You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આંધ્ર પ્રદેશ : ચંદ્રાબાબુ નાયડુની રેલીમાં નાસભાગ, આઠનાં મૃત્યુ
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સુપ્રીમો અને આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી એન ચંદ્રાબાબુ નાયડુ દ્વારા આયોજિત જાહેર સભામાં નાસભાગ થતાં આઠ લોકોનાં મૃત્યું થયાં છે.
આ કાર્યક્રમ આંધ્ર પ્રદેશના કંડુકુરુ ખાતે યોજાયો હતો. બીબીસી તેલુગુના રિપોર્ટર વી. શંકરના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં ઘણા ઘાયલ થયા હતા અને કેટલાકને ગંભીર ઈજા પણ પહોંચી છે.
ચંદ્રાબાબુ નાયડુ રોડ શો યોજી રહ્યા હતા ત્યારે હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા અને નાસભાગ મચી ગઈ હતી.
કોરોનાનું ફરીથી જોખમ : ભારતમાં આગામી 40 દિવસો મહત્ત્વના?
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ભારતમાં કોરોનાને લઈને આગામી 40 દિવસ મહત્ત્વના હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું છે.
સૂત્રોએ એએનઆઈને જણાવ્યું છે કે ભારતમાં આવેલી કોરોનાની લહેરોનું વિશ્લેષણ કર્યા બાદ સંબંધિત મૂલ્યાંકન કરાયું છે.
ચીન સહિત વિશ્વનાં કેટલાંક રાષ્ટ્રોમાં કોરોનાની નવી લહેર આવી હોવાના અહેવાલોને પગલે દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહામારી સંબંધિત તૈયારીઓની સમિક્ષા પણ કરાઈ છે.
આ ઉપરાંત સંબંધિત બાબતે દેશભરની હૉસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન પણ કરાયું છે. આવી જ એક મોકડ્રિલ વખતે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલ પહોંચ્યા હતા.
આ દરમિયાન AIIMSના મહામારી રોગ વિશેષજ્ઞ ડૉ. સંજય કે. શાહે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે 'નવા કોવિડનો સંક્રમણદર વધારે છે અને સંક્રમિત વ્યક્તિ 10-18 લોકોને ચેપ લગાડી શકે છે. આ પહેલાંનો વૅરિયન્ટ પાંચથી છ લોકેને ચેપ લગાડી શકતો હતો. જેમને પહેલાં કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે કે જેમણે રસી લઈ લીધી છે એમને પણ ચેપ લાગી શકે છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શ્રીલંકા સામેની ભારતીય ટીમમાં કોનોકોનો સમાવેશ કરાયો?
શ્રીલંકા સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમમાં હાર્દિકકૅપ્ટન રહેશે જ્યારે રોહિત શર્મા વન-ડે માટે કપ્તાન રહેશે. ઋષભ પંત અને શિખર ધવનને પડતા મુકાયા છે. શિવમ માવીને પ્રથમ વખત સ્થાન અપાયું છે
હાર્દિક પંડ્યા 3 જાન્યુઆરીથી મુંબઈમાં શરૂ થનારી શ્રીલંકા સામેની ત્રણ મૅચની ટી20 શ્રેણીમાં ભારતનું નેતૃત્વ કરશે જ્યારે રોહિત શર્મા વનડેનું નેતૃત્વ કરશે.
ભારતીય ઓપનર શિખર ધવનને તાજેતરની સિરીઝમાં નબળા પ્રદર્શન બદલ વનડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.
જ્યારે કે.એલ. રાહુલ અને વિરાટ કોહલી વનડે ટીમાં વાપસી કરશે, ડિસેમ્બરની શરૂઆતમાં ખભાની ઈજા બાદ બહાર થયેલા મોહમ્મદ શમી પણ પુનરાગમન કરશે.
શ્રીલંકા સામેની ટી20 સિરીઝ માટે ભારતની ટીમમાંહાર્દિક પંડ્યા (કપ્તાન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (ઉપકપ્તાન), દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સૅમસન, વૉશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપસિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમારનો સમાવેશ કરાયો છે.
જ્યારે શ્રીલંકા સામેની વન-ડે સિરીઝ માટે ભારતની ટીમમાં રોહિત શર્મા (કપ્તાન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકિપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા (ઉપકપ્તાન), વૉશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ. શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપસિંહનો સમાવેશ કરાયો છે.
રાહુલ અને પ્રિયંકા ગાંધીએ હીરાબાનાં સ્વાસ્થ્ય માટે કરી પાર્થના
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને અમદાવાદની યુએન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવી રહ્યા છે.
ત્યારે કૉંગ્રેસના રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને હીરાબા જલદી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, "એક માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ અનંત અને અનમોલ હોય છે."
"મોદીજી, આ કઠિન સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું કે તમારાં માતાજી જલદીથી જલદી સાજાં થઈ જાય."
આ સિવાય કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરીને હીરાબાના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે.
તેમણે ટ્વીટ કર્યું, “વડા પ્રધાનજીનાં માતાજી અસ્વસ્થ હોવાના સમાચાર મળ્યા. આ સમયમાં અમે સૌ તેમની સાથે છીએ. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેમને જલદી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય.”
અમરેલીના ગુરુકુળમાં વિદ્યાર્થીઓને માર માર્યાની આચાર્ય સામે ફરિયાદ
અમરેલીમાં આવેલા એક ગુરુકુળમાં તાજેતરમાં એક વિદ્યાર્થીને આચાર્યે 'તામિલ ગીત ગાવા બદલ' માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
'ડૅક્કન હૅરાલ્ડ'ના અહેવાલ પ્રમાણે, થોડા દિવસ પહેલાં બપોરે ત્રણ વાગ્યાની આસપાસ 12મા ધોરણમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી તામિલ ગીત 'રામૂલો' ગાઈ રહ્યો હતો.
ત્યારે ક્લાસરૂમની બાજુમાં જ કૅબિન ધરાવતા આચાર્ય ભાવેશ અમરેલિયા વર્ગખંડમાં આવ્યા હતા અને કહ્યું હતું કે 'આ ગીત ગાઈને તે સ્વામીનું અપમાન કર્યું છે.'
અહેવાલમાં પોલીસ ફરિયાદને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે બાદમાં આચાર્ય વિદ્યાર્થીને પોતાના કૅબિનમાં લઈ ગયા હતા. જ્યાં ચપ્પલ અને લાકડી વડે માર માર્યો હતો.
ગુરુકુલના વડા હિરેન ચોરથાએ જણાવ્યું, "75 વર્ષથી ચાલતા આ ગુરુકુળમાં આવી ઘટના પ્રથમ વખત બની છે. વિદ્યાર્થીઓએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જો વિદ્યાર્થીએ કરેલા આક્ષેપો સાચા સાબિત થશે તો આચાર્ય વિરુદ્ધ યોક્કસ પગલાં ભરવામાં આવશે."