ ગર્ગ કહે છે કે, "ટેપવર્મ, રાઉન્ડવર્મ અને હૂકવર્મ એ મુખ્ય પ્રકારના કૃમિ છે જે પેટની દીવાલોમાં ઉપદ્રવ કરે છે. કૃમિ જે સામાન્ય રીતે ખોરાક દ્વારા પેટમાં પ્રવેશ કરે છે, તે આપણા શરીરમાંથી પોષણ લેવાનું શરૂ કરે છે અને તે ફેફસાં, મગજ, આંખો વગેરેમાં સ્થળાંતર કરી શકે છે."
કૃમિ રોગ થાય તો શું થાય?
ડૉક્ટર ગર્ગ કહે છે, "કૃમિ શરીરમાં ઘર કરે છે અને અમુક કૃમિના કારણે થતા ચેપથી લોહીમાં આયર્નની ખોટ થઈ શકે છે જેના પરિણામે એનિમિયા થાય છે. આનાથી શરીરમાં આયર્ન, વિટામિન્સ, પ્રોટીન, બી12 પણ ઘટી જાય છે.
"તેનાથી માલબ્સોર્પ્શન પણ થાય છે, જેમાં વ્યક્તિના શરીરને પૂરતાં પોષક તત્ત્વો મળતાં નથી કારણ કે પોષક તત્ત્વો કૃમિ શોષી લે છે. જો કૃમિ વધી જાય શરીરમાં તો લીવર અને બીજા ભાગોમાં ફેલાય છે અને ફોલ્લા પણ કરે છે."
"જો કૃમિ ક્રૉનિક (ગંભીર) હોય, એટલે કે વધારે ફેલાયેલું હોય તો દર્દીઓને અલ્સર, યકૃતમાં ફોલ્લાઓ અથવા પિત્તાશયમાં ફોલ્લાઓ થઈ શકે છે. જો કૃમિ વધુ ફેલાય તો ન્યૂરોસિસ્ટીકરોસિસનો થઈ શકે છે, એટલે કે એવી સ્થિતિ જેમાં મગજ સહિત શરીરના કેટલાક ભાગોમાં કૃમિ જોવા મળે છે. જો કે, આ ખૂબ જ અસામાન્ય ઘટના છે."
શરીરમાં કૃમિ હોવાનાં લક્ષણો કયાં છે?
ડૉક્ટર ગર્ગ કહે છે, "કૃમિના ઉપદ્રવના મુખ્ય ચિહ્નો અને લક્ષણોમાં તાવ, પેટમાં દુખાવો, ગુદામાર્ગમાં ખંજવાળ, વજન અને ભૂખમાં ઘટાડો, થાક, કબજિયાત, એનિમિયા સાથે ઝાડા અને ઊટલીનો સમાવેશ થાય છે."
પુખ્ત વયના લોકોમાં, કૃમિથી તેમની કાર્ય ક્ષમતામાં ઘટાડો થાય છે, શરીરમાં પોષણ સ્તર ઘટે છે જે વધીને એનિમિયાની સમસ્યામાં પરિણમી શકે છે.
કૃમિ શરીરના પાચન તંત્રને નુકસાન પહોંચાડતો રોગ છે. કૃમિ રોગ માનવ શરીરમાં પ્રવેશીને પાચન પ્રક્રિયાને નબળી કરે છે અને શરીરમાં બીજાં અંગોને પણ નુકસાન કરે છે.
કૃમિનો ફેલાવો કેવી રીતે અટકાવવો?
