એ દેશ જ્યાં મહિલાઓ બાળકો પેદા કરવાં નથી માગતી, ઘટતા જન્મદરથી 'કટોકટી' ઊભી થઈ

ઇમેજ સ્રોત, JEAN CHUNG
- લેેખક, જીન મેકેન્ઝી
- પદ, બીબીસી સંવાદદાતા
યેજીન એક વરસાદી બપોરે તેમના ઘરે મિત્રો માટે ભોજન તૈયાર કરી રહ્યા છે. તેમનો ફ્લેટ રાજધાની સિઓલ બહારના વિસ્તારમાં છે, જ્યાં તે એકલાં ખુશીથી રહે છે.
જ્યારે યેજીન અને તેમનાં મિત્રો જમતાં હતાં, ત્યારે તેમાંથી એકે યેજીનને તેમના ફોન પર જૂનાં ડાયનાસોરની મીમ સાથે ચીડવતા કહ્યું, "સાવધાન રહો. એવું ન થાય કે તમે પણ મારી જેમ લુપ્ત થઈ જાવ."
આ સાંભળીને અહીં આવેલી બધી તમામ મહિલાઓ હસી પડી.
30 વર્ષીય ટીવી નિર્માતા યેજીન કહે છે, "તે ચોક્કસપણે મજાક હતી, પરંતુ તે એક કડવી વાસ્તવિકતા પણ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે અમે પોતે જ અમારી વિલુપ્ત થવાનું કારણ બની રહ્યા છીએ."
ન તો યેજીન કે તેમનાં કોઈ મિત્ર અત્યારે બાળકો પેદા કરવાનું વિચારી રહ્યાં છે. તેઓ દક્ષિણ કોરિયન મહિલાઓની વધતી સંખ્યામાં સામેલ છે જેઓ બાળકોની જવાબદારીઓથી મુક્ત સ્વતંત્ર જીવન અપનાવી રહ્યાં છે.
દક્ષિણ કોરિયા વિશ્વમાં સૌથી ઓછો જન્મ દર ધરાવતા દેશોમાંનો એક છે અને અહીં જન્મદર સતત ઘટી રહ્યો છે. દર વર્ષે દક્ષિણ કોરિયા આ મામલે પોતાનો જૂનો રેકૉર્ડ તોડી રહ્યું છે.
બુધવારે જારી કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે 2023માં દક્ષિણ કોરિયાનો જન્મદર વધુ આઠ ટકા ઘટ્યો હતો અને હવે તે ઘટીને 0.7 પર આવી ગયો છે.
આ બાળકોની સંખ્યા છે જે દક્ષિણ કોરિયામાં દરેક મહિલા તેના સમગ્ર જીવનકાળ દરમિયાન પેદા કરે છે. કોઈપણ દેશની વસ્તીને સ્થિર રાખવા માટે આ આંકડો 2.1 હોવો જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે જો આવી જ સ્થિતિ રહેશે તો વર્ષ 2100 આવતાં આવતાં તો દક્ષિણ કોરિયાની વસતી અડધી થઈ જાય તેવી સંભાવના છે.
રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિ કેવી રીતે પેદા થઈ?

ઇમેજ સ્રોત, JEAN CHUNG
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિશ્વના તમામ વિકસિત દેશોમાં જન્મ દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ, દક્ષિણ કોરિયા જેટલી ખરાબ પરિસ્થિતિ અન્ય કોઈ દેશમાં નથી.
આવનારા સમયમાં તેની વસતીનાં પૂર્વાનુમાનો વધુ ભયંકર છે.
આગામી 50 વર્ષોમાં, દક્ષિણ કોરિયામાં કામ કરી શકે તેવા નાગરિકોની સંખ્યા અડધી થઈ જશે.
દેશની ફરજિયાત લશ્કરી સેવામાં ભાગ લેવા માટે લાયક લોકોની સંખ્યામાં 58 ટકાનો ઘટાડો થશે અને દેશની લગભગ અડધી વસતી 65 વર્ષથી વધુ વયની હશે.
આ આંકડા દક્ષિણ કોરિયાની અર્થવ્યવસ્થા, તેના પેન્શન ફંડ અને સુરક્ષા માટે એટલો મોટો ખતરો છે કે દેશના રાજકારણીઓએ તેને 'રાષ્ટ્રીય કટોકટી' ગણાવી છે.
