You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ દીકરી જેણે કચરાના વિશાળ ઢગલામાંથી હત્યા કરાયેલી માતાનો મૃતદેહ શોધવા સંઘર્ષ કર્યો
- લેેખક, બીબીસી વર્લ્ડ ન્યૂઝ
- પદ, -------
કેમ્બ્રિયા હેરિસને સતત સાત મહિના સુધી તેમનાં માતાના કોઈ સમાચાર મળ્યા ન હતા. પછી અચાનક ખબર પડી કે એક સીરિયલ કિલરે તેમનાં માતાની હત્યા કરી નાખી છે. એટલું જ નહીં હત્યારાએ કેમ્બ્રિયાનાં માતાનો મૃતદેહ કૅનેડાના વિનિપેગમાં આવેલી કચરાની ડમ્પિંગ સાઇટ પર ફેંકી દીધો હતો.
કેમ્બ્રિયાનાં માતા કૅનેડામાં તે હત્યારાનો પહેલો શિકાર ન હતાં. એ માણસે અગાઉ મર્સિડિઝ માયરોન તથા રેબેકા કોન્ટોઇસ અને બફેલોમાં રહેતાં એક અન્ય મહિલા સહિત કુલ ત્રણ મહિલાની હત્યા કરી હતી.
કૅનેડામાં વિનિપેગ પોલીસે કેમ્બ્રિયાને જણાવ્યું હતું કે કચરાના ગંજમાંથી તેમનાં માતા મૃતદેહને શોધી કાઢવાનું અશક્ય છે, પરંતુ સરકારે કેમ્બ્રિયાને તાજેતરમાં જણાવ્યું હતું કે આમ કરવું શક્ય છે.
આ સમગ્ર પ્રક્રિયા આશરે ત્રણ વર્ષ ચાલશે અને તેમાં 184 મિલિયન કૅનેડિયન ડૉલરનો ખર્ચ થશે, તેથી કૅનેડા સરકાર આ કામ શરૂ કરવું કે નહીં તે નક્કી કરી શકતી નથી.
કેમ્બ્રિયાને કલ્પના પણ નહોતી કે તેમનાં માતાના મૃતદેહને શોધવામાં આવી અડચણ આવી શકે છે.
નેટિવ વિમેન્સ ઍસોસિયેશન ઑફ કૅનેડા માને છે કે છેલ્લાં 30 વર્ષમાં મૂળ કૅનેડાનાં રહેવાસી હોય તેવી (ઇન્ડિજિનસ) 4,000થી વધુ સ્ત્રીઓની હત્યા કરવામાં આવી છે.
કૅનેડા સરકાર દ્વારા 2019માં હાથ ધરવામાં આવેલી તપાસના તારણમાં જણાવાયું હતું કે એ મહિલાઓ કૅનેડિયન નરસંહારનો ભોગ બની હતી. સંસ્થાનવાદ તથા સંસ્થાનવાદી વિચારધારા પર આધારિત સરકારના નિર્ણયો તેમજ નિષ્ક્રિયતાને કારણે તે નરસંહાર ભડક્યો હતો.
કેમ્બ્રિયા હેરિસનાં માતા સાથે શું થયું હતું?
હવે કેમ્બ્રિયા હેરિસ દ્વારા કહેવામાં આવેલી તેમનાં માતાની કથા વાંચો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મને 2022ની પહેલી ડિસેમ્બરે વિનિપેગ પોલીસમાંથી ફોન કૉલ આવ્યો હતો.
તેઓ મને એક બિલ્ડિંગમાં લઈ ગયા હતા. હું અંદર પ્રવેશી ત્યારે મારો આખો પરિવાર ત્યાં હતો. મારી બહેનો, મારાં કાકીઓ, મારા કાકાઓ, મારાં પિતરાઈ ભાઈ-બહેનો, મારાં માતા વિશે ચિંતિત લોકો અને જેમણે એમની શોધ કરી હતી એ બધાં ત્યાં હાજર હતાં.
માય રિઝર્વના વડા, હત્યાના કેસની તપાસ કરતા અધિકારીઓ અને હોમીસાઇડ યુનિટના સભ્યો પણ ત્યાં હતાં.
બે મહિનાથી મારાં માતાના કોઈ સગડ ન હતા. અમે મે માસમાં આશ્રયસ્થાનો અને સારવાર કેન્દ્રોની મુલાકાત લીધી હતી. મને કશુંક અમંગળ થયાની આશંકા ત્યારે જ થવા લાગી હતી.
