મહિલાઓને નગ્ન કરીને જાહેરમાં ફેરવવાના બનાવો ભારતમાં રોકાતા કેમ નથી?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કર્ણાટકમાં બનેલી ઘટનાઓ જેવી તાજેતરના વર્ષોમાં બનેલી ઘટનાઓ ચર્ચામાં છે
    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી સંવાદદાતા

ચેતવણી : આ અહેવાલની વિગતો આપને વિચલિત કરી શકે છે.

આ ડિસેમ્બરની શરૂઆતમાં એક મહિલાને ભારતમાં નગ્ન કરીને પરેડ કરાવાઈ હતી. એનાથી લોકોમાં રોષ ફેલાયો હતો. ભારતમાં આવા બનાવો બનતા જોવા મળે છે, પરંતુ કાયદા નિષ્ણાતો અને લૈંગિક અધિકારોના કર્મશીલોનું કહેવું છે મહિલાઓ વિરુદ્ધ થતાં આવા અપરાધોને રોકવા માટેના કાયદા હજુ પણ એટલા સક્ષમ નથી જે આવી ઘટનાઓને રોકી શકે.

ભારતના દક્ષિણી રાજ્ય કર્ણાટકમાં બેલગામ જિલ્લામાં આવેલા હોસા વંતામુરી ગામના રહેવાસી શશિકલા (નામ બદલ્યું છે)ના ઘરમાં 11મી ડિસેમ્બરે રાત્રે 1 વાગ્યાની આસપાસ ડઝનેક લોકો ઘૂસી જાય છે.

આ 42 વર્ષીય મહિલાને ખેંચીને ઘસડીને બહાર લાવવામાં આવે છે, પછી નગ્ન કરીને ગામમાં પરેડ કરાવાય છે. ત્યારબાદ ઇલેક્ટ્રિકના થાંભલે બાંધી કલાકો સુધી માર મારવામાં આવે છે.

શશિકલાને એટલા માટે સજા અપાઈ હતી કેમકે તેમનો 24 વર્ષનો દીકરો તેની 18 વર્ષની પ્રેમિકા સાથે ભાગી ગયો હતો.

યુવતીના પરિવારે અન્ય વ્યક્તિ સાથે તેની સગાઈ કરાવી દીધી હતી અને બીજા દિવસે તેનાં લગ્ન હતાં. આથી યુવતીનો પરિવાર ગુસ્સામાં હતો અને ભાગી ગયેલા બંનેને શોધી રહ્યો હતો.

પોલીસને જ્યારે માહિતી મળી પછી તે વહેલી સવારે 4 વાગ્યે પહોંચી અને શશિકલાને બચાવીને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યાં. તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો, પછી જ્યારે કર્ણાટક સરકારના એક મંત્રીએ તેમની મુલાકાત લીધી ત્યારે શશિકલાના પતિએ કહ્યું કે, “મારી પત્ની અને મને દીકરાના પ્રેમ સંબંધ વિશે ખબર જ નહોતી.”

આ ઘટનાના કારણે ડઝન લોકોની ધરપકડ કરાઈ અને સ્થાનિક પોલીસ ઑફિસરને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાયા.

આ ઘટનાએ આખા દેશમાં ચર્ચા જગાવી અને સમાચારોની હેડલાઇનોમાં તેનો સમાવેશ થયો જેથી સત્તાધિશોએ પણ તેની નોંધ લીધી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેને અમાનવીય ઘટના ગણાવી અને ન્યાય અપાવવાનું વચન આપ્યું.

સરકારે પીડિતાને ખેતીની જમીન આપી અને આર્થિક સહાય આપી. જોકે સત્તાધિશોએ કબૂલ્યું કે તેમની સાથે જે અપમાન અને ઘૃણાસ્પદ કૃત્ય થયું એનું કોઈ વળતર ન હોઈ શકે.

કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પ્રસન્ના વારલે અને જસ્ટિસ એમજીએસ કમલે પોલીસને સમન્સ પાઠવ્યા અને સુનાવણી પણ કરી. તેમણે આ બનાવ વિશે કહ્યું કે આધુનિક ભારતમાં આવો બનાવ બની શકે એ ખૂબ જ ચોંકવનારી વાત છે.

પરંતુ બેલગાવી (બેલગામ)માં બનેલો આ બનાવ ભારતમાં બનેલો એકમાત્ર બનાવ નથી. ભારતમાં તાજેતરનાં વર્ષોમાં આવા કેટલાક બનાવો બની ચૂક્યા છે.

મહિલાઓને નગ્ન પરેડ કરાવી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આવી જ એક ઘટનાએ વૈશ્વિક આક્રોશને વેગ આપ્યો હતો જે જુલાઈમાં ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરમાં બની હતી. એક વાઇરલ વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે બે મહિલાઓને પુરુષોનાં ટોળાં દ્વારા ખેંચવામાં આવી રહી છે અને તેમાંથી એક પર કથિત રીતે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.