છેલ્લાં 20 વર્ષોમાં, દક્ષિણ કોરિયાની વિવિધ સરકારોએ આ સમસ્યાનો સામનો કરવા ઘણી રકમ ખર્ચી છે - લગભગ 379 ખરબ કોરિયન વોન અથવા 226 અબજ ડૉલર.
દક્ષિણ કોરિયાની સરકાર એવાં દંપતીઓ પર રોકડનો વરસાદ કરે છે જેમને બાળકો હોય.
તેમને દર મહિને અમુક રકમ આપવામાં આવે છે. આ ઉપરાંત રાહત દરે મકાનો અને મફત ટૅક્સી સેવાઓ પણ આપવામાં આવે છે.
બાળકો સાથેના યુગલોને આપવામાં આવતી અન્ય છૂટમાં હૉસ્પિટલના બિલને આવરી લેવામાં મદદ અને આઈવીએફ સારવારનો પણ સમાવેશ થાય છે. જો કે, આ રકમ માત્ર પરિણીત યુગલોને જ આપવામાં આવે છે.
પરંતુ, આવાં નાણાકીય પ્રોત્સાહનો અસરકારક સાબિત થયાં નથી. આ કારણે, દેશના રાજકારણીઓ ઘટતા જન્મ દરના પડકારનો સામનો કરવા કોઈ 'સર્જનાત્મક' ઉકેલ શોધવા સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે.
જેમ કે દક્ષિણપૂર્વ એશિયામાંથી આયાઓને રાખવા અને તેમને લઘુતમ વેતન કરતાં ઓછું વેતન ચૂકવવું અને ફરજિયાત લશ્કરી સેવામાંથી 30 વર્ષની વય પહેલાં ત્રણ બાળકો પેદા કરનારા પુરુષોને છૂટ આપવી વગેરે...
હવે એમાં નવાઈ ન હોવી જોઈએ કે નીતિ ઘડનારાઓ પર યુવાનો અને ખાસ કરીને મહિલાઓની જરૂરિયાતો જાણવા માટે કોઈ પ્રયાસ ન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
આથી, છેલ્લા એક વર્ષથી અમે સમગ્ર દક્ષિણ કોરિયામાં પ્રવાસ કરી રહ્યા છીએ. સંતાન ન થવા પાછળ તેમની શું વિચારસરણી છે તે જાણવા અમે ઘણી મહિલાઓ સાથે વાત કરી.
જ્યારે યેજિને તેમનાં ત્રીસીના સમયમાં એકલાં રહેવાનું નક્કી કર્યું, ત્યારે તેમનું આ પગલું એ દક્ષિણ કોરિયાના સામાજિક ધોરણોની અવગણના કરવા સમાન હતું. કોરિયામાં, એકલાં રહેવાને જીવનનો અસ્થાયી તબક્કો ગણવામાં આવે છે.
તે પછી, પાંચ વર્ષ પહેલાં યેજિને નક્કી કર્યું કે તેઓ લગ્ન નહીં કરે અને તેથી તેઓ સંતાન પણ પેદા નહીં કરે.
તેમણે મને કહ્યું, "દક્ષિણ કોરિયામાં ડેટિંગ કરવા યોગ્ય માણસ શોધવો ખૂબ જ મુશ્કેલ છે. એટલે કે, એવા યુવાનો જે ઘરના કામકાજમાં અને બાળકોની સંભાળ રાખવામાં સમાન રીતે મદદ કરે છે. અને જે મહિલા બાળકો પેદા કરે છે તે મહિલાઓ વિશે લોકોનો મત સારો નથી."
2022માં, દક્ષિણ કોરિયામાં માત્ર બે ટકા બાળકો બિન-વિવાહિત યુગલોને જન્મ્યાં હતાં.
નોકરી અને કારકિર્દી માટે બાળકો પેદા નહીં કરવાનું નક્કી કરે છે લોકો?

ઇમેજ સ્રોત, Getty Images
લગ્ન કરીને સ્થાયી થવાનાં બદલે, યેજિને ટીવીમાં તેમની કારકિર્દી પર ધ્યાન આપવાનું નક્કી કર્યું.
