You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : જૂનો હાથીદાંત સાફ કરાવવા કાઢ્યો અને પકડાઈ ગયો વીરપ્પન સાથે સંકળાયેલો 'દાણચોર'
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
“અમે જયારે હાથીદાંત જોયો તો અમે જ નહીં ખુદ ફૉરેસ્ટ ઑફિસર પણ અચંબામાં પડી ગયા, કારણ કે પોણા પાંચ ફૂટનો હાથીદાંત મળવો ખૂબ જ મુશ્કેલ છે. અમદાવાદમાં એન્ટિકની દુકાન ચલાવતા આ વેપારી પાસેથી આ હાથીદાંત મળી આવ્યો હતો. તેને વીરપ્પન ગૅંગ સાથે પણ સંબંધ છે. તે હાથીદાંત વેચવા માગતો હતો, જે દરમિયાન અમે તેને પકડી પાડ્યો.”
અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ. ડી. પરમાર થોડા દિવસ પહેલાં અમદાવાદના જુહાપુરા ખાતેથી એક ખાનગી ઑપરેશન બાદ મળેલી સફળતા અંગે વાત કરતાં કંઈક આ વાત કરે છે.
11 એપ્રિલ 2023ના રોજ અમદાવાદમાંથી પોલીસે હાથીદાંત સાથે ચાર લોકોની ધરપકડ કરી હતી.
પોલીસે પ્રાથમિક તપાસ બાદ દાવો કર્યો છે કે પાંચ આરોપી પૈકી એક 57 વર્ષીય એન્ટિકના વેપારી પ્રકાશ જૈનના વીરપ્પનનાં પત્ની અને તેમની ગૅંગના સભ્યો સાથે સંબંધ છે.
આ સમગ્ર કેસમાં આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે હાથીદાંતનો બનાવટી સોદાની લાલચ આપી હતી.
પોલીસે આ કેસમાં પાંચ આરોપીઓ સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ 379, 114, 120(બી), વાઇલ્ડ લાઇફ પ્રૉટેક્શન ઍક્ટની કલમ 39, 43, 44, 49(બી), 50, 51 (1), 52 અંતર્ગત ગુનો નોંધ્યો હતો. ઘટનાના પાંચ પૈકી એક આરોપી શેહબાઝ કબ્રનીને વૉન્ટેડ જાહેર કરાયા છે, પોલીસ તેમને શોધી રહી છે.
સમગ્ર ઘટના અને કેસમાં આરોપીઓની પર સકંજો કસવા માટે પોલીસે અપનાવેલી વ્યૂહરચના અંગે જાણવા માટે બીબીસીએ કેસ સાથે સંકળાયેલા પક્ષકારો સાથે વાત કરી હતી.
કેવી રીતે મળી હાથીદાંત અંગે માહિતી?
આ સમગ્ર મામલે પોલીસની ટીમનું નેતૃત્વ કરનાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એ. ડી. પરમારે આરોપી પાસે કથિતપણે રહેલા હાથીદાંત અંગેની માહિતી કેવી રીતે પોલીસ ટીમને મળી એ અંગે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું કે, “અમને અમદાવાદમાં એન્ટિક વસ્તુઓની રેપ્લિકા બનાવનારા એક રાજસ્થાની કારીગર પાસેથી માહિતી મળી હતી કે એક કોઈ વ્યક્તિએ જૂનો કાળો પડી ગયેલો હાથીદાંત સાફ કરાવવા માટે ઘણા પૈસાની ઑફર કરી હતી.”
“પરંતુ આ કારીગરે આ કામ ગેરકાયદેસર હોઈ પોલીસનો સંપર્ક કર્યો. અમે આ અંગે તપાસ આદરી અને કારીગર પાસેથી તેનો સંપર્ક કરનાર વ્યક્તિનો મોબાઇલ નંબર મેળવી લીધો.”
