ઇમરાનને સત્તાથી દૂર રાખવા નવાઝ શરીફ અને બિલાવલની પાર્ટીએ કર્યું ગઠબંધનનું એલાન, હવે શું થશે?

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના અધ્યક્ષ શાહબાઝ શરીફ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો અને આસિફ અલી ઝરદારી વચ્ચે થયેલી બેઠક બાદ એ નક્કી થયું છે કે બંને પક્ષો ગઠબંધન કરશે.

લાહોરના બિલાવલ હાઉસમાં બંને પક્ષો વચ્ચે બેઠક થઈ હતી. બંને પક્ષો વચ્ચે રાજકીય પરિસ્થિતિઓ અંગે વાત થઈ અને બંનેએ સાથે મળીને સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે.

બેઠક બાદ જાહેર કરાયેલા નિવેદન અનુસાર, મુસ્લિમ લીગ (એન) અને પીપલ્સ પાર્ટી વચ્ચે રાજકીય સહયોગ પર સૈદ્ધાંતિક સમજૂતી થઈ છે. ઉપરાંત, બેઠકમાં દેશની એકંદર પરિસ્થિતિ અને ભાવિ રાજકીય સહયોગ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

દેશમાં રાજકીય સ્થિરતા લાવવા માટે બંને પક્ષોએ ગઠબંધન કરીને સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે.

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાયેલી નેશનલ એસેમ્બલીની ચૂંટણીમાં ઈમરાન ખાનની પાર્ટી તહેરીક-એ-ઈન્સાફ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોની સૌથી વધુ સંખ્યામાં જીત થઈ છે.

93 બેઠકો અપક્ષ ઉમેદવારોએ જીતી છે, જ્યારે પીએમએલ-એનએ 75 બેઠકો અને પીપીપીએ 54 બેઠકો જીતી છે.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં 366 બેઠકો છે, જેમાંથી 266 બેઠકો પર સીધી ચૂંટણી દ્વારા પ્રતિનિધિઓ ચૂંટાય છે. 60 બેઠકો મહિલાઓ માટે અને 10 બેઠકો બિન-મુસ્લિમ પ્રતિનિધિઓ માટે અનામત છે.

સીધી ચૂંટણીમાં 266 બેઠકોમાંથી સરકાર બનાવવા માટે 134 બેઠકોની જરૂર પડે છે.

સરકાર બનાવવા માટેની મથામણ

એ પહેલા પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના બહુમતી જીતવાના દાવા બાદ બીજાં દળોએ પણ સરકારના ગઠનના પ્રયત્નો ઝડપી કરી દીધા હતા.

મુત્તહિદા કોમી મૂવમેન્ટ (એમક્યૂએમ)ના એક પ્રતિનિધિમંડળે પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના વડા અને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ સાથે બેઠક કરી હતી.

પાકિસ્તાન મુસ્લિમ લીગ - એનનાં પ્રવક્તા અને પૂર્વ મંત્રી મરિયમ ઔરંગઝેબે એમક્યુએમનાનેતાઓની નવાઝ શરીફ સાથે સવારે સાડા 11 વાગ્યે બેઠકની માહિતી આપી હતી.

ડૉક્ટર ખાલિદ મકબૂલ સિદ્દિકી એમક્યુએમના પ્રતિનિધિઓ સાથે મળવા આવશે. આ બેઠકમાં નવાઝ શરીફ સિવાય તેમનાં પુત્રી મરિયમ નવાઝ અને પૂર્વ વડા પ્રધાન શાહબાઝ શરીફ પણ સામેલ રહેશે.

બીબીસી ઉર્દૂ અનુસાર આ બેઠકમાં નવી સરકાર રચવા, ભવિષ્યની રણનીતિ તૈયાર કરવા ઉપરાંત કેટલાક મહત્ત્વના વિષયો પર વાત થશે.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી માટે થયેલી ચૂંટણીનાં અત્યાર સુધી જાહેર કરવામાં આવેલા પરિણામોમાં મુસ્લિમ લીગ-એન બીજી મોટી પાર્ટી બની છે. તેમને 75 બેઠકો મળી છે અને એમક્યુએમને 17 બેઠકો મળી છે.