તેમની દલીલ છે કે આ એક એવી નોકરી છે જેમાં તેમને બાળકનો ઉછેર કરવા પૂરતો સમય નથી મળતો. કોરિયા પહેલેથી જ કામના લાંબા કલાકો માટે વગોવાયેલું છે.
યેજિન પરંપરાગત 9 થી 6ની નોકરી કરે છે (જેમ કે અન્ય દેશોમાં 9 થી 5). પરંતુ, તેઓ કહે છે કે સામાન્ય રીતે તે રાત્રે 8 વાગ્યા પહેલા ઓફિસેથી નીકળી શકતાં નથી. અને, જ્યારે તેઓ ઘરે પહોંચે છે, ત્યારે તેમની પાસે ઘરની સફાઈ અથવા કસરત કરવા સિવાય બીજું કંઈ કરવાનો સમય નથી હોતો.
તેઓ કહે છે, "મને મારું કામ ગમે છે કારણ કે તેનાથી મને જીવનમાં ઘણો સંતોષ મળે છે. પરંતુ, દક્ષિણ કોરિયામાં કામ કરવું ઘણું મુશ્કેલ છે. તમે સતત કામનાં ચક્રમાં ફસાયેલા રહેશો."
યેજિન કહે છે કે ખાલી સમયમાં તેમનાં પર ભણવાનું પણ દબાણ છે જેથી તેમને સારી નોકરી મળી શકે.
તેઓ કહે છે, "કોરિયન લોકોની એવી માનસિકતા છે કે જો તમે તમારી જાતને સુધારવા સતત મહેનત નહીં કરો, તો તમે જીવનની દોડમાં પાછળ રહી જશો અને નિષ્ફળ સાબિત થશો."
આ ડર આપણને બમણી તાકાતથી કામ કરવા મજબૂર કરે છે.
યેજિન કહે છે, "ઘણી વખત હું અઠવાડિયાના અંતે એટલી થાકી જાઉં છું કે મારે હૉસ્પિટલમાં જઈને ગ્લુકોઝના બાટલાં ચડાવવા પડે છે, જેથી હું સોમવારે ફ્રેશ થઈને કામ પર જઈ શકું."
તેઓ આ વાત એટલી સ્વાભાવિક રીતે કહે છે જાણે કે તે દર અઠવાડિયે કરવામાં આવતાં અન્ય કાર્યોની જેમ સામાન્ય હોય.
પોતાના દેશની અન્ય મહિલાઓની જેમ, યેજિનને ડર છે કે જો તેઓ બાળક પેદા કરવા તેમની નોકરીમાંથી રજા લેશે તો તેઓ ફરીથી કામ પર પાછાં ફરી શકશે નહીં.
તેઓ કહે છે કે જ્યારે બાળકો હોય ત્યારે અમારી નોકરી છોડી દેવાનું કંપનીઓ તરફથી અસ્પષ્ટ દબાણ હોય છે. યેજિને તેમનાં બહેન અને તેમના બે પ્રિય ઍન્કર સાથે આવું થતાં જોયું છે.
મહિલાઓને કારકિર્દી અને જાતની કાળજી લેવી વધુ મહત્ત્વપૂર્ણ લાગે છે?

ઇમેજ સ્રોત, JEAN CHUNG
એચઆર સેક્ટરમાં કામ કરતાં 28 વર્ષનાં એક મહિલાએ કહ્યું કે તેમણે ઘણાં એવાં લોકોને જોયા છે જેમને મેટરનિટી લીવ લીધા પછી નોકરી છોડવાની ફરજ પડી હતી અથવા તેમને પ્રમોશન આપવામાં આવ્યું ન હતું. આ ઉદાહરણો જોયા પછી જ તેણે નક્કી કર્યું કે તેઓ ક્યારેય સંતાન પેદા નહીં કરે.
તેમનાં બાળકના જીવનનાં પ્રથમ આઠ વર્ષ દરમિયાન, દરેક પુરુષ અને સ્ત્રી એક વર્ષની રજા મેળવવા માટે હકદાર છે. પરંતુ, 2022માં પિતા બનેલા માત્ર સાત ટકા પુરૂષોએ તેમની અમુક રજાનો ઉપયોગ કર્યો હતો. તેની સરખામણીમાં 70 ટકા નવી માતાઓએ આ રજા લીધી હતી.