પોલીસ ઇન્સ્પેક્ટરે આ મામલે આપેલ વધુ માહિતી અનુસાર પોલીસે હાથીદાંતના ગેરકાયદેસર સોદાને અટકાવવા માટે ‘નકલી ખરીદદાર’ ઊભા કરવાની યોજના ઘડી હતી.
સિનિયર પી. આઇ. એ. ડી. પરમાર કહે છે કે, “પોલીસે આ આરોપીનો સંપર્ક સાધતાં તેણે કહ્યું હતું કે હાથીદાંતનો સોદો અગાઉથી સૌરાષ્ટ્રના શેહબાઝ કબ્રની નામના માણસ સાથે થઈ ચૂક્યો હતો. હવે તે આ સોદો રદ કરીને અમારા ગ્રાહકને મળવા તૈયાર થાય માટે અમે વધુ પૈસાની ઑફર કરી હતી.”
- અમદાવાદમાં અમુક દિવસ પહેલાં ‘લાખોની બજારકિંમતવાળા’ હાથીદાંતના ગેરકાયદેસર વેચાણનો કથિત પ્રયાસ કરતી ટોળકી પર પોલીસ કાર્યવાહી કરાઈ હતી
- પોલીસના દાવા અનુસાર આ ઘટનાના મુખ્ય આરોપીના વીરપ્પનની ગૅંગ સાથે સંબંધ છે
- સમગ્ર મામલામાં ચાર આરોપીઓની ધરપકડ કરાઈ હતી જ્યારે એકને વૉન્ટેડ જાહેર કરાયા હતા
- પોલીસે ઘટનાસ્થળેથી લગભગ પોણા પાંચ ફૂટ લાંબો હાથીદાંત કબજે કર્યો હતો
- આરોપીઓને પકડવા માટે પોલીસના દાવા પ્રમાણે ‘નકલી ગ્રાહક ઊભો કરી સોદાની લાલચ અપાઈ હતી’
- જાણો પોલીસ કાર્યવાહીથી માંડીને આરોપીઓની ધરપકડ સુધીની સમગ્ર કહાણી
‘વીરપ્પની ગૅંગના સભ્યો સાથે સંબંધ’ કઈ રીતે સામે આવ્યો?
આ સમગ્ર કેસમાં હ્યુમન ઇન્ટેલિજન્સ એકત્રિત કરવાની જવાબદારી સંભાળનાર પોલીસ સબઇન્સ્પેક્ટર વી. આર. ગોહિલે જણાવ્યું હતું કે પોલીસ પાસે આવેલ આરોપીના મોબાઇલ નંબર પરથી તેઓ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં સારા ફ્લૅટમાં રહેતા હોવાની વાત સામે આવી હતી.
પી. એસ. આઇ. વી. આર. ગોહિલ કહે છે કે, “આ કેસમાં મળેલ વધુ માહિતી અનુસાર આ વેપારી વર્ષ 1992થી 2006 સુધી તામિલનાડુમાં સેલાંમાં રહેતો હતો. ઉપરાંત એ ચંદનચોર અને હાથીદાંતનો ગેરકાયદે વેપાર કરનાર વીરપ્પનના ગામ કોલતુર ખાતે અવારનવાર જતો. અહીં અમદાવાદમાં એ ઇદગાહ પાસે દુકાન રાખી એન્ટિકનો વેપાર કરતો. આ માહિતી અમારા માટે વધુ ચોંકાવનારી હતી.”
પોલીસના દાવા અનુસાર આરોપી પ્રકાશ જૈને કબૂલ્યું છે કે, “તેના વીરપ્પનનાં પત્ની મુથ્થુ લક્ષ્મી સાથે સારા સંબંધ છે. 2006માં જ્યારે એ તામિલનાડુમાં ચૂંટણી લડી ત્યારે એની મદદ કરવા તામિલનાડુ પણ ગયો હતો. એ જણાવે છે કે એને વીરપ્પનની ગૅંગના સભ્યો સાથે સંબંધ છે. તેમજ તેને તેના સંપર્કો હાથીદાંત લાવી આપી શકે છે.”
