You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં અશાંતિ, હિંસાના ઓછાયા વચ્ચે મતદાન પૂર્ણ, મોબાઇલ-ઇન્ટરનેટ સેવા પર કેમ લાદવો પડ્યો પ્રતિબંધ?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
પાકિસ્તાનમાં ગુરુવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં મતદાન દરમિયાન મોબાઇલ સેવા સસ્પેન્ડ કરી દેવાઈ હતી.
પાકિસ્તાનના ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, “દેશમાં તાજેતરની આતંકવાદી ઘટનાઓને કારણે ઘણા લોકોના જીવ ગયા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા અને સંભવિત જોખમોનો સામનો કરવા માટે સુરક્ષા માટે આવાં પગલાં લેવાં જરૂરી છે. તેથી, સમગ્ર દેશમાં મોબાઇલ સેવાઓને અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે."
પાકિસ્તાન હાલમાં આર્થિક સંકટ, મોંઘવારી અને ઉગ્રવાદી ઘટનાઓ સામે ઝઝૂમી રહ્યું છે. આ ઉપરાંત વર્ષ 2022માં અહીં ભીષણ પૂર પણ આવ્યું હતું.
દેશમાં ચારેકોર હિંસા અને ઉગ્રવાદની ઘટનાઓ વધી રહી છે.
7 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીના એક દિવસ પહેલાં જ બલૂચિસ્તાન પ્રાંતમાં ઉમેદવારોના કાર્યાલયની બહાર બે બૉમ્બ વિસ્ફોટ થયા હતા. જેમાં ઓછામાં ઓછા 28 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા.
દેશમાં રાજકીય ઊથલપાથલ
પાકિસ્તાનમાં કોઈ પણ વડા પ્રધાન તેમની પાંચ વર્ષની ટર્મ પૂરી કરી શકતા નથી તેવો ઇતિહાસ રહ્યો છે.
બે વર્ષ પહેલા જ દેશમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની સરકાર પાડી દેવામાં આવી હતી અને હવે તેઓ ભ્રષ્ટાચારના મામલામાં જેલમાં બંધ છે. તેમને 14 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.
2018માં ઈમરાન ખાનની છબી એક એવા નેતાની બની રહી હતી કે જે પાકિસ્તાનનું ભવિષ્ય બદલી શકે છે. પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનમાં આર્થિક સ્થિતિ બગડી, મોંઘવારી વધી અને અનેક વિપક્ષી નેતાઓ જેલમાં ગયા, મીડિયા પર પ્રતિબંધ મુકાયો અને પત્રકારો પર માનવાધિકાર ભંગ સહિતના હુમલાના અહેવાલો સામે આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનના કેટલાક રાજકીય વિશ્લેષકો દલીલ કરે છે કે તાજેતરનાં વર્ષોમાં ઈમરાન ખાનની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. આ વિશ્લેષકોનું કહેવું છે કે જો તે જેલમાંથી બહાર આવ્યા હોત તો પણ 2023માં તેમની હાર નિશ્ચિત હતી. પરંતુ સર્વેક્ષણ કંપની 'ગેલપે' જાન્યુઆરી 2024માં એક સર્વેમાં કહ્યું હતું કે ખાન હજુ પણ પાકિસ્તાનના સૌથી લોકપ્રિય નેતા છે. એમના બાદ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફે પાકિસ્તાનનું નેતૃત્વ સંભાળ્યું હતું.
આ દરમિયાન નવાઝ શરીફ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. 2018માં તેઓ ચૂંટણી લડ્યા ન હતા. તેમને પણ ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત કરવામાં આવ્યા હતા. તેઓ યુકેમાં હતા અને હવે પાકિસ્તાનમાં પાછા ફર્યાં છે.
આ ચૂંટણી પહેલાં જ તેમના પર ચૂંટણી લડવા પર લગાવાયેલો આજીવન પ્રતિબંધ હઠાવી લેવામાં આવ્યો છે અને તમામ આરોપોમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.
પાકિસ્તાનમાં ઘણા લોકોનું અનુમાન છે કે સેના અને ઈમરાન ખાન વચ્ચે વધતા અંતરને કારણે નવાઝ શરીફ માટે ચોથી વખત વડા પ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો છે.
પાકિસ્તાનમાં ચૂંટણીપ્રચાર અને મુદ્દા
નવાઝ શરીફ અને તેમનો પક્ષ પીએમએલ-એન આ વખતે ચૂંટણીમાં મુખ્ય પક્ષ બનીને ઊભરી આવશે તેવું મનાય છે.
નવાઝ શરીફ સાથે તેમનાં પુત્રી મરિયમ નવાઝ પણ ચૂંટણીપ્રચારનો મુખ્ય ચહેરો બન્યાં છે. તો બીજી તરફ પીટીઆઈના મુખ્ય નેતા ઈમરાન ખાન જેલમાં છે અને તેમના પક્ષનું ચૂંટણીચિહ્ન પણ તેમણે ગુમાવી દીધું છે.
તેમના પક્ષના ઉમેદવારો અપક્ષ કે અન્ય ચૂંટણીપ્રતીકો પર ચૂંટણી લડી રહ્યા છે.
ઈમરાન ખાન અને નવાઝ શરીફનો ગઢ ગણાતા વિસ્તાર લાહોરમાં આ વખતે બિલાવલ ભુટ્ટો ઝરદારી પણ મેદાનમાં ઊતર્યા છે. તેમની પાર્ટી પીપીપી પણ અહીં એક સીટ જીતીને આ મોટા પ્રાંતમાં ખાતું ખોલવા માગે છે.
પીપીપીની સ્થાપના લાહોરમાં 1967માં થઈ હતી. પરંતુ સમયની સાથે તેણે અહીં પોતાનો આધાર ગુમાવ્યો. પીપીપી હજુ પણ રાષ્ટ્રીય પક્ષ હોવાનો દાવો કરે છે, પરંતુ હકીકતમાં તે માત્ર સિંધ પ્રાંત સુધી જ મર્યાદિત છે.
બિલાવલ ભુટ્ટો ઝરદારીએ લાહોરથી નેશનલ ઍસેમ્બલી માટે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તે અને તેમનાં બહેન આસિફા ભુટ્ટો શહેરમાં પ્રચાર કરી રહ્યા છે. બિલાવલ પોતાને યુવા ચહેરા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બિલાવલ ભુટ્ટોએ હકીકતમાં સૌથી લાંબું ચૂંટણીઅભિયાન ચલાવ્યું છે.
લોકોને શું આશા છે?
દેશની નેશનલ ઍસેમ્બલીમાં 336 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. સરકાર બનાવવા માટે 169 બેઠકોની જરૂર છે. 12.8 કરોડથી વધુ લોકો પાસે પાકિસ્તાનમાં મતદાનનો અધિકાર છે.
પાકિસ્તાનની રાજનીતિ પર નજર રાખનારા લોકોને લાગે છે કે છેલ્લાં છ વર્ષની સરખામણીમાં વર્તમાન સમયની વાત કરીએ તો ખાસ કંઈ બદલાયું નથી.
આ વખતે પણ ડઝનબંધ ઉમેદવારોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે, તેઓ કાં તો જેલમાં છે અથવા તો તેઓ મજબૂરીમાં ચૂંટણી લડી રહ્યા નથી.
પાકિસ્તાનમાં લોકો એવી સરકારની અપેક્ષા રાખે છે જે સ્થિર હોય અને તેમને વધતી જતી મોંઘવારી, પાટા પરથી ઊતરતી અર્થવ્યવસ્થા અને નબળી સુરક્ષા પરિસ્થિતિમાંથી રાહત આપે.