જો આપણે ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકોનૉમિક કો-ઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (ઓસીઈડી)ના સભ્ય દેશોની વાત કરીએ તો દક્ષિણ કોરિયાની મહિલાઓ સૌથી વધુ શિક્ષિત છે.
છતાં, કોરિયામાં પુરુષો અને મહિલાઓ વચ્ચે વેતનનો તફાવત સૌથી મોટો છે અને પુરુષો કરતાં ઘણી વધુ મહિલાઓને કામ નથી મળી રહ્યું.
સંશોધકો કહે છે કે આનાથી સાબિત થાય છે કે મહિલાઓને બે જ વિકલ્પ આપવામાં આવે છે. અને તે કાં તો કારકિર્દી છે કાં તો પરિવાર શરૂ કરવો. આવી સ્થિતિમાં દેશમાં કારકિર્દીને પ્રાથમિકતા આપતાં મહિલાઓની સંખ્યા વધી રહી છે.
હું સ્ટેલા શિનને શાળા પછી એક ક્લબમાં મળી. સ્ટેલા ત્યાં પાંચ વર્ષનાં બાળકોને અંગ્રેજી શીખવે છે.
તેઓ કહે છે, "તમે આ બાળકોને જુઓ, તેઓ કેટલા નિર્દોષ છે." પરંતુ 39 વર્ષના સ્ટેલાને પોતાનું કોઈ બાળક નથી. તેઓ કહે છે કે આ તેમની પોતાની પસંદગીનો નિર્ણય નહોતો.
સ્ટેલા છેલ્લાં છ વર્ષથી પરિણીત છે. તેઓ અને તેમના પતિ બંનેને એક બાળક જોઈતું હતું. પરંતુ, તે બંને તેમના કામમાં એટલા મશગૂલ હતાં, તેમના કામકાજના જીવનનો એટલો આનંદ માણી રહ્યાં હતાં કે તેઓ સંતાન પ્રાપ્તિનો સમય ચૂકી ગયાં હતાં.
હવે સ્ટેલાએ સ્વીકાર્યું છે કે બાળકને જન્મ આપવો અને તેને તેની જીવનશૈલીમાં ઉછેરવું 'અસંભવ' છે.
તેમણે મને કહ્યું, 'માતાઓએ પ્રથમ બે વર્ષમાં તેમનાં બાળકોની સંભાળ રાખવા તેમનું કામ છોડી દેવું પડે છે, અને આ વિચાર મને ખૂબ જ ડરામણો લાગ્યો. હું મારી કારકિર્દી અને મારી સંભાળ રાખવાનું પસંદ કરું છું.
તેમના ખાલી સમયમાં, સ્ટેલા કેટલાંક અન્ય વૃદ્ધ મહિલાઓ સાથે કે-પૉપ ડાન્સ ક્લાસમાં જાય છે.
જ્યારે સ્ત્રીઓને બાળકો હોય અને તેઓ ઘરે રહે ત્યારે કામ પરથી બે કે ત્રણ વર્ષની રજા લેવાની અપેક્ષા રાખવી સામાન્ય છે. જ્યારે મેં સ્ટેલાને પૂછ્યું કે શું તેઓ બાળકોના ઉછેર માટે તેમના પતિ સાથે રજા વહેંચી શકે છે, ત્યારે તેમણે મારી તરફ અસ્વીકાર્ય રીતે જોયું.
તેમણે કહ્યું, 'એવું થાય છે કે જ્યારે હું તેમને વાસણો સાફ કરવા કહું ત્યારે તેઓ કંઈક ને કંઈક બાકી રાખે છે. તો પછી આ કામમાં હું તેમના પર ભરોસો કેવી રીતે કરી શકું?
જો સ્ટેલા કામ છોડવા ઇચ્છે અથવા કુટુંબ અને કારકિર્દીને સંતુલિત કરવાનો પ્રયાસ કરવા માગે, તો પણ તેમનાં માટે આ જવાબદારી નિભાવવી સરળ ન હોત. કારણ કે દક્ષિણ કોરિયામાં ઘરો ખૂબ મોંઘાં છે.

ઇમેજ સ્રોત, JEAN CHUNG
દેશની અડધાથી વધુ વસતી રાજધાની સિઓલમાં અથવા તેની આસપાસ રહે છે. કારણ કે કારકિર્દીની શ્રેષ્ઠ તકો અહીં છે.