પોલીસે આરોપીને પકડવા હાથ ધર્યું ઑપરેશન
પી. આઇ. એ. ડી. પરમાર આરોપી પ્રકાશ જૈન અને કથિતપણે તેનો સાથ આપનારા લોકોને રંગે હાથ પકડવા માટે પોલીસે હાથ ધરેલા ઑપરેશનની વિગતો આપતા કહ્યું હતું :
“આરોપીના વીરપ્પની ગૅંગ સાથે સંબંધ હોવાની વાતથી અમે વધુ સતર્ક થઈ ગયા. અમારા નકલી ગ્રાહક થકી અમે 35 લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો. બાદમાં તેણે અમદાવાદના ફતેહવાડી વિસ્તાર જુહાપુરા ખાતે અમારા ગ્રાહકને બોલાવ્યો.”
“આ વેપારી ચાલાક હતો. તેથી તેની ઓળખ માટે અમે માહિતી આપનાર કારીગરને પણ સાથે રાખ્યો હતો. તેણે અમારા ગ્રાહકને જુહાપુરા બોલાવ્યો તો અમે સમજી ગયા કે હાથીદાંત જુહાપુરામાં જ ક્યાંક છુપાવાયો હશે.”
પી. આઇ. પરમાર પ્રમાણે પોલીસ આરોપી પ્રકાશ જૈન અને તેમના કથિત સાથીદારોને પકડવા માટે ખાનગી ટૅક્સીમાં વિસ્તારમાં ગોઠવાયેલી હતી.
પી. આઇ. પરમારે કહ્યું હતું કે, “આરોપીએ અમારા ગ્રાહકને ભીડભાડવાળા વિસ્તારમાં વિસાત અંબર ફ્લૅટ પાસે ઊભા રહેવા કહેલું.”
“ઘણી રાહ જોવડાવ્યા બાદ અને ખાતરી કર્યા બાદ આરોપી અમારા ગ્રાહકની કાર પાસે આવ્યો. અમારી સાથે રહેલા કારીગરે તેને ઓળખી બતાવ્યો. બનાવટી ગ્રાહકે પણ પ્રકાશ જૈનને શંકા ન જાય તે હેતુથી નજીકની દુકાનમાંથી ઠંડાં પીણાં મગાવીને પીધાં.”
પી. આઇ. પરમારે પોતાની આગળની વાતચીતમાં આરોપીઓ આ સોદામાં કથિતપણે રાખેલી ચોકસાઈ અંગે વાત કરી.
તેમણે કહ્યું કે, “થોડી વાર બાદ અમારા ગ્રાહક પાસે પ્રકાશ જૈનનો સાગરીત અનીશ ખોખર મોટર સાઇકલ લઈને આવ્યો અને ગ્રાહકને તેની પાછળ આવવાનું કહેવા લાગ્યો. જે બાદ ગ્રાહક પ્રકાશ જૈન સાથે વાત કરી અને તેની કારમાં બેસીને આગળ વધવા લાગ્યો. અમે પણ ટૅક્સીમાં તેમની પાછળ પાછળ જ જતા હતા. અમે સલામત અંતરે જાળવી રાખ્યો જેથી તેમને કોઈ શંકા ન જાય.”
“આ જગ્યાએથી થોડા અંતર સુધી કારમાં ગયા બધાએ એક હોટલ પાસે વાહન ઊભાં રાખ્યાં અને અંદરની તરફ ચાલતા જવા લાગ્યા.”
આખરે હાથ લાગ્યા આરોપી
આ સમગ્ર કાર્યવાહીના આખરી તબક્કા અંગે માહિતી આપતાં પી. એસ. આઇ. વી. આર. ગોહિલે કહ્યું કે, “અમે નજીકમાં જ ગુલરેઝ રો હાઉસની સામે ઇકબાલ ફાર્મ પાસેથી નજર રાખી રહ્યા હતા. અમારો એક સાથી અમને આ લોકો કયા નંબરના બંગલામાં ગયા હતા તેની માહિતી આપી રહ્યો હતો. અમને સૂચના હતી કે અમારા ગ્રાહકનો મિસ કૉલ આવે કે અમારે તરત જ રેડ પાડવાની હતી.”