પ્રથમ ક્રમે પીટીઆઈ સમર્થિત અપક્ષ ઉમેદવાર છે જેમણે 93 બેઠકો પર વિજય મેળવ્યો છે.

પાકિસ્તાનમાં ત્રણ દિવસ આવ્યાં ચૂંટણીનાં સંપૂર્ણ પરિણામ

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી થવાના ત્રણ દિવસ બાદ આખરે ચૂંટણીપંચે રાષ્ટ્રીય અને પ્રાંતની એસેમ્બલીનાં બધાં પરિણામ જાહેર કર્યાં છે.

તાજા પરિણામમાં સ્વતંત્ર ઉમેદવારોએ 101 બેઠકો પર જીત મેળવી છે અને બીબીસી ઉર્દૂ અનુસાર આમાં 93 બેઠકો પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી એટલે ઇમરાન ખાન સમર્થિત ઉમેદવારો છે.

બીજા નંબર પર પાકિસ્તાન મુસ્લિમ લીગ- એનના ખાતામાં 75 બેઠકો આવી છે.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી 54 બેઠકો સાથે ત્રીજા સ્થાન પર છે જ્યારે એમક્યુએમ પાકિસ્તાનના ખાતામાં 17 બેઠકો આવી છે.

આની સાથે જ ચાર પ્રાન્તોની ઍસેમ્બલીની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં છે.

પંજાબ ઍસેમ્બલી

પાકિસ્તાન ચૂંટણીપંચ મુજબ પંજાબ ઍસેમ્બલીમાં પીએમએલ (એન)ને સૌથી વધુ 137 બેઠકો મળી છે. જોકે પીએમએલ-ક્યુને આઠ બેઠકો મળી છે.

પંજાબ ઍસેમ્બલીમાં 297 બેઠકો છે અને એક બેઠક પર ચૂંટણી રદ કરવામાં આવી છે.

સિંધ ઍસેમ્બલી

130 બેઠકોવાળી સિંધ ઍસેમ્બલીમાં પીપીપીને 84 બેઠકો મળી છે. 28 બેઠકો એમક્યુએમને મળી છે.

ખૈબર પખ્તુનખ્વાહ

ખૈબર પખ્તુનખ્વાહ પ્રાંત ઍસેમ્બલીમાં પીટીઆઈ સમર્થિત ઉમેદવારો સરકાર બનાવવાની પરિસ્થિતિમાં છે.

115 બેઠકોવાળી આ ઍસેમ્બલીમાં તેને 90 બેઠકો મળી છે. અહીં સાત બેઠકો સાથે જમીયત ઉલેમા-એ ઇસ્લામ સાત બેઠકો સાથે બીજા અને પાંચ બેઠકો સાથે પીએમએલ-એન ત્રીજા ક્રમે છે.

બલૂચિસ્તાન

બલૂચિસ્તાન ઍસેમ્બલીની 51 બેઠકોમાંથી 50 બેઠકોનાં પરિણામ આવી ગયાં છે.

ચૂંટણીપંચ અનુસાર, પીપીસી અને જમીયત ઉલેમા-એ- ઇસ્લામને 11 બેઠકો મળી છે જ્યારે પીએમએલ(એન)ની 10 બેઠકો જીતી છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોર શહેરમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના સંભવિત પ્રદર્શનને જોતાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.

પીટીઆઈએ ચૂંટણીમાં ગોટાળાના આરોપ કર્યા છે અને પ્રદર્શનની જાહેરાત કરી છે.

અગાઉ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ચૅરમૅન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સરકાર બનાવવા માટે કોઈ પણ પાર્ટી સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

એક ખાનગી ચેનલ જિયો ન્યૂઝ સાથે વાત કરતા બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે સરકાર બનાવવા માટે પીએમએલ (એન), પીટીઆઈ કે કોઈ અન્ય પાર્ટી સાથે વાતચીત થઈ રહી નથી.