આ કારણે એપાર્ટમેન્ટ્સ અને અન્ય સંસાધનો પર વસતીનું દબાણ ઘણું વધી ગયું છે. સ્ટેલા અને તેમના પતિને રાજધાની સિઓલથી વધુ દૂર જઈને પાડોશી પ્રાંતોમાં સ્થાયી થવાની ફરજ પડી હતી. અને, તે હજુ સુધી પોતાનું ઘર ખરીદી શક્યાં નથી.
સિઓલનો જન્મ દર ઘટીને 0.59 ટકા થઈ ગયો છે, જે દેશમાં સૌથી ઓછો છે.
આવાસની અછત તો બાજુ પર, ખાનગી શિક્ષણ પણ ખૂબ મોંઘું છે. ચાર વર્ષની ઉંમરથી, બાળકોને ખૂબ જ ખર્ચાળ સંસ્થાઓમાં મોકલવામાં આવે છે જે શાળાની બહાર શિક્ષણ પ્રદાન કરે છે. જ્યાં તે ગણિત અને અંગ્રેજીનો અભ્યાસ કરે છે. સંગીત અને ટેકવૉન્ડો શીખે છે.
આ પ્રથા એટલી સામાન્ય છે કે જેઓ આવું નથી કરતા તેઓ તેમનાં બાળકોને જીવનમાં નિષ્ફળ બનાવવા માટે તૈયાર કરતાં હોય એવું માનવામાં આવે છે.
આ કારણે દક્ષિણ કોરિયા બાળકોના ઉછેરની બાબતમાં દુનિયાનો સૌથી મોંઘો દેશ બની ગયો છે.
2022ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દેશમાં માત્ર બે ટકા માતા-પિતા ખાનગી ટ્યુશન પાછળ પૈસા ખર્ચે છે.
તે જ સમયે, 94 ટકાએ કહ્યું કે આ તેમના પર નાણાકીય બોજ છે. આ ભીડવાળી શાળાઓમાંથી એકમાં બાળકોને ભણાવતાં સ્ટેલા આ ભારને સારી રીતે સમજે છે.
તેઓ જુએ છે કે બાળકોનાં માતા-પિતા ખાનગી ટ્યુશન માટે પ્રત્યેક બાળક પર દર મહિને લગભગ 890 ડૉલર (અથવા લગભગ 74 હજાર રૂપિયા) ખર્ચે છે અને તેમાંથી ઘણા આ ભારનું વહન કરવા સક્ષમ પણ નથી.
પરંતુ, સ્ટેલા કહે છે, "આ ખાનગી વર્ગો વિના બાળકો પાછળ રહી જાય છે. જ્યારે હું આ બાળકો વચ્ચે હોઉં છું, ત્યારે મને લાગે છે કે મારું પણ એક બાળક છે. પરંતુ, મને બાળક હોવાના મૂલ્યનો વધુ પડતો જ અંદાજ છે."
બાળકનો ઉછેર મોંઘો કેમ થઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, JEAN CHUNG
કેટલાક લોકો માટે, આ અત્યંત ખર્ચાળ ખાનગી ટ્યુશન્સ વધારે પડતું જ ભારણ છે.
મિંજી પોતાના જીવનનો અનુભવ અમને જણાવવાં તો માગતાં હતાં પણ બધાંથી છુપાઈને. તેઓ નથી ઇચ્છતાં કે તેમનાં માતા-પિતાને ખબર પડે કે તેઓ બાળક પેદા કરવાં નથી માગતાં.
તેઓ કહે છે, "મારાં માતા-પિતાને એ સાંભળીને આઘાત લાગશે અને દુ:ખ થશે."
મિંજી દક્ષિણ કોરિયાના સમુદ્રકિનારે વસેલા શહેર બુસાનમાં પતિ સાથે રહે છે.
મિંજીએ મને એ રહસ્ય જણાવ્યું કે તેમનાં જીવનનો બીજો દાયકો અને નાનપણ ખૂબ દુ:ખ ભરેલાં રહ્યાં છે.
તેમણે કહ્યું, "મેં મારું આખું જીવન ભણવામાં વિતાવી દીધું. અગાઉ હું એક સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે સંઘર્ષ કરતી હતી. પછી સિવિલ સેવાની પરીક્ષાઓ માટે વાંચતી રહી અને પછી 28 વર્ષની ઉંમરે મને પહેલી નોકરી મળી."
