ભારત અને કતાર વચ્ચે થયેલી 78 અબજ ડૉલરની ડીલની ચર્ચા કેમ થઈ રહી છે?

ભારત અને કતાર વચ્ચે મંગળવારે એક મહત્ત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર આગામી 20 વર્ષ માટે કરવામાં આવ્યો છે અને તેની કુલ કિંમત 78 અબજ ડૉલર છે.

ભારત કતાર પાસેથી વર્ષ 2048 સુધી લિક્વિફાઇડ નેચરલ ગૅસ (LNG) ખરીદશે.

ભારતની સૌથી મોટી એલએનજી આયાત કરતી કંપની પેટ્રોનેટ એલએનજી લિમિટેડ (પીએલએલ) દ્વારા કતારની સરકારી કંપની 'કતાર ઍનર્જી' સાથે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

આ કરાર હેઠળ કતાર દર વર્ષે ભારતને 7.5 મિલિયન ટન ગૅસની નિકાસ કરશે.

આ ગૅસનો ઉપયોગ વીજળી પેદા કરવા, ખાતર બનાવવા અને તેને સીએનજી(CNG)માં કન્વર્ટ કરવા માટે થાય છે.

આ કરાર શા માટે ખાસ છે?

ગોવામાં ચાલી રહેલા ઈન્ડિયા ઍનર્જી વીક 2024ના પહેલા દિવસે મંગળવારે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર એટલા માટે પણ ખૂબ મહત્ત્વનો હોવાનું કહેવાય છે કે તે હાલના કરાર કરતાં ઘણી ઓછી કિંમતે કરવામાં આવ્યો છે.

પેટ્રોનેટ એલએનજીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ગૅસની આયાત અંગે બંને દેશો વચ્ચે 31 જુલાઈ, 1999ના રોજ કરાર થયો હતો જે 2028 સુધીનો હતો.

હવે આ ડીલ 20 વર્ષ માટે કરવામાં આવી છે જે 2028થી શરૂ થશે. કુલ કેટલી કિંમતે ગૅસ ખરીદવામાં આવશે તે અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની કિંમત વર્તમાન ડીલ કરતાં ઓછી હશે.

અંગ્રેજી અખબાર 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ' અનુસાર આ નવા સોદાથી આગામી 20 વર્ષમાં અંદાજે 6 બિલિયન ડૉલરની બચત થશે.

પેટ્રોનેટ દર વર્ષે બે કરારો હેઠળ કતારમાંથી વાર્ષિક 85 લાખ મેટ્રિક ટન એલએનજી આયાત કરે છે. બંને દેશો વચ્ચે પ્રથમ કરાર 25 વર્ષ પહેલા થયો હતો જે 2028 સુધી માન્ય હતો.

આને 2048 સુધી વધુ 20 વર્ષ લંબાવવામાં આવ્યો છે. વળી એમટીપીએ માટેનો બીજો સોદો 2015માં સાઈન કરવામાં આવ્યો હતો.

સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ કરાર પર અલગથી વાટાઘાટ કરવામાં આવશે.

ગૅસ સમૃદ્ધ કતાર

ભારત અને કતાર વચ્ચેના સંબંધો ઘણા સારા રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.

કતાર એલએનજીનો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર દેશ છે પરંતુ તાજેતરમાં અમેરિકા એનાથી આગળ નીકળી ગયું છે.