મારાં માતા મોર્ગન હેરિસ – એક ઇન્ડિજિનસ (મૂળ નિવાસી), નિર્બળ, બેઘર અને સિંગલ મધર ગાયબ થઈ ગયાં હતાં.
પોલીસ ઑફિસમાં અમને બેસાડવામાં આવ્યાં હતાં અને જણાવાયું હતું કે મોર્ગન હેરિસની હત્યા કરવામાં આવી હોવાનું ફૉરેન્સિક પરીક્ષણ દ્વારા સાબિત થયું છે.
તેમણે અમને કચરાના જંગી ઢગલાના ફોટોગ્રાફ્સ દેખાડ્યા હતા. તેઓ કદાચ એવું કહેવા ઇચ્છતા હતા કે “જુઓ, તમારા માતાનો મૃતદેહ કચરાના આ પર્વત હેઠળ દટાયેલો છે અને તેમાં તમે કશું કરી શકશો નહીં. અમે સ્પષ્ટ શબ્દોમાં જણાવવા ઇચ્છીએ છીએ કે અમે તેમના મૃતદેહની શોધ કરવાના નથી.”
મારું નામ કેમ્બ્રિયા હેરિસ છે અને મારું આધ્યાત્મિક નામ વેસ્ટ ફ્લાઇંગ સ્પેરો વુમન છે. મારો જન્મ અને ઉછેર વિનિપેગમાં થયો હતો, પરંતુ હું ફર્સ્ટ નેશન ઑફ લોંગ પ્લેઇન્સનો હિસ્સો પણ છું. મારો પરિવાર મૂળ ત્યાંનો છે.
મારા જન્મના 15 મહિના પછી મારી બહેન કિરાનો જન્મ થયો હતો અને એ પછીનાં થોડાં વર્ષોમાં મારી બીજી બહેન જેનેલ તથા ભાઈ સેથનો જન્મ થયો હતો.
મારા જીવનનાં પ્રારંભિક વર્ષો સારાં હતાં. એકેય દિવસ એવો ન હતો કે અમારું ઘર ખાલી હોય. મારાં કાકાઓ, કાકીઓ અને પિતરાઈ ભાઈ-બહેનો સતત આજુબાજુ રહેતાં હતાં.
અમારા ઘરમાં કોઈએ સ્મિત ન કર્યું હોય, કોઈ ખડખડાટ હસ્યું ન હોય તેવો પણ કોઈ દિવસ પસાર થતો ન હતો.
હું છ વર્ષની હતી અને એક દિવસ ઘરે પહોંચી ત્યારે પોલીસે મને ઘેરી લીધી હતી. તેઓ કદાચ અમારા ઘરમાં ધસી આવ્યા હતા અથવા તેમણે મારાં માતાની ધરપકડનો પ્રયાસ કર્યો હતો. એ દિવસે ચાઇલ્ડ ઍન્ડ ફેમિલી સર્વિસ વિભાગના લોકો મને તેમની સાથે લઈ ગયા હતા.
એ બહુ આઘાતજનક હતું. મને જણાવવામાં આવ્યું હતું કે મારે લાંબા સમય સુધી આશ્રયસ્થાનમાં રહેવું પડશે. હું 18 વર્ષની થઈ ત્યાર સુધી તે વાત વાસ્તવિકતા બની રહી હતી.
મારા દાદા, પરદાદા ફર્સ્ટ નેશન ઑફ લોંગ પ્લેઇન્સના સભ્યો હતા અને તેમણે કૅનેડા સરકારે સંરક્ષિત વિસ્તારમાં નીમેલા કથિત ઇન્ડિયન એજન્ટ્સ દ્વારા અપૂરતો ખોરાક આપવામાં આવતો હોવાને કારણે પોતાનું વતન છોડીને ભાગી જવું પડ્યું હતું.
તેઓ વિસ્થાપિત થયા ન હતા ત્યાં સુધી રસ્તાની બીજી બાજુ રહેતા હતા અને આખરે તેઓ શબ્દશઃ કચરાના ઢગલા પર સ્થાયી થયા હતા.
મારાં દાદી બૉર્ડિંગ સ્કૂલનાં પીડિત હતાં અને તેથી જ તેઓ વ્યસનનો ભોગ બન્યાં હતાં. મારાં માતાનું પણ એવું જ થયુ હતું. તેમણે પીડાશામક ગોળીઓ ખાધી હતી. વર્ષો પહેલાં એ દવા તેમને લખી આપવામાં આવી હતી અને મારાં માતા ફસડાઈ ન પડે એટલા માટે તે આપવામાં આવતી હતી.