તે પોતનાં બાળપણના દિવસોને યાદ કરે છે કે તેઓ રાત સુધી ક્લાસમાં રહી ભણતાં હતાં. ગણિતના મુશ્કેલ સવાલોનો જવાબ શોધતાં હતાં, જે તેમને સહેજ પણ ગમતું નહોતું અને તેમને જવાબો આવડતાં પણ નહોતાં. મિંજી તો એક કલાકાર બનવાં માગતાં હતાં.
તેઓ કહે છે, "હું અંતહિન હોડમાં હતી. હું મારાં સપનાં પૂરાં કરવાં સંઘર્ષ નહોતી કરી રહી. હું તો એક સામાન્ય જીવન જીવવા માટે પણ સંઘર્ષ કરી રહી હતી. આ દોડ ખૂબ થકવી દેનારી હતી."
હવે 32 વર્ષનાં થયાં પછી મિંજીને આ કેદમાંથી આઝાદી અનુભવાઈ રહી છે અને તેઓ પોતાના જીવનનો આનંદ માણી શકે તેવો અવકાશ મળ્યો છે. તેમને પ્રવાસ કરવો ગમે છે અને તેઓ તરવાનું શીખી રહ્યાં છે.
પરંતુ મિંજીને સૌથી મોટી ચિંતા એ છે કે તે કોઈ બાળકને આવી અંતહિન દોડનો ભાગ નથી બનાવવા માગતાં જેનો શિકાર તેઓ પોતે થયાં હતાં.
તેઓ એ નિર્ણય પર પહોંચ્યા કે દક્ષિણ કોરિયા એ જગ્યા નથી જ્યાં બાળકો આનંદથી રહી શકે.
મિંજીના પતિ એક બાળક ઇચ્છે છે અને બંને વચ્ચે આ બાબતે ઝઘડો થતો રહે છે.
પણ ધીરે ધીરે તેમના પતિએ તેમની આ ઇચ્છાને સ્વીકારી લીધી છે. મિંજી માને છે કે ક્યારેય એમનું મન પણ બદલાઈ જાય છે. પણ પાછું તેમને યાદ આવી જાય છે કે આવું કરવું કેમ શક્ય નથી.
એક નિરાશ કરતું સામાજિક ચલણ ઘટતી વસ્તી માટે જવાબદાર છે?

ઇમેજ સ્રોત, JEAN CHUNG
દાયજોન શહેરમાં જુંગઇયોન ચુન 'સિંગલ પેરેન્ટ મેરેજ'ની પ્રથામાં રહે છે. તેમની સાત વર્ષની પુત્રી અને ચાર વર્ષના પુત્રને શાળાએથી લીધા પછી, તેઓ નજીકના રમતના મેદાનમાં જાય છે અને તેમના પતિ કામ પરથી પાછા ન આવે ત્યાં સુધી કલાકો સુધી સમય પસાર કરે છે. તેમનાં પતિ ભાગ્યે જ સૂવાના સમય સુધી ઘરે પહોંચે છે.
જુંગઇયોન કહે છે કે, "જ્યારે મેં બાળક પેદા કરવાનો નિર્ણય કર્યો ત્યારે મને એવું નહોતું લાગ્યું કે હું કોઈ ખોટું પગલું ભરવા જઈ રહી છું. ત્યારે મને લાગ્યું હતું કે હું ખૂબ જલદી મારા કામ પર પાછી ફરી શકીશ."
પણ પછી જલદી જ સામાજિક અને આર્થિક જવાબદારીઓનો બોજ આવી પડ્યો. જુંગઇયોનને એકલાં જ ઘરે રહીને બાળકોને ઉછેરવાનો ભાર ઉપાડવા મજબૂર થવું પડ્યું.
તેમનાં પતિ એક મજૂર નેતા છે. તેઓ ઘરનાં કામ કે બાળકોના ઉછેરમાં તેમની મદદ નથી કરતા.
જુંગઇયોન જણાવે છે, "મને ગુસ્સો આવતો હતો. હું સારું ભણેલી હતી અને બીજાને શીખવતી હતી કે મહિલાઓ પુરુષો બરાબર છે. આવામાં હું આ હકીકતને સ્વીકારી નહોતી શકતી."