આરોપીઓની ધરપકડ કરવા માટે હાથ ધરેલી કાર્યવાહીની માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, “અમે ઇકબાલ ફાર્મથી એ મકાન તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. જો કોઈને શંકા જાય તો સરનામું પૂછવાના કે અન્ય બહાને આસપાસના લોકો સાથે વાત કરી લેતા. આવી રીતે થોડો સમય પસાર થયો અને અમારી ટીમને સૂચના મળી કે હાથી દાંત અંદર મકાનમાં છે. આ સૂચના મળતાં અમે તરત દરોડો પાડી દીધો. ઘરમાં એક મહિલા, એનો પતિ દાઉદ, અનીશ તથા એન્ટિકનો વેપારી પ્રકાશ જૈન હતાં. ઉપરાંત સફેદ કપડાંમાં લગભગ પોણા પાંચ ફૂટ લાંબો કાળો હાથી દાંત પડ્યો હતો. અમે આગળની કાર્યવાહી માટે પંચોને બોલાવી પંચનામું કરવાનું શરૂ કર્યું.”
આરોપીઓની ધરપકડ બાદ હાથ ધરાયેલી કાર્યવાહી અંગે માહિતી આપતાં ઇન્સ્પેક્ટર પરમારે કહ્યું હતું કે, “હાથીદાંતની તપાસ માટે અમે રૅન્જ ઑફિસર એ. આર. ગઢવીને બોલાવી તપાસ કરાવી અને નમૂના દહેરાદૂન એફ. એસ. એલ. ખાતે મોકલી આપ્યા. આ તપાસ પરથી હાથીદાંત કેટલો જૂનો છે, તેમજ કઈ પ્રજાતિના હાથીનો છે એ અંગે જાણકારી મળી શકશે.”
“અમે ચારેયની આરોપીની પ્રાથમિક પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે હાથીદાંત જેના ઘરેથી મળ્યો હતો એ દાઉદ ખોખર છૂટક કામ કરે છે. એની પત્ની રાબિયા ખોખર એક સ્કૂલમાં નાનું-મોટું કામ કરે છે. તેઓ પ્રકાશ જૈનના મિત્ર અનીશ ખોખરનાં મિત્ર છે. પ્રકાશ જૈને આ લોકોને હાથીદાંત સાચવવા માટે પાંચ લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો.”
વીરપ્પનની ગૅંગ સાથે કથિત સંબંધો અંગે જાણકારી હાંસલ કરવા માટે પોલીસે હાથ ધરેલી તજવીજ અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “અમે પ્રકાશ જૈનના ફોનના ડેટા ચકાસી રહ્યા છીએ. તેના આધારે ટૂંક સમયમાં એના તામિલનાડુના સંપર્કોની પણ તપાસ કરીને ધરપકડ કરાશે.”
અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં જાન્યુઆરી 2023માં વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યૂરો અને વડોદરા પોલીસે સયુંકત ઑપરેશન હાથ ધરી વડોદરામાં હાથીદાંત વેચતા વેપારી કિરણ શાહની ધરપકડ કરાઈ હતી.
આ અગાઉ જુલાઈ 2021માં આફ્રિકાથી ભારત સ્ટુડન્ટ વિઝા પર આવેલા આફ્રિકન યુવાનની જાણીતી હૉસ્પિટલના નામે કિડની વેચવાના બોગસ રૅકેટમાં પકડાયેલો ડાંગો જોર્જિયો નામના યુવકની સામે પણ હાથીદાંત વેચવાનો આરોપ હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ બંને આરોપીઓના પ્રકાશ જૈન સાથે કોઈ સંબંધ છે કે નહીં એની પણ તપાસ કરશે.