માતા-પિતાની પીડાનો વારસો સંતાનોને પણ મળ્યો હતો. હું લગભગ 11 કે 12 વર્ષની હતી ત્યારે માતાનું દિમાગ અસ્થિર થઈ ગયું હતું. તેઓ બાળકો, ઘર કે પરિવારને ભૂલી ગયાં હતાં. માનસિક બીમારી સામેના સંઘર્ષમાં તેઓ શેરીઓમાં રઝળતા થઈ ગયાં હતાં.
મને યાદ છે ત્યાં સુધી એ વર્ષોમાં હું શેલ્ટર હોમમાં હતી કે સારવાર લેતી હતી, પરંતુ ગુજરાન ચલાવવા માટેનું કોઈ સાધન ન હોવાથી મારાં માતા ફરી રસ્તા પર આવી ગયાં હતાં.
મારાં માતા અદૃશ્ય થઈ ગયાં
બેઘર લોકો માટે પુલની નીચે કામચલાઉ છાવણી જેવું હતું. અમે ત્યાં તપાસ કરી હતી. દારૂના બારમાં ગયા હતા. ડરામણાં ઘરોમાં ગયા હતા અને ગુંડા ટોળકીઓ વચ્ચે હિંસા ચાલતી હોય તેવી ત્યજી દેવાયેલી ઇમારતોમાં પણ ગયા હતા.
એ પૈકીની એકેય સંદિગ્ધ જગ્યાઓથી મારો પરિવાર ડરતો ન હતો. અમે શક્ય હોય તેટલા તમામ દરવાજે ટકોરા મારતા રહ્યા હતા.
મે મહિનામાં અમને રેબેકા કોન્ટોઇસની હત્યા વિશે જાણવા મળ્યું હતું. તેમનો મૃતદેહ કચરાના બીજા ગંજમાંથી મળી આવ્યો હતો. શ્રેણીબદ્ધ હત્યાઓ કરતો માણસ શેરીઓમાં શિકાર શોધી રહ્યો છે, એ વાત જાણીને આઘાત લાગ્યો હતો.
મને એ વાતની ચિંતા હતી કે મારાં માતા પણ કદાચ તેના શિકાર બન્યાં હશે.
કોઈ સગડ-સમાચાર વિના મહિનાઓ વીતી ગયા. ડિસેમ્બરમાં પોલીસે અમને સમાચાર આપ્યા હતા.
મારા માટે વધુ પીડાદાયક બાબત એ છે કે મારી પાસે મારાં માતાનો એકેય અવશેષ નથી. પોલીસ કહે છે કે મારાં માતાનું મોત થયું છે, પરંતુ તેનો મૃતદેહ ક્યાં છે?
તેમની હત્યા કરાઈ હોય તો તેમનો મૃતદેહ મળવો જોઈએ, મર્સિડિઝ માયરનનો મૃતદેહ મળવો જોઈએ, કારણ કે કચરાનો એ ગંજ વાસ્તવમાં નામહીન કબર બન્યો છે.
હું કચરાના ગંજ ખડકાયા છે તે સ્થળે ગઈ હતી. જરૂરી વિધિ કરી હતી. મારાં માતાનો મૃતદેહ જેની નીચે દટાયેલો છે તેની ઉપર હોવું ખરેખર મુશ્કેલ છે, પરંતુ આપણે કશું કરી શકતા નથી. હું તેનાથી ખિન્ન છું.
હું હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે ગર્ભવતી થઈ હતી. તે ખરેખર ડરામણું હતું. મારાં માતા 18 વર્ષનાં હતાં ત્યારે તેમણે મને જન્મ આપ્યો હતો. હું એ જ ઉંમરે ગર્ભવતી થઈ હતી.
મારા ભાઈઓ સાથે જે થયું તેના કારણે મારું ભવિષ્ય કેવું હશે તેની મને ખરેખર ચિંતા થવા લાગી હતી.
હું એવા ભય સાથે મોટી થઈ હતી કે કિશોરાવસ્થામાં ગર્ભવતી થવા બદલ મારી દીકરીને મારી પાસેથી છીનવી લેવામાં આવશે.
પેઢી દર પેઢી ચાલતા આઘાતના ચક્રને તોડવાના પ્રયાસ હું કરી રહી છું. હું જે પરિસ્થિતિમાંથી પસાર થઈ એવી પરિસ્થિતિમાંથી મારી દીકરીએ પસાર ન થવું પડે તે સુનિશ્ચિત કરવું એ મારી સૌથી મોટી જીત હશે.