આ ભયાનક હુમલા સાથે રાજકીય પરિસ્થિતિ સંકળાયેલી હતી. મણિપુર હિંસક વંશીય અથડામણોથી ઘેરાયેલું હતું, જેમાં કુકી અને મૈતેઈ સમુદાયો સામેલ હતા.

પરંતુ અન્ય રાજ્યોના અહેવાલો દર્શાવે છે કે, આવી ઘટનાઓનું મૂળ જ્ઞાતિ અથવા પારિવારિક તકરારમાં હોય છે, જેમાં મહિલાઓનાં શરીર નિયમિતપણે યુદ્ધનું મેદાન બની જાય છે.

ઑગસ્ટમાં, રાજસ્થાનમાં 20 વર્ષની સગર્ભા મહિલાને તેના પતિ અને સાસરિયાઓ દ્વારા નગ્ન પરેડ કરવામાં આવી હતી. એ મહિલાએ પતિને અન્ય પુરુષ માટે છોડી દીધો હતો.

ગુજરાતમાં એક 23 વર્ષની આદિવાસી મહિલાને જુલાઈ 2021માં અન્ય પુરુષ સાથે ભાગી જવા બદલ આવી જ રીતે સજા કરવામાં આવી હતી.

મે-2015માં ઉત્તર પ્રદેશમાં એક ઉચ્ચ જાતિના સભ્યો દ્વારા પાંચ દલિત મહિલાઓને નગ્ન પરેડ કરવામાં આવી હતી કેમકે તેમની એક છોકરી એક દલિત છોકરા સાથે ભાગી ગઈ હતી.

2014માં રાજસ્થાનમાં 45 વર્ષની એક મહિલાને તેના ભત્રીજાની હત્યાનો આરોપ લગાવ્યા બાદ ગધેડા પર નગ્ન પરેડ કરવામાં આવી હતી.

આ ફક્ત કેટલાક કિસ્સાઓ છે જેણે હેડલાઇન્સ બનાવી પરંતુ આવી ઘટનાઓ પર ડેટાનો સામાન્ય અભાવ છે.

કેટલાક કિસ્સાઓનું રાજનીતિકરણ થાય છે, જેમાં વિરોધ પક્ષો રાજ્ય સરકારને શરમમાં મૂકવા તેનો મુદ્દો બનાવે છે. પરંતુ સામાજિક કાર્યકરો કહે છે કે, પોલીસ અને કોર્ટમાં અસંવેદનશીલ પૂછપરછના ડરને કારણે મહિલાઓ ઘણીવાર આ ગુનાઓની જાણ કરતી નથી એટલે કે તેમની સાથે થયેલા આવા અપરાધોની ફરિયાદ કરવા આગળ નથી આવતી.

વકીલ અને સમાજિક કાર્યકર્તા સુકૃતિ ચૌહાણ કહે છે, "મહિલાઓ પર હુમલાના કિસ્સાઓ હંમેશાં શરમના કારણે ઓછા નોંધાતા હોય છે. પરિવારો આગળ આવતા નથી કારણ કે તે સામાજિક પ્રતિષ્ઠાની બાબત બની જાય છે અને સિસ્ટમ બચી ગયેલા લોકોને સમર્થન આપતી નથી અથવા તેમને આ ગુનાઓની જાણ કરવા માટે સુરક્ષિત જગ્યા આપતી નથી."

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો ડેટાબેઝમાં, ડિસરોબિંગને (વ્યક્તિને નગ્ન કરી દેવી) તેને એક વ્યાપક વર્ણનમાં નોંધવામાં આવેલ છે. જેને "મહિલાની ગરિમાનું આક્રમક ઉલ્લંઘન" તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે. તેમાં શેરીઓમાં થતું ઉત્પીડન, જાતીય ઇશારા, વોય્યુરિઝમ (છુપાઈને અન્યોની જાતીય પ્રવૃત્તિને જોવી) ઉપરાંત યુવતીઓનો પીછો કરવાના કિસ્સાઓ સાથે તેને શ્રેણીબદ્ધ કરાયું છે.

ગયા વર્ષે, 85,300 અસરગ્રસ્ત મહિલાઓ સાથે આવા 83,344 કેસ નોંધાયા હતા.

આવા કેસોમાં ભારતીય દંડ સંહિતાની કલમ 354 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે અને માત્ર ત્રણથી સાત વર્ષની જેલની સજાને પાત્ર છે. જેને સુકૃતિ ચૌહાણ "એકદમ અપૂરતી" ગણાવે છે.

તેઓ કહે છે, "તે ન્યાયની મજાક છે. કાયદો ત્યારે જ કામ કરે છે જ્યારે તે અપરાધને અટકાવી શખે છે. અત્યારે આ કાયદો અવરોધક નથી અને તે મહિલાઓને નબળી પાડે છે. સજાને વધારવા માટે તેમાં સુધારો કરવાની જરૂર છે."