તેમણે કહ્યું, "અમે બધા ચૂંટણી વિસ્તારમાં મતગણતરી પૂરી થવા અને પરિણામની રાહ જોઈ રહ્યા છીએ."

ચૂંટણી પહેલાં પીપીપીની કેન્દ્રીય સમિતિએ બિલાવલ ભુટ્ટોને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા હતા.

આ મામલે તેમણે કહ્યું કે "જો અમારે આ નિર્ણય બદલવો પડે તો કેન્દ્રીય સમિતિની બીજી વાર બેઠક બોલાવીશું અને સંમતિ સાથે નિર્ણય લેશું."

તેમણે કહ્યું કે તેઓ દેશમાં રાજકીય સહમતિ સ્થાપિત કરવા માગે છે, કેમ કે સહમતિ વિના કોઈ પણ સરકાર સારી રીતે કામ કરી શકશે નહીં.

ઇમરાન ખાનની પાર્ટીએ શું દાવો કર્યો હતો?

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં ઈમરાન ખાનના પક્ષ પીટીઆઈ સમર્થિત ઉમેદવારો સતત આગળ ચાલી રહ્યા છે. તે દરમિયાન પીટીઆઈના નેતા બેરિસ્ટર ગૌહર અલી ખાને દાવો કર્યો હતો કે તેમની પાસે નેશનલ ઍસેમ્બલીમાં સરકાર બનાવવા લાયક સંખ્યા છે.

ઇસ્લામાબાદમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે એવો દાવો કર્યો હતો કે તેમના પક્ષે નેશનલ ઍસેમ્બલીની 170 બેઠકો પર વિજય મેળવ્યો છે.

નોંધનીય છે કે પાકિસ્તાનના ચૂંટણી પંચે અત્યાર સુધીમાં 250 બેઠકોના પરિણામો જાહેર કર્યા છે.

પરિણામો અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ 94 બેઠકો જીતી લીધી છે.

ગૌહર અલી ખાને કહ્યું કે તેમની પાર્ટી કેન્દ્ર, ખૈબર પખ્તુનખ્વા અને પંજાબમાં સરકાર બનાવશે.

તેમણે બાકીની બેઠકોના પરિણામો વહેલી તકે જાહેર કરવા અપીલ કરી છે.

તેમણે કહ્યું કે જે બેઠકોના પરિણામો જાહેર થયા નથી ત્યાં પાર્ટીના કાર્યકરો અને સમર્થકો રવિવારે રિટર્નિંગ ઓફિસરની કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરશે.

ઇમરાન ખાનનું નિવેદન

આ પહેલા ઇમરાન ખાનના અવાજમાં પક્ષે એક નિવેદન પણ બહાર પાડ્યું હતું.

જોકે આ નિવેદન એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે કારણ કે ઇમરાન ખાન આ વખતે ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે.

પૂર્વ વડા પ્રધાનની પાર્ટી પીટીઆઈ તરફથી સોશિયલ મીડિયા સાઇટ પર એક્સ પર તેમના અવાજમાં આ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.

આ સંદેશમાં અડિયાલા જેલમાં બંધ ઇમરાન ખાન કહી રહ્યા છે કે, "તમે તમારો મત આપીને સાચી આઝાદીનો પાયો નાખ્યો છે. હું તમને ઇલેક્શન 2024 જીતવા માટે અભિનંદન આપું છું."

તેમણે કહ્યું કે, "લંડનનો પ્લાન તમારા વોટને કારણે ફેઇલ થઈ ગયો."

ઇમરાન ખાનના સંદેશમાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ પર ટિપ્પણી કરવામાં આવી છે. અને કહ્યું છે કે "તેઓ 30 બેઠકો પાછળ ચાલતા હતા તો પણ વિક્ટ્રી સ્પીચ આપવામાં આવી."

ઇમરાન ખાને દાવો કર્યો કે, "ગોટાળો શરૂ થયો એ પહેલાં અમે નેશનલ એસેમ્બલીની 150 બેઠકો પર જીતી રહ્યા હતા."