દક્ષિણ કોરિયાની સમસ્યાનું મૂળ આ જ છે.
છેલ્લાં 50 વર્ષો દરમ્યાન દક્ષિણ કોરિયાની અર્થ વ્યવસ્થા ઝડપથી વિકસી છે. આ કારણે કામ કાજ અને શિક્ષણમાં મહિલાઓને પણ પૂરતી તકો મળી છે.
આનાથી તેમની મહત્ત્વકાંક્ષાઓ વધી ગઈ છે. પણ જે ગતિએ વિકાસ થયો એ ગતિએ માતા અને પત્ની તરીકે મહિલાઓની જબાવદારીઓમાં પરિવર્તન નથી આવ્યું.
પોતાના જીવનમાંથી ઝીખી જુંગઇયોને અન્ય માતાઓના જીવનની તપાસ શરૂ કરી. તેઓ કહે છે કે, "મેં જોયું કે જે મારાં મિત્ર છે, તેઓ પણ બાળકો પેદા કરી તેમનો ઉછેર કરવામાં દુ:ખી છે. પછી મને લાગ્યું કે આ તો એક સામાજિક ચલણ છે."
આ પછી જુંગઇયોને પોતાનાં અનુભવોના આધારે કૅરિકેચર બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાં.
તેઓ કહે છે, "કહાણીઓ મારા મનમાંથી ઉછાળા મારી મારીને બહાર આવી રહી હતી."
વેબસાઇટ પર તેમનાં કાર્ટૂન ખૂબ સફળ રહ્યાં કારણ કે દેશનાં મોટા ભાગની મહિલાઓને તેમાં તેમનાં જ જીવનનું પ્રતિબિંબ દેખાતું હતું. હવે જુંગઇયોન ત્રણ કૉમેડી પુસ્તકોનાં લેખક બની ગયાં છે.
જુંગઇયોન કહે છે કે હવે તેઓ ગુસ્સો અને અફસોસના દોરમાંથી બહાર આવી ગયા છે. તેઓ જણાવે છે, "હું ઈચ્છું છે કે મને બાળકોના ઉછેર વિશેની હકીકતનો વધારે પ્રમાણમાં ખ્યાલ હોત અને એ ખબર હોત કે માતાઓ પાસે કઈ અપેક્ષાઓ રખાય છે. આજે મહિલાઓ બાળકો એટલે પેદા નથી કરવા માગતાં કારણ કે તેમનાંમાં આ બાબતે વાત કરવાની હિંમત આવી ગઈ છે."
પરંતુ જુંગઇયોન કહે છે કે તે એ હકીકતથી દુ:ખી છે કે મહિલાઓને માતૃત્વનાં અધિકારથી એટલે વંચિત રખાય છે કારણ કે 'પછી તેમને ખૂબ જ ત્રાસદાયી સંજોગોમાં જીવવા માટે મજબૂર કરવામાં આવશે.'
પરંતુ, મિંજી કહે છે કે તેઓ આભારી છે કે તેમની પાસે પોતાનાં નિર્ણયો લેવાની શક્તિ છે. તેઓ કહે છે, "અમે પહેલી પેઢી છીએ જેમને મતદાનનો અધિકાર મળ્યો છે. અગાઉ આ અધિકાર આપવામાં આવતો હતો. અમારે બાળકો પેદા કરવા જ પડતાં. અને હવે અમે બાળકો પેદા ના કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે કારણ કે હવે અમે આમ કરી શકીએ છીએ."
જો શક્ય હોત તો હું 10 બાળકો પેદા કરતી

ઇમેજ સ્રોત, JEAN CHUNG
દરમિયાન, યેજિનના એપાર્ટમેન્ટમાં બપોરના ભોજન પછી, તેમનાં પુસ્તકો અને અન્ય વસ્તુઓ મેળવવાં તેમનાં મિત્રો વચ્ચે સ્પર્ધા થાય છે.
દક્ષિણ કોરિયાના જીવનથી નિરાશ થયેલાં યેજિને હવે ન્યૂઝીલૅન્ડમાં સ્થાયી થવાનું નક્કી કર્યું છે. એક સવારે જ્યારે તે જાગ્યાં, ત્યારે તેમના મનમાં વિચાર આવ્યો કે તેમને અહીં રહેવા કોઈ દબાણ કરી રહ્યું નથી.