કતાર વાર્ષિક 77 એમટીપીએ ગૅસનું ઉત્પાદન કરે છે જેને તે 2027 સુધીમાં વધારીને 126 એમટીપીએ કરવા માગે છે, જેથી તે એશિયા અને યુરોપમાં તેની પકડ મજબૂત કરી શકે. અહીં આ માર્કેટમાં અમેરિકા પણ પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ગયા વર્ષે ઑક્ટોબરમાં કતારની કોર્ટે ઇઝરાયેલ માટે જાસૂસી કરવાના આરોપમાં આઠ ભૂતપૂર્વ નેવી અધિકારીઓને મૃત્યુદંડની સજા ફટકારી હતી. ડિસેમ્બરના અંતમાં મૃત્યુદંડની સજામાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઊર્જાઉપભોક્તા દેશ છે અને 2070 સુધીમાં કુલ શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય ધરાવે છે જેમાં કુદરતી ગૅસ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

આ પ્રયાસ હેઠળ ભારત સરકાર 2030 સુધીમાં દેશમાં કુદરતી ગૅસનો ઉપયોગ 6.3 ટકાથી વધારીને 15 ટકા કરવા માગે છે.

પેટ્રોનેટના સીઈઓ અક્ષયકુમાર સિંહનું કહેવું છે કે પેટ્રોનેટ અને કતાર ઍનર્જી વચ્ચેનો વર્તમાન લાંબા ગાળાનો કરાર ભારતની એલએનજી (LNG) આયાતમાં લગભગ 35 ટકા હિસ્સો ધરાવે છે અને તે રાષ્ટ્રીય દૃષ્ટિએ મહત્ત્વનો કરાર છે.

તેમણે કહ્યું કે, આ કરાર ઊર્જાસુરક્ષા પ્રદાન કરશે તેમજ સ્વચ્છ ઊર્જા પુરવઠો સુનિશ્ચિત કરશે અને ભારતને વધુ આર્થિક વિકાસ તરફ આગળ વધવામાં મદદ કરશે.

ભારત કેટલો ગૅસ આયાત કરે છે?

કતાર ઉપરાંત ભારતીય કંપનીઓએ ઑસ્ટ્રેલિયા અને અમેરિકા સાથે એલએનજી માટે કરાર કર્યા છે, પરંતુ ભારત જે એલએનજી વાપરે છે તેમાંથી અડધાથી વધુની આયાત માત્ર કતારમાંથી જ કરે છે.

ભારતના સત્તાવાર વેપાર ડેટા અનુસાર ભારતે 2022-23માં 19.85 મિલિયન ટન એલએનજીની આયાત કરી હતી જેમાંથી લગભગ 54 ટકા (10.74 મિલિયન ટન) કતારમાંથી આવી હતી.

તે જ નાણાકીય વર્ષમાં, ભારતે કતારમાંથી કુલ16.81 બિલિયન ડૉલરની આયાત કરી હતી જેમાંથી એલએનજીની આયાત 8.32 ડૉલર બિલિયન હતી. જે કુલ આયાતના 49.5 ટકા હતી.

નેચરલ ગૅસને ડીઝલ અને પેટ્રોલ કરતાં સારો અને સ્વચ્છ વિકલ્પ ગણવામાં આવે છે અને તે સામાન્ય રીતે ક્રૂડઑઇલ કરતાં સસ્તો પણ હોય છે.

ભારત ક્રૂડઑઇલ અને નેચરલ ગૅસ માટે આયાત પર નિર્ભર છે અને તેના લગભગ 85 ટકા ક્રૂડઑઇલની આયાત કરે છે. જ્યારે કુદરતી ગૅસને દેશની ઊર્જાજરૂરિયાતોને બદલવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને યોગ્ય માનવામાં આવે છે.

કતારમાંથી ગૅસ કેવી રીતે આવશે?

ભારત અને કતાર વચ્ચે એલએનજી (LNG) સંબંધિત આ ડીલ એક્સ શિપ બેસિસ (DES) પર કરવામાં આવી છે જે જહાજ દ્વારા બંદર સુધી પહોંચશે.

1999માં હસ્તાક્ષર કરાયેલ કરાર ફ્રી ઓન બોર્ડ (FOB) ધોરણે હતો, જ્યારે 2028થી શરૂ થતો સોદો DES ધોરણે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ડીઇએસ હેઠળની ડીલ તેની કિંમતમાં ઘટાડો કરી રહી છે કારણ કે એફઓબીમાં ગૅસ ખરીદનાર શિપમેન્ટની વ્યવસ્થા કરે છે જ્યારે ડીઇએસમાં જવાબદારી વેચનારની છે.