તેમણે કહ્યું કે, "આ વખતે અમે ફૉર્મ 45ના ડેટા અનુસાર નેશનલ એસેમ્બલીની 170 બેઠકો પર જીતી રહ્યા હતા."

પીટીઆઈએ ગોટાળાના આક્ષેપ કર્યા છે પરંતુ તેમના તરફથી કોઈ પુરાવા નથી આપવામાં આવ્યા.

અપક્ષ ઉમેદવારો નિર્ણાયક બની શકે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં અપક્ષ ઉમેદવારોએ જીતના 72 કલાકની અંદર કોઈ પાર્ટીનું પોતાનું સમર્થન આપવાનું હોય છે.

એ પહેલાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ સામાન્ય ચૂંટણી ખતમ થયા બાદ લાહોરમાં પોતાના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે તેમની સાથે શહબાઝ શરીફ અને મરિયમ નવાઝ પણ દેખાયાં.

તેમણે કહ્યું, “આ દેશ મુશ્કેલીમાંથી બહાર કાઢવાની જવાબદારી આપણા સૌની છે. આપણે લોકોના ભરોસા પર ખરા ઊતરવાનું છે, ત્યારે જ આપણે આ મુશ્કેલીમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી શકીશું.”

આ સાથે જ તેમણે કહ્યું કે આ દેશ સંતુલન અને સ્થિરતા સાથે ઓછામાં ઓછાં દસ વર્ષ સુધી ચાલે એ જરૂરી છે.

તેમણે કહ્યું કે દેશની તમામ પાર્ટીઓએ તેમની સાથે બેસવું જોઈએ જેથી આગળનો રસ્તો સ્પષ્ટ થઈ શકે.

તેમણે કહ્યું કે શહબાઝ શરીફને પીપીપી, એમક્યૂએમ અને મૌલાના ફઝલ-ઉર-રહમાન સાથે મુલાકાત કરવાની જવાબદારી સોંપાઈ છે.

નવાઝ શરીફે કહ્યું છે કે અમારી પાસે એટલો મોટો જનમત નથી કે અમે એકલા સરકાર રચી શકીએ, આવી સ્થિતિમાં અમે બીજાં દળોને સાથે આવવાનું આમંત્રણ આપીએ છીએ.

પાકિસ્તાનની ચૂંટણી પ્રક્રિયા પર અમેરિકા અને બ્રિટનના સવાલ

પાકિસ્તાનની ચૂંટણી પ્રક્રિયામાં થઈ રહેલા હસ્તક્ષેપના આરોપ પર અમેરિકા અને બ્રિટને ચિંતા વ્યક્ત કરી છે.

બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ કૅમરને કહ્યું કે તેમનો દેશ પાકિસ્તાનના અધિકારીઓને મૌલિક માનવ અધિકારોને જાળવી રાખવાની વિનંતી કરે છે.

એક નિવેદનમાં કૅમરને અફસોસ વ્યક્ત કરતાં કહ્યું કે બધા પક્ષોને ઔપચારિક ચૂંટણી લડવાની અનુમતિ ન આપવામાં આવી.

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મૅથ્યુ મિલરે પાકિસ્તાન ચૂંટણી દરમિયાન અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિપૂર્ણ રીતે એકઠા થવા પર લાગેલા પ્રતિબંધોની ટીકા કરી છે. અમેરિકાના ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મીડિયાકર્મીઓ પર હુમલા, ઇન્ટરનેટ અને દૂરસંચાર સેવાઓ પર પ્રતિબંધને ટાંકતા નિષ્પક્ષ ચૂંટણી પર સવાલ ઉઠાવ્યા છે.

પાકિસ્તાનમાં મતગણતરી સંદર્ભે સ્થાનિકો શું બોલ્યા?

આઠ ફેબ્રુઆરીએ દેશની ઍસેમ્બલી અને ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું.