આ પછી, યેજિને તે દેશો વિશે તપાસ કરી જે પુરુષો અને મહિલાઓને સમાન અધિકાર આપવામાં સૌથી આગળ છે.
અને આ દેશોમાં ન્યૂઝીલૅન્ડ ટોચ પર રહ્યો. યેજિને કહ્યું, "હું વિશ્વાસ કરી શકતી ન હતી કે ન્યૂઝીલૅન્ડ જેવો દેશ આ દુનિયામાં અસ્તિત્વમાં છે, જ્યાં મહિલાઓ અને પુરુષોને સમાન વેતન મળે છે. તેથી હું ત્યાં જઉં છું."
મેં યેજીન અને તેના મિત્રોને પૂછ્યું કે શું એવું કંઈ છે જે તેમને તેમના વિચારો બદલવા મજબૂર કરી દે.
મેં પૂછ્યું કે તેમને કોણ રોકે છે? તો તેના જવાબમાં 27 વર્ષીય મિન્સિંગે કહ્યું કે તે બાયસેક્સ્યુઅલ છે અને તેની પાર્ટનર એક મહિલા છે.
દક્ષિણ કોરિયામાં સમલૈંગિક લગ્ન ગેરકાયદેસર છે, અને અપરિણીત મહિલાઓને સામાન્ય રીતે દાન કરેલાં શુક્રાણુઓ સાથે ગર્ભધારણ કરવાની મંજૂરી નથી.
મિન્સિંગે કહ્યું, "આશા છે કે એક દિવસ પરિસ્થિતિ બદલાઈ જશે અને હું જેને પ્રેમ કરું છું તેની સાથે લગ્ન કરી શકીશ અને સંતાનોને જન્મ આપીશ."
તેમનાં મિત્ર એ વિડંબના તરફ ધ્યાન દોરે છે કે દક્ષિણ કોરિયાની વસતીની સ્થિતિ નાજુક છે, છતાં કેટલાંક મહિલાઓ જેઓ માતા બનવાં માગે છે તેમને આવું કરવાની મંજૂરી નથી.
પરંતુ, એવું લાગે છે કે દેશના રાજકારણીઓ ધીમે ધીમે આ સંકટની ઊંડાઈ અને જટિલતાઓને સમજી રહ્યા છે.

ઇમેજ સ્રોત, JEAN CHUNG
આ મહિને, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક ઇઓલે સ્વીકાર્યું કે નાણાંનો ઉપયોગ કરીને સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસો "સફળ થયા નથી" અને દક્ષિણ કોરિયામાં "આત્યંતિક અને અતિશય સ્પર્ધાનું વાતાવરણ" છે.
રાષ્ટ્રપતિ ઇઓલે જણાવ્યું હતું કે તેમની સરકાર હવે નીચા જન્મ દરને 'માળખાકીય સમસ્યા' તરીકે ગણશે. જો કે આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે કે આનાથી નીતિમાં શું ફેરફાર થશે.
આ મહિનાની શરૂઆતમાં, મેં ન્યૂઝીલૅન્ડમાં રહેતા યેજિન સાથે ફરીથી વાત કરી. તે છેલ્લા ત્રણ મહિનાથી ત્યાં રહે છે.
તેઓ તેમના નવા જીવન અને મિત્રો વિશે ખૂબ જ ઉત્સાહિત હતાં. તે એક રેસ્ટોરાંના રસોડામાં કામ કરીને પણ ખૂબ ખુશ હતાં. તેમણે મને કહ્યું, "મારું વર્ક-લાઇફ બેલેન્સ હવે ઘણું સારું છે."
યેજિને કહ્યું કે હવે તે અઠવાડિયાના મધ્યમાં પણ તેમના મિત્રોને મળવા અને પાર્ટીઓ કરવાની વ્યવસ્થા કરી શકે છે. તેમણે કહ્યું, 'મને લાગે છે કે મને કામ પર વધુ સન્માન મળી રહ્યું છે અને લોકો મારા વિશે આ રીતે કોઈ અભિપ્રાય બાંધતા નથી.'
"આનાથી મને ઘરે પાછા નહીં જવાનું વધારે યોગ્ય લાગે છે."