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાર્યકર્તાઓનું કહેવું છે કે શરમના કારણે મહિલાઓના જાતીય હુમલાના કિસ્સા હંમેશાં ઓછા નોંધાયા છે

કર્ણાટક હાઈકોર્ટમાં ન્યાયાધીશોએ એ પણ નોંધ્યું હતું કે, બેલાગાવીમાં થયેલો હુમલો "50-60 ગ્રામવાસીઓનાં ટોળા દ્વારા નિહાળવામાં આવ્યો હતો.”

વધુમાં ઉમેર્યું હતું કે, "માત્ર એક વ્યક્તિએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને પણ મારવામાં આવ્યો હતો."

આવા અત્યાચારોને રોકવા માટે "સામૂહિક જવાબદારી"ની જરૂરિયાત પર પ્રકાશ પાડતા , ન્યાયાધીશોએ 1830ના એક કેસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે - જ્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું - એક આખા ગામને ગુના માટે સજા કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, "તમામ ગામના લોકોને જવાબદાર ગણવા જોઈએ... કોઈએ તેને રોકવાનો પ્રયાસ કરવો જોઈતો હતો."

ચીફ જસ્ટિસ વરાલેએ મહાકાવ્ય મહાભારતમાંથી દ્રૌપદીના પ્રકરણનો પણ ઉલ્લેખ કર્યો. જેને હિંદુ દેવતા કૃષ્ણ દ્વારા રક્ષણ આપવામાં આવ્યું હતું. જ્યારે તેમનું ચીરહરણ થતું હતું ત્યારે કૃષ્ણએ તેમની રક્ષા કરી હતી. જસ્ટિસ વરાલેએ સલાહ આપી હતી કે "આવા સમયે મહિલાઓએ શસ્ત્રો ઉપાડવાં જોઈએ કારણ કે કોઈ ભગવાન તમારી સુરક્ષા માટે આવશે નહીં."

પણ આવી સલાહને સૃકૃતિ ચૌહાણ વ્યવહારુ નથી માનતાં.

"અમે દ્રૌપદીઓ નથી અને ઉપાડવા માટે કોઈ શસ્ત્રો નથી. ઉપરાંત, જવાબદારી મહિલાઓ પર હોઈ શકે નહીં. કાયદાએ ખોટું કરનાર સામે પગલાં ભરવાં જોઈએ. પરંતુ તે હજી પણ મહિલાઓને કહે છે કે, તેમણે સુરક્ષિત રહેવાનો માર્ગ ખુદ શોધવો પડશે."

"અમારે જે સંદેશ આપાવી જરૂર છે તે એ છે કે, અમારા શરીર પર તમારી વંશીય, જાતિય અને પારિવારિક લડાઈઓ લડવાનું બંધ કરો. તે તમારું યુદ્ધનું મેદાન નથી."

મૌમિલ મેહરાજ એક સંશોધન વિશ્લેષક છે. જેઓ જાતિ સમાનતા પર યુવાનો સાથે કામ કરે છે. તેઓ કહે છે કે, મહિલાઓનાં શરીરને યુદ્ધભૂમિ તરીકે ગણવામાં આવે છે. તેનું કારણ એ છે કે તે તેની સાથે તેનાં કુટુંબ, જાતિ અને સમુદાયનું સન્માન જોડાયેલું છે.

તેઓ કહે છે, "હંમેશાં મહિલાઓને જ યુદ્ધ અને હિંસા દરમિયાન ભોગ બનવું પડે છે."

તેઓ કહે છે કે, આવી ઘટનાઓમાં વોયુરિઝમ એટલે કે ઘટનાનું રૅકોર્ડિંગ પણ એક તત્ત્વ છે. કારણ કે તે જોવામાં આવે છે, ફોટોગ્રાફ કરવામાં આવે છે અને ફિલ્માવવામાં આવે છે.

તેઓ કહે છે કે, બેલાગવીમાં જેમની ધરપકડ કરાઈ છે એ લોકોમાંથી એક સગીર છે. જે દર્શાવે છે કે, આવા ગુનાઓ એટલી હદે સામાન્ય થઈ ગયા છે કે, આગામી પેઢી પણ લિંગભેદના વિચારો સાથે મોટી થઈ રહી છે.

"તો શું આવા કેસોનો સામનો કરવા માટે કાયદો પૂરતો હશે? મને લાગે છે કે સારા છોકરાઓને ઉછેરવાનો એકમાત્ર ઉપાય છે કે તેમને શીખવવું જરૂરી છે કે મહિલાઓનાં શરીરને તેમનાં સન્માન સાથે જોડવું સમસ્યારૂપ છે."

"તે એક મુશ્કેલ કાર્ય છે, પરંતુ તે વહેલું શરૂ કરવું પડશે. અન્યથા મહિલાઓ સામેની આ પાપી હિંસા ચાલું જ રહેશે."

બીબીસી
બીબીસી