અત્યાર સુધી જાહેર થયેલાં પરિણામો મુજબ નૅશનલ ઍસેમ્બલી ચૂંટણીમાં જીતનારા ઉમેદાવારોમાં સૌથી વધુ અપક્ષ સામેલ છે. તેમાંથી મોટા ભાગના ઇમરાન ખાનના સમર્થકો છે.

ચૂંટણીનાં પરિણામો આવી રહ્યાં છે ત્યારે કેટલાક પાકિસ્તાની શું વિચારી રહ્યા છે?

લાહોરમાં બીબીસીના ઉસ્માન ઝાહિદે લોકો સાથે વાત કરીને સમજવાનો પ્રયત્ન કર્યો.

લાહોરમાં એક સુભાન નામના દુકાનદારે કહ્યું, "આ ઇલેક્શન નથી, સિલેક્શન છે. પહેલાં તેઓ કહે છે એક પાર્ટી હારી રહી છે અને પછી ઇન્ટરનેટને બંધ કરી દેવામાં આવે છે. પછી સવાર થાય છે ત્યારે કહાણી જ તદ્દન બદલાઈ જાય છે."

તેઓ કહે છે, "મને નથી લાગતું કે ચૂંટણીથી કંઈ ફરક પડશે. મને આ લોકો પાસે કોઈ આશા નથી."

સોમિયાએ પણ પાકિસ્તાનની આ ચૂંટણીમાં મતદાન કર્યું હતું.

તેઓ બોલ્યાં, "અમારા જેવા ગરીબ લોકો માટે કોઈ વિચારતું નથી. મને નથી લાગતું કે અમારા જેવા લોકો માટે કંઈ બદલશે. અમારા વિસ્તારમાં જીવન જરૂરિયાતની સુવિધાની જરૂર છે. ગટર જેવી સુવિધાઓ પણ આ લોકો આપી રહ્યા નથી."

તેમણે વધુમાં કહ્યું, "દરેક લોકો કહે છે કે નવી સરકાર અમારા માટે કંઈક કરશે. મને એવી આશા છે કે આ લોકો એવી વસ્તુઓ પૂરી પાડે, જેથી લોકોનું જીવન સુધરી શકે. સરકાર મોંઘવારી પર લગામ લગાવે."

પરિણામોમાં 'વિલંબ'ને લઈને વિવાદ

શરૂઆતમાં ચૂંટણીપંચ દ્વારા પરિણામ જાહેર કરવામાં ‘વિલંબ’ મુદ્દે સવાલ ઊઠ્યા હતા.

નોંધનીય છે કે ગુરુવારે થયેલા મતદાનના દસ કલાક બાદ પરિણામ જાહેર કરાયાં છે.

પરિણામ જાહેર કરવામાં શરૂઆતના તબક્કામાં થયેલા વિલંબને કારણે સ્થાનિક ટીવી ચેનલો દ્વારા જાહેર કરાયેલાં બિનઆધિકારિક પરિણામોને આધારે ઇમરાન ખાનની પાર્ટીએ પક્ષને 100 કરતાં વધુ બેઠકો પર આગળ હોવાનું જાહેર કર્યું હતું.

જોકે, ચૂંટણીપંચે પોતાની જાતને આ દાવાથી અળગું કરી લીધું અને આને “બિનઆધિકારિક અને અધૂરાં પરિણામ” ગણાવ્યાં. તેમજ પરિણામ જાહેર કરવામાં થઈ રહેલા વિલંબ માટે ફોન અને ઇન્ટરનેટ સેવા મોકૂફ રાખવાના નિર્ણયને જવાબદાર ગણાવ્યો હતો.

આ વિલંબને કારણે ઘણા ઉમેદવારો ચૂંટણીપંચ પર ‘પરિણામ બદલવાનો’ આરોપ કરતાં મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો હતો.