ભારતીય ગૅસ આયાત કરતી કંપની પીએલએલ (PLL) એ ઓએનજીસી (ONGC) ઈન્ડિયા ઑઇલ, ગેઇલ (GAIL) અને ભારત પેટ્રોલિયમનું સંયુક્ત સાહસ છે.

પીએલએલનું ગુજરાતના દહેજમાં ટર્મિનલ છે. જ્યાં જહાજ દ્વારા ગૅસ આવે છે અને પછી તેને વિવિધ પેટ્રોલિયમ કંપનીઓમાં વહેંચવામાં આવે છે.

પેટ્રોનેટ એલએનજી લિમિટેડ (પીએલએલ) કહે છે કે, કતાર ઍનર્જી સાથેનો કરાર ખાતર, સિટી ગૅસ વિતરણ, રિફાઇનરીઓ અને વીજઉત્પાદન જેવાં ઉચ્ચ વપરાશવાળા ક્ષેત્રોને ગૅસનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરશે.

કતારના ઍનર્જી મિનિસ્ટર અને કતાર ઍનર્જીના સીઈઓ સાદ અલ-કાબીએ મંગળવારે ગોવામાં ઇન્ડિયા ઍનર્જી વીક સેલિબ્રેશન દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ ભારતમાં તેના માર્કેટ માટે હાજર છે અને આશા છે કે તે અર્થવ્યવસ્થાને વિસ્તારશે જેને ઊર્જાક્ષેત્રની પણ જરૂર છે.

ભારત-કતાર સંબંધોમાં ઉતાર-ચઢાવ

ભારત અને કતાર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે. પરંતુ આ સંબંધમાં પહેલો પડકાર જૂન 2022માં આવ્યો, જ્યારે બીજેપી પ્રવક્તા નુપુર શર્માએ એક ટીવી શોમાં પયંગબર મહમદ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

તે દરમિયાન કતાર પહેલો દેશ હતો જેણે ભારત પાસેથી 'જાહેર માફી'ની માગ કરી હતી. કતારે ભારતીય રાજદૂતને બોલાવીને સખત વાંધો ઉઠાવ્યો હતો. જોકે, ભાજપે તરત જ નુપુર શર્માને બરતરફ કરી દીધાં હતાં.

આ પછી આઠ ભૂતપૂર્વ ભારતીય મરીનની મૃત્યુદંડની સજા ભારત-કતાર સંબંધો માટે બીજો મોટો પડકાર માનવામાં આવી રહ્યો હતો. જોકે, કતારે આ સજામાં ઘટાડો કર્યો છે.

કતારમાં લગભગ આઠથી નવ લાખ ભારતીયો કામ કરે છે. બીજી તરફ કતાર ભારતમાં ગૅસની નિકાસ કરે છે. આ સંદર્ભમાં બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને મજબૂત છે.

ગલ્ફ દેશોને લઈને મોદી સરકારની નીતિ

નરેન્દ્ર મોદી છેલ્લાં આઠ વર્ષથી ભારતના વડા પ્રધાન છે અને આ દરમિયાન તેમણે ખાડીના ઇસ્લામિક દેશો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે.

છેલ્લાં આઠ વર્ષમાં પીએમ મોદીએ ચાર વખત સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈની મુલાકાત લીધી હતી. પહેલી યાત્રા ઑગસ્ટ 2015માં, બીજી ફેબ્રુઆરી 2018માં અને ત્રીજી ઑગસ્ટ 2019માં થઈ હતી.