નિષ્ણાતોના કહેવા પ્રમાણે, કૃમિના રોગને દૂર કરવાનો સૌથી સરળ રસ્તો છે તમારી આજુ બાજુ સ્વછતામાં વધારો કરવો. જેમ કે,
- હાથ ધોવા, ખાસ કરીને જમતાં પહેલાં અને પછી, શૌચાલયનો ઉપયોગ કર્યા પછી
- પાલતુ જાનવરને ચાટવું નહીં
- સ્વછ શૌચાલયનો ઉપયોગ કરવો
- ચંપલ પહેરવા
- માંસાહારી ભોજન પૂરી રીતે પાકાવવું
- સુરક્ષિત અને સ્વચ્છ પાણી પીવું
- શાકભાજી ફળ અને સલાડ સુરક્ષિત અને સ્વચ્છ પાણીમાં ધોવા
- નખ સ્વચ્છ અને ટૂંકા રાખવા
ડૉકટર ગર્ગ કહે છે, "વ્યક્તિ તેના મળમૂત્રને જોઈને તેના શરીરમાં કૃમિ છે કે નહીં તે જાણી શકે છે. અથવા લૅબોરેટોરીમાં સ્ટૂલ ટેસ્ટ કરી પણ જાણી શકાય છે."
જોકે બીબીસી સંવાદદાતા ઓમકાર કરંબેકર સાથેની વાતચીતમાં એમડી ડૉક્ટર રોહિતે કાકૂએ જણાવ્યું કે," 12થી 23 મહીનાનાં બાળકો, 1થી ચાર વર્ષનાં બાળકો અને પાંચથી 12 વર્ષનાં બાળકોને કૃમિ ખતમ કરવા માટે વર્ષમાં એક કે બે વખત દવા આપવામાં આવે છે."
તેઓ સલાહ આપે છે કે બાળકો અને પુખ્ત વયના લોકોમાં પણ કેટલાક રોગો કૃમિને કારણે થાય છે. એટલે વર્ષમાં બે વખત એટલે કે દર છ મહીને ડૉક્ટરની સલાહ પ્રમાણે દવા લી શકાય. બાળકોમાં આ પ્રક્રિયા ત્યારે શરૂ કરી શકાય જ્યારે તેમની ઉંમર બે વર્ષને વટાવી જાય."
"આ પ્રક્રિયામાં પેટમાં રહેલા કૃમિ બહાર નીકળી જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ ક્ષેત્રમાં એક નિશ્ચિત અવધિ પછી કૃમિમુક્તિ કાર્યક્રમની ભલામણ તકે છે જ્યાં બાળકોમાં કૃમિની સમસ્યા વધી રહી હોય."
વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા સૂચવે છે કે જોખમી વસ્તીમાં રહેતા લોકોએ નિયમિત અંતરે કૃમિને ખતમ કરવા માટેની દવા લેવી જોઈએ. પરંતુ ડૉક્ટર ગર્ગ કહે છે કે, "આવી દવાઓ બધા માટે જરૂર નથી. એટલે નિયમિતપણે કૃમિનાશક દાવા લેવી તેના ઉપર એક મત નથી. પણ જો ઉપરના એક પણ લક્ષણો દેખાય તો તુરંત જ દવા કરાવવી જોઈએ."
આ વિષય પર થયેલા સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે, કૃમિ સામે લાડવા સમયાંતરે દવા લેવાની જરૂર નથી. ફક્ત તે વિસ્તારમાં જ્યાં આ રોગ વ્યાપકપણે ફેલાયેલો છે ફક્ત તે જગ્યા એ લોકો જો દવા લે તો તે ફાયદેમંદ છે. જ્યાં આ રોગ ખૂબ પ્રચલિત નથી ત્યાં કોઈ વ્યક્તિને આ રોગ થઈ શકે છે પણ, તે માટે બધાએ આ દવા લેવી જરૂરી નથી. નહિંતર દવા લેવી નિરર્થક છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા મંજૂર કરાયેલ જૂની અને વિશ્વસનીય દવા અલ્બેન્ડાઝોલ ટેબ્લેટ છે, જેનો ઉપયોગ વૈશ્વિક સ્તરે બાળકો અને કિશોરોમાં આંતરડાના કૃમિની સારવાર માટે થાય છે.
ડૉક્ટર સામાન્ય રીતે 21 દિવસના વિરામ પર તેની બે ગોળી સૂચવે છે.