ચૂંટણીના કાયદા અનુસાર પાકિસ્તાનનું ચૂંટણીપંચ નવ તારીખે બે વાગ્યા સુધી પ્રારંભિક પરિણામો જાહેર કરવા બંધાયેલું હતું. વિલંબની સ્થિતિમાં આ સમય વધીને દસ વાગ્યા સુધીનો થઈ શકે. જોકે, આ વિલંબ માટેનાં કારણો જે-તે અધિકારીએ પંચને જણાવવા જરૂરી છે.

સવારના દસ વાગ્યાની ડેડલાઇન વીત્યાને કલાકો થયા છતા હજુ સુધી સમગ્ર પરિણામો જાહેર કરવામાં હજુ વધુ કેટલો સમય લાગશે એ સ્પષ્ટ નથી.

નવાઝ અને મરિયમને મળી જીત

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને લાહોરની એનએ-130 બેઠક પર જીત મળી છે.

પરંતુ ઇમરાન ખાનના નેતૃત્વવાળી પીટીઆઇએ નવાઝ શરીફની જીત પર સવાલ ઉઠાવ્યા છે. પીટીઆઇ દ્વારા કરાયેલા ટ્વીટમાં લખાયું છે કે, “ગણાયેલા કુલ માન્ય મતોની સંખ્યા કુલ મતોની સંખ્યા કરતાં વધુ છે. નવાઝ શરીફને જનમતની ચોરી બદલ શરમ આવવી જોઈએ.”

આ ટ્વીટ સાથે એક તસવીર શૅર કરાઈ છે જેમાં કુલ મતોની સંખ્યા 2,93,693 લખાઈ છે. તેમજ કુલ માન્ય મતોની સંખ્યા 2,94,043 લખાયેલી છે.

જોકે, પાકિસ્તાન મુસ્લિમ લીગે (નવાઝ) ટ્વીટ કરીને લખ્યું છે કે એનએ – 130 પર નવાઝ શરીફને ભારે અંતરથી જીત મળી છે.

જોકે, અહીં નોંધનીય છે કે આ દાવા રાજકીય દળોના છે, આ મુદ્દે ચૂંટણીપંચે કંઈ જ નથી કહ્યું.

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝનાં વરિષ્ઠ ઉપાધ્યક્ષ મરિયમ નવાઝને લાહોરની નેશનલ ઍસેમ્બલી વિસ્તાર એનએ-119થી વિજેતા જાહેર કરાયાં છે.

ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા અનુસાર, મરિયમને 83,855 મત મળ્યા છે. તેમના હરીફ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સમર્થિત અપક્ષ ઉમેદવાર શહજાદ ફારુકને 68,376 મત મળ્યા છે.

સરકાર બનાવવા માટે 134 સીટની જરૂર

ઉલ્લેખનીય છે કે 8 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં મતદાન થયું હતું. પાકિસ્તાનમાં સરકાર બનાવવા માટે 134 સીટની જરૂર હોય છે.

આ પહેલાં ચૂંટણીમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા પર રોક લગાવી દીધી હતી. ગૃહ મંત્રાલયે કહ્યું કે આતંકવાદ સાથે જોડાયેલા મામલાને જોતા આ પગલું લેવું જરૂરી હતું.

તો ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ ઇન્ટરનેટ સેવા બંધ કરવાના પગલાને 'કાયરતાપૂર્ણ' ગણાવ્યું છે. પાકિસ્તાનમાં આ ચૂંટણી પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન સામે અવિશ્વાસમત લાવ્યા બાદ બે વર્ષે થઈ છે. પાકિસ્તાનમાં પહેલી વાર ઇમરાન ખાન વિના ચૂંટણી થઈ છે, ઇમરાન ખાન હાલ જેલમાં છે.

આ ચૂંટણીમાં લગભગ 128 મિલિયન મતદારો નોંધાયેલા છે, જેમાંથી લગભગ અડધા મતદારો 35 વર્ષથી ઓછી ઉંમરના છે. 5,000થી વધુ ઉમેદવારો (જેમાંથી માત્ર 313 મહિલા) છે. આ ચૂંટણીમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) (પીએમએલ-એન) અને પીપીપીને મતદાન માટે બે મુખ્ય પક્ષો માનવામાં આવે છે.