પીએમ મોદીએ જૂન 2022માં તેમની ચોથી મુલાકાત લીધી હતી. ઑગસ્ટ 2015માં જ્યારે મોદીએ UAE (યુએઈ)ની મુલાકાત લીધી ત્યારે છેલ્લાં 34 વર્ષમાં ભારતીય વડા પ્રધાનની આ પ્રથમ મુલાકાત હતી. મોદી પહેલાં ઈન્દિરા ગાંધી 1981માં યુએઈની મુલાકાતે ગયાં હતાં.

ગયા વર્ષે 28 જૂનના રોજ જ્યારે પીએમ મોદી અબુ ધાબી ઍરપૉર્ટ પર ઊતર્યા ત્યારે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મહમદ બિન ઝાયેદ અલ નાહયાન પહેલાંથી જ તેમનું સ્વાગત કરવા ઊભા હતા.

યુએઈના રાષ્ટ્રપતિ પીએમ મોદીના સ્વાગત માટે ઍરપૉર્ટ પર ઊભા હતા તે પ્રોટોકોલની વિરુદ્ધ હતું. અને છતાં તેમણે ભારતીય વડા પ્રધાન માટે તેનો ભંગ કર્યો હતો.

પાકિસ્તાનમાં મોદીના આ સ્વાગતને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ભારતમાં પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસિતે કહ્યું હતું કે, પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફ મે મહિનામાં યુએઈ ગયા હતા અને એક જુનિયર મંત્રીએ તેમનું સ્વાગત કર્યું હતું. અબ્દુલ બાસિતે કહ્યું હતું કે, 'ભારતની આ પ્રતિષ્ઠા તેમને પરેશાન કરે છે.'

એવું કહેવાય છે કે, નરેન્દ્ર મોદીએ શેખ મહમદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે અણધારી મિત્રતા બાંધી છે. 2017માં ગણતંત્રદિવસના અવસર પર મોદી સરકારે મહમદ બિન જાયદ અલ નાહયાનને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું.

તે સમયે મહમદ બિન ઝાયેદ અલ નાહયાન યુએઈના રાષ્ટ્રપતિ નહીં પરંતુ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ હતા. પરંપરા અનુસાર, ભારત ગણતંત્રદિવસ પર દેશના વડા પ્રધાન અથવા રાષ્ટ્રપતિને જ મુખ્ય અતિથિ બનાવતું હતું, પરંતુ 2017માં ગણતંત્રદિવસ પર અલ નાહયાન મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા.

થિંક ટૅન્ક 'કાર્નેગી એન્ડોમેન્ટ'ના અબુ ધાબીના ભૂતપૂર્વ પશ્ચિમી રાજદૂતે કહ્યું હતું કે, એક મજબૂત નેતા તરીકે મોદીની વ્યવહારિક રાજકીય માનસિકતા અને શૈલી સાઉદી અરેબિયા અને યુએઈ એમ બંને રાજકુમારોને પસંદ છે.

પીએમ મોદીએ 2016 અને 2019માં સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી. 2019માં બહેરીન, 2018માં ઓમાન, જોર્ડન, પેલેસ્ટાઇનિયન પ્રદેશ અને 2016માં કતારની મુલાકાત લીધી હતી.

પીએમ મોદીએ 2015માં શેખ જાયદ ગ્રાન્ડ મસ્જિદ અને 2018માં ઓમાનની સુલતાન કબૂસ ગ્રાન્ડ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી. નરેન્દ્ર મોદીને સાઉદી અરેબિયા, યુએઈ અને બહેરીન દ્વારા તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન પણ આપવામાં આવ્યું હતું.

કાર્નેગી એન્ડોમેન્ટે ઑગસ્ટ 2019માં એક અહેવાલમાં લખ્યું હતું કે, "શરૂઆતમાં એવું લાગતું હતું કે, નરેન્દ્ર મોદીની રાજકીય પૃષ્ઠભૂમિ આરબ દ્વીપકલ્પ સાથેના સંબંધોને આગળ વધારવાના માર્ગને અવરોધશે. મોદી હિન્દુ રાષ્ટ્રવાદના પ્રબળ સમર્થક છે."